ભક્તિમાં દક્ષતા જરૂરી
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં ભક્તની શુદ્ધતા અને પવિત્રતાની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ ભક્તિમાં દક્ષતા નામના ગુણને બિરદાવી રહ્યા છે, તે સમજીએ.
રાજા રવિ વર્માનાં ચિત્રો કલાજગતમાં અનોખું સ્થાન ધરાવે છે. ચિત્રકાર તો ઘણા છે, પણ શા માટે તેમનાં ચિત્રો પ્રશંસાને પાત્ર બન્યાં છે? જવાબ છે, ચિત્રકલામાં પારંગતતા. આ કળામાં નિપુણતાએ તેમની પાસે ઉત્કૃષ્ટ સર્જન કરાવ્યું. કોઈ પણ કાર્યમાં નિપુણતા કાર્યને ઉત્કૃષ્ટ બનાવે છે. તેમ
ભક્તિ તો ઘણા કરે છે, પણ ભગવદ્ ભક્તિમાં નિપુણતા ભક્તિને ઉત્કૃષ્ટ આયામ આપે છે.
ભગવદ્ ભક્તિ એટલે સર્વગુણ સંપન્ન એવા પરમાત્માના દિવ્ય ગુણોને આત્મસાત કરવાની સાધના. આ સાધનાની ચરમસીમાએ ભક્ત ભક્તિમાં નિપુણતા (‘ડષર્’ીં, ઉંટિળ ૧૨/૧૬) પ્રાપ્ત કરે છે. એટલે એમનામાં દયા, ક્ષમા, મૈત્રી, સંતોષ વગેરે દિવ્ય ગુણો સોળે કળાએ ખીલેલા હોય છે. ભગવાનને પ્રિય બનવા માટે આ લાયકાત કેળવવી જરૂરી છે.
ભગવાનની ભક્તિ વસ્તુત: આંતરિક વિકાસ માટે જ છે. જોકે ભક્તિની ક્રિયાઓ તો બાહ્યરૂપે દેખાય છે. તો શું આ દેહ દ્વારા થતી ભક્તિ એટલે કે માળા, જપ, તપ, દાન, દર્શન, સત્સંગ વગેરેનું કોઈ મહત્ત્વ
નથી? તેવો પ્રશ્ર્ન થાય તે સહજ છે. ત્યારે એ જ સમજવું ઘટે કે આ મનુષ્ય દેહ એ પરમાત્માને પામવાનું એક માત્ર સાધન છે. આથી બાહ્ય ભક્તિનું મૂલ્ય જરા પણ ઓછું ન આંકવું.
કોઈ સાધક કહે કે પરમાત્માને પામવા મારે મંદિર, દર્શન, જપ, તપ વગેરેની કોઈ જરૂર નથી, તો તે વિચાર પરમાત્માની પ્રાપ્તિ માટે અવરોધરૂપ બની શકે છે. જેમ કોઈ કહે કે મારે શાળામાં ભણવાની કોઈ જરૂર નથી. હું તો સીધી પીએચ.ડી. ડિગ્રી લઈ લઈશ તેવી આ વાત છે.
પીએચ.ડી.ની ડિગ્રી મેળવવા ભણવાની શરૂઆત શાળાથી જ કરવી પડે, તેમ આવી બાહ્ય ભક્તિક્રિયાઓ જ આપણને ભક્તિમાર્ગમાં તૈયાર કરે છે. તે દ્વારા આપણું મન ભગવાન સાથે જોડાઈ શકે છે. કારણ કે ચંચળ મનને ભગવાનમાં જોડી રાખવા કોઈ આધાર જોઈએ. દેહ દ્વારા થતી ભક્તિ આ આધાર પૂરો પાડે છે. ભગવાનને પ્રિય એવા ભક્તની ભક્તિ અતિ સૂક્ષ્મ હોય છે અને ક્યારેય કોઈ બાંધછોડને ત્યાં અવકાશ હોતો નથી.
આવા ભક્તને સંસારની કોઈ વસ્તુ પ્રત્યે વળગણ હોતું નથી. તેમને આ લોકના માન-પાન કે સુખ-સાહ્યબીની કોઈ ચાહત હોતી નથી.
સામાન્ય રીતે અનાસક્તિ ગુણને સાધનાના શિખરે પહોંચ્યા પછી પણ પૂર્ણપણે સિદ્ધ કરવો અતિ કઠિન છે, ત્યારે આવા ભક્તને સંસારમાં સહેજે જ ઉદાસીનતા વર્તે છે. ત્યારે જ ભક્તિમાં દક્ષતા આવે છે.
આદિગુરુ શ્રીશંકરાચાર્યજીએ પણ કહ્યું છે: “(આધ્યાત્મની) સાચી સમજણવાળા માણસની પ્રથમ અને મહત્ત્વપૂર્ણ ફરજ
કઈ છે? દુન્યવી ઇચ્છાઓના બંધનને તોડવા.
ત્યાગ અને વૈરાગ્ય, બંને સમાન લગતા શબ્દોમાં જોકે તાત્ત્વિક ફેર છે. ત્યાગમાં કોઈ વસ્તુ છોડવા માટે પ્રયત્ન કરવો પડે છે, જ્યારે વૈરાગ્યમાં તો તે આપોઆપ છૂટી જાય છે. ત્યાગમાં વસ્તુમાંથી મોહ તોડવો પડે છે, જ્યારે વૈરાગ્યમાં કોઈ વસ્તુમાં મોહ હોતો જ નથી. એટલે જ કહેવાયું છે – “ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય એટલે જ અનાસક્તિ, ઉદાસીનતા. કોઈપણ ચીજ મળવાથી આનંદ કે ન મળવાથી દુ:ખ ક્યારે અનુભવાય? જ્યારે એ ચીજ મળવાની આકાંક્ષા હોય ત્યારે. પણ જ્યારે તે ચીજ જોઈતી જ ન હોય, તો તે મળે તો કંઈ વિશેષ આનંદ ન થાય અને ન મળે તો કોઈ દુ:ખ ન થાય. જ્યારે ભક્તને ભગવાનને પામવાની ઇચ્છા એટલી પ્રબળ બને કે બીજી લૌકિક ઈચ્છાઓ જ લુપ્ત થઈ જાય છે. જેમ એક મ્યાનમાં બે તલવાર ન સમાય, તેમ ભગવાનને પામેલા ભક્તનાં હૃદયમાં ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા પાંગરી શકતી નથી.
એક વખત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ ભક્ત હૃદય પ્રો. ફ્રિચના નિમંત્રણથી પ્રાગ(જ્હેક રિપબ્લિક, યુરોપ) પધાર્યા હતા. પ્રો. ફ્રિચ સ્વામીશ્રી સાથે આવેલા ભક્તોને શહેરની એક નામાંકિત જગ્યા જોવા લઈ જતા હતા.
સ્વામીશ્રીએ પત્રલેખનની સેવા સંભાળતા ભક્તને કહ્યું: “તમારે જવું હોય તો જજો. ટપાલ અહીં આપતા જજો. ત્યારે તેમણે કહ્યું: ‘મને ત્યાં જવામાં કોઈ રસ
નથી’. તરત જ સ્વામીશ્રીએ કહ્યું: ‘આપણનેય કશાયમાં રસ નથી, એક ભગવાન સિવાય’.
આવા સંતને માટે જ ભક્ત કવિ પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે- “એવા સંત હરિને પ્યારા રે, તેથી ઘડીએ ન રહે વાલો ન્યારા રે. વસ્તુત: આ અનાસક્તિ જ ભક્તિમાં દક્ષતા લાવી શકે.