`દેવી મેં તમારા મસ્તિષ્કમાં રહેલા સંદેહને દૂર કરવા જ આ લીલા રચી હતી

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
માતા લક્ષ્મી અને તેમના પિતા દરિયાદેવ કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ માતા લક્ષ્મીને સાંત્વન આપતાં કહે છે, સંસારના સંચાલન હેતુ હું શ્રીહરિ વિષ્ણુને પરત લાવીશ અને પાતાળ લોકમાં અચાનક ભયાનક કંપન આવે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુને તેમનો દરવાન કહે છે કે `હે પ્રભુ આપણા પાતાળ લોક પર એક મહાકાય વૃષભ ઉતર્યો છે અને એ આપણા રાજમહેલ તરફ આવી રહ્યો છે, તેનો આ કંપન છે.’ ભગવાન શ્રીહરિ વિષ્ણુ તુરંત રાજમહેલની બહાર આવીને જુએ છે તો તેમની સામે એક મહાકાય વૃષભ ઊભો હોય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ પણ પોતાને મહાકાય બનાવે છે અને એકબીજા પર અસ્ત્રોની વર્ષા કરે છે. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલે છે. યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા ન દેખાતા ભગવાન ગણેશ યુક્તિ કરે છે અને તેઓ માતા લક્ષ્મીની બહેનો સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતાને સમજાવે છે કે સંસારના સંચાલન માટે યુદ્ધ અટકાવી ભગવાન શ્રીહરિ વિષ્ણુને પરત વૈકુંઠલોક મોકલવા જરૂરી છે. સુવેશા, સુકેશી, સમિચી, સુનેત્રા અને વેતા વાતની ગંભીરતાને સમજી યુદ્ધભૂમિમાં આવે છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુને તેમના વરદાનથી મુક્ત કરે છે. વરદાનથી મુક્ત થતાં જ શ્રીહરિ વિષ્ણુ પોતાના વાસ્તવિક રૂપને ધારણ કરતાં તેમની સ્મૃતિ પરત આવે છે. સમસ્ત દેવગણ ત્યાં પધારે છે, બધા ભગવાન શિવ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો જયજયકાર કરે છે દરેક દેવ પોત પોતાના લોક તરફ પ્રયાણ કરે છે.?
માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠલોક પહોંચે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ નાગશૈયા પર બિરાજમાન થાય છે માતા લક્ષ્મી તેમની પાસે બેસે છે.
દરિયાદેવ: ભગવાન શ્રીહરિ તમે દેવી લક્ષ્મી સાથે વૈકુંઠલોકમાં ફરી બિરાજયાં, મારી જવાબદારી પૂર્ણ થઈ, મને આજ્ઞા આપો.’ આટલું કહી દરિયાદેવ ત્યાંથી વિદાય લે છે. માતા લક્ષ્મી:સ્વામી મેં તમારા પ્રેમ પર સંદેહ કર્યો, મને માફ કરો.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: `દેવી મેં તમારા મસ્તિષ્કમાં રહેલા સંદેહને દૂર કરવા જ આ લીલા રચી હતી, ઘણો સમય થઈ ગયો છે હવે મારે ધ્યાનમગ્ન થવું છે.’
આટલું કહી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાનાં નેત્રો બંધ કરી ધ્યાનમગ્ન થઇ જાય છે.
સામે કૈલાસ ખાતે માતા પાર્વતી અને ભગવાન શિવ ચોસરની રમત રમતા હોય છે
ભ્રીંગી: હવે આ દાવ માતા જ જીતશે.’ નંદી:નહીં પ્રભુ જ જીતશે.’
નંદી અને ભ્રીંગી વચ્ચે વિવાદ વધી જતાં માતા પાર્વતી બધાને કહે છે કે તમે અહીં બહુ શોર કરી રહ્યા છો, જાઓ અમને એકાંત જોઈએ છે.
માતાના આદેશથી બધા જ ગણ ત્યાંથી વિદાય લે છે
માતા પાર્વતી: ચાલો સ્વામી તમારો વારો, પાંસા ફેંકો.’ માતા પાર્વતી ભગવાન શિવ પાસે જઇ તેમની પાછળ ઊભાં રહે છે. ભગવાન શિવ પાંસા ફેંકવા જાય છે એ જ સમયે માતા પાર્વતી નર્મક્રીડાવશ ભગવાન શિવની આંખો બંધ કરી દે છે. ભગવાન શિવનાં નેત્રો બંધ થઈ જતાં સમગ્ર સંસારમાં અંધારુ ફેલાઈ જાય છે અને તેમનું ત્રીજું નેત્ર ખૂલી જતાં મ્ાાતાના હાથ અને મહાદેવના આંખના વચ્ચેથી મદ-જલ (પરસેવો) પ્રગટ થાય છે અને તે મદ-જલ(પરસેવા)ના ટીપા થોડી જ ક્ષણોમાં જમીન પર પડે છે અને તે હિમાલયના જળમાં વહેવા માંડે છે. આ મદ-જલ(પરસેવા)ના ટીપા હિમાલયના જળમાં એક ગર્ભનું રૂપ ધારણ કરે છે. આ જોઈ દેવર્ષિ નારદ પરમપિતા બ્રહ્મદેવ પાસે પહોંચે છે. દેવર્ષિ નારદ:હે પરમપિતા આ અલૌકિક ઘટના છે. માતા પાર્વતી અને ભગવાન શિવના મદ-જલથી એક ગર્ભની ઉત્પત્તિ થઈ છે, આમાં બંનેની ઊર્જાઓ મિશ્રિત છે. આ જીવ કેવો હશે? એનો ગુણધર્મ કેવો હશે?’
બ્રહ્માજી: `હે પુત્ર નારદ, સૃષ્ટિની રચના વખતે જન્મ લેનાર જીવના ગુણધર્મનો સંબંધ તેનો જન્મકાળ અને જીવઉત્ત્પત્તિ પર નિર્ભર છે. આ જીવ દૈવિક ઊર્જા અને મદ-જલ(પરસેવા)સાથે સંબંધ છે, મદ-જલ(પરસેવો) શરીરથી ત્યાગેલો તત્ત્વ છે જે શ્રમ, ગરમી, ભય કે ક્રોધ દ્વારા ઉત્પન્ન થયેલો હોય છે અને મદ-જલ(પરસેવો) અશુદ્ધ તત્ત્વને લઈને નીકળતો હોવાથી આ જીવ કલ્યાણકારી નહીં હોય.
દેવગણો પર આવનારા ભયંકર સંકટના વિચારોમાં મગ્ન થઈ દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.
મદ-જલ (પરસેવા)થી બનેલો ગર્ભ એક બાળકનું રૂપ ધારણ કરી નદી કિનારે પહોંચે છે.
ઘણા સમયથી નદી કિનારે અસુર હિરણ્યાક્ષ અને તેની પત્ની ભગવાન શિવની આરાધના કરતા હોય છે, તેમની આરાધના ઓમ નમ: શિવાયનો ધ્વની કૈલાસ સુધી પહોંચે છે. ભગવાન શિવ તેમને વરદાન આપવા નદી કિનારે પહોંચે છે.
ભગવાન શિવ: `દૈત્ય હિરણ્યાક્ષ બોલો તમને શું વરદાન જોઇએ છે?’
હિરણ્યાક્ષ: `પ્રભુ અમે બંને નિ:સંતાન છીએ, અમે પુત્ર પ્રાપ્તિ માટે તમારી આરાધના કરી છે.’
ભગવાન શિવ: `હે દૈત્યરાજ તમારા ભાગ્યમાં તમારા વીર્યથી ઉત્પન્ન થનાર પુત્ર તો નથી લખાયો, પરંતુ હું તમને એક પુત્ર આપું છું, એ મારો જ પુત્ર છે, સામે વહેતી નદી પાસે જાઓ તમારું કલ્યાણ થશે.’
હિરણ્યાક્ષ અને તેની પત્ની વાતનો સાર સમજી જતાં તેઓ નદી તરફ દોટ મૂકે છે અને ત્યાં જુએ છે કે એક બાળક તેમની પ્રતીક્ષા કરી રહ્યું છે.
હિરણ્યાક્ષ અને તેની પત્ની એ બાળકને સહર્ષ અપનાવે છે અને તેઓ પોતાના મહેલ તરફ પ્રયાણ કરે છે. (ક્રમશ:)
જ્યાં હોળી શરૂ થઈ ત્યાં જ બંધી
પ્રહલાદપુરી, મુલતાન-પાકિસ્તાન
તમને નહીં ખબર હોય કે હોળીની ઉત્પત્તિ પાકિસ્તાનની ધરતીથી થઈ છે. વાસ્તવમાં હોલિકા દહનની શરૂઆત માનવામાં આવે છે એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલતાન શહેરમાં આજે પણ પ્રહલાદપુરીના રૂપમાં મોજૂદ છે, જ્યાં એક સમયે હિરણ્યકશિપુ રાજાનો મહેલ હતો.
હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા સાથે પુત્ર પ્રહલાદનું દહન કર્યું હતું, જેમાં વિષ્ણુભક્ત પ્રહલાદ ઊગરી ગયા હતા અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી. અને યોગ્ય સમયે ભગવાન વિષ્ણુ અહીંના મહેલમાં જ ભગવાન નરસિંહ રૂપે અવતર્યા હતા અને ભક્ત પ્રહલાદનું રક્ષણ કર્યું હતું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંત મુલતાન શહેર સ્થિત પ્રહલાદપુરી મંદિરમાં હોળી પર ભક્તોનો ધસારો રહેતો હતો, અહીં બે દિવસ હોળિકા દહનનું આયોજન કરવામાં આવતું હતું અને હોળીનો મેળો 9 દિવસ સુધી ચાલતો હતો.
1992 સુધી બધું બરાબર હતું, પરંતુ ત્યારબાદ પાકિસ્તાનમાં આ મંદિર તોડી પાડવામાં આવ્યું હવે માત્ર તેના અવશેષો જ બચ્યા છે, અહીં રહેતા હિન્દુ પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી અને ત્યારબાદ સરકારે ભક્તોને આ મંદિરમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પ્રતિબંધ હજુ પણ યથાવત છે, જોકે ભક્તોને માત્ર બહારથી જ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. મંદિર નાશ પામ્યું છે, પરંતુ ભગવાન નરસિંહની મૂર્તિ અને સ્તંભ હજુ પણ હાજર છે, એવું કહેવાય છે કે ભક્ત પ્રહલાદને આ સ્તંભ સાથે બાંધવામાં આવ્યા હતા. જો કે, હવે મંદિર પરિસર સ્થાનિક લોકો દ્વારા કબજે કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન સરકારે ઘણી વખત આ મંદિરના જીર્ણોદ્ધારની વાત કરી હતી, પરંતુ તેના વિશે કશું કરી શકાયું નથી. તાજેતરમાં જ મંદિર પરિસરમાં મુસ્લિમ બાંધકામનો મામલો પણ સામે આવ્યો હતો, પરંતુ પાકિસ્તાનના કાયદા મુજબ કોઈપણ ધાર્મિક સ્થળ પર અન્ય ધર્મના લોકોનું બાંધકામ થઈ શકતું નથી. આ સંદર્ભે કોર્ટે તેના પર સ્ટે મૂક્યો હતો, હાલ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.