સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી દ્વારા કરાયેલાં છલ, કપટ, અનીતિ, ષડ્યંત્ર ને અન્યાયનાં પરિણામો તેણે ભોગવવાં જ પડે છે
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
નિદ્રાધીન વૃત્રાસુર નિદ્રાથી બહાર આવતાં જ તે સમજી જાય છે કે તેના ઉદરમાંથી દેવરાજ ઇન્દ્ર નીકળી ગયા છે. વૃત્રાસુર દેવરાજ ઇન્દ્ર અને દેવગણોને શોધવા પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. સામે પક્ષે દેવગણો છુપાતાં છુપાતાં કૈલાસ પહોંચે છે. નારાજ ભગવાન શિવ કહે છે, ‘એ તમારાં દુ:ષ્કર્મનું ફળ છે. તમારાં દુ:ષ્કર્મનું ફળ તમને મળે એટલે તમે ત્રિદેવ પાસે મદદ મેળવવા પહોંચી જાઓ છો. દર વખતે તમારાં દુ:ષ્કર્મનું ફળ દેવગણોએ શું કામ ભોગવવાનું? દેવી પાર્વતીએ તમને નવું જીવતદાન આપ્યું છે. હવે વધુ શું જોઈએ.’ આટલું સમજાવતાં પણ ન સમજતાં દેવરાજ ઇન્દ્રને માતા પાર્વતી કહે છે કે, હવે તમારે યોગ્ય માર્ગદર્શન માટે શ્રીહરિ વિષ્ણુ પાસે જવું જોઈએ, તેઓ જ આનો માર્ગ કાઢી શકે છે. માતા પાર્વતીનો આદેશ મળતાં જ દેવગણો કૈલાસથી નીકળી વૈકુંઠલોક તરફ પ્રયાણ કરે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ દેવગણોને કહે છે કે, ‘હવે એક જ ઉપાય એ છે કે તમારે વૃત્રાસુર પાસે જવું જોઇએ અને તેની માફી માગી, તેની સમક્ષ ત્વષ્ટા ઋષિના ગુણગાન ગાવાં જોઈએ.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુનો આદેશ મળતાં જ દેવરાજ ઇન્દ્ર દેવસેના સાથે સ્વર્ગલોક પહોંચે છે. દેવરાજ ઇન્દ્ર દ્વારા માફી માગી દોસ્તીનો હાથ લંબાવાતાં વૃત્રાસુર પીગળી જાય છે અને દેવરાજ ઇન્દ્ર સાથે બંને સ્વર્ગલોકના સિંહાસન પર બિરાજે છે. વાતની જાણ થતાં ઋષિ ત્વષ્ટા વૃત્રાસુરને સમજાવવાની કોશિશ કરે છે કે, ‘વૃત્રાસુર…. આ દેવગણ આપણા શત્રુ છે તેમનો નાશ કરો તુરંત…, તમને ઇન્દ્ર સાથે મિત્રતા કરતાં લજ્જા નથી આવતી.’ નાદાન વૃત્રાસુર કહે છે કે, ‘પિતાજી આ સમગ્ર દેવતાઓ અને દેવરાજ ઇન્દ્ર મારા મિત્ર છે, તેમણે લજ્જિત થઈ માફી માગી મિત્રતાનો હાથ લંબાવ્યો છે, મિત્રતા કરવામાં લજ્જા શેની? ઈન્દ્રને સ્વર્ગથી વંચિત કરી મેં તમારો પ્રતિશોધ પૂર્ણ કર્યો છે અને સામે મિત્રતા ઇચ્છતા દેવરાજ સાથે મિત્રતા કરી એમાં કંઈ ખોટું નથી.’ ક્રોધિત ઋષિ ત્વષ્ટા તેને સમજાવતાં કહે છે કે, ‘પુત્ર વૃત્રાસુર એક વાત નક્કી છે કે દેવરાજ ઇન્દ્ર સાથેની તમારી મિત્રતા, તમારો અંત નિશ્ર્ચિત લાવશે.’
વૃત્રાસુર અને દેવરાજ ઇન્દ્ર સંયુક્ત રીતે સ્વર્ગલોકના સિંહાસન પર આરુઢ હતા. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ દેવગણો વૃત્રાસુરની જયજયકાર કરીને થાકી ગયા હતા. દેવરાજ ઇન્દ્ર પણ મિત્રતાનો ઢોંગ કરતાં થાકી ગયા હતા. દેવગણોની વિનંતીને માન આપીને દેવરાજ ઇન્દ્ર દેવગુરુ બૃહસ્પતિને મળી કહે છે કે, ‘હે ગુરુદેવ હવે અમે વૃત્રાસુરની મિત્રતા અને જયજયકારથી થાકી ગયા છીએ, હવે વૃત્રાસુરનો વધ કઈ રીતે થઈ શકે તે વિશે માર્ગદર્શન આપો.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘દેવગણો તમને જ્ઞાત જ છે કે વૃત્રાસુરને વરદાન મળેલું છે કે તેનો વધ પૃથ્વી કે અન્ય કોઈ પણ લોકના પુરુષ કે શથી નહીં થઈ શકે. વૃત્રાસુરનો વધ એવા કોઈ શથી થવો જોઈએ જે સર્વશક્તિશાળી હોય.’
દેવરાજ ઇન્દ્ર: ‘એવું તે કયું શ સૌથી સર્વશક્તિશાળી હોય.’
દેવગુરુ બૃહસ્પતિ: ‘વજ્ર જ એવું શ છે જે સર્વશક્તિશાળી હોય છે, તમારી પાસે સર્વશક્તિમાન અસ્થિનું વજ્ર હોવું જોઈએ.’
દેવરાજ ઇન્દ્ર: ‘સૌથી સર્વશક્તિશાળી અસ્થિ ક્યાંથી અને કોની મળી શકે?’
દેવગુરુ બૃહસ્પતિ: ‘સંસારમાં જો સર્વશક્તિમાન અસ્થિ હોય તો એ ફક્ત દેવાધિદેવના મહાન ભક્ત મહર્ષિ દધીચિની હોઈ શકે, તેઓ પોતે યોગશક્તિથી પોતાનું બલિદાન આપે તો જ શક્ય છે.’
દેવરાજ ઇન્દ્ર, દેવગણ અને દેવગુરુ બૃહસ્પતિ મહર્ષિ દધીચિ પાસે પહોંચે છે, સંકોચ સાથે તેમની અસ્થિનું દાન કરવાની વિનંતી કરે છે. મહર્ષિ દધીચિ વૃત્રાસુરના વધ જેવા મહાન કાર્ય માટે તૈયાર થાય છે અને કહે છે.
મહર્ષિ દધીચિ: ‘હે દેવગણો, સંકોચ ન અનુભવો, મહાન કાર્ય માટે હું મારા 100 જન્મ ન્યોછાવર કરવા તૈયાર છું.’
આટલું કહી મહર્ષિ દધીચિ યોગશક્તિથી દેહત્યાગ કરે છે. દેવગુરુ બૃહસ્પતિ માતા કામધેનુનું આહ્વાન કરે છે. માતા કામધેનુ ત્યાં આવી તેમની જીભ દ્વારા મહર્ષિ દધીચિને સ્પર્શ કરતાં મહર્ષિ દધિચીની અસ્થિ નવા વ્રજનો આકાર ધારણ કરે છે.
નવા વજ્રને મેળવી દેવરાજ ઇન્દ્ર પ્રસન્ન થઈ અટ્ટહાસ્ય કરવા લાગે છે. દેવરાજ ઇન્દ્રના અટ્ટહાસ્યને જોઈ મહર્ષિ દધીચિનાં પત્ની માતા સુયશા ક્રોધિત થાય છે અને દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપતાં કહે છે, ‘હે મૂર્ખ દેવરાજ ઇન્દ્ર મારા પતિના ત્યાગને તમે અટ્ટહાસ્યથી વધાવતાં હોય તો હું તમને શ્રાપ આપું છું કે નવા વજ્રથી વૃત્રાસુરના વધ બાદ પણ તમે સ્વર્ગલોકના સિંહાસન પર બેસી નહીં શકશો. તમે કુષ્ઠરોગ નામના એક ભયંકર રોગથી પીડાશો અને કુરૂપ બની જશો.
દેવર્ષિ દધીચિની અસ્થિઓ જોઈ પત્ની માતા સુયશા સતી થવાની તૈયારી કરે છે. કૈલાસ ખાતેથી પ્રસંગ નિહાળી રહેલા ભગવાન શિવ ત્યાં પધારે છે.
ભગવાન શિવ: ‘પુત્રી સુયશા આક્રંદ ના કરો તમારે સતી થવાની જરૂર નથી. તમારા પતિ મહર્ષિ દધીચિ શિવલોકના વાસી થયા છે, હું તમને વરદાન આપું છું કે તમે થોડા જ સમયમાં એક મારા જ રુદ્ર અવતારની માતા બનશો અને યોગ્ય સમયે તમે પણ શિવલોકના વાસી થશો અને ત્યાં ફરી આપનું આપના પતિ સાથે મિલન થશે.
ભગવાન શિવના મળેલા વરદાનને વધાવતાં માતા સુયશા આવનારા પુત્રના લાલન-પાલન બાબતે તૈયારીઓ કરે છે.
મળેલા નવા વજ્રથી ઉત્સાહિત દેવરાજ ઇન્દ્ર અને દેવગણો સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. આમ અચાનક સ્વર્ગલોક પર થયેલા આક્રમણથી વૃત્રાસુર ભયભીત અને ક્રોધિત થઈ દેવરાજ ઇન્દ્ર સામે ઊભો રહી જાય છે.
વૃત્રાસુર: ‘દેવરાજ ઇન્દ્ર તમારા વિશે મારા યજ્ઞ પિતા સાચું જ કહેતા હતા. તમે ખરેખર તકવાદી છો, તક મળતાં જ રંગ બદલી નાખ્યો, પણ સાવધાન હું તમને નહીં છોડું, ત્યારે મેં ભૂલ કરી હતી, હવે હું તમને આખે આખા ચાવી જઈશ. બચશો જ નહીં તો કંઈ કરી નહીં શકો.’
આટલું કહી વૃત્રાસુર પોતાને મહાકાય બનાવે છે અને દેવરાજ ઇન્દ્રને ઊંચકી લઈ પોતાના મોઢામાં મૂકવા જાય છે ત્યાં જ દેવરાજ ઇન્દ્ર પોતાના નવા વજ્રથી વૃત્રાસુરનું માથું ધડથી અલગ કરી દે છે. વૃત્રાસુરનું માથું જમીન પર પડેલું જોતાં અસુરો ગભરાઈ જાય છે અને સ્વર્ગથી પલાયન કરે છે.
વૃત્રાસુરના વધ બાદ દેવરાજ ઇન્દ્રનું મુકુટ અને વજ્ર કૈલાસ ખાતે જતાં રહે છે અને માતા સુયશાના શ્રાપથી દેવરાજ ઇન્દ્રને કુષ્ઠરોગ થતાં તેઓ કુરૂપ થઈ જાય છે. દેવગણો તેમને ઓળખી શકતા નથી અને તેમને સ્વર્ગલોકથી પ્રતાડિત કરે છે. સ્વર્ગલોકથી પ્રતાડિત થયેલા દેવરાજ ઇન્દ્રને દેખાય એટલે પૃથ્વીવાસીઓ પણ પથ્થર મારવા માંડે છે. છેવટે પોતાના પાપનું પ્રાયશ્ર્ચિત કરવા દેવરાજ ઇન્દ્ર કૈલાસ પહોંચે છે.
દેવરાજ ઇન્દ્ર: ‘હે દેવાધિદેવ, મેં ભોગવિલાસથી અગણિત પાપોનું સર્જન કર્યું છે, મને હવે માર્ગદર્શન કરો અથવા શિવલોકમાં સ્થાન આપો.’
ભગવાન શિવ: ‘દેવરાજ ઇન્દ્ર તમને શિવલોકમાં કઈ રીતે સ્થાન આપી શકાય, પ્રથમ તો તમે શ્રાપિત છો અને તમારી પાસે શેષ કોઈ પુણ્ય બચ્યાં નથી.’
દેવરાજ ઇન્દ્ર: ‘હું પુણ્યનું ઉપાર્જન કઈ રીતે કરી શકું.’
ભગવાન શિવ: ‘દેવરાજ ઇન્દ્ર તમારે પ્રથમ એ સમજવું જોઈએ કે સૃષ્ટિમાં કોઈ પણ પ્રાણી દ્વારા કરાયેલા છલ, કપટ, અનીતિ, ષડ્યંત્ર અને અન્યાયનાં પરિણામો તેણે ભોગવવાં જ પડે છે. પ્રાણી ગમે તેટલા પ્રયાસ કરે પણ તે બચી શકતો નથી. આ નિયમ દેવ, દાનવ અને માનવ દરેક પર લાગુ પડે છે. તમે જે શારિરીક અને માનસિક કષ્ટ ભોગવી રહ્યા છો એ નિયમબદ્ધતાને કારણે જ મળ્યા છે. હું આમાં કંઈ પણ નહીં કરું.’
દેવરાજ ઇન્દ્ર: ‘હું મારી ભૂલોનો સ્વીકાર કરું છું, શું મારા કષ્ટો દૂર નહીં થાય.’
ભગવાન શિવ: ‘કરેલા અપરાધો ત્યારે જ માફ થાય છે જ્યારે પોતાનાં કર્મોનું પ્રાયશ્ર્ચિત કરી આરાધના કરવામાં આવે.’
દેવરાજ ઇન્દ્ર: ‘મારે આરાધના કઈ રીતે કરવી.’
ભગવાન શિવ: ‘નીચે આવેલા માનસરોવરમાં એક મોટા કમળની નાળમાં સમાઈ શકો તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરો, તમારી મનોકામના પૂર્ણ થશે.’ (ક્રમશ:)