ધર્મતેજ

મૃત્યુ એક સત્ય

મનન -હેમુ-ભીખુ

મૃત્યુ સત્ય છે. મૃત્યુ અફર છે. મૃત્યુ રૂપાંતરણ છે અને સાથે સાથે બદલાવ પણ છે. મૃત્યુ ચોક્કસ પ્રકારના “છુટકારા માટેનું અગત્યનું માધ્યમ છે. મૃત્યુ જરૂરી છે. મૃત્યુ થકી જ નવી સંભાવના ઉભરે છે. એ રીતે જોતાં મૃત્યુ આશીર્વાદ સમાન છે. મૃત્યુ એ ઈશ્ર્વરની કરુણા તથા તેના સચોટ આયોજનનું પ્રતીક છે. મૃત્યુને કારણે જ ચોક્કસ પ્રકારના ચિંતનની સંભાવના પ્રગટે છે. સમજી જવાય તો મૃત્યુ આશા છે નહીંતર મૃત્યુ નિરાશાજનક બની રહે. મૃત્યુ છે એટલે જ નવી સંવેદનાઓ અને નવી સંભાવનાઓ જન્મે છે. મૃત્યુના અભાવે કદાચ બધું જ એકધારું થઈને ઊભું રહે.

મૃત્યુ છે તો જન્મ છે અને જન્મ છે તો મૃત્યુ છે. મૃત્યુને કારણે જ અસ્તિત્વની મર્યાદાઓની જાણ થાય છે અને વાસ્તવિકતા સમજવા “દર્શન માટેની જિજ્ઞાસા જાગે છે. મૃત્યુને કારણે ક્યાંક સ્વચ્છંદતા નિયંત્રિત રહેતી હોય તેમ જણાય છે. મૃત્યુને કારણે જ સંસારમાં પાપની માત્રા ઘટતી હશે. મૃત્યુ એક હકારાત્મક સત્ય છે.

મૃત્યુ પછીની ગતિ માટે દરેક પંથ દ્વારા જાતજાતની ધારણાઓ પ્રસ્તુત કરાઈ છે. ક્યાંક પૂર્વજન્મની તો ક્યાંક “ન્યાય ના સમય સુધી પ્રતીક્ષાની વાત કરાતી હોય છે. કર્મ પ્રમાણે અન્ય કોઈ લોક તરફના પ્રયાણની વાત તો ક્યાંક સ્વર્ગ કે નર્ક જેવી ધારણાઓ માટે દલીલ થતી હોય છે. મૃત્યુ પછીની સંભવિત ગતિ માટે ઊભો થતો પ્રશ્ર્ન સ્વાભાવિક છે. પ્રત્યેક જીવંત વ્યક્તિને જીવનના અસ્ત પછીની સ્થિતિ માટે કુતૂહલ હોવું પણ જોઈએ. આની માટે સૌથી પહેલા તો એ સ્વીકારી લેવું પડે કે મૃત્યુ પછી પણ અસ્તિત્વ ટકી રહે છે. જોકે ચાર્વાક દર્શનમાં મૃત્યુ પછી કશું જ નથી તેમ સાબિત કરવા પણ પ્રયત્ન કરાયો છે.

સામાન્ય તર્કથી પણ વિચારીએ તો જણાશે કે મૃત્યુ પછી અસ્તિત્વ જે તે પ્રકારે ટકી તો રહે જ છે. જો સૃષ્ટિના અંત સમયે બધા જ કર્મ માટે ન્યાય થઈ જતો હોય તો ફરીથી જ્યારે સૃષ્ટિનું સર્જન થાય ત્યારે બધાને સમાન પ્રકારનો જન્મ મળવો જોઈએ. પણ એમ નથી થતું. કોઈક અમીર ઘરમાં જન્મે છે તો કોઈક ગરીબ ઘરમાં. ન્યાય હજી બાકી છે. તો તો પછી જાણવું જ પડે કે મૃત્યુ પછી થાય છે શું. આ પ્રશ્ર્ન મૃત્યુના ઉંમરે ઊભેલ વ્યક્તિના મનમાં જાગે તે સ્વાભાવિક છે, પરંતુ કઠ ઉપનિષદમાં તો બાળક કહી શકાય તેવા નચિકેતાના મનમાં આ પ્રશ્ર્નો ઉદભવે છે. તે મૃત્યુનું રહસ્ય જણાવવા માટે સ્વયં મૃત્યુના દેવતા યમરાજાને પૂછે છે. યમરાજા અન્ય પ્રલોભનો આપી આ બાબતે પ્રશ્ર્ન ન પૂછવા તેને વિનંતી કરે છે, પરંતુ સનાતની સંસ્કૃતિને વરેલો તે બાળક માનતો નથી અને યમરાજા પાસેથી મૃત્યુનું રહસ્ય જાણી લે છે.

જન્મ પામનારનું મૃત્યુ નક્કી છે અને મૃત્યુ પામનાર ફરીથી જન્મ લે છે. ગીતામાં જણાવ્યા પ્રમાણે દેહધારીની જેમ બાલ્યાવસ્થા, યુવાવસ્થા તથા વૃદ્ધત્વ જેવી સ્થિતિ હોય છે તેવી જ અન્ય દેહ પ્રાપ્તિની – મૃત્યુની પણ એક સ્થિતિ જ છે. આમાં મોહ પામવાનો ન હોય. મૃત્યુ એ અંત નથી પણ નવી શરૂઆત છે. ભલે સંસ્કારની છાપ બીજા જન્મમાં વત્તે-ઓછે અંશે જળવાઈ રહેતી હોય તો પણ નવા જન્મમાં મનમાં સંઘરાયેલી સ્મૃતિ નાશ પામે છે. અત્યારની ભાષામાં કહીએ તો મૃત્યુ એ આખી સિસ્ટમ “ફોર્મેટ કરવા જેવી પ્રક્રિયા છે – પછી કેટલીક મેમરી બચે પણ છે અને નવા “સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ થઈ શકે છે.

શરીર વિશે જ્યારે અતિ લગાવ હોય, સંસારમાં સ્થપાયેલા સમીકરણો પ્રત્યે મોહ હજુ બાકી રહ્યો હોય, “હું અને મારું થી પોષાતો પ્રચુર અહંકાર ટકી રહ્યો હોય, વિષયોને વારંવાર માણવાની ઈચ્છા હજુ પણ પ્રબળ હોય અને કશું પણ છૂટતું ન હોય ત્યારે જ મૃત્યુનો ડર લાગે. મૃત્યુ તથા અમૃત સમાન ગણનાર ક્યારેય મૃત્યુથી ડરે નહીં. જે નિસ્પૃહ હોય અને મૃત્યુ પાછળ છુપાયેલા સત્યને સમજવા સમર્થ હોય તેને મૃત્યુનો ડર ન લાગે. રાગ-દ્વેષ તથા મોહ-માયામાં લપટાયેલ વ્યક્તિ જ મૃત્યુને દૂર ધકેલવા પ્રયત્ન કરે. મૃત્યુને કોઈ ટાળી શકતું નથી. પ્રાણીમાત્ર નું મૃત્યુ નક્કી છે તેમ સૂર્ય-ચંદ્ર પણ એક સમયે લય પામશે. સમય પણ મૃત્યુ પામે છે, સ્થળ પણ મૃત્યુ પામે છે, પરિસ્થિતિ પણ મૃત્યુ પામે છે, જડ અને ચેતન બન્ને મૃત્યુ પામે છે, સુખ અને દુ:ખનો પણ ક્યારેક અંત આવે છે. સંબંધોના સમીકરણો પણ એક સમયે નાશ પામે છે.

પરમ જ્ઞાનને કારણે જ્યારે શાશ્ર્વત શૂન્યતામાં પ્રવેશ મળે ત્યારે જાણે જ્ઞાન પણ મૃત્યુ પામે છે. ભક્તિના ફળ સ્વરૂપ ઈશ્ર્વર સાથે તાદાત્મ્યતા મળે ત્યારે ભક્તિનો પણ અંત આવે છે. નિષ્કામ કર્મ કરતા કરતા નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કર્મનો પણ અંત આવે છે.

યોગની પરમ સિદ્ધિ પામ્યા પછી આગળ કશું સિદ્ધ કરવાનું બાકી નથી હોતું. જે અસ્તિત્વમાં પ્રગટે છે તે સૃષ્ટિમાં લય પામે છે. લય પામવું અર્થાત્ વિશાળમાં એકાકાર થઈ જવું. વ્યવહારિક દ્રષ્ટિએ આ પણ મૃત્યુ છે.

મૃત્યુને જાણી લેવાથી તેનો ભય દૂર થઈ શકે. મૃત્યુને જાણવાથી કદાચ તેના પર વિજય પણ મેળવી શકાય. પરંતુ મૃત્યુ સમાન સત્ય જાણ્યા પછી આ પ્રકારના વિજયની ન રહે ઈચ્છા કે ન રહે જરૂરિયાત. એમ પણ બને કે મૃત્યુને જાણ્યા પછી જીવન માટેનો મોહ જ ન રહે.

મૃત્યુને જાણવું એટલે તેનો હકારાત્મકતાથી સ્વીકાર કરવો, તેને ઈશ્ર્વરની પ્રસાદી સમાન ગણવું અને ભવિષ્યમાં મૃત્યુ ન આવે તે માટે ફરીથી જન્મની સંભાવના દૂર કરવી.

એક સ્થિતિને પહોંચ્યા પછી બધું જ લય પામે છે. આત્માને ઓળખવાની અને તેની પ્રતીતિ કરવાની આ સ્થિતિ છે. પછી નથી શરીર કે નથી જન્મ કે નથી મૃત્યુ. પછી જન્મ કે મૃત્યુનું રહસ્ય જાણવાનું મહત્ત્વ પણ નથી રહેતું. પછી તો ચિદાનંદ સ્વરૂપ આત્માનું અસ્તિત્વ જ રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button