ધર્મતેજ

દીકરીની એષણા

ટૂંકી વાર્તા –ઈન્દુ પંડ્યા

તન્વીએ ઘરમાં પગ મૂકતાવેંત જ સેટી પર જ લંબાવ્યું: “હાશ! થાકી ગયા! પાંચ દિવસમાં તો થાકીને લોથ થઈ ગયાં.

સુરભી કંઈક બોલવા જતી હતી, પરંતુ મૌન રહી. ચાર વાગ્યે બપોરે ચા બનાવી. ચાનો કપ અને પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકીને જેઠાણીને ધીમેથી ઉઠાડ્યા. તન્વી ચા પીને ઘરમાં આમતેમ નજર નાખતી રહી. પોલીસ ઓફિસરની માફક ઘરમાં બધું બરાબર છે ને? એમ જોતી રહી. ત્યાં સુરભી બોલી: “-ભાભી, હવે તમે આવી ગયા છો. તો અમે સાંજની બસમાં (અમે) ઘેર જઈએ? મોન્ટુને સોમવારથી સ્કૂલ ખૂલે છે એટલે એની તૈયારી કરવી પડશેને?

તન્વી બોલી: “જવું છે ને? તો બાંધો બિસ્તરા- પોટલા- હા, મોન્ટુના પી પી વાળા પાગરણ ધોવાનું ભૂલતા નહિ.

સુરભીએ કહ્યું: “મોન્ટુ પથારી બગાડતો નથી.

“-સારું, ત્યારે ઊપડો- કહી તન્વી એના કામકાજમાં લાગી ગઈ. આ લોકોના રહેવાથી ઘર અપવિત્ર બની ગયું હોય એમ ઝાપટ-ઝૂપટ કરવા માંડી.

આમ તો સુરભી સુરત જવાનું પસંદ કરતી નહિ, પરંતુ સાસુજીના માનને ખાતર બાર મહિને એક આંટો જઈ આવતી. વળી એના જેઠ સુરેશચંદ્રને મોન્ટુ પર વહાલ હતું અને એનેય થતું કે ભાઈઓના ઘેર સાથે નાતો જોડાઈ રહે, પરંતુ તન્વીને જરાય ગમતું નહિ. એ ખુલ્લો વિરોધ ન કરતી, પણ વાતાવાતમાં સુરભીને ઉતારી પાડીને પોતાની મોટાઈ દેખાડતી. એનું જોઈને એની નિર્ઝરા પણ બોલ બોલ કર્યા કરતી.

સુમિત શનિ-રવિની રજા હતી એથી સુરત આવ્યો. બન્ને સાંજની બસમાં જૂનાગઢ તરફ રવાના થઈ ગયાં.

તન્વીને પિયરથી શિખામણ મળેલી: સાસરિયાથી ચેતીને રહેવું. બહુ મન ન આપવું. આથી તન્વી અતડી રહેતી.

સુરેશચંદ્રને સુરત બૅન્કમાં નોકરીનો ઓર્ડર આવ્યો ત્યારે એના ઉજ્જવળ ભાવિ માટે રાજીખુશીથી રજા આપી. ઊંડે ઊંડે ગંગાબાના મનમાં શંકા હતી કે ક્યાંક વેવાઈની ચાલબાજી તો નહિ હોયને? દીકરીને એના સાસરિયાથી અલગ પાડીને સ્વતંત્ર રાખવા માટે…

સમયનો પ્રવાહ વહેતો હતો. સુરેશ બે બાળકોનો પિતા બની ગયો. તન્વી સરકારી કચેરીમાં નોકરી પર હતી. બાઈ રાખી હતી એ ઘરનું કામકાજ કરતી અને બાળકો સંભાળ લેતી. શહેરના ખર્ચાને બહાને દીકરો- વહુ ઘેર કંઈ મોકલી શકતા નથી. માબાપ મન વાળતા: “હશે! દીકરો એના પરિવાર સાથે ખુશખુશાલ રહેતો હશે! એ તો ત્યાં સુખી છે.

સુમિત અને સુરભીએ જૂનાગઢ માબાપની સાથે રહેવાનું પસંદ કર્યું હતું. કેમ કે ગંગાબાની તબિયત ઉંમરને કારણે નરમગરમ રહેતી. નરભેરામ માસ્તર નિવૃત્ત થયા બાદ એને પેન્શન આવતું. ઘરનું ઘર જૂનાગઢમાં હતું, એથી ભાડાનો પ્રશ્ર્ન ન હતો. સુમિત નગરપાલિકામાં નોકરી કરતો. એમ ઘરનું ગાડું ચાલતું હતું. મોન્ટુ ભણવામાં તેજસ્વી હતો. સુરભી એને ઘેર હોમવર્ક કરાવતી એથી વધારાનો ખર્ચ આવતો નહિ.

સુરેશચંદ્ર મકાન મોટું બનાવવા માટે બે મજલા વધારે ખેંચવા માટે બજેટ બનાવ્યું. સારે એવો ખર્ચ થયો. નીચે ભાડે આપીને પહેલા મજલે હોલ, કિચન, બેડરૂમ, વિ. સુવિધા હતી. ઉપલા બીજા માળે બાળકોના બેડરૂમ બન્યા. ગંગાબા વિચારતા હતા: આમાં માબાપને તો ક્યાંય સ્થાન નહીં ને? નરભેરામ માસ્તર બોલ્યા: “એને જેમ ઠીક લાગ્યું એમ કર્યું. અત્યારે સમય બદલાયો છે, વડીલોને કોણ પૂછે?

મકાન બની ગયું. ફોન ઉપર માબાપે આશીર્વાદ પાઠવ્યા: ” બેટા, તમતમારે નવા મકાનમાં રહેવા જાવ. કથા કરીને શુભ મુહૂર્ત સાચવી લેજો. અમે નિરાંતે આવીશું.

સમય વીતતો હતો. બે વર્ષ જેવો ગાળો પસાર થયો નરભેરામ માસ્તરે કહ્યું: ” આપણે એક આંટો જઈ આવીએ છોકરો તો ક્યોરક આંટો આવે છે એને દુ:ખ લાગે ને? ગંગાબા બોલ્યા: “હા વળી મોટી વહુને થશે કે અમે નવું મકાન બનાવ્યું એય કોઈ જોઈ શકતા નથી.

બન્ને પતિ- પત્ની સુરત જવા તૈયાર થયા. નાના સુમિતે જૂનાગઢ- સુરતની બસમાં રિઝર્વેશન કરાવેલું. સુરેશચંદ્ર અને મિતેષ બન્ને લેવા સ્ટેન્ડ પર આવેલા. બે ત્રણ દહાડા પછી સુરતની આજુબાજુ કબીરવાડ, ઉભરાટ, તીથલ વિ. સ્થળે ફરવાનો પ્રોગ્રામ બનાવ્યો. તન્વીને તો નોકરીનું બહાનું હતું. નિર્ઝરાને કૉલેજનું ક્ષેત્ર રાહ જોતું હતું.

સુરેશચંદ્રે મીતેષને સાથે લીધો. બધા સ્થળોએ ફર્યા બાદ તન્વી એની નોકરીમાં પ્રવૃત્ત હતી. ઘેર આવ્યા બાદ સૌને જાણ થઈ કે તન્વીને સર્વ શિક્ષા અભિયાનની કામગીરી ચાલે છે. એથી ઘેર આવતાં મોડું થશે. નરભેરામ અને ગંગાબાએ કહ્યું: “રાતે વાળુ કરવું નથી. રસ્તામાં કટક બટક કર્યું છે. દૂધ પીને ઊંઘી જઈશું.

બીજે દિવસે સવારે તન્વીએ (નિર્ઝરાને) મામાને ઘેર વાંચવા જવાનું સૂચન કર્યું. રસોઈનું થોડું ઘણું આટોપીને એ નોકરી પર ચાલ ગઈ. ગંગાબા ઉપર રસોઈનો ભાર આવી પડ્યો. ધ્રૂજતા હાથે, ધીમે ધીમે શાક રોટલી બનાવીને બન્ને જમ્યા. રસોડામાં પલેટફોર્મ સાફ કરવાનું, રસોઈના એઠાં વાસણો ચોકડીમાં મૂકવાના, ગેસનો ચૂલો લૂછવાનો રસોડામાં પોતું મારવાનું, અને વાસણ માંજવાના કામ આટોપતાં ગંગાબાને સખત થાક લાગ્યો.

સાંજે નિર્ઝરા ઘેર આવી. ગંગાબાએ કહ્યું:- “નિઝુ, સાંજની રસોઈ તું બનાવજે. હું તો થાકી ગઈ છું, બેટી, નિર્ઝરાએ ચૂપચાપ તૈયારી કરવા માંડી. ગંગાબાએ કહ્યું:- “શું બનાવવાની છે?

“-શાક રોટલી, બીજું શું?

“- પણ શાક – રોટલી તો બપોરે જમ્યા. બીજું કંઈક હા- નિઝુ, તારી મમ્મીને આવવા દે-એ બનાવશે.

“- મારી મમ્મી? અરે, મારી મમ્મી બાપડી થાકીપાકી ઘેર આવે, એ કેવી રીતે બનાવે? હું તો બસ. શાક-રોટલી જ બનાવીશ એ સૌએ જમી લેવાનું ઓ.કે.?

સુરેશચંદ્ર કહ્યું:-“નિર્ઝરા, બા સાથે આમ વાત ન થાય.

નિર્ઝરાએ કહ્યું:- “મને જે સારું લાગે એ હું બોલવાની.

ગંગાબાએ વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો. “ચાલ, દીકરી, આપણે મૂઠિયા બનાવી નાખીએ. ઢોકળિયું ક્યાં છે? પણ ત્યાં જ તન્વી આવી. એણે નિર્ઝરાને ધીમેથી સમજાવી દીધી. થોડીવારમાં નિર્ઝરા તૈયાર થઈને સીડી ઊતરતાં બોલી:-
“મમ્મી, હું મામાને ઘેર રોકાવા માટે જાઉં છું.

સુરેશચંદ્રે કહ્યું: “પણ ઘેર બા અને દાદા આવ્યા છે અને અત્યારે સાડાનવ થયા છે

તન્વીએ કહ્યું: “એને પરીક્ષા છે, એટલે વાંચવા જાય છે.

સુરેશચંદ્રે કહ્યું:- ” અહીં વાંચવા માટે બીજે માળે અલગ રૂમ તો છે પછી બીજાને ઘેર…

તન્વીએ કહ્યું:- “અહીં હશે તો કામમાંથી ઊંચી નહિ આવે,ભલે જતી.

નિર્ઝરા ગઈ. પછી જવાનો ટાઈમ થયો ત્યાં સુધી નિર્ઝરા ડોકાણી નહિ. ગંગાબા વિચારતા હતા: દીકરી ન હતી. જ્યારે સુરેશને ઘેર પહેલે ખોળે દીકરી જન્મી ત્યારે હરખનો પાર ન હતો. ગંગાબા પૌત્રીને જોઈને ગાતા: “મેરે ઘર આઈ એક નન્હી પરી, એક નન્હી પરી.

નરભેરામ માસ્તર કહેતા: “તું તો દીકરીની પાછળ ઘેલી બની ગઈ છો.

ગંગાબા હસતા: “જોજોને, મારે દીકરીને ક્ધયાદાન આપીને લહાવો લેવો છે. મારા નાનકાનેય દીકરી નથી, એક દીકરો જ છે. એનેય ક્ધયાદાન આપવા બેસાડીશ.

પરંતુ જ્યારે નિર્ઝરા મોટી થઈ ત્યારે? એ આમ દાદા-દાદીની અવગણના કરીને ચાલતી થઈ ગઈ. સુરેશચંદ્ર વારંવાર બોલે: “બા, હવે તમારે તો અહીં જ રહેવાનું છે. નિર્ઝરા હવે મોટી થઈ છે. એને વ્યવહાર શીખવવો પડશે. રીત -રિવાજ અને સમજદારી શીખવવી પડશે- એને પારકે ઘેર મોકલવી છે એટલે બીજા સાથે કેમ વર્તવું એય સમજાવવું પડશે ને?

ગંગાબા બબડ્યા: શું સમજાવે? એની વાતચીતમાં પણ તોછડાઈભર્યું વર્તન હોય છે. દીકરાનો આગ્રહ છતાંય ગંગાબાએ પતિ સાથે જ જૂનાગઢ જવાનું નક્કી કર્યું.

એકવાર ગંગાબાએ દીકરા સાથે જરૂરી વાત કરવા માટે ફોન કર્યો. સાંજે સુરેશચંદ્રનો મોબાઈલ ચેક થયો તન્વીએ દીકરી સાથે સંતલસ કરી. નિર્ઝરાએ ગંગાબા પર મોબાઈલ કરીને રફ ભાષામાં વાત કરી:

“-બા, તમે પપ્પાને કાન ભંભેરણી શા માટે કરો છો?

ગંગાબાએ જવાબ આપ્યો: “કેમ? એની સાથે વાત ન થાય?

“-ના. મારા પપ્પાને કાન ભંભેરણી કરો છો એટલે ઘેર આવીને પપ્પા ઘરમાં અમારા પર ગુસ્સે થાય છે. ઘરનું વાતાવરણ બગડે છે સમજ્યા?

ગંગાબા સમસમી ઊઠ્યા: “તારો પપ્પો પણ મારો તો દીકરો ને? નવ મહિના મેં એનો પેટમાં ભાર ઉઠાવ્યો છેે સમજી?

નિર્ઝરા બોલી: “મારે તમારી સાથે વાત જ નથી કરવી કાકાને આપો-

ગંગાબાએ સુમિતના હાથમાં મોબાઈલ આપ્યો અને છૂટા મોં એ રડી પડ્યા- સુરભી રસોડામાંથી દોડી:”-બા, તમે જરાય ઓછું ન લાવો. અમે છીએ ને તમારી સંભાળ લેનારા. ભાભીને લાગણી હોય તો છોકરીને હોય ને?

ગંગાબાએ વિચાર્યું: હશે! ક્યારેક તો ભગવાન સામું જોશે અને એને પસ્તાવો
થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button