ધર્મતેજ

શ્યામ રંગ

ટૂંકી વાર્તા – અવિનાશ પરીખ

વસંતના વાયરાના સ્પર્શમાં આ વખતે વાસંતીને પ્રણયની મોરલીના સૂરો સંભળાઈ રહ્યા હતા. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં રહેતી વાસંતી સુખી ખેડૂતની શિક્ષિત પુત્રી હતી. ગામની નજીક આવેલા તાલુકા કક્ષાના ગામમાં તેણે બી.એ. કર્યું હતું. હાલમાં તે પોસ્ટલ ટ્યુશનના કોર્ષ દ્વારા એમબીએ કરી રહી હતી.

તેનું સગપણ એક મહિના અગાઉ અમદાવાદના ધનાઢ્ય કુટુંબના નબીરા અનંત સાથે થયું હતું. અનંત પોતાના દાદાજી દામોદરદાસનો કેમિકલ્સનો ધંધો સંભાળતો હતો. તેના માતાપિતા એક વિમાન અકસ્માતમાં તેને પાંચ વર્ષનો મૂકીને સ્વર્ગે સિધાવી ગયાં હતાં. દાદાજીએ તેનો ઉછેર કર્યો હતો.

પચીસ વર્ષનો અનંત રંગે શ્યામ હતો, પણ આકર્ષક હતો. નાનપણથી જ તેને ગોરા રંગ પ્રત્યે આસક્તિ હતી. અને તેથી જ તેણે રૂપરૂપના અંબાર સમી, ગૌરવર્ણી વાસંતી સાથે જીવન પસાર કરવાનું નક્કી કરી લીધું હતું. વાસંતી તેને જોતાવેંત જ ગમી ગઈ હતી અને તેણે કોઈ પણ ક્ષોભ વગર વાસંતીને પ્રથમ મુલાકાતમાં જ ભાવિ પત્નીના રૂપમાં સ્વીકારી લીધી હતી. વડીલોને પણ તેની ઉતાવળથી આશ્ર્ચર્ય થયું હતું.

અનંત આજે વાસંતીને મળવા આવી રહ્યો હતો. વાસંતી ખૂબ જ ખુશ હતી. તેના પિતા હરસુખભાઈ અને માતા હર્ષાબહેન પણ જમાઈના સ્વાગતની તૈયારી કરી રહ્યાં હતાં. અનંત સાંજના આવવાનો હતો. વાસંતી પ્રિયતમના સ્વાગત માટે સજ્જ હતી. વારેવારે તે અરીસામાં સ્વને નિહાળી સુંદરતાની સપાટીનું અવલોકન સભાનતાપૂર્ણક કરી રહી હતી.

સાંજના છના ટકોરે પોતાની વૈભવી કારમાં આવી પહોંચ્યો. સાસુ-સસરા સાથે ઔપચારિક વાતો, ચા-નાસ્તો… થોડી હસાહસ… આ બધાનો ક્રમ પૂરો થતા જ અનંત વાસંતીને લઈને લૉંગ ડ્રાઈવ માટે નીકળી પડ્યો. તેની કાર ગામનો સીમાડો વટાવી હાઈવે ઉપર દોડી રહી હતી. બે પ્રણયઘેલાં જીવો વચ્ચે મૌન મુસ્કુરાઈ રહ્યું હતું. “પહેલે આપની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
“ક્યાં જઈશું… આપણે? અંતે વાસંતીએ મૌન તોડ્યું.

“અમદાવાદ. અનંતે ગંભીરતાથી કહ્યું અને બાદમાં મુક્તમને હસી પડ્યો.

વાસંતીના મુખારવિંદઉપર સ્મિત પ્રસરી ગયું.

“આવવું છે, અમદાવાદ? અનંતની નજર કપાઈ રહેલી સડક ઉપર હતી.

“ના.
“કેમ?
“અમદાવાદ તો શ્રીમતી અનંત બનીને જ આવીશ. વાસંતીએ ગુલાબી સાડીનો છેડો સરખો કર્યો.

“તો ચાલ… મંદિરમાં જઈને પરણી જઈએ.
અનંતના સ્વરમાં બનાવટી ગાંભીર્ય હતું.

“મારે ધામધૂમથી પરણવું છે. હજારો લોકોની સામે.
“ઓહ… તને ભીડ ગમે છે… તેમ કહી શકાય.
વાસંતીએ ઉત્તર ન આપ્યો. તેની નિર્મળ આંખોમાં ભાવિ પતિ માટેની લાગણીનો સાગર મસ્તીએ ચડ્યો હતો. અનંતને વાસંતીનું રૂપ લોભાવી રહ્યું હતું.

તેણે કહ્યું, “વાસંતી… સમીપ આવ.
વાસંતી નિર્દોષતાથી બોલી, “શ્યામ રંગ સમીપે ન જાઉં… હું.
આ સાંભળીને અનંત સહેજ ચોંકી ગયો. તેને પોતાના શ્યામપણાનો દંશ જાણે વાસંતીના વાક્ય વડે લાગી ગયો! તેણે ત્વરાથી વાસંતી તરફ જોઈ લીધું. વાસંતીની ગૌર કાયા તેને અચાનક જ લઘુતાગ્રંથિના વિશ્ર્વ તરફ ધકેલી રહી હતી. અનંતે કારની સ્પીડ વધારી. વાસંતીએ અનંત સામે નજર કરી. અનંતે ગતિમાં વધારો કર્યો. વાસંતીને કારની ગતિમાં આવેલું પરિવર્તન ન સમજાયું.
તે બોલી, “અનંત, ધીમે જરા. આ એક્સપ્રેસ હાઈવે નથી.
અનંતે ઝડપ ઘટાડી. વાસંતીના હોઠ હસી ઊઠ્યા. તે અનંતને તાકી રહી હતી. અનંત આ પામી ચૂક્યો હતો. તેના વિચારોનું કેન્દ્ર તેનો શ્યામ રંગ હતો. “શું વાસંતી મારા શ્યામ રંગને નીરખી રહી હશે? આ પ્રશ્ર્ન અનંતને છળી રહ્યો હતો.

“અનંત. વાસંતી નરમાશથી બોલી.

“હં…
“અહીંથી બે કિલોમીટર દૂર રાધા-કૃષ્ણનું સરસ મંદિર છે. જઈશું ત્યાં?
“હા… જઈશું. અનંત પરાણે બોલ્યો.

પાંચ મિનિટમાં કાર મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટમાં હતી. બંને જણ નીચે ઊતર્યા. એકસો વારના અંતરે આરસનું મંદિર હતું. લોકોની ભીડ જોઈને વાસંતી બોલી, “આજે કોઈ તહેવાર નથી… છતાં આટલી મેદની કેમ છે તે સમજાતું નથી.
અનંતે પ્રતિભાવ ન આપ્યો. તેની દૃષ્ટિ વાસંતીના ગોરા મુખડા ઉપર હતી. પોતાના શ્યામ રંગની સરખામણી તે વાસંતીના શુભ્ર રંગ સાથે કરી રહ્યો હતો. તેના હૃદયમાં શૂળ ઊપડ્યું હતું. પોતે પણ આકર્ષક હતો તે વાત અનંત વીસરી ગયો હતો.

બંને જણ મંદિર તરફ ચાલવા માંડ્યા.
“અનંત. વાસંતીએ હળવેકથી અનંત શબ્દનો ઉચ્ચાર કર્યો.
“બોલ.
“તું મૂડમાં નથી લાગતો. કારણ શું છે?
“આઈ એમ ઓ.કે. અનંત ફિક્કું હસ્યો.

“ના… જરૂર કોઈ વાત છે જે તને પજવી રહી છે.
“…. અનંત પાસે ઉત્તર નહોતો.

“તને મંદિરમાં લાવી તે તને ગમ્યું લાગતું નથી. વાસંતી સહજતાથી બોલી.
અનંતે સ્મિત વહેતા કહ્યું, “હું કૃષ્ણ ભક્ત છું, વાસંતી.

“હું પણ. અને કાળા કૃષ્ણ તથા ગોરા રાધાજીની જોડી કેટલી ભવ્ય છે, નહિ! ખૂબ ભાવપૂર્વક વાસંતીએ પોતાની વાત કહી.

વાસંતીની વાતે પુન: અનંતને બેચેન કરી મૂક્યો. તેની દુ:ખતી નસ જાણે બળપૂર્વક વાસંતીએ દબાવી દીધી હતી. તે ચાલતા ચાલતા અટકી ગયો. વાસંતી પણ અટકી. તે અનંતને ધ્યાનથી જોઈ રહી હતી. અનંત પોતાની પરેશાની સપાટી ઉપર લાવવા ઈચ્છુક નહોતો. તેણે સહજ બનવાનો પ્રયત્ન કર્યો.

વાસંતીએ ખૂબ જ આત્મીયતાથી પૂછ્યું, “આર યુ ઓ.કે… અનંત?
“યસ…યસ… આઈ એમ. અનંતે પુન: ચાલવાની શરૂઆત કરી.

અને તે જ વખતે બંનેને વાસંતીના નામની હાક સંભળાઈ. બેઉ જણે પીઠ ફેરવી પાછળ નજર કરી. એક યુવક મુક્ત હાસ્ય વેરતો ત્યાં ઊભો હતો. કામદેવને શરમાવે તેવું તેનું રૂપ હતું. ગોરી કાયા ઉપર કાળા રંગનું જીન્સ અને અડધી બાંયનો કાળો ટી શર્ટ પ્રભાવ પાથરી રહ્યા હતા.

વાસંતીએ યુવકને જોઈને હર્ષથી બોલી, “તું અહીં ક્યાંથી પ્રીતેશ?
પ્રીતેશ ઝડપથી તેને પાસે આવ્યો. બંને જાણે હસ્તધનૂન કર્યું. પ્રીતેશે કહ્યું, “ગ્રેજ્યુએટ થયા બાદ પ્રથમવાર મળ્યા છીએ. તું વધારે રૂપાળી થઈ ગઈ છે આટલા મહિનાઓમાં!

અનંત પ્રીતેશનું ધ્યાનથી અવલોકન કરી રહ્યો હતો. પ્રીતેશના શબ્દોમાં ખેંચાણ હતું. તેનું રૂપ મોહી લે તેવું હતું. અનંત મનોમન બબડ્યો, “કૉલેજમાં બંનેએ ત્રણ વર્ષ સાથે કાઢ્યા છે. ખૂબ જ આત્મીયતા છે… બંને વચ્ચે તે નક્કી. વળી, તેમની જોડી પણ જામી રહી છે. વાસંતીએ આ હીરો સાથે કેમ સગપણ ન કર્યું? આટલી સારી દોસ્તી તો લગ્નમાં પરિણમવી જ જોઈએ. મારી સાથે લગ્ન કરીને વાસંતી પ્રીતેશ સાથે સંબંધ તો રાખવાની છે જ. કશું સમજાતું નથી.
આ મનોમંથનના ગાળામાં જ વાસંતીએ અનંતનો પરિચય પ્રીતેશ સાથે કરાવ્યો. પ્રીતેશ અનંતને ઉમળકાથી મળ્યો પણ ખરો. બંને વચ્ચે ઔપચારિક વાત પણ થઈ. પણ, આ સઘળી ક્રિયામાં અનંત શરીરથી જ હાજર હતો, મનથી નહિ. તેનું મન કૉલેજના બે મિત્રોના સંબંધોના સમીકરણમાં અટવાયું હતું. પ્રીતેશનો ગોરો રંગ તેને કનડી રહ્યો હતો. તે વાસંતી સાથે એકદમ યત્રવંત બનીને મંદિર તરફ જઈ રહ્યો હતો.

મંદિરના પ્રવેશદ્વાર ઉપર પહોંચતા જ તેણે કહ્યું, “વાસંતી, અંધારું પથરાઈ ચૂક્યું છે. જલદી ઘરે પહોંચી જઈએ.
વાસંતી અટકી. “પ્રીતેશે શું કહ્યું છે… આપને?

“શું કહ્યું છે? અનંત ગૂંચવાયો.

“આ મંદિરમાં હવન છે અને તેની જ આ ભીડ છે. હવન પ્રીતેશના પિતાજી કરાવી રહ્યા છે. હવન બાદ ભોજનનો કાર્યક્રમ છે અને આપણે બંનેએ જમીને જ જવાનું છે. તેં ખુદે આ આમંત્રણ સ્વીકાર્યું છે. ભૂલી ગયા? વાસંતીના મુખ ઉપર આશ્ર્ચર્ય હતું.

અનંત બાજી સંભાળી લેતા રહ્યું, “હા… હા… મને યાદ છે. હું તને એમ કહેતો હતો કે ભોજન બાદ તરત નીકળી જઈશું.

વાસંતી અનંતાના ખુલાસાથી સંપૂર્ણ સંતુષ્ટ નહોતી. અનંત આ સમજી ગયો. તેની મન:સ્થિતિ તેને તંગ કરી રહી હતી અને વાસંતી સમક્ષ તે પ્રગટ થઈ શકે તેમ પણ નહોતું.

મંદિરમાં દર્શન કરી લીધા બાદ તરત જ બેઉ જણ જમવા બેસી ગયા. ભોજન દરમિયાન પ્રીતેશે બંનેનું ખૂબ જ ધ્યાન રાખ્યું. ભોજનની સમગ્ર ક્રિયામાં પ્રીતેશે વાસંતીને ખૂબ હસાવી. અનંતને ભાવિ પત્નીનું મુક્ત હાસ્ય પીડા પ્રદાન કરી રહ્યું હતું. વાસંતી વાતચીતની સફરમાં અનંતને સતત સાથે રાખી રહી હતી તે વાતની નોંધ અનંતે લીધી હતી, પણ, કોઈ અગમ્ય કારણસર તે સ્વયંને એ બે જણની જચ્ચેથી બાકાત રાખી રહ્યો હતો.

ભોજન બાદ વાસંતી પ્રીતેશના પરિવારજનોને મળી. ગૌરવપૂર્વક તેણે પોતાના ભાવિ પતિનો પરિચય સહુ સાથે કરાવ્યો.

તેણે દરેકને પોતાના લગ્નમાં આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું. અનંતને બધા ભાવ સાથે મળ્યાં. પણ, અનંત તો બીજા જ વિચારોમાં ગોથાં ખાઈ રહ્યો હતો. તે ભગવાનને પોતાના શરીરના રંગ માટે કોસી રહ્યો હતો. તેની માનસિક હાલત આ અગાઉ ગૌર રંગો લઈને આટલી ડામાડોળ ક્યારેય નહોતી થઈ. પણ, વાસંતી તેની પત્ની બનવાની હોઈ તેની રંગ પ્રત્યેની સભાનતા બળવત્તર બની હતી.

કારમાં ઘર તરફ સફર આરંભાઈ. અનંતને સડક ઉપર રૂપાળા પ્રીતેશના જ દર્શન થઈ રહ્યા હતા. તે એકદમ મંદ ગતિમાં કાર હંકારી રહ્યો હતો. તેણે નોંધ્યું કે વાસંતી ખૂબ જ ખુશ હતી. તેની ખુશીનું કારણ પ્રીતેશ હતો કે તેનો ભાવિ પતિ? આ પ્રશ્ર્નનો ઉત્તર અનંતને સાંપડી રહ્યો નહોતો. બહારનો અંધકાર તેને પોતાના હૃદયમાં વ્યાપેલા અંધકાર જેટલો જ ગાઢ લાગી રહ્યો હતો.
“વાસંતી…
“હં…
“પ્રીતેશ જે ગામમાં રહે છે તે ગામ તેં જોયું છે? અનંતે સ્વસ્થ સ્વરમાં પૂછ્યું.

વાસંતી બોલી, “હા, એક જ વાર હું ત્યાં ગઈ છું.

વાસંતીનો ઉત્તર સાંભળીને અનંતને સારું લાગ્યું. તેણે પ્રશ્ર્ન જે આશયથી પૂછયો હતો તેનો છેદ વાસંતીના ઉત્તરે ઉડાવી દીધો હતો. તેનાથી આપોઆપ જ કારનું એક્સીલેટર દબાઈ ગયું. કાર ઝડપથી દોડવા માંડી.

બંને જણ ઘરે પહોંચ્યા.

તે રાતના અનંત સૂઈ ન શક્યો. જે ખંડમાં તેની સૂવાની વ્યવસ્થા હતી તે ખંડમાં એક પૂરા કદનો અરીસો હતો. અનંતે રાત દરમિયાન એકસો વાર પોતાનો શ્યામ રંગ અરીસામાં જોયા કર્યો. તેનું મન એક બાબત પ્રત્યે મજબૂત બનતું જઈ રહ્યું હતું. સવારે છ વાગ્યે તેણે એક વાતનો નિર્ણય લઈ જ લીધો. તેના હૈયાને ટાઢક વળી.

તે તૈયાર થઈને સવારે આઠ વાગ્યે નીચે આવ્યો.

સહુ તેની રાહ જોઈ રહ્યાં હતાં. ચા-નાસ્તો આરોગ્ય બાદ સહુ દીવાનખંડમાં ગયાં. અનંતે જે વાત સંઘરી રાખી હતી તે કહેવાની વેળા આવી પહોંચી હતી તેમ તેને લાગ્યું. તેણે વાસંતી અને તેના માતાપિતા તરફ વારાફરતી જોઈ લીધું. બધા ન પ્રસન્ન હતા. હૃદય ઊપરનો ભાર ઉતરી જવાનો હોવાથી અનંત પણ હળવોફુલ હતો.

અનંતે વાસંતીના પિતા તરફ જોતા કહ્યું, “વડીલ, એક વાત કરવી છે.
હરસુખભાઈ હસીને બોલ્યા, “કહો… અનંતકુમાર. વિના સંકોચે જે વાત કહેવી છે તે કહી નાખો.
“વાત અમારી દીકરી અંગેની ફરિયાદની હશે તો પણ ચાલશે. હર્ષાબહેને મલકાટ વેરતાં કહ્યું.

વાસંતી તરત જ બોલી, “અનંતની વાત પહેલા હું મારી વાત અનંત સમક્ષ મૂકવા માગું છું.
“તારી વાત બાદમાં, પહેલા જમાઈ. હરસુખભાઈ બોલ્યા.

“નો… લેડીઝ ફર્સ્ટ. વાસંતી નાની બાળકી બની ઊઠી.

અને વાસંતી અનંત તરફ ફરતાં બોલી, “લગ્ન બાદ દર મહિને મને મારા પિયેર આવવાની પરવાનગી અત્યારે જ તું આપી દે તેમ હું ઈચ્છું છું.
વાસંતીના માતાપિતા ખડખડાટ હસી પડ્યાં.

હર્ષાબહેને કહ્યું, “અનંત કુમાર. પરવાનગી ન આપતા. દર મહિને તે વળી પિયેર અવાતું હશે!
“મમ્મી, તું મારા વરજીને ચડાવી રહી છે, હોં, વાસંતીને કૃત્રિમ છણકો કર્યો.

“દીકરી તો સાસરે જ શોભે. સમજી? હર્ષાબહેન મલકાઈ રહ્યાં હતાં.

તેટલામાં હરસુખભાઈનો ફોન આવ્યો. તે મોબાઈલ લઈને ખંડની બહાર જતા રહ્યા. અનંત પણ વાસંતી અને હર્ષાબહેનની રજા લઈને પાંચ મિનિટ માટે પોતાના ખંડમાં ગયો.

તે અરીસા સામે ઊભો હતો. તેણે સ્વયંને સંબોધતા રહ્યું, “જે વાત હું વાસંતના માતાપિતાને કહેવાનો છું તેનું રિહર્સલ કરી લઉં.
અને તેણે થોડી ક્ષણો બાદ કહ્યું, “વડીલ, હું તમારી વાસંતી સાથે લગ્ન નહિ કરી શકું. તેમાં વાસંતીનો વાંક નથી. વાંક મારા શ્યામ રંગનો છે. તમારી દીકરી ખૂબ ગોરી અને રૂપાળી છે. મારી સાથે તે ઊભી રહેશે તો સહુ તેની દયા ખાશેે. કહેશે કે કાગડો દહિથરું લઈ ગયો. તેને માટે, તેના જેવો જ રૂપાળો વર શોધી કાઢજો. મારે માટે ગેરસમજ ન કરશો.

સંવાદ બોલાઈ ગયો અને અનંત દીવાનખંડમાં ગયો. ત્રણેય જણ તેની રાહ જોઈ રહ્યા હતાં. અનંત તેમની સન્મુખ ગોઠવાયો. તેની હિંમત વધી ગઈ હતી. અરીસા પ્રત્યક્ષ પોતાના મનની વાત કહીને તે નિરાંત અનુભવી રહ્યો હતો. હવે પોતાની વાત તે મુક્ત મને કહેવાનો હતો.

હરસુખભાઈ બોલ્યા, “તમારી વાત સાંભળવા હું આતુર છું. પણ, તે પહેલા મારી વાત સાંભળી લો. સોરી… અનંતકુમાર, તમારી વાત પાછી ઠેલાઈ રહી છે.

અને તે હસી પડ્યા. થોડી ક્ષણો બાદ તે બોલ્યા, “થોડીવાર પહેલા ગામની શાળાના આચાર્યનો ફોન આવ્યો હતો. તે અનંતકુમારના ખૂબ વખાણ કરતા હતા. તેમણે અનંતકુમારને જોયા નથી, પણ, ગામના લગભગ તમામ લોકોએ અનંતકુમારને આ ગામમાં પ્રવેશતા જોઈ લીધા હતા. ગામ નાનું છે અને આ ગામમાં આવડી સરસ કાર પ્રથમવાર જ આવતા સહુ જ કુતૂહલથી કાર અને અનંતકુમારને નિહાળી રહ્યા હતા. સહુએ આચાર્યને આ વાત જણાવી દીધી અને આચાર્યે મને. તે થોડીવારમાં જ અનંતકુમારને મળવા આવી રહ્યા છે. ગામ લોકો કહે છે વાસંતી તો રૂપમાં અનંતકુમાર આગળ પાણી ભરે. અમે નસીબદાર છીએ કે આવા જમાઈ અમને મળ્યા છે.

આ સાંભળીને અનંતના હૃદય ઉપરથી એક હળવાશનું મોજું પસાર થઈ ગયું. તેની લઘુતાગ્રંથિ બરફની જેમ ઓગળી ગઈ. તેણે મનોમન કહ્યું, “ભગવાન, તેં એક મોટો અનર્થ થતા રોકી લીધો. હવે મારા શ્યામ રંગને લઈને હું કદી નિરાશ નહિ બનું.

વાસંતી મનભર અનંતને નીરખી રહી
હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત