સંસ્કૃતિ શોકેસમાં પરંપરા પસ્તીમાં
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં સૃષ્ટિના સર્જનના રહસ્યને જણાવીને હવે ભગવાન કૃષ્ણ પ્રકૃતિના ત્રણ ગુણોના બંધનની વાત કહે છે-
‘निबध्नन्ति महाबाहो देहे देहिनम्”અર્થાત્ પ્રકૃતિના ત્રણ ગુણો માનવને બાંધે છે. બંધન કોઈનેય ગમતું નથી, વાત સાચી છે. ગીતા અહીં જે વાસ્તવિક બંધનની વાત કરે છે, તે મોટા ભાગના લોકોને સમજાતું નથી. આજના આધુનિક જમાનાના સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ખપાવનારા લોકોએ તો આપણી પ્રાચીન સાચી પરમ્પરા અને વારસાને જ બંધન ઠરાવી દીધું છે, જે તદ્દન ખોટું છે. એક પ્રસંગ સમજીએ.
આ દેશમાં તો રહેવા જેવું જ નથી, એક ભાઈએ ફોન પર વ્યથા ઠાલવી. મેં પૂછ્યું, કેમ, શું થયું? સામેથી જવાબ આવ્યો, તમે રોજ પોકારી પોકારીને કહો છો કે આપણી મહાન સંસ્કૃતિ, ઉચ્ચ મૂલ્યો, શ્રેષ્ઠ પરંપરા… પણ આજે ક્યાંય તેનો છાંટોય દેખાતો નથી. શોકેસમાં સજાવેલી સંસ્કૃતિના બણગા ફૂંકવાનો શો લાભ? કેવળ એક પ્રતિકૂળ ઘટના આ સજજન સાથે બની અને તેમણે સમગ્ર સંસ્કૃતિને જ મૃત ઘોષિત કરી દીધી.
વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર જીવનમાં જયારે કોઈ અણધાર્યો બનાવ બને ત્યારે આપણી સંસ્કૃતિ કે પરંપરાને માથે દોષ મઢવાની આપણી જૂની ટેવ છે. આપણી ચર્ચાઓમાં ભારત દેશની ગરીબી અને અછતની વાત ન આવે એવું ભાગ્યે જ બને! વળી, ચર્ચાના અંતે આપણે આ બધાની જવાબદારી આપણી પરંપરા ઉપર નાખીને ઊભા થઈએ છીએ. એથીય વધારે અક્ષમ્ય એ છે કે અણસમજ અને યોગ્યતા વગર કોઈક નવીન ક્રાંતિકારી વિચાર આપવાની સ્પર્ધામાં આપણે જ આપણા ભવ્ય વારસાનું ખંડન કરી ખુશ થઈએ છીએ.
નવો વિચાર કે નવો દૃષ્ટિકોણ આપવો સારી બાબત છે પણ કોના ભોગે ? પોતાનાં જ મૂળ ઉપર પ્રહાર કરીને ક્યારેય કોઈ વૃક્ષ ઊભું રહી શકે ખરું? કૂવાના દેડકાની વાત આપણે ઘણીવાર સાંભળી છે. હા, તેની ભૂલ તો છે જ, પરંતુ તે ક્ષમ્ય છે. પોતાની બુદ્ધિ અને અનુભવ પ્રમાણે દેડકો પોતાના સ્થાનનો મહિમા કહે છે. પોતાના નિવાસ સાથે દરેકને લાગણી હોય તે સ્વાભાવિક છે. તેની વાતમાં અતિરેક હોય તે પણ સ્વાભાવિક છે. પરંતુ દેડકાનો એક ગુણ છે કે તે સમુદ્રની નિંદા નથી કરતો. તે ત્યાં પોતાની શ્રેષ્ઠતા બતાવવા ગયો પણ નથી. તે નિજાનંદમાં મસ્ત છે, પરંતુ નિંદાનંદમાં તેને રસ નથી. તે સમુદ્ર વિષે કોઈ ભવિષ્યવાણી, જ્ઞાન રેલાવવાનું કે ઠસાવવાનું દુસ્સાહસ પણ નથી કરતો.
જયારે બીજી બાજુ કોઈ ઘુવડ સૌર ઊર્જા પર મનઘઢંત વ્યાખ્યાન કરે અને જંગલનાં બધાં પ્રાણીઓ ઉપર પોતાના જ્ઞાનનો પ્રભાવ પાથરવા માટે યેન કેન પ્રકારેણ તેને પ્રમાણિત કરી દે તો તે ક્ષમ્ય
થાય ખરું?
શું આપણી પરંપરામાં બુદ્ધિમત્તા અને તર્કસિદ્ધિનું સ્થાન જ નહોતું? છેલ્લાં બે હજાર વર્ષોથી ભારતમાં ન્યાયદર્શનની પરંપરા ચાલે છે. ન્યાયદર્શનના ગ્રંથોએ જે પ્રખર તર્કસભર શાસ્ત્રાર્થની પદ્ધતિ આપી છે તે સમગ્ર વિશ્ર્વમાં અજોડ છે. સામાન્ય બુદ્ધિશાળી માણસોની બુદ્ધિસીમા પછી ન્યાયદર્શનની સીમાનો આરંભ થાય છે. હા, આ ગ્રંથોને ભણવા માટે અત્યંત ઉચ્ચ કક્ષાની પ્રજ્ઞા જોઈએ. આવા તાર્કિક દર્શનોમાં પણ ભગવાન, આત્મા, મંદિર, પરંપરા, પ્રણાલી આદિનું મંડન જ થયું છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાની રક્ષા માટે જ આ ગ્રંથો હતા. જો કોઈને ખરેખર બુદ્ધિશાળી, વિચારક, વિવેચક, મીમાંસક કે તાર્કિકનું પાટિયું લગાડવું હોય તો એક વાર ન્યાયવેદાંતનાં શાસ્ત્રોને જોવાં જ રહ્યાં.
આમ, સાચી બુદ્ધિમત્તા સંસ્કૃતિના ખંડનમાં નહીં પરંતુ તેના જતનમાં છે. તે જ સાચું જ્ઞાન છે. એટલે જ સંસ્કૃતિના રક્ષક અને પરંપરાના નિર્વાહક મહાપુરુષોને લોકો બુદ્ધિશાળી નહીં પરંતુ જ્ઞાની કહે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા તારીખ ૨૯/૮/૨૦૦૦ના રોજ World Peace Summitનું આયોજન થયેલું. આ સભામાં વિશ્ર્વના ૫૪ દેશોમાંથી ૧૮૦૦ ધર્મગુરુઓએ ભાગ લીધો હતો. વિશ્ર્વના પ્રમુખ ધર્મ-સંપ્રદાયોના પ્રતિનિધિઓને સભાને સંબોધવા માટે આમંત્રિત કરાયેલા, જેમાં સનાતન હિંદુ ધર્મનું વૈશ્ર્વિક પ્રતિનિધિત્વ પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું. સનાતન સંસ્કૃતિ અને પરંપરામય વેશભૂષા હોય કે પછી પ્રવચનની ગુજરાતી ભાષા હોય, વૈદિક મંત્રગાન હોય કે પછી ભગવાનની ચલ મૂર્તિનું અખંડ સાંનિધ્ય હોય, સ્વામીજીના માધ્યમથી યુનોની આ સભામાં ભારતીયતા પ્રતિષ્ઠિત થઈ ગઈ.
જે જ્ઞાની મહાપુરુષોની એક મુલાકાતથી યુનો જેવી શ્રેષ્ઠ સંસ્થાના જનરલ સેક્રેટરી કોફી અન્નાન પણ પ્રશંસક થઈ જતા હોય તેમની પરંપરાને કોઈ પછાત કહી શકે? ના, ખરેખર આ તો આપણા બહુમુખી વિકાસનો આધાર છે.