ચૈત્ર શુક્લ પ્રતિપદાનો શુભ દિવસ અનેક રીતે મહત્ત્વનો છે

મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને સિંધી સમાજનું નવવર્ષ પણ શરૂ થાય છે
કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક
ચૈત્ર શુક્લ પ્રતિપદા અર્થાત્ ચૈત્ર માસનો પ્રથમ દિવસ હિંદુઓ માટે અત્યંત મહત્ત્વનો દિવસ છે એ વાત તો દરેક હિન્દુ જાણે જ છે. આ દિવસ એટલે હિન્દુઓના નૂતન વર્ષનો શુભારંભ. આમ જોવા જઈએ તો નવું વર્ષ ભારતના અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ વખતે ઉજવાય છે. જેમકે પંજાબમાં બૈસાખી, ગુજરાતમાં કારતક માસનો પ્રથમ દિન, જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ. પારસીઓનું નવું વર્ષ નવરોઝ, વગેરે. દક્ષિણમાં પણ આ જ રીતે નવવર્ષો ઉજવાય છે. પણ ભારતીય નવવર્ષ તરીકે જેને ઉજવાય છે, તે છે ચૈત્ર માસની પ્રતિપદા.
ભારતમાં, અંગ્રેજી કેલેન્ડરની સાથે બીજા કેલેન્ડરને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે અપનાવવામાં આવ્યું છે. તે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અથવા ભારાંગ તરીકે ઓળખાય છે. તેને જ આપણે હિન્દુ નવું વર્ષ અથવા ભારતીય નવું વર્ષ તરીકે ઓળખીએ છીએ. આ કેલેન્ડર શક સંવત પર આધારિત છે અને તેનો પ્રથમ દિવસ ચૈત્ર શુક્લ પ્રતિપદા પર આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૃષ્ટિની રચના થઇ હતી. આપણે આ દિવસથી જ ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન પણ શરૂ કરીએ છીએ. ચૈત્ર નવરાત્રી લગભગ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.
અમાવસ્યા પછી, જ્યારે ચંદ્ર મેષ અને અશ્ચિની નક્ષત્રમાં દેખાય છે અને દરરોજ વધે છે અને 15માં દિવસે ચિત્રા નક્ષત્રમાં પૂર્ણ થાય છે, ત્યારે તે મહિનાને ચિત્રા નક્ષત્રને કારણે ચૈત્ર કહેવામાં આવે છે તેમ કહેવાય છે.
આ દિવસે પ્રભુ શ્રી રામે વાલીનો વધ કર્યો હતો.
આ જ દિવસે પ્રભુ શ્રી રામ, રાજા રામ બન્યા હતા. કારણકે આ શુભ દિવસે તેમનો રાજ્યાભિષેક થયો હતો.
બ્રહ્મ પુરાણ અનુસાર આજના પવિત્ર દિવસે જગતપિતા બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી.
એવું કહેવાય છે કે સતયુગની શરૂઆત પણ આ શુભ દિવસે જ થઇ હતી.
આ અવતારી દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્યવતાર ધારણ કર્યો હતો.
સૃષ્ટિની રચના સંબંધિત પ્રજાપતિના તરંગો આ અવસરે પૃથ્વીપર સર્વાધિક આવે છે, તેથી તેને ગૂઢિ' દ્વારા ઝીલીને તેનું પૂજન અતિ શુભ મનાય છે.
સ્વયં સિદ્ધ’ મુહૂર્ત ગણાતા સાડાત્રણ દિવસમાં ચૈત્ર પ્રતિપદાનો દિવસ પણ શામેલ છે. આ દિવસની કોઈપણ `ઘટિકા’ (સમય) શુભમુહૂર્ત જ હોય છે.
ચૈત્ર માસની પ્રતિપદાથી રાત્રી કરતા દિવસ લાંબો થવાની શરૂઆત પણ થાય છે.
જેવી રીતે વર્ષ ઋતુ વ્રતો અને તહેવારોની મોસમ માનવામાં આવે છે, તેવી રીતે ચૈત્ર માસના પ્રારંભ સાથે પણ અનેક શુભ અને પવિત્ર દિવસની શરૂઆત થાય છે.
દક્ષિણમાં ચૈત્ર શુક્લ પ્રતિપદાને ઉગાદી તરીકે ઉજવાય છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં ઉગાદી અથવા યુગાદી નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે. યુગાદિ બે અલગ-અલગ શબ્દોથી બનેલું છે – યુગ (યુગ) અને આદિ (નવી શરૂઆત) – આમ, યુગાદિનો અર્થ થાય છે નવા યુગની શરૂઆત. તેની પાછળની માન્યતા એ છે કે ભગવાન બ્રહ્માએ આ દિવસે વિશ્વની રચના કરી હતી અને તેથી જ તેને હિંદુ કેલેન્ડરના પ્રથમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12મી સદીમાં, ભારતીય ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ ઉગાદીને નવા વર્ષની શરૂઆત તરીકે ઓળખાવી હતી. આ તહેવાર પ્રિયજનો સાથે આનંદ અને હળીમળીને સાથે ઉજવવામાં આવે છે. લોકો તેમના પ્રિયજનો માટે નવા કપડાં જેવી ભેટો પણ ખરીદે છે, દાન આપે છે, વિશેષ વાનગીઓ તૈયાર કરે છે અને નવા વર્ષની શુભ શરૂઆત માટે પ્રાર્થના કરવા મંદિરોની મુલાકાત લે છે.
મહારાષ્ટ્ર અને ગોવામાં ચૈત્ર પ્રતિપદાનો શુભ દિન ગૂડીપડવા અથવા સંવત્સર પડવા રૂપે મનાવાય છે. તેનો શાબ્દિક અર્થ છે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે સંવત'. આ દિવસથી ઉત્તરભારતમાં ચૈત્રી નવરાત્રીની ઘટ સ્થાપના સાથે નવરાત્રી પર્વ ઉજવવાની શરૂઆત થાય છે. મરાઠી નવા વર્ષ ગૂડીપડવાનું નામ બે શબ્દોના સાયુજ્ય પરથી પડ્યું છે -
ગૂડી’, જેનો અર્થ હિંદુ દેવ બ્રહ્માનો ધ્વજ અથવા પ્રતીક અને `પડવો’ એટલે ચંદ્રના ચરણનો પ્રથમ દિન, જે આ તહેવારની શરૂઆતનું પ્રતીક છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું અનેરું મહત્ત્વ છે, અને પ્રત્યેક ઘરની બારી પર કાષ્ઠના દંડ પર તાંબાના લોટની ગૂડી, મરાઠી પરંપરાગત સાડીના ધ્વજ સહિત શોભાયમાન દેખાય છે. તેની વિધિવત પૂજા કરીને નવા વર્ષની શુભકામના કરવામાં આવે છે.
સિંધી સમુદાય દ્વારા મનાવવામાં આવતો ચેટી ચંડ, આ વર્ષે ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસ સાથે મનાવશે. ચૈત્ર' મહિનાને સિંધીમાં
ચેત’ કહેવાય છે. અને ચંદ્રનો અપભ્રંશ ચંડ એટલે `ચૈત્રી ચંદ્ર’નો અપભ્રંશ થઈને ચેટી ચંડ થયું. આમ તો આ દિવસ ચૈત્ર માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ મનાવાય છે. પરંતુ આ વર્ષે ચંદ્રની સ્થિતિ મુજબ તે પ્રતિપદા સાથે ઉજવાશે. આ દિવસે સિંધી સમુદાયના આરાધ્ય દેવ ઝૂલેલાલનું પ્રાગટ્ય થયું હોવાથી તેમના માટે આ તેમનું નવું વર્ષ ગણાય છે.
કેટલાક વિદ્વાનોના મતે, સિંધના શાસક મિરખશાહે તેની પ્રજા પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે સિંધી સમુદાયે 40 દિવસ સુધી સખત જાપ, તપસ્યા અને ધ્યાન કર્યું. ત્યારે ભગવાન ઝુલેલાલ સિંધુ નદીમાંથી એક વિશાળ નર માછલી પર બેઠેલા પ્રગટ થયા અને કહ્યું કે હું 40 દિવસ પછી જન્મ લઈશ અને લોકોને મિરખશાહના અત્યાચારોથી મુક્ત કરીશ. ચૈત્ર માસના બીજા દિવસે એક બાળકનો જન્મ થયો જેનું નામ ઉડેરોલાલ રાખવામાં આવ્યું હતું. તેમના ચમત્કારોને કારણે, પાછળથી તેમને સિંધી સમુદાય દ્વારા ઝુલેલાલ, લાલસાઈના નામથી અને મુસ્લિમો દ્વારા ખ્વાજા ખિઝર જિંદાહ પીરના નામથી પૂજવા લાગ્યા. ચેટીચાંદના દિવસે ભક્તો બહિરાણા સાહેબ બનાવે છે. શોભાયાત્રામાં લોકો `છેજ’ (જે ગુજરાતના દાંડિયા જેવું લોકનૃત્ય છે) સાથે ઝુલેલાલની પ્રશંસામાં ગીતો ગાય છે. તાહિરી (મીઠા ભાત), છોલે (બાફેલી મીઠું ચડાવેલું ચણા) અને શરબતનો પ્રસાદ વહેંચવામાં આવે છે. બહિરાણા સાહેબનું સાંજે વિસર્જન કરવામાં આવે છે.