ધર્મતેજ

યોગાસનો: માત્ર શારીરિક નહીં, માનસિક અને આત્મિક વિકાસમાં પણ ઉપયોગી છે

કવર સ્ટોરી – મુકેશ પંડયા

(10)
યોગાસનનો અર્થ: એવાં આસનો જે આપણને પરમાત્માનો યોગ કરાવે. દેશવિદેશના પણ લોકો યોગાસનોને ઍરોબિકસ્‌‍ કે જિમ્નેશિયમમાં કરાતા વ્યાયામ જેવા જ માત્ર સમજે છે તે યોગ્ય નથી, કેમકે આ યોગાસનો આવા વ્યાયામથી પણ કંઇક વિશેષ છે. તેથી જ ઇશ્વરપ્રાપ્તિના અંષ્ટાંગયોગશાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ ત્રીજા અંગ તરીકે યોગાસનોને સ્થાન આપ્યું છે. આ યોગાસનો શરીરના દરેક અંગને સ્વસ્થ અને સ્થિતિસ્થાપક બનાવે છે. ઉપરાંત શારીરિક ચંચળતા દૂર કરી દૃઢતા સ્થિરતા પ્રદાન કરે છે. શરીરનાં એક એક અંગની સ્વસ્થતા અને સુદઢતા જ તમારા શરીર પ્રત્યેની સભાનતા દૂર કરી શકે છે. આમ શરીરના અસ્તિત્વને ભૂલીએ તો જ મન અને આત્માને ઢંઢોળી શકાય. તમારા શરીરનો કોઇ પણ ભાગ કે અવયવ દુખતો હોય કે નાનીસરખી પીડા થતી હોય ત્યાં સુધી તમે શરીરને ભૂલી શક્તા નથી. તમારું ધ્યાન અને દુખાવા કે પીડા તરફ જ જાય છે. જ્યાં સુધી શરીરને ભૂલીએ નહીં ત્યાં સુધી મનને પામવાની વાત મનમાં જ રહી જાય છે. સામાન્ય રીતે મહત્ત્વના કામમાં પણ જ્યારે તમે તમારા શરીરના અસ્તિત્વને ભૂલી શકો તો જ તે કામ કરવામાં એકાગ્રતા આવે છે અને તે કામ ઉત્તમ રીતે કરી શકો છો. આ યોગાસનો શરીરના પ્રત્યેક અંગને સુદ્રઢ બનાવી એવી કક્ષાએ લઇ જાય છે જ્યાંથી મન અને આત્માને પામવાના માર્ગ ખૂબ સરળ બને છે.


શરીરમાં ઊર્જાનો સંચાર કરી શકે તેવાં કેન્દ્રો છે. તેમાં મુખ્યત્વે સાત કેન્દ્રોને શાસ્ત્રોએ સાત ચક્રો કહ્યાં છે જેવાં કે મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત્‌‍ ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્ર, જે રીતે આંખ, કાન, નાક, જીભ, ચામડી અને હાથ-પગ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે, તે જ રીતેે શરીરનાં સાત ચક્રો આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. આજના વિજ્ઞાનને પણ આ ચક્રોના જ્ઞાનતંતુના ગૂંચળાં જણાયાં છે. આ ચક્રો દરેક મનુષ્યના શરીરમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા હોય છે. આ ચક્રોને જાગ્રત કરવા પ્રથમ તેને શુદ્ધ કરવાં જરૂરી છે. વિવિધ યોગાસનોમાં તાલબદ્ધ શ્વાસોચ્છ્વાસ ભળે ત્યારે શરીરનાં અંગો સ્વસ્થ તો બને છે એટલું જ નહીં એ અંગો સાથે જોડાયેલું ચક્ર પણ શુદ્ધ થાય છે.


ક્યાં ક્યાં આસનો શરીરનાં વિવિધ અંગોને તો સ્વસ્થ કરે છે પણ સાથે સાથે ક્યાં ક્યાં ચક્રને પણ શુદ્ધ કરે છે તે પાછળના કોઠામાં આપેલ છે.
આ જગતમાં લાખો જાતની જીવસૃષ્ટિ આપણે જોઇએ છીએ. તેમાં માનવદેહ એવો છે જેમાં પૂરેપૂરાં સાત ય ચક્રો આવેલાં છે. મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે જે પોતાના શરીર, બુદ્ધિ, મન વડે સાતે જ ચક્રોને જાગ્રત કરી પરમાત્માને પામી શકે છે. બાકીના પ્રાણીઓ તો પ્રકૃતિને વશ થઇ જીવતાં હોય છે. તમે ધાર્મિક પ્રવચનોમાં પણ સાંભળ્યું હશે કે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી. આપણને મળેલા આ મનુષ્યજીવનમાં જ પરમાત્માને પામવાનો પૂર્ણ અવકાશ છે. આ મોકો બીજી વાર મળે કે તે ખબર નથી, માટે આ જન્મમાંજ તેને ઝડપી લેવો જોઇએ. જ્યાં સુધી શરીરને સ્વસ્થ રાખવાની વાત છે ત્યાં સુધી જ વિદેશમાં યોગાસનોને ઉત્સાહથી કરવામાં આવે છે. બાકી પરમાત્મા, આત્મા જે પુનર્જન્મની બાબતો જે આ શાસ્ત્રમાં સંકળાયેલી છે તેમાં તેઓ બિલકુલ માનતા નથી. તેથી જ તાજેતરમાં બ્રિટનના ચર્ચમાં યોગાસનોને શિખવાડવા પર પ્રતિબંધ મુકાયો છે.
પણ વિજ્ઞાનને કોઇ સીમાડા નથી. આત્મા અને પુનર્જન્મમાં ન માનનારું વિજ્ઞાન પણ હવે આ સિદ્ધાંતને માની રહ્યું છે. અત્યાર સુધી તો પુનર્જન્મના દાખલા ભારતમાં જ, તેમાં પણ ખાસ કરી હિંદુ ધર્મમાં જ બનતા શોધાતા હતા. પણ હવે અમેરિકન ડૉ. ઇયાન સ્વીવન્સને એવા અનેક કિસ્સા વિદેશમાં શોધી કાઢ્યા છે જેમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા લોકો પણ પુનર્જન્મની સ્મૃતિ ધરાવતા હતા, જે તેમના ધર્મના સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ છે. ભારતીય પ્રોફેસર સતવંતે પણ તેમની સાથે કામ કરી એવા કિસ્સા શોધી કાઢ્યા છે જેમાં 19 કિસ્સામાં મુસ્લિમ મૃત્યુ પામીને મુસ્લિમ બન્યા હોય અને સાત કિસ્સામાં હિન્દુ અવસાન પામીને મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હોય. આ બધા જ કિસ્સાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ગયા છે. આમ આજે નહીં તો કાલે સર્વત્ર આત્મા અને પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકારાય તો નવાઇ નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે યોગાસનોને વિજ્ઞાનની દૃષ્ટીએ જોવાનો પ્રયાસ સમગ્ર દુનિયામાં થઇ રહ્યો છે ત્યારે ભારતમાં જ કેટલાક કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો યોગાસનોના ઊંડાણને સમજ્યા વગર માત્ર બાવાની કસરત કહીને ઉપેક્ષા કરે છે.

યોગાસનના પ્રકાર ક્યા અંગસ્વસ્થ બને છે કયું ચક્ર શુદ્ધ થાય છે.

સિદ્ધાસન, કૂર્માસન, પૂર્વાત્તાનાસન, જાનુશિરાસન, યોગમુદ્રાસન, મૂલબંધ, અશ્વિનીમુદ્રા… વગેરે – ગુપ્તભાગનાં બધાજ અંગો ગુદાના રોગ, હરસ, ભગંદરમાં વધુ લાભ થાય છે. – મૂલાધાર ચક્ર

ગોરક્ષાસન, પશ્ચિમોતાનાસન, વજ્ાસન, વઘ્રોલીમુદ્રા, અર્ધમત્સ્યેન્દ્રાસન… વગેરે – કમર અને પેઢાના દરેક અવયવ, મૂત્રાશયના, વીર્યવિકાર અને કમરના દુખાવામાં લાભ થાય છે. – સ્વાધિષ્ઠાન ચક્ર

ચક્રાસન, ભુજંગાસન, નૌકાસન, શલભાસન, ધનુરાસન, હલાસન, પવનમુક્તાસન, ઉડ્યાનબંધ, ત્રિકોણાસન,.. વગેરે – પેટના સમસ્ત વિકારો દૂર કરે છે. યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ, જઠર મોટું અને નાનાં આંતરડાં વગેરે અવયવ સ્વસ્થ બને છે. – મણિપુર ચક્ર

તાડાસન, ઊર્ધ્વહસ્તોત્તાસન, કટિ ચક્રાસન, પાદહસ્તાસન, હદયસ્તમ્ભાસન્, સુપ્તવજ્ાસન… વગેર – છાતીના ભાગમાં આવેલા દરેક અવયવ સ્વસ્થ બને છે. ફેફસામાં અને હદયના રોગમાં ફાયદો કરે છે. – અનાહત ચક્ર

ઉષ્ટાસન, મંડૂકાસન, કંઠસંચાલન, સર્વાંગાસન, સિંહાસન, હલાસન, પૂર્ણ ભુજંગાસન, ગ્રીવાસન… વગેરે – ગળાના દરેક અવયવ, કફ, શરદી અને ગળાના રોગમાં લાભ થાય. – વિશુદ્ધ ચક્ર

યોગમુદ્રા, સર્વાંગાસન, ચક્રાસન, કપાલભાતિ, કર્ણપીડાસન વગેરે – આંખ, કાન, નાકનાં અવયવોને લાભ – આજ્ઞાચક્ર

શિર્ષાસન, સર્વાંગાસન, ઉર્ધ્વપાદ તલસંજુક્તાસન, હસ્તપાદ વિસ્તૃત હલાસન … વગેરે – મગજના કોષોને વધુ ક્રિયાશીલ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. – સહસ્ત્રાર ચક્ર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો