ધર્મતેજ

સંતોષ એટલે પરમ સુખ

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં કરુણા વગેરે ગુણોનું આલેખન કર્યા પછી હવે ભગવાન કૃષ્ણ સંતોષ-ગુણનું માહાત્મ્ય ગાય છે તેને સમજીએ.

ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –
લધ્ટૂર્શ્ર્ીં લટર્ટૈ ્રૂળજ્ઞઉિં ્રૂટળટ્ટપળ ત્તઝરુણહ્યર્રૂીં પભ્રરુક્ષૃટપણળજ્ઞરૂૂરુથ્રર્ળી પથ્ટ્ટર્ઇીંં લ પજ્ઞ રુર્પ્રીં ॥૧૨/૧૪॥

અર્થાત્ મારો ભક્ત જે સદા સંતુષ્ટ, યોગી, મન ઇન્દ્રિયોને વશ કરનાર, મારામાં દૃઢ નિશ્ર્ચયવાળો તેમ જ મારામાં મન, બુદ્ધિ અર્પણ કરનાર છે તે મને પ્રિય છે.

સંસારમાં દરેક મનુષ્ય સુખી થવા ધન, ભૌતિક સગવડો, સંપત્તિ કે સત્તા આદિ મેળવવા જમીન-આસમાન એક કરે છે. આ પદાર્થો મળી જાય ત્યારે આનંદ થાય તે સ્વાભાવિક છે. પણ તે આનંદ બહુ લાંબું ટકતો નથી, કારણ કે હવે તેને તેનાથી ચડિયાતી વસ્તુ મેળવવાની આકાંક્ષા જાગે છે. મારુતિ ગાડી હવે આનંદ નથી આપતી, કારણ કે હવે તેને હોન્ડા ગાડી લેવાની ઇચ્છા જાગી છે. આ ચક્ર આમ ચાલ્યા જ કરે છે. મનુષ્યની તૃષ્ણાઓનો કોઈ અંત જ નથી. ગમે તેટલું મળે પણ અધૂરપ જ અનુભવાય છે. મનમાં લાલસા, લાલચ અને તૃષ્ણાની હાજરી અસંતોષની ભાવના ઊભી કરે છે. અસંતોષ સદાય અસુખ જ મેળવી આપે છે, પરંતુ જો ખરેખર સુખી થવું હોય તો સંતોષ જ પરમ ઉપાય છે.

તુલસીદાસજીએ પણ કહ્યું છે –
“ગોધન ગજધન બાજીધન ઔર રતન ધન ખાન
જબ આવત સંતોષ ધન સબ ધન ધુરિ સમાન

બહુ જાણીતી ઉક્તિ ‘સંતોષી નર સદા સુખી’ બોલાય છે ખરા, પણ જીવનમાં બહુ થોડા લોકો જ ઉતારે છે. ઘણીવાર કોઈ મનુષ્યના જીવનમાં સંતોષનો ગુણ જોવા મળે તો પણ તે પસંદગીપૂર્વકનો હોય. જીવનના કોઈક પડાવે તે જોવા મળે અને ક્યારેક જોવા ન પણ મળે. તેને અમુક વસ્તુમાં સંતોષ હોય પણ બીજી વસ્તુમાં સંતોષ ન પણ હોય. માનો કે કાંડા ઘડિયાળ જૂની ચલાવે પણ કપડાં નવાં નવાં જોઈએ. યુવાનીમાં ગળ્યું ખાવાની ઇચ્છા કદાચ ન થાય પણ વૃદ્ધાવસ્થામાં ગળ્યું ખાવાની ઇચ્છા રોકી ન શકાય. આમ સામાન્ય મનુષ્યમાં જોવા મળતો સંતોષ બહુ ઉપરછલ્લો હોય છે. જીવનમાં સારધાર તેને ઉતારવો ઘણો કઠણ છે. જીવનની દરેક પળે અને પ્રત્યેક વસ્તુમાં સંતોષ રહેવો લગભગ દુર્લભ છે. ઘણી વખત વસ્તુ મળે તેવી શક્યતા ન હોય ત્યારે સંતોષનો ભાવ આગળ ધરાય છે, જે ખરેખર તો સંતોષ નહિ પણ મજબૂરી છે.

પરંતુ ભગવાન સંતોષની આગળ ‘સદા’ શબ્દનો ઉપયોગ કરે છે. સાચા સંતોષી જનને આ જગતની કોઈ પણ ચીજ ખાવા-પીવાની, પહેરવા-ઓઢવાની, હરવા-ફરવાની કે રહેવાની ક્યારેય આકર્ષિત કરતી નથી. અને તેમનું આ વલણ સમય-સ્થાનની સાથે બદલાતું નથી. તેમાં સાતત્ય જીવનભર જોવા મળે છે. આપણને કદાચ નવું ન જોઈએ પણ આવું જ જોઈએ, એટલી ઈચ્છા તો રહે જ છે. આવાં જ કપડાં જોઈએ કે આવું જ જમવાનું જોઈએ. બે દિવસ માટે રહેવું હોય છતાં આટલી સગવડતાવાળી હોટેલ તો જોઈએ જ. અહીં સમાધાન કરવું અઘરું પડે છે. જ્યારે સાચા સંતોષી માનવને સંતોષનો ગુણ આવી કોઈ જ શરતોને આધીન નથી રહેતો. જ્યાં ત્યાં, જેવું તેવું, જેમ તેમ ચલાવી લેવું તે તેમનો આગવો ગુણ છે.

સાચા સંતમાં રહેલો સંતોષનો ગુણ અતિ ઉત્કૃષ્ટ કક્ષાનો હોય છે.

એક વખત પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ચશ્માંનો કાચ તૂટી ગયો એટલે નવા ચશ્માં બનાવવા એક હરિભક્તને આપ્યા. તેઓ નવી ફ્રેમમાં ચશ્માં બનાવીને લાવ્યા. સ્વામીશ્રીએ પૂછ્યું નવી ફ્રેમ કેમ લીધી? જૂની ફ્રેમ ચાલે તેવી હતી. ત્યારે હરિભક્તે કહ્યું આ ફ્રેમ વધારે સારી લાગશે. સ્વામીશ્રી કહે કાચમાંથી જોવાનું છે કે ફ્રેમમાંથી? એમ કહી જૂની ફ્રેમમાં જ ચશ્માં કરાવી લાવવાનો આગ્રહ રાખ્યો અને ત્યાર પછી જ તેમણે ચશ્માં ગ્રહણ કર્યા. આ છે તેમની નિ:સ્પૃહીતા! કોઈ ચીજની ઇચ્છા નહીં. ઓછામાં ઓછી વસ્તુથી ચલાવવાની ભાવના. બાલ્યકાળથી જ તેમને કોઈ ચીજની સ્પૃહા ન હતી. ક્યારેય આ ચીજ ભાવે કે આ ચીજ જોઈએ તેવી કોઈ માંગણી તેમણે ક્યારેય કરી નથી. જ્યાં મનુષ્યને ગુણ કેળવવા પ્રયત્ન કરવો પડે છે ત્યાં સાચા સંત માટે આ એમનો સ્વાભાવિક દિવ્ય ગુણ હોય છે. સાચા સંત પોતાની વર્તમાન દશામાં જ પૂર્ણ સુખનો અનુભવ કરે છે. તેઓ ન તો કોઈ કામના કરે છે કે ન કોઈ ફરિયાદ. દરેક સ્થિતિમાં પ્રસન્ન રહે છે. તેમની પ્રસન્નતા કોઈ વસ્તુ, જગ્યા કે સંજોગોની મોહતાજ નથી હોતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button