ધર્મતેજ

ચિંતન: પ્રારબ્ધ- આરબ્ધ- અનારબ્ધ

-હેમુ ભીખુ

જીવનમાં જે કંઈ ઘટીત થઈ રહ્યું છે તેની પાછળ આ ત્રણ મુખ્ય પરિબળ છે; પ્રારબ્ધ, આરબ્ધ અને અનારબ્ધ. પ્રારબ્ધ એટલે એ પ્રકારની પરિસ્થિતિ કે જેમાં ઘટીત થતી ઘટનાનો આધાર પૂર્વનો હોય છે.
આરબ્ધમાં જે તે કાર્યનું પરિણામ તે સમયગાળામાં જ મળે. અનારબ્ધની સ્થિતિમાં કાર્ય પૂર્ણ થાય, પણ તેનું પરિણામ ક્યારે ઉભરે તે વિશે અનિશ્ર્ચિતતા હોય – ભવિષ્ય તરફનો આ સમયગાળો લાંબો હોય.

વચમાં આરબ્ધ છે. આરબ્ધ એટલે એ પ્રકારની પરિસ્થિતિ જેમાં પરિણામનું કારણ સમજમાં આવે. કાર્ય અને તેના પરિણામ વચ્ચેનો ગાળો નાનો હોવાથી આમ શક્ય બને. અહીં જ્યારે કાર્ય કરવામાં આવે, લગભગ ત્યારે જ પરિણામ ઉદ્ભવે. આરબ્ધ સાથે જ્યારે પ્ર જોડાય ત્યારે અગાઉ થયેલા કાર્યને કારણે પરિણામ ઉદ્ભવે. આરબ્ધ સાથે જ્યારે ‘અન’ જોડાય ત્યારે વર્તમાનમાં થયેલાં કાર્યનું પરિણામ ભવિષ્યમાં મળે.

વર્તમાનમાં જે કંઈ પરિણામ પ્રાપ્ત થાય છે તેની પાછળ દેખીતું કારણ પ્રતીત ન થતું હોય, આકસ્મિક રીતે અમુક સંજોગો ઉભા થતાં હોય અને તે પરિણામને અસર કરતાં હોય, પુરુષાર્થ અને પરિણામ વચ્ચે સંતુલન ન હોય, હકારાત્મક જણાતી પરિસ્થિતિ એકાએક નકારાત્મક બની જાય કે તેનાથી વિપરીત સ્થિતિ સર્જાતી હોય, દૂર દૂર સુધી નજરે ન પડતું હોય તેવું પરિણામ એકાએક સ્થાપિત થઈ જાય તો સમજવું કે આ બધા પાછળ પ્રારબ્ધનો હાથ છે.

પ્રારબ્ધ શ્રેણીના પરિણામમાં નિયતિ પર વિશ્ર્વાસ બેસે અને ક્યાંક કર્તાપાણાના ભાવથી મુક્તિ પણ મળે. સાથે સાથે અહીં ક્યાંક નિષ્ફળતાનો ભાવ જાગ્રત થતાં નિષ્ક્રિયતા તરફનો લગાવ વધી શકે.


Also read: મનન : સંન્યાસ અને ત્યાગ


તત્વચિંતનના સંદર્ભમાં કહીએ તો પ્રારબ્ધ એટલે એવી ઘટના કે જેના મૂળ પૂર્વ જન્મમાં સ્થપાયાં હોય. એમ કહેવાય છે કે કર્મફળ પાકે પછી એનું પરિણામ મળે. જરૂરી નથી કે જે જન્મમાં કર્મ અસ્તિત્વમાં આવ્યું હોય તે જ જન્મમાં તેનું પરિણામ મળે. જ્યારે પ્રારબ્ધને આધારે પરિણામ ઊભરે ત્યારે સ્વાભાવિક રીતે વર્તમાન જન્મ સાથે તેનો સંદર્ભ સમજમાં ન આવે. સમજમાં ન આવે તેવી ઘટના જ્યારે આકાર લે ત્યારે જ પ્રારબ્ધના અસ્તિત્વ વિશે જાણ થાય.

જ્યારે કોઈ ઘટના પ્રત્યક્ષ આધાર વગર આકાર લે ત્યારે પ્રારબ્ધની પ્રતીતિ થાય. પ્રારબ્ધના સિદ્ધાંતનો વિરોધ કરનાર પણ એ વાત તો સ્વીકારે જ કે કેટલીક બાબતો, કેટલીક ઘટના, કેટલાક પરિણામ તર્કના વિસ્તારની બહાર હોય છે. જ્યાં કાર્ય-પરિણામનું સમીકરણ સમજમાં ન આવે ત્યાં પ્રારબ્ધનું અસ્તિત્વ સ્વીકારવું રહ્યું.

આ જન્મમાં વૃક્ષ ઉગાડવામાં આવે તો આ જન્મમાં જ તેનાં ફળ પ્રાપ્ત થાય. આ પરિસ્થિતિ એટલે આરબ્ધ. અહીં કાર્ય સંપન્ન થતાં તેનું પરિણામ પ્રાપ્ત થાય છે જ. અહીં કયું પરિણામ ક્યાં કારણે અસ્તિત્વમાં આવ્યું તે સમજી શકાય છે. ચોક્કસ પ્રકારનાં પરિણામ માટે અહીં કામ કરવાની પ્રેરણા પણ મળે છે.

સંસારનો દેખીતો વ્યવહાર આરબ્ધના સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. અહીં ઇચ્છિત પરિણામ નક્કી હોય છે અને તે પ્રમાણે કાર્યની રૂપરેખા તૈયાર થાય છે, અથવા તો કાર્યની રૂપરેખા પ્રમાણે સંભવિત પરિણામ માટે ધારણાં બંધાય છે. સૃષ્ટિમાં આકાર લેતી ઘટનાઓમાં સૌથી વધુ વિશ્ર્વાસ આરબ્ધ પર રાખવામાં આવે છે. આ સ્વાભાવિક પણ છે. આરબ્ધ શ્રેણીના પરિણામને આધારે વિશ્ર્વાસ જાગ્રત થાય, કાર્ય કરવાની પ્રેરણા મળે, સંભવિત પરિણામ માટે તારણ બાંધી શકાય અને સૃષ્ટિના સંચાલનમાં શ્રદ્ધા બેસે.

સાંપ્રત બુદ્ધિજીવીઓ મોટેભાગે આરબ્ધમાં માને છે. તેઓની સમજ પ્રમાણે દરેક કાર્ય પરિણામ આપે જ, અને કાર્ય વગર પરિણામ પ્રાપ્ત ન થાય. પરિણામ છે એટલે કાર્ય છે અને કાર્ય છે એટલે પરિણામ ઉભરે છે. કાર્ય અને પરિણામના સંબંધ વિશે તેમને ચોક્કસ ખાતરી હોય છે, અને આ ખાતરી યોગ્ય પણ છે. પણ દરેક પરિણામ આ શ્રેણીનું ન હોઈ શકે.
અનારબ્ધ શ્રેણીની ઘટનામાં કાર્ય સંપન્ન થઈ જાય પણ તેનું પરિણામ ઉભરતું નથી. બની શકે કે તે ચાર-પાંચ વર્ષ પછી, કે દસ-પંદર વર્ષ પછી, કે પછીના જન્મમાં આકાર લે. અહીં વર્તમાનમાં તો માત્ર પુરુષાર્થ કરવાનો હોય છે. પુરુષાર્થ કરતી વખતે તે જાણમાં પણ નથી હોતું એ પરિણામ સ્થાપિત થશે કે નહીં.

આ પ્રકારની પરિસ્થિતિમાં અનિશ્ર્ચિતતા પ્રવર્તમાન રહે. એક સમય પછી પુરુષાર્થ કરવાની ઈચ્છા પણ ક્ષીણ થતી જાય. પ્રારબ્ધમાં આકસ્મિક પરિણામ ઉદ્ભવે જ્યારે અહીં તો પરિણામનો અભાવ ઊભો થાય. જોકે પરિણામ સ્થાપિત ન થવું તે પણ એક પ્રકારનું પરિણામ જ છે, પરંતુ અભાવને પરિણામ તરીકે સ્વીકારવાની તૈયારી નથી હોતી. તેથી અનારબ્ધ શ્રેણીના પરિણામમાં અસમંજસતા, દ્વિધા, અવિશ્ર્વાસ તથા કાર્ય ન કરવા માટેના ઉત્સાહમાં વધારો થઈ શકે.

દરેક પ્રકારના કાર્યની પાછળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારમાંથી એક પુરુષાર્થ હોય છે. કોઈપણ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે તેની પાછળ એક હેતુ રહેલો હોય છે. એ હેતુ ધર્મ આધારિત, અપેક્ષા કે કામના આધારિત, અર્થને કેન્દ્રમાં રાખી ભવિષ્ય માટેના આયોજન રૂપે, કે જીવન-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે હોઈ શકે. સમજવાની વાત એ છે કે, જે તે પ્રકારના હેતુની સિદ્ધિ માટે જે પુરુષાર્થ કરવામાં આવે તેનાથી ઇચ્છિત પરિણામ મળે જ તેમ કહી ન શકાય.

પરિણામ પ્રારબ્ધ આધારિત હોય તો અગાઉના કાર્યોને આધારે પરિણામ સ્થાપિત થાય. પરિણામ આરબ્ધ આધારિત હોય તો એનું સ્વરૂપ પરિશ્રમના પ્રકાર તથા માત્રાને આધારિત હોય, જે વિશ્ર્લેષણથી સમજી પણ શકાય. પરિણામ જ્યારે અનારબ્ધ મુજબનું હોય તો તે લાંબા સમયગાળા બાદ અસ્તિત્વમાં આવે.

ભક્તિનું પરિણામ આ જન્મમાં જ મળે તેઓ આગ્રહ ન રખાય. જ્ઞાન માટેના પ્રયત્ન પછી ચોક્કસ સમયગાળામાં સત્યની પ્રતીતિ થાય જ તેમ ન કહી શકાય. જે તે પ્રકારના પુરુષાર્થને અંતે યોગ-સિદ્ધિ પ્રાપ્ત થઈ જ જાય તેમ નથી હોતું. નિષ્કામ કર્મનું ફળ પણ પ્રત્યક્ષ થાય એ જરૂરી નથી.


Also read: આચમન: આદમી ઔર ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય


અંતિમ પરિણામ મળે ખરું, પણ તેનું સ્વરૂપ કેવું હશે તે તેની પ્રારબ્ધ, આરબ્ધ અને અનારબ્ધ શ્રેણીના આધારે નક્કી થાય. પરિણામ તો મળે જ. બની શકે કે તે ઇચ્છિત પ્રકારનું ન હોય, ઇચ્છિત સમયે પ્રાપ્ત ન થાય, ઇચ્છિત માત્રામાં ન હોય, તે અભાવાત્મક હોય, તે અનિશ્ર્ચિતતા યુક્ત હોય, જે તે સમયે તે અર્થહિન પણ જણાતું હોય, તો પણ પરિણામ તો પરિણામ જ હોય છે.

તેનો સ્વીકાર કરવો જોઈએ. તેના સ્વરૂપ બાબતે ચિંતન કરવું જોઈએ. ભવિષ્યના પરિણામના સ્વરૂપમાં બદલાવ જોઈતો હોય તો તે પ્રમાણે પુરુષાર્થ આદરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button