ધર્મતેજ

સિદ્ધિ કે ઊર્જાનો ઉપયોગ વિવેક માગે છે

મનન -હેમંતવાળા

પૈસો પ્રાપ્ત થયા પછી તેનો સદુપયોગ પણ થઈ શકે અને દુરુપયોગ પણ. સત્તાના સિંહાસન પર બેસ્યા પછી સમાજના હિતમાં નિર્ણયો લઈ શકાય અને તેનાથી વિપરીત પણ. કોઈપણ પ્રકારની ક્ષમતા કેળવ્યા બાદ તેને સમાજના લાભ માટે પ્રયોજી શકાય કે પોતાના લોભ માટે પણ. દરેક પ્રકારનું સામર્થ્ય, દરેક પ્રકારની વધારાની સંભાવના બે પ્રકારની શક્યતા ઊભી કરે છે – નીતિમય શિસ્ત યુક્ત અને અનીતિમય સ્વાર્થ યુક્ત. સિદ્ધિ કે ઊર્જા પ્રાપ્ત કર્યા બાદ વ્યક્તિ દેવત્વ પણ ધારણ કરી શકે અને દાનવત્વ પણ. તેથી જ સિદ્ધિ કે ઊર્જા પ્રાપ્ત કર્યા બાદ સંયમ, શિસ્ત, વિવેક અને સાત્ત્વિકતા સૌથી વધુ જરૂરી બની રહે. જો કોઈ સિદ્ધ યોગી નજીવા કારણસર ક્રોધાવેશમાં આવી જતા હોય તો તે ચિંતાનો વિષય તો છે જ.

કોઈપણ સિદ્ધિને પ્રાપ્ત કર્યા બાદ તેનું નિર્વહન એક મોટી જવાબદારી બની જાય છે. વ્યવહારમાં પણ જ્યારે કોઈપણ પ્રકારની સત્તા અને સામર્થ્ય પ્રાપ્ત થાય ત્યારે વધારે સાવચેતીથી પગલાં લેવાની જરૂર પડે. સાઇકલ ચલાવનાર વ્યક્તિ જો વાહન વ્યવહારના નિયમનું ઉલ્લંઘન કરે તો તેનાથી કઈ નોંધપાત્ર નુકસાન ન પણ થાય, પણ જ્યારે કોઈ ટ્રક ચલાવનાર વ્યક્તિ આવું કરે તો મોટો અકસ્માત થઈ શકે. રાજા જ્યારે ખોટો નિર્ણય લે ત્યારે સમગ્ર દેશને નુકસાન થવાની સંભાવના રહે, અને તે પણ મોટી માત્રામાં અને લાંબા સમય માટે. કોઈ નાનકડા વ્યક્તિ-સમૂહ માટે આમ ન હોય. દસ-પંદર માણસોની ટુકડીનો નેતા જ્યારે ખોટો નિર્ણય લે ત્યારે તેની અસરનો વ્યાપ એટલો ન હોય – સિવાય કે આ ટુકડી અસામાજિક તત્ત્વોની હોય.

વ્યક્તિના કોઈપણ કાર્યની અસર કેટલી અને કેવી થાય છે તે જે તે વ્યક્તિના સ્થાન ઉપર આધાર રાખે. તેની ક્ષમતા કે સામર્થ્ય જેમ વધુ, તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર જેમ વધુ, તેની સીધી અસર હેઠળ આવનાર વ્યક્તિઓની સંખ્યા જેમ વધુ, તેના નિર્ણયના આધારે લેવાનારા આગળના નિર્ણયોની શૃંખલા જેમ વધુ લાંબી, જેની ભાવનાના પડઘા પડવાની સંભાવના જેમ વધુ વિસ્તૃત, તેમ તેના દરેક કાર્ય કે નિર્ણયની અસર તીવ્ર રહેવાની. તેથી જ તેના સામર્થ્યની ઊર્જાને શિસ્તબદ્ધ કરવાની જરૂર રહે.

સિદ્ધિ પ્રાપ્ત થયા પછી, આધ્યાત્મિક ઊર્જાને ધારણ કર્યા પછી, કુંડલીની જાગ્રત થયા પછી સંયમ અને વિવેક જાળવવો વધુ જરૂરી બની રહે. ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત થયા બાદ કામ અને ક્રોધ પર કાબૂ હોવો વધુ જરૂરી છે. જ્યારે યોગિક સામર્થ્ય પ્રાપ્ત થાય ત્યારે સાત્ત્વિક ભાવ કાયમ માટે પ્રદીપ્ત રહેવો જોઈએ. પછી પરશુરામનો અણગમો કે દુર્વાસાનો ક્રોધ પણ સ્વીકાર્ય ન બને. ઈચ્છામૃત્યુ પ્રાપ્ત કર્યા બાદ ભીષ્મનું અધર્મના પક્ષે યુદ્ધ કરવું પણ યોગ્ય નથી અને અશ્ર્વત્થામાનો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ પણ પ્રશ્ર્નના દાયરામાં છે. સામર્થ્યવાન વ્યક્તિએ સાત્વિક રહેવું પડે, સૃષ્ટિના નિયમોનું વધારે નિષ્ઠાથી પાલન કરવું પડે, શાસ્ત્ર દ્વારા સૂચિત વ્યવહાર કરવો પડે, અહંકારને આધારિત દરેક નિર્ણયનો ત્યાગ કરવો પડે, દરેક પ્રકારના રાગ-દ્વેષથી પર થઈ સાક્ષીભાવે જીવન વ્યતીત કરવું પડે, અને અલિપ્તતા ધારણ કરી નિયત કર્મના સિદ્ધાંતો માટે ઉદાહરણ સ્થાપિત કરવું પડે. પછી દેહભાવ ન હોય, સમાજની સ્વીકૃતિ માટેની કામના ન હોય, કોઈપણ બાબત માટે આગ્રહ કે દુરાગ્રહ ન હોય, ન હોય પ્રવૃત્તિ માટે કોઈ ઈચ્છા કે ન હોય નિવૃત્તિ માટેના પ્રયત્નો. જે વ્યક્તિએ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, જે વ્યક્તિએ ઊર્જા મેળવી હોય, જે વ્યક્તિ ઇશ્ર્વર સાથે સીધો સંવાદ સ્થાપવા સમર્થ બની નિયતિના નિયમો સાથે એકાકાર થઈ ગયો હોય તેણે વધુ જવાબદારીપૂર્વકનું વર્તન કરવું જ પડે.

પુરાણો સાક્ષી છે કે રાક્ષસોએ સિદ્ધિ મેળવ્યા પછી તેનો ઉપયોગ પોતાની ઈચ્છા અને કામના પૂરી કરવા માટે જ કરેલો. તેનું ફળ સમગ્ર સંસારે ભોગવવું પડેલું. આ રાક્ષસોના આ પ્રકારનાં નકારાત્મક કાર્યોને અટકાવવા સ્વયં ઈશ્ર્વરે સંમિલિત થવું પડેલું. પોતાના સામર્થ્યનો ઉપયોગ કરી ઈશ્ર્વરે સૃષ્ટિમાં હકારાત્મકતાની પુન સ્થાપના માટે ભગીરથ પ્રયત્ન પણ કરવો પડેલો. સિદ્ધિ કે ઊર્જા જો નકારાત્મકતાના પ્રસાર માટે ઉપયોગમાં લેવાય તો સૃષ્ટિનાં સમીકરણો ખોરવાઇ જવાની સંભાવના પણ રહે છે.

અણિમાની સિદ્ધિ પ્રાપ્ત થયા બાદ તેનો સદુપયોગ પણ થઈ શકે અને દુરુપયોગ પણ. સિદ્ધિ કે ઊર્જા સ્વયં ક્યારેય સારી કે ખરાબ નથી હોતી. સામર્થ્ય સ્વયં ક્યારેય નકારાત્મક કે હકારાત્મક નથી હોતું. વરદાનનો ઉપયોગ કેવો કરવો તે વ્યક્તિ પર આધાર રાખે છે – સાત્ત્વિક વ્યક્તિ સાત્ત્વિકતા ધારણ કરીને તેનો ઉપયોગ કરશે જ્યારે તામસી વ્યક્તિના ઉપયોગમાં તમસનું પ્રાધાન્ય હશે. વિવેકી વ્યક્તિ સિદ્ધિનો મર્યાદિત ઉપયોગ નૈતિકતા તથા આધ્યાત્મિકતાના પ્રસાર માટે કરે જ્યારે અવિવેકી વ્યક્તિ પોતાનું આધિપત્ય સ્થાપવા કે પોતાની કામનાની પૂર્તિતા માટે કરે.

એમ જણાય છે કે સિદ્ધિ જ્યારે કોઈ સાધકને વરદાન આપવાનું નક્કી કરે ત્યારે તે વ્યક્તિની ઝીણવટ ભરેલી તપાસ થતી હશે. એટલા જ માટે સિદ્ધિ સરળ નથી. સિદ્ધિ સ્વયં સાધકની પરીક્ષા લેતી હશે, એની ચકાસણી કરતી હશે, એનું ઘડતર કરાતું હશે અને અંતે પૂર્ણ લાયકાત પ્રાપ્ત થયા બાદ તેના પર સિદ્ધિનું સ્વયં અવતરણ થતું હશે. તે પછી પણ ક્યાંક નકારાત્મકતા ઊભી થતી હોય છે. મૂળમાં વ્યક્તિ જવાબદાર છે. સિદ્ધિ મેળવવા પાછળ તેનો હેતુ કયો છે, સિદ્ધિ મેળવ્યા પછી તે કેટલી માત્રામાં સંયમિત રહી શકે છે, જ્યાં સિદ્ધિનો પ્રયોગ જરૂરી હોય ત્યાં તે વિવેક જાળવી શકે છે કે નહીં અને સૃષ્ટિનાં સમીકરણોમાં તેને વિશ્ર્વાસ છે કે નહીં જેવી બાબતોને સિદ્ધિના ઉપયોગ કે દુરુઉપયોગને નિર્ધારિત કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button