કર્મના ફળની સામે કરુણા
ચિંતન -હેમંત વાળા
ઘણાના મનમાં એ પ્રશ્ર્ન ઊભો થતો હશે કે ભિખારીને દાન આપવું જોઈએ કે નહીં. સ્થાપિત સમજ પ્રમાણે તે ભિખારી પોતાના કર્મોનું ફળ જ ભોગવતો હશે. પહેલાના કોઈ જન્મમાં અનઅધિકૃત રીતે બીજા કોઈની સંપત્તિ તેણે ખોટા માર્ગે પચાવી પાડી હશે, જેને કારણે આ જન્મમાં તે અન્નથી પણ વંચિત રહે. સૈદ્ધાંતિક રીતે વાત સાચી છે. વ્યક્તિને ભોગવવી પડતી તકલીફો પાછળ તેના પૂર્વ જન્મના કર્મ જ કારણભૂત હોય છે. ઈશ્ર્વર કોઈને અકારણ શિક્ષા નથી કરતો. કીડીને કણ અને હાથીને મણ આપનાર ઈશ્ર્વર કોઈને એક ટંકનું ભોજન પણ ન આપે એ બાબત વિચારવા જેવી તો ખરી જ. છતાં પણ આમ જોવા મળે છે. તેનું કારણ એ જ હોઈ શકે કે તે વ્યક્તિએ પૂર્વ જન્મમાં અન્નના અખૂટ ભંડાર ઉપર કબજો કરી ઘણાને અનીતિથી ભૂખ્યા રાખ્યા હશે. પ્રાપ્ત ભિખારીપણું વ્યક્તિના કર્મોનું ફળ જ હોઈ શકે. આવા સંજોગોમાં ભગવાનના ન્યાયની ઉપરવટ જઈ શું તે ભિખારીને અન્નદાન કરવું જોઈએ? શું આમ કરવાથી ક્યાંક ઈશ્ર્વરના ન્યાયમાં આપણે અડચણ તો નથી ઊભા કરતા ને.
વાત સમજવા જેવી છે. કોઈ એક કુટુંબમાં માતા-પિતા અને ભાઈ-બહેન રહે છે. નાનો ભાઈ તોફાની છે, તે તોડફોડ કરતો રહે છે. મિત્રો સાથે પણ તે કાયમ ઝઘડો કરતો હોય છે. ટૂંકમાં ઘણા પ્રસંગોમાં માતા-પિતાએ તેને શિક્ષા કરવી પડે. કોઈ એક સમયે એની મોટી શરારત માટે તેને ઘરના બાથરૂમમાં પૂરી સાંજનું ભોજન ન આપવાની સજા કરવામાં આવી. માતા-પિતા તો આ સજા માટે ચોક્કસ હોય – દ્રઢ હોય, પણ મોટી બેન દુ:ખી થાય. ઘરમાં બધા જ સૂઈ જાય પછી તે બહેન રસોડામાંથી છાનામાના થોડો ખોરાક ડબ્બામાં ભરી બાથરૂમનું બહારનું હળવેથી ખોલી નાના ભાઈને આપી દે. બહેનને એક પ્રકારની હાશ થાય કે ભાઈને જમવાનું પહોંચાડી દીધું. સવારે માતા-પિતાને રાખી મુકેલા ખોરાકની માત્રા ઓછી થયેલી જોતા ખબર તો પડે જ. તેમને એ પણ ખબર પડી જાય કે મોટી બહેને નાના ભાઈને ભૂખ્યો નથી રહેવા દીધો. માતા-પિતાને આ વાત ગમે. ભલેને તે ભાઈ શિક્ષાને લાયક હોય તો પણ બહેન દ્વારા અપાયેલ ખોરાક માટે તેમને વાંધો ન હોય. ખરેખર તો તેઓ ખુશ થાય. જિંદગીના વ્યવહારમાં પણ આમ જ હોય છે.
જેમણે ભિખારી તરીકે જન્મ લીધો હોય, કે જન્મ પછી ભિખારી પણ આને પામ્યા હોય, તે બધા જ ક્યાંક ને ક્યાંક તો કર્મનું ફળ જ ભોગવતા હોય છે. કોઈ સંપન્ન વ્યક્તિ જો તેમને અન્નદાન કરે તો ઈશ્ર્વર ચોક્કસ ખુશ થાય. કર્મના સિદ્ધાંત તેના સ્થાને છે અને માનવીય કરુણા તેના સ્થાને. કર્મના સિદ્ધાંતનું જેટલું જ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ માનવીય કરુણાનું છે.
બધી જ બાબતોને કર્મના ન્યાય તરીકે ગણીને જેમની તેમ ન છોડી દેવાય. માંદગી કોઈ કર્મથી આવી હોય કે ખોરાકથી, માંદાની સેવા કરવી એ ધર્મ છે. એમ ન કહેવાય કે તે વ્યક્તિ પોતાના કર્મોને કારણે માંદગી ભોગવે છે. કર્મના ફળમાં ફસાયેલ વ્યક્તિને મદદરૂપ થવું એ માણસાઈની સાબિતી છે. અકસ્માત પામેલ વ્યક્તિને હૉસ્પિટલ લઈ જવી પડે, સૂરદાસને રસ્તો ઓળંગવામાં મદદ કરવી પડે, મંદબુદ્ધિવાળા માણસોને માર્ગદર્શન આપવું પડે, અજ્ઞાનીને સમજાય તેવી વ્યવસ્થા ગોઠવવી પડે, ગરીબ-રાંકને સહાય કરવી પડે – ભલેને આ બધું તેમને તેમના કોઈક જન્મના કર્મને કારણે ભોગવવું પડતું હોય. એમ પણ બની શકે કે તમારી સહાય એ વ્યક્તિના કર્મફળનો પણ એક ભાગ હોય. તેના કર્મ ફળના ભોગવટામાં નરમાશ આવે એ માટે તમને નિમિત્ત બનાવવામાં આવ્યા હોય. કર્મફળના ચક્રમાં કરુણા દાખવનાર વ્યક્તિ એક ભાગ હોય તેમ માની શકાય.
ઈશ્ર્વર માંદગી આપે છે અને સાથે સમાજમાં તબીબ પણ હાજર રાખે છે. ઈશ્ર્વર ગરીબી આપે છે તો સાથે સમાજમાં દાનવીર પણ હોય છે. ઈશ્ર્વર અજ્ઞાનતા આપે તો સાથે સાથે જ્ઞાની સાથે સત્સંગના સંજોગો પણ ઊભા કરે. ઈશ્ર્વર ઘા આપે તો સાથે દવા પણ આપી જ છે. ઈશ્ર્વરની લીલા અકળ છે. એટલા જ માટે કર્મ ફળના સમીકરણો પણ અકળ બની જાય છે. ખબર નથી પડતી કયો નિર્ણય ક્યાં કેવી રીતના લેવાતો હોય છે. અને તેટલા જ માટે કર્મફળના નિર્ણયની આંટીઘૂંટીમાં પડવાને બદલે ક્ષમતા પ્રમાણે કરુણા દાખલવી એ જ નિમિત્ત કર્મ છે.
દૈવી સંપત્તિમાં કરુણા અગત્યનો ઘટક છે. જીવનનિર્વાહ માટે કે જીવન બચાવવા માટે જે ન્યૂનતમ બાબતો જરૂરી છે તેની માટે સદાય અન્યને મદદરૂપ થવું એટલે કરુણા. અન્યની લાચાર પરિસ્થિતિ દૂર કરવામાં પોતાનો કોઈક ભોગ આપવો એટલે કરુણા. કોઈકના દુ:ખની સાથે તાદાત્યતા અનુભવી તેને સાથ આપવો એટલે કરુણા. અસમર્થ તથા વંચિતને ટુકડામાંથી ટુકડો આપવો એટલે કરુણા. ઈશ્ર્વરનું પ્રત્યેક સર્જન તેને વહાલું હોય. ઈશ્ર્વર ક્યારેય નહીં ઈચ્છે કે કોઈપણ વ્યક્તિ દુ:ખી થાય કે વંચિત રહે. આ તો કુદરતના નિયમો પ્રમાણે વ્યવહાર ચાલે, તો પણ પોતાના દરેક સર્જન માટે જો કરુણા વ્યાપેલી રહે તો ઈશ્ર્વરને સારું જ લાગે. ઈશ્ર્વર સ્વયં સર્વનો મિત્ર અને સુહૃદયી છે. તે સ્વયં કરુણા સાગર છે. માનવી આવી જ રીતે સર્વનો મિત્ર, સુહૃદયી તથા કરુણાસભર રહે એ ઇચ્છનીય છે. ભલે કોઈ વ્યક્તિ તેના કર્મને કારણે મુશ્કેલીમાં છે પણ સમાજે તે મુશ્કેલી હળવી થાય તેવો પ્રયત્ન કરવો રહ્યો.