ધર્મતેજ

સ્વચ્છતા ત્યાં પ્રભુતા

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં નિ:સ્પૃહી ભક્તના ગુણો બતાવીને હવે ભગવાન કૃષ્ણ આન્તર્બાહ્ય સ્વચ્છતાને ભક્તનું લક્ષણ બતાવે છે, તે સમજીએ.
શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે-
“અણક્ષજ્ઞર્ષીં યૂરુખડૃષ ઈડળલણિળજ્ઞ ઉંટવ્રર્રૂીં
લમળૃફબ્ધક્ષફિટ્ટ્રૂળઉિં ્રૂળજ્ઞ પર્થ્ુીં લ પજ્ઞ રુર્પ્રીં ॥ ૧૨/૧૬॥
મારો જે ભક્ત લૌકિક અપેક્ષા વગરનો, પવિત્ર, ભગવદ્ ભક્તિમાં નિપુણ, સંસાર પ્રત્યે ઉદાસીન, દુ:ખરહિત તથા પરમાત્માના સબંધ વિનાના બધાં જ કર્મોનો ત્યાગ કરનાર છે, તે મને પ્રિય છે.
આજે ‘યૂરુખ’ એટેલે કે પવિત્રતા ગુણને સમજીએ. પવિત્રતા શબ્દ વિસ્તૃત અર્થ ધરાવે છે. અહીં બાહ્ય તથા આંતરિક બંને પ્રકારની નિર્મળતાની ભગવાન વાત કરે છે. આંતરિક શુદ્ધિ એટલે કામ, ક્રોધ, લોભ, લાલચ વગેરે વિકારોથી શુદ્ધ આંતરમન. પરમાત્મામાં તલ્લીન એવા ભક્તમાં આવી આંતરિક અશુદ્ધિ ક્યાંથી ટકે? સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે “આંતરિક શુદ્ધતા બાહ્ય કરતાં વધુ મૂલ્યવાન છે, પરંતુ બંને જરૂરી છે. આંતરિક વિના બાહ્ય શુદ્ધતા કોઈ કામની નથી. ભારતીય શાસ્ત્રો પાંચ પ્રકારની શુદ્ધિની વાત કરે છે – કર્મશુદ્ધિ, શીલશુદ્ધિ, વાક્શુદ્ધિ, મન:શુદ્ધિ અને શરીરશુદ્ધિ. ભગવાનના સાચા ભક્તમાં દેહ તથા મન ઉપરાંત નિષ્કામ કર્મ દ્વારા કર્મમાં, સદાચાર પાલન દ્વારા શીલમાં અને સત્ય, પ્રિય અને હિતકર વાણી દ્વારા વાણીમાં પણ શુચિતા વણાયેલી હોય છે. વાણી પરથી વ્યક્તિનું ચરિત્ર મપાય છે. ભગવાનને ભજતાં ભક્તની વાણીમાં રાગદ્વેષ તો ક્યાંથી હોય? અને મુખમાં અપશબ્દોની હાજરી ક્યાંથી શોભે? આવાં ભક્તની લાક્ષણિકતા એ છે કે તેઓ અન્યને પણ પવિત્ર જીવન જીવવા પ્રેરિત કરે છે. અનેક લોકો તેમના સંગે પવિત્ર જીવન જીવી આધ્યાત્મિક સાધનામાં આગળ વધે છે. મહર્ષિ અરવિંદ કહેતા “એક વ્યક્તિની પવિત્રતા આખા વિશ્ર્વને બચાવે છે.

સાચો ભક્ત પોતાના દેહનો અનાદર તો કરે જ છે, પણ તેની આડમાં શરીરશુદ્ધિમાં જરા પણ બાંધછોડ નથી કરતો. કારણકે આ મનુષ્યદેહ પરમાત્માને પામવાનું સાધન છે. આ દેહ દ્વારા જ ભગવાનનું પૂજન-અર્ચન, થાળ વગેરે વિવિધ પ્રકારની ભક્તિ થતી હોય છે. એટલે તેની શુદ્ધિ પણ અતિ આવશ્યક છે. જ્યાં આવા ભક્તો સવારમાં સ્નાનાદિક અને પૂજા કર્યા વગર મુખમાં પાણી પણ મુકતા નથી, ત્યારે આવા ભક્તના જીવનમાં કોઈ વ્યસનોને સ્થાન તો ક્યાંથી હોય? તેઓ માત્ર દેહને જ નહી પરંતુ આસપાસના વાતાવરણને પણ શુદ્ધ રાખવાના આગ્રહી હોય છે. રસોઈ, પાણી, દૂધ વગેરેમાં પણ શુદ્ધતાનો આગ્રહ રખાય છે.

આપણે આધુનિક સમયમાં સ્વચ્છતાના લાભ જાણીએ છીએ. તેમાં ઘણીવાર પોતાના માટે તો સ્વચ્છતાનો આગ્રહ રખાય. પણ બીજા માટે, પરિસર કે સમુદાયમાં શુદ્ધિનો આગ્રહ થોડો મોળો પડતો જોવા મળે છે. પાડોશીનો વિચાર આપણી સ્વચ્છતાની સીમા રેખાથી બહાર જતો જાય છે. તેથી જાહેર જનતા માટેની સ્વચ્છતા પ્રત્યે મોટે ભાગે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળે છે. ટ્રેનના ડબ્બા હોય કે દરિયા કિનારો હોય, રસ્તો હોય કે પબ્લિક બિલ્ડિંગની સીડીઓ હોય, દરેક જગ્યાએ આપણને પાણીની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ, પાન-મસાલા થૂંકેલા જોવા મળે છે. અરે! ધર્મસ્થાનોને પણ લોકો નથી છોડતા. અન્યની માટે પણ જ્યારે સ્વચ્છતા જળવાય, અરે! અન્યએ બગાડેલી જગ્યા કે વસ્તુને પણ જ્યારે સાફ કરતાં અચકાય નહીં તે સાચા ભક્તનું લક્ષણ છે. જેમ વ્યક્તિ મોટા અમલદારો કે ધનપતિઓ સાથે કેવી રીતે વર્તે છે તેના પરથી નહીં પણ તેઓ સામાન્ય ડ્રાઇવર કે મજૂર સાથે કેવી રીતે વર્તે છે તેના પરથી તેનું વ્યક્તિત્વ જણાય છે, તેમ આધ્યાત્મિક ગણાતી વ્યક્તિઓ, તેઓ અતિ સામાન્ય લાગતી બાબતમાં કેવી રીતે વર્તે છે તેના પરથી તેમની આધ્યાત્મિક ઊંચાઈ મપાય છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજને ૫૧મા જન્મદિન નિમિત્તે ધર્મજ ગામે હરિભક્તો દૂર દૂરથી આવ્યા હતા. સ્વામીશ્રી રોજની જેમ વહેલી સવારે જાગ્યા. દાતણ કરતા તેમણે જોયું કે સામે ચોકમાં લોકોએ દાતણ કરીને ફેંકેલી દાતણની ચીરીઓ વેરાયેલી પડી છે. સ્વામીશ્રીએ કોઈને કંઈ કહ્યા વગર એ એંઠી દાતણની ચીરીઓ પોતે ઉપાડવા માંડી અને ભેગી કરી કચરાની ટોપલીમાં નાખી બધું સાફ કરી નાખ્યું. તેઓ કહેતા કે “અંતર ચોખ્ખું કરવું હોય તો પહેલાં બહારની ચોખ્ખાઈથી શરૂઆત કરવી પડે.

જેમ સોનાને કાટ નથી લાગતો, તે ક્યારેય સડતું નથી તેમ આવાં સંતોને તન-મનની મલિનતા ક્યારેય સ્પર્શી શકતી નથી. આવાં સંતોને સોનાની ઉપમા આપતાં કોઈ કવિએ ગાયું છે – “સોનાને ક્યાંથી લાગે કાટ હો સંસારી માનવા સોનાને ક્યાંથી લાગે કાટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button