ભાઇચારાની સંસ્કૃતિનું વૈશ્ર્વિક પર્વ ક્રિસમસ
નાતાલ -ધીરજ બસાક
દુનિયાભરમાં પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મનાવવામાં આવે છે. ઇશુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તીઓ ક્રિસમસની ઉજવણી કરે છે, પરંતુ અન્ય ધર્મના લોકો પણ ભાઇચારો વધારનારા આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.
ભારતમાં હિંદુઓ પણ ક્રિસમસની ઉજવણીમાં મોટા પાયે ભાગ લે છે. દુનિયામાં અંદાજે ૨.૨૦ અબજ ખ્રિસ્તી લોકો છે. તેઓની સાથે બીજા ધર્મના આશરે પચાસ કરોડ લોકો નાતાલની ઉજવણીમાં સહભાગી થાય છે એટલે કે આ તહેવારની અંદાજે પોણાત્રણ અબજ લોકો ઉજવણી કરે છે. આ સાથે ક્રિસમસ સૌથી મોટી સંખ્યામાં લોકો દ્વારા ઊજવાતો તહેવાર બની ગયો છે.
ઇદની ઉજવણી અંદાજે બે અબજ મુસલમાન દ્વારા કરાય છે અને તે જનસંખ્યાની સરખામણીમાં બીજા
ક્રમે છે.
ક્રિસમસ ખ્રિસ્તી લોકોનો સૌથી મોટો અને સૌથી વધુ મહત્ત્વનો તહેવાર ગણાય છે.
બેથલેહેમમાં મેરી અને જોસેફને ત્યાં પચીસ ડિસેમ્બરે જિસસ ક્રાઇસ્ટનો જન્મ થયો હતો. સન ૨૨૧માં ખ્રિસ્તી યાત્રી સેક્સટસ જૂલિયસ આફ્રિકનસે પહેલી વખત પચીસ ડિસેમ્બરે જિજસનો જન્મદિવસ ક્રિસમસ તરીકે મનાવ્યો હતો અને ત્યારથી ખ્રિસ્તીઓ દ્વારા ધીરે ધીરે વિશ્ર્વભરમાં તેની ઉજવણી શરૂ થઇ હતી. સેક્સટસ જૂલિયસ આફ્રિકનસે બીજી સદીના અંતથી ત્રીજી સદીના પ્રારંભ સુધીનો ઇતિહાસ પણ લખ્યો હતો.
ક્રિસમસમાં કોઇ કટ્ટર ધાર્મિક આગ્રહ રાખવામાં આવતો નહિ હોવાથી તેની ઉજવણીમાં અન્ય ધર્મના લોકો પણ ઉત્સાહથી જોડાય છે અને આનંદ મનાવે છે.
ખ્રિસ્તીઓ ક્રિસમસમાં સાંજે ચર્ચમાં જઇને મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે. બાળકો પણ નાતાલની આતુરતાપૂર્વક રાહ જુએ છે. ક્રિસમસમાં રાતે સાંતાક્લોઝના પહેરવેશમાં આવતી વ્યક્તિઓ બાળકોને ચોકલેટ અને અન્ય ભેટ આપે છે.
લોકો દ્વારા આ દિવસે ખાસ ગીત ગવાય છે અને ક્રિસમસ ટ્રી (વૃક્ષ)ને નાના બૉલ અને રમકડાંથી શણગારવામાં આવે છે. ભારતમાં દિવાળીમાં જે રીતે મોટા પાયે ખરીદી કરાય છે, એ પ્રમાણે અમેરિકા અને યુરોપના દેશોમાં ક્રિસમસનું શૉપિંગ કરાય છે. બજારોમાં ખાસ રોનક જોવા મળે છે અને અબજો રૂપિયાની ખરીદી થાય છે. આ ખરીદીની રકમ બધા આફ્રિકી દેશોના વાર્ષિક બજેટથી પણ વધુ હોય છે.
ક્રિસમસમાં અનેક ઠેકાણે રોશની અને આતશબાજી કરાય છે તેમ જ લોકો ભેટની આપલે કરે છે. આ ઉપરાંત, કેક અને બીજી મીઠાઇઓ વહેંચવામાં આવે છે.
-ઇમેજ રિફ્લેક્શન સેન્ટર.