ધર્મતેજ

પરમ સત્ય છે જગતનું કારણ

ચિંતન – હેમુ-ભીખુ

બ્રહ્મસૂત્રનું આ સત્ય છે. જગતના આધારને, જગતના કારણને અહીં પરમ સત્ય તરીકે નિર્દેશિત કરાયું છે. સાથે સાથે આ પરમ સત્ય આનંદ સ્વરૂપ પણ છે તેમ પણ સ્થાપિત કરાયું છે. સત્ય આનંદ સ્વરૂપ છે અને પરમ આનંદનો આધાર સત્ય છે – અને આ તત્ત્વ તે બ્રહ્મ.

સ્વાભાવિક છે કે બ્રહ્મસૂત્રમાં કેન્દ્રસ્થાને બ્રહ્મ હોય. વાસ્તવમાં સમગ્ર સનાતની આધ્યાત્મિક પરંપરાના કેન્દ્રમાં બ્રહ્મ છે. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે જે જોતું નથી પણ જેના કારણે જોઈ શકાય છે, જે બોલતું નથી પણ જેના કારણે બોલી શકાય છે, જે વિચારતું નથી પણ વિચારવાની પ્રક્રિયા તેની હાજરીને કારણે જ સંભવ બને છે; તે બ્રહ્મ છે.

જે ધબકતું નથી પણ ધબકારનું જે કારણ છે, જેને સ્મૃતિ નથી પણ જેને કારણે સ્મૃતિ સંભવ બને છે, જે કાર્યરત નથી પણ સૃષ્ટિનું દરેક કાર્ય જેને કારણે અસ્તિત્વમાં આવે છે, જે સર્જન કરતું નથી પણ જેને કારણે સર્જન સંભવી શકે છે, જે કર્તા નથી પરંતુ કર્તાપણું જેને કારણે અસ્તિત્વમાં આવે છે; તે બ્રહ્મ છે. આ પ્રકારની ધારણા થકી જ બ્રહ્મની ઓળખ થઈ શકે.
સમગ્રતાનુ કારણ હોવા છતાં તે કશાનું કારણ નથી. તે અલિપ્ત છે. બધા સાથે તેનો સંબંધ હોવા છતાં તે સર્વ પ્રકારના સંબંધથી પર છે. પોતે નિર્ગુણ હોવા છતાં સમગ્ર ગુણાત્મક સંસારના અસ્તિત્વ પાછળનું કારણ છે. પોતે નિરાકાર હોવા છતાં તેની અધ્યક્ષતા હેઠળ દરેક આકાર, દરેક રંગ, દરેક રૂપનું સર્જન થયા કરે છે. સમય, સ્થળ અને સ્થિતિથી તેનું અસ્તિત્વ પર હોવા છતાં તે આ ત્રણેયના સર્જનનું કારણ બની રહે છે. નિષ્ક્રિય રહીને પણ તે તેના અધિકાર ક્ષેત્રમાં કર્મના સિદ્ધાંતની તરફેણ કરે છે.

હોવા છતાં તે દેખાતું નથી. સર્જનમાં તે મૂળભૂત છે છતાં વર્તાતું નથી. સૌથી નજીક – ચારે બાજુ હોવા છતાં તેના વિશે માત્ર ધારણા કરવી પડે છે. તેની અધ્યક્ષતાની – સત્તાની પ્રતીતિ થવા છતાં તે અધ્યક્ષને પ્રત્યક્ષ નથી કરી શકાતો. તેની આવી જ પ્રકૃતિને કારણે તે જગતનો આધાર હોવા છતાં જાણે સમગ્ર જગતથી ભિન્ન હોય તે રીતે વર્તાય છે. તેની ઓળખ અઘરી છે. તે બુદ્ધિના ક્ષેત્રની બહારનો વિષય છે. તે ઇન્દ્રિયગામી નથી અને મનની પહોંચમાં પણ નથી. તેના દ્વારા સર્જાયેલ કોઈપણ બાબત તેને સમજવા સમર્થ નથી. આમ પણ સર્જન ક્યારેય સર્જકનો તાગ ન મેળવી શકે.

બ્રહ્મ સર્જક છે. બ્રહ્મ પોષક છે. પ્રેરણા પણ તે છે અને ચાલક પણ તે જ છે. સમય આવે તે સંહારક બની જાય છે. જે સૃષ્ટિનું તે ક્ષણભરમાં સર્જન કરવા સમર્થ છે તે જ સૃષ્ટિનો તેટલા જ સમયગાળામાં સંહાર કરવા પણ તે સક્ષમ છે. નથી તેને સર્જન પ્રત્યે લગાવ કે નથી તેને સંહાર પ્રત્યે અ-લગાવ.

તેની માટે માત્ર હોવાપણું છે. તે સ્વયંનો આધાર છે. તેને અસ્તિત્વ માટે કોઈપણ અવલંબનની જરૂર નથી. તે સ્વયંનું કારણ છે. તે પોતે જ પોતાની માટે પુષ છે અને સાથે સાથે તે પોતે જ પોતાની પ્રકૃતિ પણ છે. તેનું સમગ્ર અસ્તિત્વ તેનામાં જ સમાયેલું છે. તે સ્વયંમાંથી ઉદ્ભવે છે – અથવા તો સ્વયંના ઉદ્ભવ પહેલા પણ તેનું અસ્તિત્વ હતું અને સ્વયંના લય પછી પણ તેનું અસ્તિત્વ કાયમ રહેશે. જે સર્વથા, સદાકાળ શાશ્વત છે. તે નિત્ય, અખંડ, અનંત, અનાદિ છે. તે પૂર્ણ છે અને પૂર્ણતાનો પર્યાય પણ.

તેના સ્વભાવને જ આધ્યાત્મ કહેવાય છે. તેની નિર્દોષતા અને તેની પ્રકૃતિના પ્રભાવને કારણે સૃષ્ટિનું સર્જન થાય છે. આ સર્જન પાછળ નથી હોતો કોઈ હેતુ, આ તો બસ થઈ જાય છે. નાના નિર્દોષ બાળક દ્વારા આચરવામાં આવેલ ચેષ્ટા સમાન પ્રક્રિયાથી ઉદ્ભવતી આ સૃષ્ટિ છે. પરંતુ તેના પાલનમાં અને સંહારમાં નિર્દોષતા નથી, નિયમો છે, સિદ્ધાંત છે, સત્ય છે, ધર્મ છે, વિવેક છે અને સાતત્યતા છે. સર્જનમાં કશું જ નિયંત્રણની બહાર નથી. આ નિયંત્રણ બ્રહ્મનો અધિકાર પણ છે અને તેની ફરજ પણ.

સૃષ્ટિનું એવું એક પણ અસ્તિત્વ નહીં હોય કે જેની પર તેની નજર ન હોય, છતાં પણ તે કશું જોતો નથી. સૃષ્ટિમાં એવું એક પણ કાર્ય સંભવી ન શકે કે જેમાં તેની મંજૂરી ન હોય, છતાં પણ પ્રત્યેક કાર્ય માત્ર પ્રકૃતિના નિયમોને આધારે જ અસ્તિત્વમાં આવે છે. સૃષ્ટિમાં એવું એક પણ પરિણામ ન હોય કે જેની પર તેની મહોર ન લાગી હોય, છતાં પણ તે બ્રહ્મ ક્યારેય પરિણામ-લક્ષી નથી.

સૃષ્ટિની દરેક વિવિધતા તેને કારણે ઉદ્ભવતી હોય તો પણ તે એક રસ અને એક રૂપ છે. ખંડ ખંડમાં વિભાજિત થયેલું લાગતું તેનું અસ્તિત્વ અખંડ હોય છે. તે સમરસ હોવા છતાં તેને કારણે ઉદ્ભવતા સૃષ્ટિના તમામ તત્ત્વોમાં ભિન્નતા વણાયેલી હોય છે. નાશવંત સૃષ્ટિના આધાર સમું તે બ્રહ્મ શાશ્વત
હોય છે.
સત્ય સ્વરૂપ હોવા છતાં તેના જ સામ્રાજ્યમાં ક્યારેક અસત્ય સ્થાપિત થતું લાગે છે. પોતે આનંદ સ્વરૂપ હોવા છતાં તેના સંસારમાં દુ:ખનો પડછાયો પણ દેખાતો હોય છે. સર્વજ્ઞ દ્વારા પ્રેરિત આ સૃષ્ટિમાં અજ્ઞાનનું પણ અસ્તિત્વ છે. જન્મનું કારણ હોવા સાથે તે મૃત્યુનું નિમિત્ત પણ છે. આવો જણાતો વિરોધાભાસ એ સૃષ્ટિ માટેનું અજ્ઞાન તથા સૃષ્ટિમાં પ્રવર્તમાન પ્રપંચનું પરિણામ છે.

બ્રહ્મ તો દરેક પ્રકારના દ્વન્દ્વથી પર છે. અહીં નથી કોઈ પ્રકારનો ભેદ કે નથી કોઈ ઘટના માટે તરફેણ. જ્યાં બધું એકત્વને પામેલું હોય ત્યાં કોઈપણ પ્રકારની ભિન્નતા શક્ય નથી. બ્રહ્મ એકત્વનું પ્રતિનિધિ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…