ચહેરા મોહરા -પ્રકરણ: 5
પ્રફુલ્લ કાનાબાર
જો ભાઈ, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આ કામમાં જીવનું જોખમ છે. એક એક ડાયમંડની કિંમત લાખોમાં હોય છે. આ તો આપણી પેઢીની બજારમાં શાખ સારી છે… તેથી શહેરના મોટા જ્વેલર્સ આપણી જ આંગડિયા સર્વિસને આવાં જોખમી કામ આપે છે. આજ સુધી આપણે ત્યાંથી કોઈ માલ ખોવાયો કે ચોરાયો નથી.
‘શિવાની, કાયદો જો એક ખૂન માફ કરતો હોય તો હું સૌથી પહેલું ખૂન મારા નાલાયક બાપનું જ કરી દઉં…..!’ સોહમના ચહેરા પર માને હંમેશાં હેરાન કરતા પિતા પ્રત્યેની નફરત છવાઈ ગઈ હતી. ગુસ્સાથી તેનો ગોરો ચહેરો લાલ થઈ ગયો હતો. ‘સોહમ, હું સારી રીતે જાણું છું કે તારા મનમાં પિતા પ્રત્યેની નફરતનો દરિયો ઊછળી રહ્યો છે, પણ તું જે વિચારે છે એ તેનો ઉપાય નથી.’
‘તો શું ઉપાય છે?’ સોહમની બંને હાથની મુઠ્ઠીઓ હજુ પણ ગુસ્સાથી વળેલી જ હતી. તેની લાલ થઈ ગયેલી આંખોમાં જાણે કે લાવા ઊછળતો હતો! ‘જો, કોઈકે સાચું જ કહ્યું છે કે જીવનમાં એ વ્યક્તિને માફ કરી દો, જેનું ખૂન કરવાની તમને ઇચ્છા થતી હોય. કોઈની સાથે બદલો લેવામાં બહાદુરી નથી, પરંતુ એવી વ્યક્તિને માફ કરી દેવામાં બહાદુરી છે.’ સોહમ નીચું જોઈ ગયો. જોકે તેનો ગુસ્સો તો હજુ અકબંધ જ હતો. શિવાનીએ તેના જમણા હાથ વડે સોહમનો ચહેરો ઊંચો કરીને કહ્યું: ‘મેં તને કેટલી વાર કહ્યું છે કે ગુસ્સામાં તું જરા પણ સારો નથી લાગતો.’ આ સાંભળીને સોહમના ચહેરા પર સ્મિત રમી ગયું એ જોઈને શિવાની તેને પ્રેમથી વળગી પડી.
બે દિવસ બાદ સોહમને એક શ્રોફ અને આંગડિયાની પેઢીમાં નોકરી મળી ગઈ હતી. સોહમને ઑફિસમાં બેસીને બિલો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સતત નવ-દસ કલાકની નોકરીને કારણે હવે સોહમ પાસે શિવાનીને મળવાનો સમય પણ રહેતો નહોતો. રવિવારે ઘરની બહાર નીકળવા માટે શિવાની પાસે કોઈ બહાનું રહેતું નહી પરિણામે એ બંન્નેનું મળવાનું ઓછું થઈ ગયું હતું.
સોહમ જે ઑફિસમાં હતો ત્યાં મનોહર નામનો એક યુવાન પણ કામ કરતો હતો. મનોહર એટલે શેઠનો ખાસ વિશ્વાસુ માણસ. સુરત અને મુંબઈ સુધી કાયમ મોટી રકમની કેશ પહોંચાડવા મનોહર જ જતો.
એક વાર સોહમ અને મનોહર ઑફિસમાં એકલા હતા ત્યારે મનોહરે કહ્યું હતું: ‘સોહમ, આમ ક્યાં સુધી ટૂંકા પગારમાં બિલો બનાવતો રહીશ? મારી જેમ બહારનું કામ પણ કરવા માંડ તો થોડા વધારે પૈસા મળશે. તારું કામ જોઈને શેઠ પગાર પણ વધારી આપશે.’ ‘મનોહરભાઈ, તમારા કામમાં તો જોખમ પણ ખૂબ હોય છે ને? એક વાર ટ્રેનમાં તમારી પાછળ ગુંડાઓ પડી ગયા હતા અને તમે જીવના જોખમે દસ લાખ બચાવ્યા હતા એ વાત મેં શેઠ પાસેથી જ સાંભળી છે.’
‘હા એ વાત સાચી છે. એ દિવસે બે ગુંડા મારી પાછળ પડી ગયા હતા. હું કાળુપુર રેલવે સ્ટેશને પહોંચ્યો ત્યારે બ્લેક પેન્ટ અને તેવા જ કલરનું ટી-શર્ટ પહેરેલો પાંત્રીસેક આસપાસનો એક માણસ મને તાકી રહ્યો હતો. હું વધારે સતર્ક બની ગયો હતો. મારી બ્રિફકેસમાં દસ લાખ રૂપિયા હતા.’ ‘પછી?’ મનોહરની વાતમાં સોહમને રસ પડયો.
‘મણીનગર સ્ટેશનથી એક હટ્ટોકટ્ટો માણસ ચડયો અને મારી સામેની સીટ પર જ બેઠો. થોડી વાર બાદ અચાનક મારું ધ્યાન પડ્યું તો પેલો કાળુપુર રેલવે સ્ટેશને મને તાકી રહેલો માણસ મારી બાજુમાં જ આવીને બેસી ગયો. મારી સિકસ્થ સેન્સ કહી રહી હતી કે એ મારી બરોબર સામે બેઠેલાનો સાગરીત જ હતો. હું બ્રિફકેસ સાથે ટૉઇલેટમાં જવાને બહાને ઝડપથી ચાલીને એક ડબ્બામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજા ડબ્બામાં પહોંચી ગયો. મેં પાછળ જોયું તો એ લોકો મારો પીછો કરી રહ્યા હતા. હું તેમની નજર ચૂકવીને એક ટૉઇલેટમાં ઘૂસી ગયો. દસેક મિનિટ બાદ બહાર નીકળીને વિરુધ્ધ દિશામાં ડબ્બા બદલવા લાગ્યો. એટલામાં નડિયાદ આવ્યું. હું લાગ જોઈને ટ્રેનમાંથી ઊતરી
ગયો, પણ પેલા બન્નેને અણસાર આવી ગયો હોવો જોઈએ તેથી એ ડબ્બાના દરવાજા પાસે ઊભા રહીને નડિયાદના પ્લૅટફૉર્મ પર
નજર રાખી રહ્યા હતા. ટ્રેન ધીમે ધીમે પ્લૅટફૉર્મ છોડી રહી હતી. હું તેમના ધ્યાનમાં આવી ગયો. બંને ધીમી ગતિએ જઈ રહેલી ટ્રેનમાંથી ઊતરીને મારી પાછળ ઝડપથી ચાલવા લાગ્યા. હું દોડવા લાગ્યો. એ લોકો પણ મારો પીછો કરતાં કરતાં દોડવા લાગ્યા.
મારી મતિ મૂંઝાઈ ગઈ હતી. અચાનક મારું ધ્યાન વેઈટિંગ રૂમની બહાર ઊભેલા બે હથિયારધારી રેલવે પોલીસ પર પડ્યું. હું તેમની પાસે પહોંચી ગયો. હવે પેલા બંને ગુંડા સહેજ મૂંઝાઈને ત્યાં ઊભા રહી ગયા. મેં રેલવે પોલીસવાળાને મારી વાત ટૂંકમાં કહી. બંને પોલીસ ત્વરિત ગતિએ પેલા બંને ગુંડાઓ તરફ દોડ્યા અને એમને પકડી પાડ્યા. શરૂઆતમાં તો બંને ગુંડા ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા. પ્લૅટફૉર્મ પર ટોળું ભેગું થઈ ગયું. આખરે એ બંનેને ઝડપી લેવામાં આવ્યા. જોકે પુરાવાના અભાવે એ બંને કોર્ટમાં છૂટી ગયા. બસ, એ દિવસથી હું શેઠનો સૌથી વિશ્વાસુ માણસ બની ગયો…’
‘મનોહરભાઈ, એ બંનેને કેવી રીતે ખબર પડી હશે કે તમારી બ્રિફકેસમાં દસ લાખ જેવડી મોટી રકમ હતી?’ ‘સોહમ, આટલાં વર્ષો બાદ ખુદ મને પણ એ વાતની ખબર પડી નથી.’ મનોહર બીડી સળગાવીને ધીમે ધીમે કસ લઈ રહ્યો. સમય વિતતો ગયો. શિવાનીનું પણ કૉલેજનું ભણવાનું પૂરું થઈ ગયું હતું. એને સરકારી નોકરી મળી ગઈ હતી. એક વાર બંને – સોહમ અને શિવાની રિવરફ્રન્ટની પાળે બેઠાં હતાં ત્યારે સોહમે વાત વાતમાં કહ્યું હતું: ‘શિવાની, તારો પગાર તો મારા પગાર કરતાં ખાસ્સો વધારે છે.’ ‘તું તો કહેતો હતો ને કે શેઠે તને કામમાં ચેન્જની ઑફર કરી છે. એને કારણે તારો પગાર ડબલ કરી આપશે.’ ‘હા.. પણ એ ચેન્જ જોખમી છે.’
‘મતલબ?’ ‘મતલબ એમ કે મારે ઑફિસમાં બેસીને બિલો બનાવવાનું છોડીને સુરત, મુંબઈ સુધી કેશ અને ડાયમંડ પહોંચાડવા જવાનું થાય. બસ, એ જોખમ સાચવીને પહોંચાડવાનો જ ડબલ પગાર મળે. જોકે હજુ મેં હા નથી પાડી.’ ‘સોહમ, ભલે તારે ટૂરિંગ વધારે રહે, પણ પગાર ડબલ થતો હોય તો હા પાડી જ દેજે.’ બીજે દિવસે આંગડિયા કંપનીના માલિક પાસે જઈને સામેથી જ સોહમે કહ્યું હતું: ‘હું બહારનું કામ લેવા તૈયાર છું.’
‘જો ભાઈ સોહમ, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આ કામમાં જીવનું જોખમ છે. એક એક ડાયમંડની કિંમત લાખોમાં હોય છે. આ તો આપણી પેઢીની બજારમાં શાખ સારી છે તથા સૌ કોઈને અતૂટ ભરોસો છે તેથી શહેરના મોટા જ્વેલર્સ આપણી જ આંગડિયા સર્વિસને કામ આપે છે. આજ સુધી આપણે ત્યાંથી કોઈ માલ ખોવાયો કે ચોરાયો નથી. ઘણા સમયથી તને વફાદારીપૂર્વક કામ કરતો જોઉં છું તેથી જ મેં તને ઑફર કરી હતી.’ ‘જાણું છું સર, મારે પણ પગાર વધારાની તાતી જરૂરિયાત છે.’ સોહમે નમ્રતાપૂર્વક કહ્યું હતું.
બે દિવસ બાદ સોહમને એ જોખમી કામ સોંપીને પગારવધારો આપી દેવામાં આવ્યો હતો. સોહમ બીજે દિવસે બપોરે પેંડાનું બૉક્સ લઈને ઘરે આવ્યો હતો. હજુ તો સોહમ અધખુલ્લો દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશે ત્યાં જ તેના કાને માનો અવાજ સંભળાયો. મા પિતા સમક્ષ કરગરી રહી હતી: ‘તમને મારા સમ છે. આ વાતનો સોહમને અણસાર પણ આવવા ન દેશો.’ સોહમના પગ થંભી ગયા હતા. મા બોલી રહી હતી: ‘આજ સુધી કાયમ તમે દારૂના પૈસા મારા હાથમાંથી ઝૂંટવીને લઈ ગયા છો. મારાથી સહન થાય તેટલું સહન કરતી આવી છું. બિચારો સોહમ પણ પૈસાના અભાવે ભણવાનું છોડીને નોકરીએ લાગી ગયો છે.’
સોહમ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો. અત્યારે પિતા નશામાં નહોતા: ‘મારે ગણપતનું હજાર ઉપરનું બિલ ચડી ગયું છે. એ કહે છે કે હવે આગલી ઉધારી ભરો તો જ દારૂ મળશે. જો અત્યારે ને અત્યારે તું મને હજાર રૂપિયા આપી દઈશ તો હું સોહમને ક્યારેય નહીં કહું કે એ મારો દીકરો નથી!’ માતા અને પિતાની આ વાત સાંભળીને સોહમના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી. તે મનમાં જ વિચારી રહ્યો: જો, આ મારા બાપુ નથી તો મારો અસલી બાપ કોણ?! (ક્રમશ:)