ધર્મતેજ

ચહેરા મોહરા -પ્રકરણ: 11



પ્રફુલ્લ કાનાબાર

મારે ભગવાનના આ ફોટાનું કોઈ કામ નથી… તેના ભરોસે તો હું માને મૂકીને ગયો હતો, પણ તેણે મને દગો આપ્યો… એવા ભગવાનનું કાંઈ કામ નથી જે મારી માની રક્ષા ન કરી શક્યો ! શિવાનીએ આપેલા આઘાતના આંચકામાંથી સોહમ હજુ તો બહાર આવે તે પહેલાં તેના દિલને વધુ એક ધક્કો લાગે તેવા આઘાતજનક સમાચાર તેને મળ્યા હતા….

જીવનમાં કેટલીક વાર માણસ પર વેદના વાવાઝોડાની જેમ ત્રાટકતી હોય છે. માણસ ધારે તો પણ બેઠો થઇ શકતો નથી. સોહમની પણ જેલમાં ગયા બાદ એ જ દશા હતી. એક વાર સોહમ જમીન પર બંને ઘૂંટણ પર માથું ટેકવીને વિચારશૂન્ય અવસ્થામાં બેઠો હતો ત્યાં અચાનક સંત્રીએ સોહમના બેરેક પાસે આવીને કહ્યું હતું :
‘તને કોઈક મળવા આવ્યું છે.’

સોહમને નવાઈ લાગી હતી… કોણ મળવા આવ્યું હશે? મા હશે? સોહમે આશ્ર્ચર્યથી સંત્રી સામે જોયું હતું. સોહમ ઊભો થઈને ધીમા પગલે સળિયા સુધી આવ્યો હતો. સોહમે જોયું કે સામેથી પરિસરમાં પડોશમાં રહેતાં સરિતાબહેન અને તેના પતિ કરસનભાઈ બેરેક તરફ આવી રહ્યા હતા. સોહમ તેમને જોઇને ગળગળો થઇ ગયો હતો. સોહમ જાણતો હતો કે આખી ચાલીમાં સરિતાબહેન સાથે માને ખૂબ જ બનતું. ચાલીસ આસપાસના કરસનભાઈ ખાસ ભણેલા ન્હોતા. એક કોલેજમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા.

‘સોહમ, કંચનબહેનને ગઈકાલે સાંજે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમની તબિયત અત્યંત ગંભીર છે. કોઈને ઓળખતા પણ નથી. માત્ર તારા નામનું રટણ કર્યા કરે છે.’ સરિતાબહેને ધીમા અવાજે સોહમને સમાચાર આપ્યા હતા. સોહમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. તેણે બંને હાથ વડે જેલના સળિયાનો સહારો લીધો હતો. ‘સોહમ, આ સમય ઢીલા પડવાનો નથી. તારે હિંમત રાખવી પડશે.’ સોહમને આશ્વસ્ત કરતાં કરસનભાઈએ કહ્યું હતું.
‘આ તે મારું કેવું નસીબ કે અત્યારે માને મારી સૌથી વધારે જરૂર છે ત્યારે જ હું જેલમાં છું.’ સોહમ સળિયા પર માથું ટેકવીને ચોધાર આંસુએ રડી પડયો હતો. ત્રણેય વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું હતું.

સોહમને સ્વસ્થ થતાં ખાસ્સો સમય નીકળી ગયો હતો. ત્યાં જ અચાનક સંત્રીની બૂમ સંભળાઈ : મુલાકાતનો સમય પૂરો થઇ ગયો છે. ‘સોહમ, આપણે જામીન માટે પ્રયત્ન કરીએ..’ જતાં જતાં કરસનભાઈ બોલ્યા હતા. મને જામીન મળશે?’ સોહમે આશ્ર્ચર્યથી પૂછયું હતું. ‘અમે જેલર સાહેબને વાત કરી જોઈએ. કદાચ તેમની પાસેથી કંઇક રસ્તો જાણવા મળે.’ કરસનભાઈએ કહ્યું હતું.

એ સમયના જેલર ગામીત સાહેબ ખૂબ કડક હતા, પણ કરસનભાઈની અને સરિતાબહેનની વિવેકપૂર્વકની રજૂઆત સાંભળીને પીગળ્યા હતા. તેમણે સોહમને બોલાવ્યો હતો : ‘સોહમ, તારી માની તબિયત ગંભીર છે તે જાણ્યું. તને જામીન પર છોડવાનું મારું કામ નથી. એ માટે તો કોર્ટમાંથી ઓર્ડર લાવવો પડે. એના માટે પહેલાં કોઈ વકીલ મારફતે તારે કોર્ટમાં અરજી કરવી પડે. ‘સાહેબ, મને મદદ કરો હું તમારો ઉપકાર જિંદગીભર નહી ભૂલું.’ સોહમ રડી પડયો હતો. આખરે ગામીત સાહેબે તેમના એક પરિચિત વકીલનું એડ્રેસ કરસનભાઈને આપ્યું હતું. કરસનભાઈએ સોહમને જામીન મળે તે હેતુથી વકીલ અને કોર્ટ સુધી દોડાદોડી કરી હતી.

સોહમ દરરોજ જામીન ઓર્ડરની કાગડોળે રાહ જોતો હતો. ચારેક દિવસ બાદ સોહમને ત્રણ દિવસના જામીન મંજૂર થયાનો હુકુમ આવ્યો હતો. વધેલી દાઢી સાથે સોહમ સીધો સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યો હતો. જનરલ વોર્ડમાં સોહમ બેબાકળો બનીને દરેક ખાટલે માને શોધી રહ્યો હતો. અચાનક તેનું ધ્યાન છેલ્લા ખાટલા પર પડયું. તેના પર સૂતેલી એક સ્ત્રીના ચહેરા પર ડોક્ટરની હાજરીમાં નર્સ સફેદ ચાદર ઓઢાડી રહી હતી. સોહમે એ તરફ દોડયો હતો. સોહમે એ સફેદ ચાદર પકડી લીધી હતી. ડોક્ટરને તરત ખ્યાલ આવી ગયો કે આ જ યુવાન આ પ્રૌઢ સ્ત્રીનો દીકરો છે, જેની તે અર્ધબેભાન અવસ્થામાં રાહ જોઈ રહી હતી. ડોકટરે સોહમના ખભે હાથ મૂકીને કહ્યું હતું : ‘ભાઈ, તું થોડોક મોડો પડયો.’ સોહમ માના મૃતદેહને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો.

બે કલાક બાદ હોસ્પિટલની તમામ વિધિ પૂરી કરીને શબવાહિનીમાં માના મૃતદેહ સાથે સોહમ સ્મશાને પહોંચ્યો હતો. થોડી વાર બાદ ઇલેક્ટ્રિક ભઠ્ઠી તરફ ગરગડી પર સરકતા જતા માના મૃતદેહને સોહમ બંને હાથ જોડીને સજળ નેત્રે તાકી રહ્યો…મા જાણે કે ચિત્કાર કરી રહી હતી : ‘સોહમ દીકરા આવવામાં તેં મોડું કરી દીધું…આપણા આ જનમના અંજળ-પાણી ખૂટી ગયાં..’ તે દિવસે સોહમ અનાથ થઇ ગયો હતો. હવે સોહમ પાસે મા નહોતી. તેની પાસે હતી માત્ર અને માત્ર ઉદાસી, એકલતા, પીડા, દર્દ, યાતના અને વેદના! અંતિમ વિધિ પતાવી પછી સોહમ ઉદાસ અને ગમગીન ચહેરે ઘરે પરત આવ્યો. ઘરની ચાવી સરિતાબહેન પાસે જ હતી. સોહમ ચાવી લેવા ગયો એટલે સરિતાબહેન અને કરસનભાઈએ સોહમને તેમના ઘરમાં બેસાડીને આશ્વાસન આપ્યું.

‘કેટલા દિવસના જામીન મળ્યા છે?’ કરસનભાઈએ પૂછયું : ‘કાકા, ત્રણ દિવસના મળ્યા છે.. પણ હું તો હમણા જ જેલમાં હાજર થઇ જવાનો છું. હવે મારે મા વગરના આ ઘરમાં ક્ષણભર પણ નથી રહેવું.’ સોહમે નિસાસો નાખતાં કહ્યું હતું.
સરિતાબહેનના હાથમાંથી પોતાના ઘરની ચાવી પણ લીધી નહીં.

સરિતાબહેને ફ્રેમવાળો શ્રીનાથજીનો એક ફોટો આપતા કહ્યું : ‘સોહમ, હોસ્પિટલે જતી વખતે કંચનબહેને આ ફોટો તને આપવાનું કહ્યું હતું.’ સોહમ ફિક્કું હસ્યો : ‘મારે ભગવાનના આ ફોટાનું કોઈ કામ નથી તેના ભરોસે તો હું માને મૂકીને ગયો હતો પણ તેણે મને દગો આપ્યો.’‘સોહમ, એમ ન બોલાય ગમે તેમ તો પણ એ ભગવાન છે.’ સરિતાબહેન બોલી ઉઠયાં હતાં. ‘મારે એવા ભગવાનનું કાંઈ કામ નથી જે મારી માની રક્ષા ન કરી શક્યો.’ સોહમનો અવાજ રૂંધાઇ થઇ ગયો હતો.

‘ભલે સોહમ, આ ફોટો અમે જ રાખીએ છીએ તને જયારે ઠીક લાગે ત્યારે લઇ જજે.’ કરસનભાઈએ કહ્યું હતું. સરિતાબહેને પરાણે સોહમને ખીચડી ખવડાવીને જ તેમના ઘરેથી જવા દીધો હતો. મોડી સાંજે સોહમ જેલમાં હાજર થયો ત્યારે જેલર ગામીત સાહેબને ભારે આશ્ર્ચર્ય થયું હતું : ‘સોહમ, હજુ તો તારી પાસે બે દિવસ હતા.’

‘સાહેબ, હું હોસ્પિટલે પહોંચ્યો ત્યારે મારી મા કાયમ માટે મને છોડીને જતી રહી હતી. મારા નસીબમાં મરેલી માનું મોઢું જોવાનું જ લખ્યું હતું. મારે બહાર બીજું કોઈ જ કામ નહોતું.’ સોહમની આંખમાં આંસુ ઉમટયા. ગામીત સાહેબે તેમની લાંબી કરિયરમાં જામીન પર છૂટેલો પહેલો કેદી એવો જોયો હતો જે જેલમાં મુદત પૂરી થયા પહેલાં હાજર થઇ ગયો હતો!

ગામીત સાહેબ સોહમની પ્રમાણિકતાથી પ્રભાવિત થયા હતા. તેમણે જેલના કાયમી રેકોર્ડમાં પણ સોહમની આજની પ્રમાણિકતાની નોંધ લીધી હતી. જે માણસ જાત સાથે પ્રમાણિક હોય તે જ દુનિયા સાથે પ્રમાણિક રહી શકતો હોય છે. અન્યને છેતરવા માટે પણ પહેલાં પોતાની જાતને છેતરવી પડતી હોય છે. સોહમ એવો
બંદો હતો જે પોતાની જાત સાથે પ્રમાણિક
હતો!

સોહમના મનમાં માની વસમી વિદાયનું દુ:ખ તો હતું જ સાથે સાથે પોતાના ખરા પિતાનું નામ ન જાણી શકાયાનો પારાવાર અફસોસ પણ હતો. કાશ, તે થોડીક ક્ષણો હોસ્પિટલે વહેલો પહોંચી શક્યો હોત! કાશ, તે માના અંતિમ સમયે હાજર રહી શક્યો હોત! કાશ, તે પોતાના પિતાનું નામ જાણી શક્યો હોત! સોહમના મનમાં અફસોસનો દરિયો ઉછાળા મારી રહ્યો
હતો. વિધિની કેવી ક્રૂરતા હતી કે જયારે સોહમને ખબર પડી કે બાપુ તેનો સગો બાપ નથી એ પછીના બે દિવસમાં એક પછી એક એવી ઘટનાઓ બનતી રહી કે મા પાસેથી બાપનું નામ જાણવાનો સમય જ ન રહ્યો. સોહમના જીવનનું સૌથી મહત્ત્વનું રહસ્ય મા તેની સાથે લઈને જતી રહી હતી. સોહમના જીવનમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે તેનો ખરો બાપ તેને રસ્તામાં સામે મળે તો પણ તે તેને ઓળખી ન શકે. કોઈ પણ દીકરા માટે આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે ?
(ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button