ધર્મતેજ

કેરોલિના રીપર પ્રકરણ-૭૭

બાદશાહને અસફળ, અધૂરા અને વેદનાભર્યા મિશનની વિગતોમાં ફરી નહોતું પડવું

પ્રફુલ શાહ

રાજાબાબુએ મહાજન મસાલાની નવી સુકાનીની જવાબદારી કિરણને સોંપી દીધી

એટીએસના પરમવીર બત્રાએ કરેલી માગણી બાદશાહને ન ગમી. બધેબધું ફરી બોલવાનું? હરગીઝ નહીં, પરંતુ પોતાની કફોડી હાલત અને બત્રાના ચહેરા પરનાં ભાવ જોઇને એ વિરોધ કરી ન શકયો.
એને અસફળ, અધૂરા અને વેદનાભર્યા મિશનની વિગતોમાં ફરી-ફરી પડવું નહોતું પણ છૂટકો કયાં હતો? ગંભીર અવાજે તેણે શરૂઆત કરી….

“પરિવારમાં હું સૌથી મોટો એટલે અબ્બાએ મને પોતાને પેઢીઓથી વારસામાં મળતી આવતી વિપદાની રજેરજની માહિતી આપી હતી. એક પૂર્વજની ઇચ્છા પૂરી કરી ન શકવાથી એમની આત્મા રઝળતી પીડાતી અને કણસતી હશે. એ વિચાર એમને નિરાંતે ઊંઘવા દેતા નહોતા, પરંતુ એ ઇચ્છા પૂરી કરવાનું કામ બહુ વિકટ અને ભયંકર હતું. સતત આત્મ-ગ્લાનિના ભારથી દબાઇને તેમણે આપઘાત કરી લીધો. આપઘાત અગાઉ સાંજે મને એકલાને લીમડાના ઝાડ નીચે બેસાડીને તેમણે વચન લીધું હતું કે પૂર્વજની અધૂરી ઇચ્છા મારે પૂરી કરવાની અને આમાં બન્ને ભાઇઓને ય સામેલ કરવાના. અમ્મીના કસમ ખાઇને મેં વચન આપ્યું કે અમે ત્રણેય એ ઇચ્છા પૂરી કરીશું એ જોઇને તમારી છાતી ગજગજ ફૂલી જશે. પણ એમની પાસે નહોતી ધીરજ, આયખું કે સમય, જાણે મને જવાબદારી સોંપીને પોતે ફસાવ મુક્ત થઇ ગયા હોય એમ એ જ રાતે તેમણે ખુદકુશી કરી લીધી.

બાદશાહના ગળે ડૂમો ભરાઇ ગયો. આંખમાં આંસુ આવી ગયા. પરમવીર બત્રાને ઇશારે પાણીનો ગ્લાસ હાજર કરાયો.
૦૦૦
પાણીનો પહેલો ઘૂંટડો પીવા સાથે દીપક મહાજનની નજર આર્થિક અખબાર પર પડી. પહેલે જ પાને મોટા સમાચાર હતા. ‘હવે મહાજન મસાલાના સુકાની તરીકે કિરણ મહાજન.’ આ સાથે કિરણ કેટલી બહાદુર, નિડર, સહૃદય, કાબેલ અને આધુનિક મહિલા છે, એ વિશે વિગતવાર અપાયું હતું. સાથે રાજાબાબુ મહાજનનું સ્ટેટમેન્ટ હતું કે મોટા દિકરા આકાશની ચિરવિદાય અને મારી કથળતી તબિયત વચ્ચે કંપની અને કામદારોનાં હિતમાં આ નિર્ણય લેવાયો છે.

દીપકે ગુસ્સામાં જોયું: બાજુમાં રોમા ઘસઘસાટ ઊંઘતી હતી. એના નસકોરાના અવાજથી ઉશ્કેરાઇને દીપકે એના મોઢા પર છાપું માર્યુ. “કાયમ ઊંઘતા જ રહો. ભલેને પછી સર્વસ્વ લૂંટાઇ જાય.
૦૦૦
બાદશાહે માંડ અડધો ગ્લાસ પાણી પીધું હોઠમાંથી બહાર નીકળેલો પાણી રેલો લૂંછવાની દરકાર કર્યા વગર તેણે બન્ને આંખના ભીના ખૂણા પર આંગળા ફેરવ્યા.

‘અબ્બાની ઓચિંતી ચિરવિદાયથી હું ઘરનો વડીલ થઇ ગયો. અમ્મીને સમજાવીને જે થોડી ઘણી જમીન હતી. એ વેંચી નાખી.

એમાંની મોટા ભાગની રકમ અમ્મીના નામે ફિકસ ડિપાર્ટમેન્ટ મૂકી દીધી. મેં અમ્મીને વચન આપ્યું કે અબ્બાએ આપેલી જવાબદારી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ત્રણમાંથી એકેય ભાઇ લગ્ન નહીં કરીએ. હવે અમારી પહેલી, બીજી અને આખરી ઇચ્છા અબ્બાને આપેલું વચન પૂરું કરવાની છે. અમ્મીને આંચકો લાગ્યો પણ મારી ગંભીરતા જોઇને ખુશી થઇ. હું નાવેદ એટલે એનડીએ લઇને ગામમાંથી નીકળી ગયો. સલમાન હજી નાનો હતો. એટલે અમ્મી સાથે રહેવા દીધો.

“પણ તારું મિશન તો અલીબાગમાં હતું તો બીજે રખડવાનું કારણ શું?

“હું સમજતો હતો કે મારું મિશન આસાન કે નાનું નહોતું. એ પૂરી કરવાની આર્થિક કે શારીરિક ક્ષમતા મારામાં નહોતી. એટલા માટે મિશન સૌથી છૂપું રાખીને મારે સપોર્ટ મેળવવો પડશે. મુંબઇ જઇને ચોરીચપાટી શરૂ કરી. એમાં અપરાધ જગતના માણસો સાથે ઓળખાણ થવા માંડી. થોડા વરસોમાં એનડીને પણ મુંબઇ બોલાવી લીધો. નાના-નાના અપરાધમાંથી અમે દાણચોરી કરતી ગૅંગમાં જોડાઇ ગયા. એક ખેપમાં સલીમ-સોલોમન અને એનડી પકડાઇ ગયા પણ હું ભાગી છૂટવામાં સફળ થયો. આ બધામાં એક ભારાડી તરીકે મારી ઇમેજ જામી ગઇ હતી.
“મુંબઇથી ભાગીને ગુજરાતમાં ગયો બરાબર?

‘હા, મારું મિશન પૂરું કરવા માટે હું ટેરરીસ્ટ સ્લીપર સેલમાં સક્રિય થઇ ગયો. ગુજરાતના જિલ્લે-જિલ્લે ફરીને હું ઇ-વોલેટ અને બીજા ઇલેકટ્રોનિક એપ થકી નાની -નાની રકમ ભેગી કરીને અમારા સંગઠનને મોકલતો હતો. એ લોકોને વિશ્ર્વાસ બેસી ગયો કે હું કટ્ટર છું અને એમની ભાંગફોડિયા પ્રવૃત્તિને આગળ વધારીશ, પરંતુ એમનો વિશ્ર્વાસ જીતવા છતાં મારો એક હિડન એજન્ડા હતો. મારા ગુપ્ત મિશનને પાર પાડવા માટે હું એમના નાના-મોટા કામ સફળતાપૂર્વક કરતો રહ્યો. હવે પોતાના હિંસક કામ પૂરા પાડવા માટે તેઓ મને થોડાઘણાં શસ્ત્રો અને દારૂગોળો ય આપવા માંડયા. મારી મુખ્ય કામગીરી આ સ્ફોટક સામગ્રીને નિશ્ર્વત થયેલા સ્થળે પહોંચાડવાની હતી.

“આમાં આસિફ પટેલ કેવી રીતે પિક્ચરમાં આવ્યા? શું એ પણ આતંકવાદીઓ સાથે મળેલા હતા?

“ના રે ના. એમને બે જ વાતમાં રસ: પૈસા અને નફો ખૂબ જહેમત ઉઠાવીને મેં એમનો વિશ્ર્વાસ જીતી લીધો એક તરફ, એમની કંપનીના ઓઠા હેઠળ દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશો સાથે શસ્ત્રોનું મસાલા, કાપડની લે-વેચ શરૂ કરી દીધી. બીજી તરફ એમને અલીબાગમાં જમીનમાં મૂડી રોકાણ કરવા માટે મનાવી લીધા. બીજ તરફ અમારા વચલો અને મારો નાનો ભાઇ એનડીએ શરત મૂકીને આસિફ પટેલને મુરુડમાં જમીન અપાવી, એના પર હોટેલનું બાંધકામ કરાવ્યું. એ હોટલમાં ખાસ એક ભંડકયો બનાવ્યું. જેમાં અમારો માલસામાન પડયો રહે. સાથોસાથ સલમાન-સોલોમનને નજીકમાં એટલે કે રાજગિરમાં ગોઠવી દીધો. મારા અને એનડીના પ્રમાણમાં એ મિશનમાં માટે ઓછોે સિરિયસ હતો. એ છોકરીઓનું આર્કષણ ટાળી શકતો નહોતો. ઘણીવાર સમજાવ્યો, ઠપકો આપ્યો, પણ કૂતરાની પૂંછડી સીધી થાય?

“પણ હોટલના ભંડકિયામાં શસ્ત્રો સંઘરવા માટે આતંકવાદી આકાઓને કેવી રીતે મનાવ્યા?
“હકીકતમાં આતંકવાદીઓને મેં અંધારામાં રાખ્યા હતા કે અલીબાગમાં નાની-મોટી હિંસા શરૂ કરાવ્યા બાદ મોટા ધડાકાનું વિચારી શકીએ, પરંતુ એ માટે સ્થાનિક ટીમ બનાવવી પડે. એમને વિશ્ર્વાસમાં લેવા માટે થોડાં શસ્ત્રો-રૂપિયા આપવા પડે. હોટેલ પ્યોર લવમાં રાખેલાં શસ્ત્રો એનડી અને સોલોમન મળીને વેચતા હતા. આમાંથી ભેગી થનારી રકમનો અમારા મિશનમાં ઉપયોગ કરવાનો હતો? આ માટે સલમાન અને એનડીએએ પિંટયાભાઉ ઉર્ફે પ્રકાશ પાંડુરંગ બર્વે, ટાઇગરભાઇ ઉર્ફે પ્રસાદ રાવ જેવા અનેકને કામે લગાડયાં હતા પણ…
બાદશાહને અચાનક ઉઘરસ ઊપડી. કેમેય બંધ ન થાય. ખાંસીખાંસીને એની આંખમાં પાણી આવી ગયા. અચાનક પરમવીર બત્રાને વિચાર આવ્યો કે પોતાની કસ્ટડીમાં બાદશાહને કંઇક થઇ ગયું તો? તેમણે તરત બાદશાહની સલામતી વધારવાનો આદેશ આપી દીધો.
૦૦૦
કિરણ મહાજને કરેલા સૂચન મુજબ કામગીરી આટોપ્યા બાદ વિકાસના ચહેરા પર નિરાશા અને દુ:ખ દેખાવા માંડયા.

ચા-કૉફી પીતી વખતે તેણે પોતાની કામગીરીનો રિપોર્ટ કિરણ અને ગૌરવ ભાટિયા સમક્ષ રજૂ કર્યો. “મોટા ભાગના મૃતકના પરિવારજન મૃતદેહ લેવા મુરુડ આવી શકે એમ નથી. બે જણા તૈયાર છે પણ એમ્બ્યુલન્સમાં લાશ લઇ જવાનું પરવડે એમ નથી. કોઇકની માતાને હાર્ટનો પ્રોબ્લેમ છે, તો કોઇના પિતાને પેરેલિસીસ છે. એકાદના ભાઇને હવે લાશને હાથ સુધ્ધાં અડાડવો નથી. મોટા ભાગનાની લાગણી એવી છે કે બ્લાસ્ટ્સથી કોઇના ચહેરા ઓળખવા લાયક નહીં હોય, અંગ ઉપાડતા ચીથડાં ઊડી ગયા હશે. ખાલી પોટલામાં માનવ-અંગો લાવવાનો અર્થ શો?

કિરણ સ્તબ્ધ થઇ ગઇ, આ બધુ સાંભળીને હૈયુ કકળી ઉઠયું. માનવી જીવતો હોય ત્યારે કેવા વ્હાલ અને અછોવાના થાય પણ જીવ ગયા બાદ આવી અવદશા? તે એકદમ ઊભી થઇ ગઇ. “બધા અડધા કલાકમાં તૈયાર થઇ જાઓ. આપણે ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલેને મળવા જવું છે.

કિરણના મનમાં આવેલો વિચાર એકદમ હટકે હતો પણ એ વ્યવહારુ હતો? એનો અમલ થઇ શકશે? (ક્રમશ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress