કેરોલિના રીપર પ્રકરણ-૭૧
એટીએસના પરમવીર બત્રાએ બાદશાહના લમણાં પર રિવૉલ્વર મૂકી દીધી
પ્રફુલ શાહ
રાજાબાબુ મહાજનને કિરણ માટે માન ઉપજ્યું, મમતા તો એની ફેન થઈ ગઈ
બાદશાહના ગળા પરથી રસ્સીની પકડ પ્રશાંત ગોડબોલેએ ધીરે ધીરે – હળવી કરી. ખુન્નસ તો એટલું હતું કે દોરી ખેંચીને એનું કામ તમામ કરી નાખું. ન ચાલે કેસ, ન ખવડાવવી પડે બિરયાની અને ન થાય ન્યાયમાં વિલંબ. પણ તેમના હાથ બંધાયેલા હતા. દોરી દૂર ફેંકીને ગોડબોલે બાદશાહની સામે આવી ગયા.
એટીએસના પરમવીર બત્રા ખુરશી ખેંચીને બાદશાહ સામે બેસી ગયા. “લાંચ આપવાનો કે હાથચાલાકી કરવાનું વિચારતો પણ નહિ. બાદશાહ, અમે કાયદો અને વ્યવસ્થામાં માનીએ છીએ બાકી તારું એન્કાઉન્ટર કરીને કેસ રફેદફે કરવામાં જરાય વાર નહિ લાગે. સમજ્યો?
બાદશાહ કંઈ ન બોલ્યો, મનોમન ગાંઠ વાળી લીધી કે મોઢું તો ખોલવું જ નથી.
“બાદશાહ, એક-એક વાત બોલવા માંડ. તું મુરુડ શા માટે આવ્યો? બ્લાસ્ટ્સ શા માટે કરાવ્યો? તારી સાથે કોણ-કોણ છે? કોના દોરીસંચારથી આ ધડાકો થયો? તું કયાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે? હોટલમાં માર્યો ગયો એ એનડી કોણ હતો?
જાણે પોતે કંઈ સમજ્યાં ન હોય કે સાંભળ્યું ન હોય એમ બાદશાહ કોઈ જાતનો પ્રતિભાવ આપ્યા વગર ચૂપચાપ બેસી રહ્યો. અચાનક બત્રાએ હોલસ્ટરમાંથી રિવૉલ્વર કાઢી અને બાદશાહ તરફ આગળ વધવા માંડ્યા.
…..
પત્રકાર પરિષદમાં લગભગ સોંપો પડી ગયો હતો. કિરણ, વિકાસ અને ગૌરવે એકમેક સામે જોયું. આંખો આંખોમાં ત્રણેય એકમેકને ‘વેલડન’નો ઈશારો કર્યો.
પાંચેક મિનિટમાં બધા ટેબલ પર ચા-કૉફી અને બિસ્કિટ પીરસાઈ ગયા. ગૌરવ ભાટિયાએ વિનંતી કરી, “પ્લીઝ સૌ ચા-કૉફી પીને સ્વસ્થ થઈ જાઓ. હું પણ પત્રકાર છું એટલે આપની ઉત્તેજના સમજી શકું છું. આપણે જલદી સવાલ-જવાબ પર આવીશું.
કિરણ, ગૌરવ અને વિકાસ અમુક પેપર્સ જોવામાં ખોવાઈ ગયા. પાંચ મિનિટ બાદ એક યુવાન મહિલા પત્રકાર ઊભી થઈ. પોતાની ઓળખ આપીને બોલી, “મારો સવાલ કિરણ મહાજનને છે. આપ જાણતા જ હશો કે આપના હોટલમાં કોની સાથે આવ્યા હતા?
બધા કિરણને અને એ મહિલા પત્રકારને જોઈ રહ્યા. આવો પોઈન્ટ બ્લેન્ક સવાલ સામે બિચારી કિરણ શું જવાબ આપવાની? મોટા ભાગના ઉપસ્થિતોને આવી લાગણી થઈ. બધાના આશ્ર્ચર્ય વચ્ચે કિરણ ઊભી થઈ. મહિલા પત્રકારની આંખમાં આંખ નાખીને તેણે શરૂઆત કરી.
“હા જી, મારા પતિ અહીં મોના ભાટિયા સાથે આવ્યા હતા. એ મોના એટલે મારી સાથે ટેબલ પર બેઠેલા ગૌરવભાઈની પત્ની અને વિકાસની બહેન. બોલો બીજું કંઈ?
“તમારા પતિએ તમારી સાથે દગો કર્યો. અનૈતિક સંબંધ બાંધીને તમારી લાગણી સાથે રમત કરી છતાં એના નામ પરનું કલંક હટાવવા માટે તમે શા માટે સક્રિય છો?
“પાયાની વાત એ કે આપણે સૌ માનવી છીએ. આપણી અંદર સંવેદના છે. આકાશે મને ક્યારેય પ્રેમ કર્યો કે નહિ એ એવું મન જાણે. પણ મારો તો એ પતિ હતો. મેં એને મારા જીવનમાં સૌથી વધુ પ્રેમ કર્યો છે. એ વાતનું મને ગૌરવ છે. એ પ્રેમ એ સંબંધને લીધે હું નથી ઈચ્છતી કે મર્યા બાદ એની ખોટી બદનામી થાય. પ્રેમ કરવાનું તેણે છોડ્યું કે શરૂ ન કર્યું પણ હું તો એના પ્રેમમાં રહી કાયમ. એને લીધે એને કરેલા પ્રેમને લીધે હું ખૂબ સભર થઈ. સંપન્ન થઈ અને સમૃદ્ધિ થઈ. મારા જેવી અનાથને ઘર મળ્યું. પપ્પા મળ્યા, મમ્મી મળ્યાં અને એક બહેન મળી. ઘરમાં સંપૂર્ણ માન આદર અને વ્હાલ મળ્યા. અમારા લગ્ન-જીવનમાં સમસ્યા કેમ આવી? કોણ જવાબદાર? આ સવાલો અમારા બન્ને વચ્ચેના હતા. જે સવાલો આકાશના મોત કે બદનામીથી મોટા નથી, નથી ને નથી જ.
કિરણની આંખમાં સહેજ ભીનાશ આવી. તેણે ટેબલ પરથી ગ્લાસ ઉપાડીને એક ઘૂંટડો પાણી પીધું. “સાચું કહું તો આકાશને લીધે હું સપના જોતી થઈ હતી. મને સપના જોવાને લાયક બનાવનારને હું કેવી રીતે ભૂલી શકું? એ ન હોત તો હું સપના જ ન જોઈ શકી હોત. સપના ન જોવાની કલ્પના કેટલી ભયંકર છે. આકાશ ગયા પછી ય મારે મારા સપનાને મરવા દેવા નથી. એને પ્રતાપે મારામાં એક તડપ જાગી, એને મળવાની. એને લીધે મને પ્રતીક્ષા શું છે એ ખબર પડી. કદાચ અજાણતા જ એ મને શીખવી ગયો કે મનને ગમે એ રીતે જીવો, મન કહે એની સાથે જીવો. મારા હૃદયમાં આકાશ માટે કાયમ વિશેષ સ્થાન રહેશે.
…..
પોતપોતાની કોટડીમાં સોલોમન પવલો અને આસિફ પટેલ ચૂપચાપ બેઠા હતા. સોલોમનને પવલા પર ભયંકર ગુસ્સો આવતો હતો. પવલાને લીધે પોતે પકડાઈ ગયો. શું એ ડરીને પોલીસનો ખબરી બની ગયો કે ઓચિંતા ઝડપાઈ ગયો. એ જે હોય તો પણ હવે મારા મિશનનું શું? શું મારા વડવાની રૂહ કાયમ તડપતી રહેશે?
પવલો એકદમ દિગ્મૂઢ દશામાં એક ખૂણામાં ટૂંટિયું વાળીને બેઠો હતો. પોતે સોલોમનને મળ્યો એ ઘડીને કોસતા થાકતો નહોતો. પોતે કેટલો બુદ્ધુ કે સોલોમનને વધુ કંઈ પૂછપરછ ન કરી? થોડા રૂપિયાની લાલચમાં પોતે ન જાણે શું નું શું કરી બેઠો હોત?
આસિફ પટેલને સમજાતું નહોતું કે આ થઈ શું ગયું? પોતે વિદેશી નાગરિક હોવા છતાં આ રીતે ગોંધી રખાયો છે એટલે મામલો એકદમ ગંભીર જ હોવો જોઈએ. પોતાને બધી સગવડ અપાઈ છે, જરાય તકલીફ અપાઈ નથી કે આંગળી સુધ્ધાં અડાડાઈ નથી એ પણ કબૂલ. પણ આખો મામલો છે શું? ને આમાંથી છુટકારો ક્યારે થશે? જાતને સવાલો કરીને તે સામેની ભીંતને તાકી રહ્યો. અચાનક યાદ આવ્યું કે બાદશાહ ક્યાં? તે કંઈ નહિ કરતો હોય મને શોધવા અને છોડાવવા માટે? આસિફ પટેલને દયા આવી કે બિચારા બાદશાહની શી હાલત થઈ હશે મારા અચાનક અદૃશ્ય થવાથી?
…..
એટીએસના પરમવીર બત્રાએ નજીક જઈને બાદશાહના લમણા પર રિવૉલ્વરનું નાળચું મૂક્યું. “ટ્રિગર દબાશે એટલે એક જ સેક્ધડમાં મગજની બધી ગંદકી બહાર આવી જશે, પરંતુ મારે ફર્શ અને ભીંત તારા લોહીથી ગંદી કરવી નથી. પરંતુ જરૂર પડે તો એ કરતાં હું જરાય અચકાઈશ નહિ.
બત્રા, ગોડબોલે અને અન્ય ઓફિસર વારાફરતી બાદશાહને એના એ સવાલો શબ્દો ફેરવીને પૂછતાં રહ્યા. પણ બાદશાહે ધરાર મોઢું ન ખોલ્યું. બત્રા વારંવાર એક કૉન્સ્ટેબલને પાસે બોલાવીને કાનમાં કંઈક કહેતા હતા. કૉન્સ્ટેબલ બહાર જઈને અંદર આવીને હળવેકથી બત્રાના કાનમાં કંઈક ગણગણતો જે બીજું કોઈ સાંભળી શકતું નહોતું.
બાદશાહને પુછાતા સવાલો કે એવા પ્રતિસાદની પરવા કર્યાં વગર બત્રા એ જ રૂમમાં આંટા મારવા માંડ્યા. થોડી-થોડીવારે તેઓ ઘડિયાળમાં જોતા રહ્યા. અંતે કંટાળીને પરમવીર બત્રા રૂમની બહાર નીકળી ગયા. બત્રાને જોઈને બાદશાહને કાળજે ટાઢક થઈ. “હાશ, એક વિકેટ તો પડી. આ લોકો મારી પાસેથી ક્યારેય કંઈ જાણી નહિ શકે. એક ગયો એમ કંટાળીને બધા જશે.
પણ બાદશાહ જાણતો નહોતો કે બત્રા કંટાળીને આરામ કરવા નહોતા ગયા. તેઓ તો બાદશાહની ઊંઘ ઉડાડવા ગયા હતા.
…..
રાજાબાબુ મહાજન, માલતી, મમતા, શારદાબહેન, જ્યોતિ સ્વરૂપ રૂઈયા, અજય સહિત દેશના કરોડો દર્શકો ટીવી પર મુરુડમાં થતી પત્રકાર પરિષદનું જીવંત પ્રસારણ જોઈ રહ્યા હતા. રાજાબાબુને કિરણ માટે માન ઊપજ્યું. માલતીબહેન સમજી ન શક્યા કે દીકરાના મોત પર રડવું કે વહુની હિંમતને બિરદાવવી. મમતા તો કિરણની જબરદસ્ત ફેન બની ગઈ. એને થયું કે કાશ, ટીવીમાં ભાભીને ભેટી શકાતું હોત તો?
એ જ સમયે ટીવીનાં એક પત્રકારે થોડી વાયડાટ કરી. “કિરણજી હવે આકાશ જીવંત નથી. એમાંય પાછી તમારી સાથે બેવફાઈ કરી. તો હવે મહાજન પરિવાર સાથે તમારા સંબંધ કેવા છે?
“ઈશ્ર્વર મને પૂછે કે તારા શ્ર્વાસ અને મહાજન પરિવારમાંથી એકની પસંદગી કર તો હું મારા મહાજન પરિવારની પસંદગી કરું… બોલો બીજું કંઈ?
“શું આપ મહાજન મસાલા પર કબજો જમાવવા માટે પરિવારને વળગી રહ્યા છો?
“જુઓ, અનેક લોકો કમોતે મર્યાં છે. મર્યા બાદ બદનામ થયા છે. ખોટેખોટા. આ સમયે ધંધા-વેપારની વાતો ન શોભે. તમે આ બાબતમાં મહાજન મસાલાના માલિક રાજાબાબુ મહાજનને નિરાંતે સવિસ્તાર કરજો. બધું હું જ ગોઠવી દઈશ. (ક્રમશ:)