ધર્મતેજ

કેરોલિના રીપર પ્રકરણ-૬૬

પ્રફુલ શાહ

રણજીત સાળવી જેવો મીઠો, પોતાના માર્કેટિંગમાં અને ક્ધિનાખોર નેતા બીજો કોઇ નહીં

મુરુડ પોલસી સ્ટેશનમાં પ્રશાંત ગોડબોલે ઊંચાનીચા થઇ રહ્યાં હતા, ત્યાં ટ્રાન્સમીટરમાં બે મહત્ત્વના સમાચાર આવ્યા.

રાજકીય વર્તુળો અને મુંબઇ પ્રેસ ક્લબની કાનાફૂસી મુજબ મુખ્ય પ્રધાન રણજીત સાળવી જેવો મીઠો, પોતાના માર્કેટિંગમાં એક્સપર્ટ અને ક્ધિનાખોર નેતા બીજો કોઇ નહીં. એ હરીફનો કાંકરો એટલી સિફ્તથી કાઢી નાખે કે સામેવાળાને ય ખબર ન પડે. અત્યાર સુધી સાળવીનાં બધા પાસાં પોબારા પડ્યાં હતાં. આ સિદ્ધિનું એને ભારોભાર અભિમાન સાળવી પોતાના હિતની વાત કરવી હોય તો જ પત્રકાર પરિશદ બોલાવે. બાકી ગમે તેટલી ગંભીર સમસ્યા હોય એનો પ્રતિસાદ એક જ હોય, માત્ર મૌન. આવા સાળવીએ પત્રકાર પરિષદ બોલાવી એટલે મીડિયામાં અટકળો શરૂ થઇ ગઇ.

સૌની ઉત્કંઠા વચ્ચે રણજીત સાળવી પત્રકાર પરિષદમાં આવ્યા. તેમણે ઉડતી નજરે જોઇ લીધું કે રૂમ એકદમ હકડેઠઠ ભરાઇ ચૂક્યો હતો. જાણે પત્રકારો અને પ્રજા પર ઉપકાર કરતો હોય એવી દ્દષ્ટી કરીને સાળવીએ માઇક હાથમાં લીધુ. કોઇ જાતના વિનયવિવેકની ઔપચારીક્તા વગર ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો, તે વાચવાની શરૂઆત કરી.

“અત્યાર સુધી શાંત રહેલા રાયગઢ જિલ્લાના અલીબાગમાં સતત ન બનવાનું બની રહ્યું છે. હોટેલમાં બૉમ્બ બ્લાસ્ટ્સ, કર્મઠ નેતા અપ્પાભાઉની હત્યા, એ કેસના મહત્ત્વનાં સાક્ષીનું પોલીસ કમ્પાઉન્ડમાં ખૂન… આ બધા વચ્ચે સાચીખોટી રાજકીય અફવાબાજીથી માહોલ ખૂબ ડહોળાઇ રહ્યો છે. મુરુડ, અલીબાગ અને સમગ્ર રાયગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ નાજુક છે. શાંતિ અને ભાઇચારો જોખમમાં છે.

સાળવીએ સામેની ભીડ પર નજર ફેરવી. સૌ કોઇ એને સાંભળવામાં વ્યસ્ત હતા, કોઇ આપેલા પેપરમાં માર્કિંગ કરતા હતા અને કોઇક નોંધ ટપકાવતા હતા. ધાર્યા પરિણામ સામે દેખાતા સાળવીને આગળ ચલાવ્યું.

“મારી પાસે મુરુડ બ્લાસ્ટ કેસની તપાસની જે માહિતી આવી છે એને પગલે હું સંપૂર્ણ જવાબદારી સાથે જાહેર કહું છું કે હોટેલમાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા. તપાસ એજન્સીઓ પણ બહુ ઝડપભેર પોતાનો રિપોર્ટ ફાઇલ કરી દેશે. આ સાથે સંપૂર્ણ રાયગઢમાં ૧૪૪મી કલમ લાગુ કરાશે કે જેથી કોઇ ટોળાશાહી થકી મનમાની ન કરી શકે.

આ સાંભળીને પત્રકારોમાં સોંપો પડી ગયો. સાળવી “જય હિંદ જય મહારાષ્ટ્ર બોલીને ઊભા થયા, ત્યાં પત્રકારો સવાલ પૂછવા ધમાલ મચાવવા માંડ્યા પણ કોઇની સામે જોયા વગર રણજીત સાળવી રવાના થઇ ગયો. આ જાહેરાતે દૂર દૂર ઘણાંને ચોંકાવી દીધા, કેટલીય આંખોમાં પૂર આવી ગયા. અમુકે માથા કૂટ્યા, ઇશ્ર્વરને કોસવા માંડ્યા કે સ્વજનને આંચકી લીધાની ક્રૂરતા ઓછી હતી કે આ કાળી ટીલી ય માથે મારી?


આખી દુનિયાની ઘટનાઓથી અજાણ એટીએસના પરમવીર બત્રા ચૂપચાપ પવલાને સાંભળી રહ્યાં હતા.

“સાહેબ મને તો એક અજાણ્યા માણસે લાખ રૂપિયાની ઓફર કરી હતી.

“શેના માટે?

“એ કહે એ કામ કરવા માટે મારે ભાઇનું દેવું ચૂકવવા અને ગામનાં ઘરનાં સમારકામ માટે રૂપિયાની જરૂર હતી.

“કામ શું કરવાનું હતું?

“તેણે તો કીધું કે કામ બહુ આસાન છે. તું બહુ સારો તરવૈયો છે. અમે જ્યારે કહીએ. જ્યાં કહીએ ત્યારે બે-ચાર વસ્તુ દરિયામાં પધરાવી દેવાની એટલે કે મૂકી આવવાની.

“બસ આટલું જ કામ? પણ શું પધરાવવાનું હતું? ક્યારે મૂકવાનું હતું?

“એ હવે ખબર પડવાની હતી.

“પણ તું ગામ છોડીને ભાગી કેમ ગયો?

“તેણે જ શર્ત મૂકી કે કામમાં કોઇ અડચણ ન આવે એટલે ગાયબ થઇ જા. વધુમાં એ ઇચ્છતો હતો કે દરિયામાં વધુ સમય તરતા રહેવાની હું પ્રેક્ટિસ કરતો રહું કે જેથી છેલ્લી ઘડીએ કોઇ મુશ્કેલી ન આવે.

“તે આ નાનવેલ અને દીવાદાંડી શા માટે પસંદ કર્યા?

“મેં પસંદ નહોતા કર્યા મને સમજાવાયો કે અહીં સંતાવાનું શક્ય રહેશે, સલામત બનશે. સાથોસાથ દરિયામાં તરીને મુરુડ ઝંઝિરા કિલ્લા સુધી તરવાની પ્રેક્ટિસ આરામથી થઇ શકશે.

પરમવીર બત્રાને એની વાતમાં સચ્ચાઇનો રણકાર અનુભવાયો. તેમણે પોતાના મોબાઇલ ફોનમાં રહેલા આસિફ પટેલ, બાદશાહ, એનડી, સોલોમન, અપ્પાભાઉ, વિશ્ર્વનાથ આચરેકર, આકાશ, મોના, કિરણ, વિકાસ, પ્રસાદ રાવ, પિંટ્યા અને પીયુષ પાટીલના ફોટા એક પછી એક કરીને પવલાને બતાવ્યા. પવલો એક ફોટા પર હાથ મૂકીને બોલ્યો, “આ માણસે મને અડધા પૈસા આપ્યા હતા. એ જ બધી સૂચના આપતો હતો.

પરમવીર બત્રાને બહુ આશ્ર્ચર્ય ન થયું પણ એ વિચારમાં પડી ગયા. શા માટે એ માણસે આવું કર્યું? એવો ગેમ-પ્લાન છે શું?.


મુરુડ પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ગોડબોલે ક્યારના ઊંચાનીચા થઇ રહ્યા હતા. એટીએસના ગુપ્ત સેન્ટરમાં શું ચાલતું હશે એ જાણવાની તાલાવેલી વધતી જતી હતી.

એ જ સમયે વાયરલેસ ટ્રાન્સમિશન પર બે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા. હાઇવે પર રાયગઢ છોડીને બાઇક પર ભાગી રહેલો પ્રસાદ રાવ પોલીસના હાથમાં ઝડપાઇ ગયો છે. સામે બેઠેલી વૃંદા સ્વામીએ દાંત-ભીસ્યા. “સર, શક્ય બને તો આ આરોપીની પૂછપરછ મને કરવા દે જો. ગોડબોલે સમજી ગયા કે વૃંદાના મનમાં હવે પ્રસાદ માટે પ્રેમ નથી, નફરત જ નફરત છે.

વૃંદા સ્વસ્થ થાય એ માટે ગોડબોલેએ પાણીનો ગ્લાસ આગળ ધર્યો ત્યાં બીજા સમાચાર આવ્યા. પીયુષ પાટીલ મર્ડરનો શકમંદ કિલર પોલીસ સાથેના એકાઉન્ટરમાં ઘાયલ થઇને પકડાઇ ગયો છે. હાથમાં અને પગમાં ગોળી વાગી હોવાથી એનો જીવ જોખમમાં નથી.
આ બન્ને વાત જણાવવા માટે ગોડબોલેએ તરત પરમવીર બત્રાને ફોન જોડ્યો પણ સામે છેડે બેલ વાગતી જ રહી.


બીજા દિવસનાં અખબારોની હેડલાઇન બૂમાબૂમ કરી રહી હતી. મુરુડ બ્લાસ્ટસ કેસનો માસ્ટર માઇન્ડ પકડાયો.

મોટા ભાગના અખબારોને મોડેથી મળેલા ન્યૂઝને સ્ટોપ પ્રેસમાં સ્થાન આપ્યું હતું. વધુ વિગત મુજબ એટીએસના જોરદાર ઓપરેશનમાં હોટેલ બ્લાસ્ટસ કેસનો માસ્ટર માઇન્ડ મુરુડ ઝંઝિરા કિલ્લાની આસપાસના વિસ્તારમાંથી ઝડપાઇ ગયો હતો. સુમાહિતગાર વર્તુળોમાંથી મળતી આ માહિતીને સત્તાવાર સમર્થન કે રદિયો મળ્યા નથી. શક્યતા એવી છે કે બહુ જલદી એટીએસ તરફથી સત્તાવાર જાહેરાત થશે કે પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાશે.

લગભગ રાતે બાર વાગ્યે આ સમાચાર વ્યૂહાત્મક રીતે લીક કરાયા બાદ એટીએસના પરમવીર બત્રા નહોતા ઑફિસમાં ઉપલબ્ધ કે નહોતો એમનો મોબાઇલ ફોન નંબર લાગતો. ગોડબોલે અને વૃંદાને થયું કે શું પવલો માસ્ટર માઇન્ડ હશે? બાદશાહ એકદમ સ્તબ્ધ થઇ ગયો. હોટેલમાં માર્યા ગયેલાઓનાં પરિવારજનોના મનમાં ફફડાટ પેસી ગયો કે ક્યાંક કોથળામાંથી નવું બિલાડું બહાર ન આવે. દૂર એક વધુ વ્યક્તિ ફફડી ઊઠી કે ક્યાંક મારો ભાઇ તો પકડાઇ ગયો નહિ હોય ને?


એટીએસના પરમવીર બત્રાને વારંવાર ફોન લગાવીને પ્રશાંત ગોડબોલે કંટાળ્યા, ત્યાં એક અજાણ્યા મોબાઇલ ફોન પરથી ફોન આવ્યો.

ગોડબોલે હેલ્લો બોલ્યા ત્યાં જ સામેથી બત્રાનો અવાજ સંભળાયો. “આપે મને ઘણાં ફોન કર્યા. હમણાં વધુ વાત થઇ શકે એમ નથી. ખૂબ મહત્ત્વના અને મોટા -ડેવલપમેન્ટ છે. હવે તમારે એક મહત્ત્વનું કામ કરવાનું છે. હોય એટલા બધાં સાથીદારો અને જવાનોને સાથે રાખો. એક માણસ પર સતત તમારી નજર રહેવી જોઇએ. આપણે જ્યારે જરૂર પડે ત્યારે એને ઝડપી લઇ શકીએ એટલું જ એનાથી અંતર રાખો અને એવી સજજતા રાખજો. સમજ ગયે જી?’

“યસ સર, કોણ છે એ વ્યક્તિ? અત્યારે ક્યાં છે?

“આ જ નંબરથી તમને એક એસ.એમ.એસ. મળશે. બે મીનિટમાં એમાં બધી ખબર પડી જશે. ઑલ ધ બેસ્ટ

ગોડબોલેએ તરત એસ.એમ.એસ. જોયાં. નામ અને વિસ્તાર વિશે જાણીને વિચારમાં પડી ગયા કે આ માણસે આવા કામ કર્યા હશે? શા માટે? કેવી રીતે? સવાલોને સળવળતા રહેવા દઇને, તેઓ રિવૉલ્વર હૉલસ્ટરમાં મૂક્તા ઊભા થઇ ગયા. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button