ધર્મતેજ

કેરોલિના રીપર પ્રકરણ-૩

એ ભોલર મરચાના સ્વરૂપમાં લવિંગિયું મરચું છે લવિંગિયું

પ્રફુલ શાહ

રાજાબાબુનું સજેશન સાંભળીને કિરણને એકદમ આંચકો લાગ્યો પરંતુ પ્રયોગ તરીકે વાંધો શું છે?

દીપક મહાજન અને તેની પત્ની રોમા મહાજન મસાલાની તોતિંગ ઑફિસની વેલ ડેકોરેટેડ ચેમ્બરમાં બેઠાં હતાં. રોમાના ચહેરા પર રોષ હતો. દીપક ક્યારનો ય ફાઇલ જોઇ રહ્યો હતો. રોમાએ ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો.
“તું આમને આમ ફાઇલમાં માથું નાખીને બેઠો રહીશ ને આખી કંપની આપણા હાથમાંથી જતી રહેશે એ યાદ રાખજે.
“અરે પણ ઉઘરાણીનો અંદાજ તો મળવો જોઇએ કે નહિ?
“એના માટે કલાર્ક છે, એકાઉન્ટન્ટ છે. મેનેજર છે. એ બધા શેનો પગાર લે છે? તું આ નાની બાબતો હમણાં ભૂલી જા. નહિતર.
“નહિ તો શું, રોમા
“મોટાભાઇ કંઇ જ કર્યા વગર કંપનીમાંથી મોટી રકમ મેળવે છે. ભાભીને ધંધામાં નથી સમજ કે નથી જરાય રસ છતાં પપ્પા એમને વધુ પડતું મહત્ત્વ આપે છે.
“ડૉન્ટ વરી બેબી, એ તો માત્ર હાઉસ વાઇફ છે.
“ના, તું એને અંડરએસ્ટીમ ન કર. એ તો ભોલર મરચાના સ્વરૂપમાં લવિંગિયું મરચું છે.
રોમાએ કહેલી સરખામણી સાંભળીને દીપક ખડખડાટ હસી પડ્યો. “ભોલર મરચું લવિંગિયું નીકળશે એમ?!
“તું હસતો જ રહેજે. યાદ છે ને કંપનીની મોડલ પસંદ કરવામાં આપણે કેવો પચકો થયો હતો?
ૄૄૄ
લાસ્ટના દોઢ વર્ષ અગાઉ (ફ્લેશબેક) મહાજન મસાલાના દરેક ઝોનના બિઝનેસ ટેડની મહત્ત્વની બેઠક યોજાઇ હતી. નવો હરીફ કરણ રસ્તોગીએ માર્કેટિંગ બૉમ્બબાર્ડિંગ કરીને બજારમાં છવાઇ રહ્યો હતો.
લાંબી ચર્ચા બાદ નિષ્કર્ષ એ નીકળ્યો આપણે અત્યાર સુધી પબ્લિસિટી પર ધ્યાન નહોતા આપતા એ નીતિમાં હવે ફેરફાર કરવો પડશે. આ મત સાથે જૂુનવાણી ગણાતા રાજાબાબુ મહાજન પણ સહમત થયા પછી ચર્ચા ચાલી કે અડવર્ટાઇઝિંગનું ફોક્સ શું રાખવું અને મોડેલ તરીકે કોને પસંદ કરવા?
દીપકે તરત ઊભા થઇને સૂચન કર્યું કે પોપ્યુલર ફિલ્મ સ્ટાર કે જાણીતા ક્રિકેટરને લઇએ તો કામ આસાન થઇ જાય. રોમાએ દીપકનો પ્રસ્તાવને આવકારતા રાજાબાબુને કીધું કે મારા પપ્પાની ઘણી એડવર્ટાઇઝિંગ એજન્સીઓમાં કોન્ટેકટ છે. આપણું કામ ચપટી વગાડતા થઇ જશે.
રાજાબાબુએ હાથ ઊંચો કરીને બધાને શાંત પાડ્યા. “પ્રચાર અને જાહેરખબરનો ખર્ચ લેખે લાગવો જોઇએ. એના માટે પહેલી શરત એ કે એકદમ યોગ્ય વ્યક્તિનો એટલે કે મોડલ આપણા પ્રોડક્ટ માટે વાત કરવી જોઇએ. આ માટે નિરાંતે વિચારીએ. ઉતાવળે કામ બગડી જશે.
એ જ સમયે પુણેના માર્કેટિગ મેનેજર પ્રમોદ સાળુંકે એ ઊભા થઇને બોલવા દેવાની વિનંતી કરી. રાજાબાબુએ હાથ ઊંચો કરીને પરવાનગી આપી. “સર, આજના છાપામાં એક વ્યક્તિનો ફોટો છે. એમના જેવી ઇમેજવાળી મોડેલ મળે તો ચોક્કસ ફાયદો થાય. મને લાગે છે કે ફિલ્મ સ્ટાર કે ક્રિકેટરને બદલે આ પ્રકારની વ્યક્તિ વિશે વિચારવું જોઇએ.’
રાજાબાબુએ ઇશારો કર્યો કે મને ન્યૂઝ પેપર બતાવો. સાળુંકે પોતે ઘડી કરેલું છાપું આપી ગયો. રાજાબાબુએ હળવા સ્મિત સાથે છાપું લઇને એ ખોલીને જોયું ત્રીજા પાના પર ‘વિશ્ર્વાસ’ વતી મધ્યમ વર્ગની મહિલાઓ સાથે વાર્તાલાપ કરતી કિરણનો ફોટો હતો, જેના પર સાળુંકેએ મોટું કુંડાળું કર્યું હતું. રાજાબાબુએ તરત છાપું વાળીને મૂકી દીધું. દીપક અને રોમાને ઇંતેજારી હતી કે પોતાને ફોટો બતાવાય પણ રાજાબાબુએ પેપર પોતાની બેગમાં મૂકી દીધું. એમનું મન વિચારે ચડી ગયું.
ૄૄૄ
એ રાતે રાજાબાબુએ માલતી અને મમતાને બોલાવીને બિઝનેસ હેડની બેઠકમાં થયેલી ચર્ચા સંક્ષિપ્તમાં જણાવી. સાથોસાથ પ્રમોદ સાળુંકેનુંં સૂચન પણ શેઅર કર્યું. માલતીને આંચકો લાગ્યો પણ એમ.બી.એ. કરી રહેલી મમતાની આંખમાં ચમક આવી ગઇ.
“પપ્પા, રિયલી આ ફેન્ટાસ્ટિક સજેશન છે. ફિલ્મ-સ્ટાર કે ક્રિકેટર કરોડો લઇ જાય, એના નખરા સહન કરવા અને ભવિષ્યમાં પાછા હરીફ માટે મોડેલિંગ કરી શકે.
“બેટા, પૈસાનું સમજ્યા, એ તો ખર્ચીને કમાવાના જ છે. અથવા કહો કે નફામાંથી આપવાના છે. નખરા ય આપણે ક્યાં સહન કરવાના છે. એ એડવર્ટાઇઝિંગ એજન્સી લમણાં ઝિંકે કદાચ, આપણા માટે મોડેલિંગનો કોન્ટ્રેકટ પૂરા થયાના પાંચ-દસ વર્ષ સુધી કોઇ મસાલા કંપની માટે મોડેલિંગ ન કરી શકે અને કલમ કટારમાં સામેલ કરાવી દેવાય
“પપ્પા, એ બરાબર પણ મસાલાની ખરીદી ગૃહિણીઓ કરે. એમના સેલિબ્રિટી કરતાં પોતાના જેવી મહિલા ભલામણ કરે તો વધુ વિશ્ર્વાસ બેસે ઓર્ડિનરી લુક અને કોમન પિપલ થકી માર્કેટિંગ સફળ થયાના અનેક દાખલા ગણાવી શકું. ને ભાભી, આ માટે ધ બેસ્ટ ચોઇસ છે.
રાજાબાબુએ બન્ને સામે જોયું. માલતીએ ન વિરોધ કર્યો, ન સમર્થન આપ્યું એને ખાતરી હતી કે નાની વહુ રોમાને આ નહિ ગમે. પણ દલીલ રાજાબાબુ થોડા સાંભળે. એટલે એ ચૂપ જ રહી. કંઇ વિચારીને રાજાબાબુએ બન્નેને સૂચના આપી કે હું મારી રીતે કિરણ બેટા સાથે વાત કરીશ તમે બન્ને એને કંઇ કહેતા નહિ. હવે હું થોડો આરામ કરીશ. તમે બન્ને ય રેસ્ટ કરો.
બન્ને દરવાજો ખોલીને બહાર નીકળ્યા. ત્યાં સામે જ કિરણ રાજાબાબુની દવા અને દૂધનો ગ્લાસ લઇને સામેથી આવતી દેખાઇ. માલતી પ્રેમભરી આંખે એને જોઇ રહી. મમતા નજીક જઇને આંખ મારીને બોલી “ઍાલ ધ બેસ્ટ ભાભી
રાજાબાબુનું પ્રપોઝલ સાંભળીને કિરણને આંચકો લાગ્યો પણ એક પ્રયોગ તરીકે ફોટો સેશન કરવાની પિતાતુલ્ય સસરાજીની જીદ સામે એનું કઇ ન ઊપજ્યું, અને ટોટલ કૉંફિડેન્શિયલ ઓપરેશનમાં કિરણનું ફોટો શુટ થયું એનું રિઝલ્ટ જોઇને રાજાબાબુ ઉછળી પડયા પણ કિરણ કંઇ ન બોલી. ત્રીજે દિવસે દેશભરના ભાષાકીય અખબારોમાં પહેલે પાને જમણી બાજુ મને પા પાનાની રંગીન જાહેરખબરમાં ‘મસાલા મેડમ’ના મોટા હેડિંગ સાથે કિરણનો ફોટો છપાયો. હાથમાં ‘મહાજન મસાલા’નું પેકેટ, ચહેરા પર સ્મિત અને શબ્દો સબ કા દિલ જીત લેને કા મેરા રાઝ હૈ યહ મસાલા’
આ જાહેરખબરની મસાલા ઉદ્યોગમાં નોંધ લેવાઇ પણ દીપક અને રોમા ઊભા-ઊભા સળગી ગયાં. “અમને આની જાણ સુદધાં કરવાનો વિવેક કોઇએ ન દાખવ્યો?
(સ્પેશબેક પૂરો)
ૄૄૄ
પી. આઇ. પ્રશાંત ગોડબોલેની કસ્ટડીમાં વૉચમેન પાટિલ અને ડ્રાઇવર નંદુનો બીજો દિવસ હતો. બન્નેએ એક જ રટણ ચાલુ રાખ્યું કે આ ધડાકા વિશે મને કંઇ ખબર નથી. ધડાકાઓમાં બન્નેને થોડી ઘણી ઇજા થઇ હતી. નંદુએ તો ઇજા છતાં ભાગવાની કોશિશ કરી હતી. પાટિલ તો બેભાનાવસ્થામાંથી હોશમાં આવ્યા બાદ લગભગ દિગ્યુઢ થઇ ગયો હતો.
પી.આઇ. પ્રશાંત ગોડબોલેએ નવી જોડાયેલી સબ-ઇન્સ્પેકટર વૃંદા સ્વામીને કેબિનમાં બોલાવી. વૃંદા દેખાવડી હોવા સાથે આકરી ય ખૂબ હતી. ગુજરાતી માતા અને સાઉથ ઇન્ડિયન પિતાનું ફરજંદ, પુણેની રહેવાસી અને મુંબઇમાં મામાના ઘરે ભણતર અને ઉછેર. કારણ એટલું જ પપ્પા પ્રોફેસર અને મમ્મી શિક્ષિકા. મામા-મામીને સંતાન નહિ. મામાની ધીખતી રેડીમેઇડ કપડાની દુકાન અને મામી હોમમેકર. આ બધા સંજોગોમાં પાંચમા ધોરણ બાદ એ મુંબઇમાં ભણી. એકશન ફિલ્મોની શોખીન વૃંદાને તો લશ્કરમાં જવું હતું કાં પોલીસમાં. અંતે પોલીસદળમાં મેળ ખાધો અને મહિનાથી હતી મુરુડ પોલીસ સ્ટેશનમાં.
ગોડબોલેએ વૃંદાને બેસવાનો ઇશારો કર્યો. “આ આપણા પોલીસ સ્ટેશનનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ છે. હું ઇચ્છું છું કે તું આ તપાસમાં સામેલ થા. ખાસ તો પૂછપરછમાં અમે લોકો પોલીસ તરીકે પૂછપરછ કરીશું. તું પણ એક પોલીસ બનીને જોડાઇશ પણ તારું વધુ ફોક્સ માનવીય હશે, સ્ત્રી તરીકે હશે. તું બન્નેનો વિશ્ર્વાસ જીતી લે. નાનામાં નાની વિગત, માહિતી મેળવવાના પ્રયાસ કર. એ પણ બને એટલું જલ્દી, જો હોબાળો મચશે તો મુસીબત વધી જશે.
“થેન્ક યુ સો મચ સર. હું માત્ર ૨૬ વર્ષની છું. અહિં આવ્યાને ત્રણ મહિના થયા બીજા સિનિયર્સને માઠું નહિ લાગે?
“વૃદા એ મારો પ્રૉબ્લેમ છે. તું તો માત્ર મારા ઓર્ડરનો અમલ કરવાની છો. ધડાકો એટલો મોટો હતો કે મને અમંગળની શંકા જાય છે. કદાચ આ શરૂઆત હોય તો? એટલે આપણે ઝડપ કરવી પડે. ઇઝ ધેટ કલીઅર?’
“યસ સર, કહીને વૃદા ઊભી થઇ. સેલ્યુટ સાથે ‘જય હિન્દ’ કહીને પાછી જતી વૃંદાને પ્રશાંત જોઇ રહ્યો. ત્યાં જ એક ટીવી ચેનલ પર એની નજર પડી. એન્કર બૂમાબૂમ કરી રહ્યો હતો. “મુરુડ બ્લાસ્ટનું રહસ્ય ખુલ્લું પડી ગયું. તે હોટેલમાં ગેરકાયદે રખાયેલા રાંધવાના ગૅસમાં શોર્ટ સર્કિટથી ધડાકા થયા હતા. આના માટે જવાબદાર કોણ?
પ્રશાંતે (ટીવી એન્કરને ચુપ કરાવીને ફોન ઉપાડયો. કોન્ટેકટ લિસ્ટમાં મુરુડ હોટેલ એસોસિએશનનાં સેક્રેટરી દીપક ગાયતોંડેનો નંબર ડાયલ કર્યો. ક્યાંય સુધી બેલ વાગતી રહી.
ૄૄૄ
માલતીનું મગજ ફાટફાટ થતું હતું. સાત-આઠ વાર નંબર ડાયલ કર્યો, વ્હોટસઅપ મેસેજ મોકલ્યો અને એસ.એમ.એસ. પણ છતાં મોટા દીકરાનો સંપર્ક જ નહોતો થઇ રહ્યો. “ત્રણ ત્રણ દિવસ કોઇ સાથે વાત કરવાની ફુરસદ ન મળે એવો તે કેવો બિઝી થઇ ગયો એ?
મમતાને આવતી જોઇને માલતીએ પોતાનો બળાપો કાપ્યો. “હા, મમ્મી. મેં ય ફોન કર્યો પણ એનો ફોન હવે તો સ્વીચ ઑફ આવે છે.
“મમતા, હવે એનો ફોન આવે તો આપજે મને. સીધોદોર કરવો પડશે.
ૄૄૄ
મુરુડ હોટેલ એસોસિયેશનની મિટિંગમાંથી ફ્રી થઇને વિવેક ગાયતોંડેએ ફોન હાથમાં લીધો. પોતાના દોસ્ત પ્રશાંત ગોડબોલેનો મિસડ્કોલ જોઇને તેના હોઠ પર સ્મિત આવી ગયું. એનો નંબર ડાયલ કર્યો. “હલ્લો બૉલ પસ્યા, ડિનર પર આવે છે. મારી હોટેલ પર?… મને હતું જ કે તું ના પાડીશ… તો બોલ કામ શું હતું?… હા, યાર એ હોટેલમાં થયેલા બ્લાસ્ટસની ચર્ચા માટે જ એસોસિયેશનની મિટિંગ બોલાવી હતી. મહાન હીરોનો આ ત્રાસ આપણા સુધી આવી ગયો તો કંઇક વિચારવું પડે ને?… અમારું ડેલિગેશન તને ય મળવા આવવાનું વિચારે છે… ભલે ભલે આવી જાઉ અડધો કલાકમાં…
લગભગ ૪૦ મિનિટ બાદ પ્રશાંત ગોડબોલેની કેબિનમાં બન્ને બાળપણના દોસ્તો ચા સાથે બિસ્કીટને ન્યાય આપી રહ્યા હતા. ‘વિક્યા, શી ચર્ચા છે તે તમારી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં આજકાલ?
“મને ઑફિશિયલ પૂછપરછ માટે બોલાવ્યો છે કે શું?
“એ દિવસ આવશે ત્યારે જિંદગીની તે મારી કરેલી ટાંટિયા ખેંચનું વેર વાળવા એવી થર્ડ ડિગ્રી આપીશ કે તું બધું ભૂલી જઇ સમજ્યો વિક્યા?
“પસ્યા, આ બ્લાસ્ટસ સિવાય શેની ચર્ચા હોય? આજે એના માટે જ એસોસિએશનની મિટિંગ પણ હતી એટલે જ તારો ફોન મિસ થઇ ગયો.
“મિટિંગમાં ખાસ કંઇ?
“ના, રે ના. સિક્યોરિટી વધારવી, પોલીસને આવેદનપત્ર આપવું વગેરે વગેરે…
“હોટેલ પ્યૉર લવનો માલિક હતો આજની મિટિંગમાં?
“ના, એ તો ક્યારેય દેખાયો નથી.
“કેમ?
“રામ જાણે. કોઇ એન.આર.આઇ. છે. લંડનમાં રહે છે. જમીન ખરીદીને ડોક્યુમેન્ટ પર સહી કરવા આવ્યો હશે.
“તો હોટેલનું ખરું કામકાજ કોણ જુએ?
“એનો મેનેજર… એનડી… એને માલિક જ સમજી લે.
“એનડી. ફુલ નામ શું છે?
“એ જ નામે બધા ઓળખે છે… એને પાવર ઑફ એટર્ની આપી રાખ્યા છે.
“આટલો બધો વિશ્ર્વાસ? કંઇ સગામાં છે માલિકના?
“ના રે. કહે છે કે આસપાસના કોઇ ગામમાં જમીનની દલાલી કરતો હતો. પટેલ શેઠને આ જમીન અપાવી, હોટેલ બાંધવામાં સાથે રહ્યો ને પછી હવે એનડી જ બધું સંભાળે છે.
“આ પટેલ શેઠ એટલે હોટેલનો માલિક?
” હા, તમે કોન્ટ્રેકટ કર્યો એનો?
“ના હવે વાત કરીશું.
“કોઇ કહેતું હતું કે મુંબઇ આવ્યો છે હમણા. મુરુડ આવવાનો છે એવી ય વાતો કાને આવી હતી.
“અચ્છા. આ મુરુડ, બધી હોટેલો અને એનડી વિશે વધુમાં વધુ માહિતી આપી શકે એવું કોઇ ધ્યાનમાં ખરું?
“હા, છે એક માણસ શંભુભાઉ. મુરુડમાં શું વેચાવાનું છે, કોણ ખરીદવાનું છે એ લઇને કોણ શું કરે છે એ બધી એને ખબર હોય. એને મોકલું તારી પાસે?
“પ્લીઝ, પ્લીઝ.
“હા, પણ પટેલ શેઠને જલદી મળી લેજે. એનો એક પગ જમીન પર હોય છે, ને બીજો આકાશમાં. મુંબઇ કે લંડન ન હોય ત્યારે અખાતના દેશોમાં બહુ અવરજવર છે.
“શેનું કામકાજ છે એને?
“એ તો તારે શોધવું પડશે, યાર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button