ધર્મતેજ

કેરોલિના રીપર પ્રકરણ-૨૫

આકાશે ક્યારેય મને પ્રેમ કર્યો હશે ખરો?

પ્રફુલ શાહ

આચરેકરે પડીકું ખોલ્યું: પાંચસો રૂપિયાની નોટના દસ બંડલ હતા. “અનિતાજી, આ તો શુકન છે. બસ, તમે ચૂપ રહો.

એટીએસના ‘પ્રોડ્યુસર મનમોહન’ અલીબાગ જિલ્લાના મુરુડ તાલુકાના ડોંગરી ગામમાં પહોંચ્ચા. આસપાસ જોઈને એમને નવાઈ લાગી કે આટલા નાના ગામમાં કોઈ ગુનેગારના સગડ ન મળ્યા

હોત તો પોતે ક્યારેય પગ મૂક્યો હોત ખરો?

સામે જ દેખાતા પાનના ગલ્લા પર એ પહોંચી ગયા. “સિગારેટ દેના તો…

“કૌની સી દુ સા’બ

“અરે આપકી પસંદકી પીલા દો.

દુકાનદારે એક સિગારેટ કાઢી. ‘પ્રોડ્યુસર મનમોહન’ એને જોઈ રહ્યા. “એક નહીં દો ચાહિએ.

દુકાનદારે બીજી સિગારેટ આપી. ‘પ્રોડ્યુસર મનમોહન’ એને જોઈ રહ્યા. એક સિગારેટ પેટાવી, એમાંથી બીજીને ધુમાડા કાઢતી કરે. દુકાનદાર આ વિચિત્ર પ્રાણીને જોઈ રહ્યો. ત્યાં જ એને આંચકો

લાગ્યો.

“યહ લો એક આપ કે લિએ.

દુકાનદારને આશ્ર્ચર્ય થયું, “મેરે લિએ?

“હા, દુકાન આપકી હો, પસંદ આપ કી ઔર આપ હીં નહીં પીયે તો યદ બદ્તમીજી હોગી. લે લો જનાબ.

“શુક્રિયા જનાબ.

બંને કસ ખેંચવા લાગ્યા. સિગારેટ અડધી પતી ત્યાં ‘પ્રોડ્યુસર મનમોહન’નો હાથ ગજવામાં ગયો. એક ફોટો કાઢીને ધ્યાનથી જોયો. પછી બીજા બે ફોટા કાઢ્યા. ત્રણેય ફોટા ગલ્લાના કાચ પર મૂકીને

પૂછ્યું.

“ઈસ મેં સે કિસી કો દેખા હૈ, જનાબ.

એનડી, પવલા અને બાદશાહના ફોટો દુકાનદારે ધ્યાનથી જોયા. પછી બાદશાહનો ફોટો હાથમાં લઈને બોલ્યો, શાયદ યહ આદમી ગાંવ મેં આયા થા.
ૄૄૄ
બંધાણીની જેમ કિરણ જાણતી હતી કે પોતે ન કરવાનું કરે છે. મન દલીલ કરતું હતું કે આકાશે જે કર્યું, જે વિચાર્યું એ હમણાં જાણ્યાની શી જરૂર છે? અત્યારે પ્રાયોરિટી બીજી છે. પણ અવળચંડું મન ન

માન્યું તે ન જ માન્યું. તેણે આકાશની ડાયરી ઉપાડી, પાનું ખોલ્યું ને વાંચવા માંડી.

“સવાર તો માંડ માંડ પડી. મને સમજાયું નહીં કે થઈ શું રહ્યું હતું મારી સાથે? મેં મોનાને ‘ગુડ મોર્નિંગ’નો મેસેજ મોકલીને દિવસની શરૂઆત કરી. હું મોબાઈલ ફોન જોતો જ રહ્યો કે ક્યારે મેસેજ

ડિલિવર થાય છે. મેસેજ ડિલિવર થયા પછી અડધો કલાક સુધી પ્રિયાએ તેણે જોયો પણ નહીં. જોયા પછી એક કલાક સુધી જવાબ ન આપ્યો. એકદમ અપસેટ થઈ ગયો હું. ખબર નહીં હું નારાજ થયો

કે ગુસ્સો આવ્યો. ત્યાં જ મોનાનો મેસેજ આવ્યો. “સાંજે સાત વાગ્યે. હોટલ પામગ્રોવ કૉફી શૉપ મને આશ્ર્ચર્ય થયું અને આનંદ પણ. મોનાએ સવાલ નહોતો પૂછ્યો. જાણે ઈચ્છા વ્યક્ત કરી હતી

આદેશ આપ્યો હતો. એકદમ ફાસ્ટ અને બિન્દાસ ગર્લ છે, એકદમ મારા ટાઈપ. મહામહેનતે સાંજ પડી. હું તો છ વાગ્યામાં કૉફી-શૉપ પહોંચી ગયો. રોજ માંડ એકાદ કપ કૉફી પીવાની હોય. ત્યાં અડધો

કલાકમાં જ બે કૉફી ગટગટાવી ગયો. બીજી મંગાવીને હોઠે લગાવ્યું, ત્યા સાત વાગીને વીસ મિનિટે મોના આવી.

“હાય ત્રીજો કપ કૉફીનો પીવો છો એટલે મને વાઈનમાં કંપની નથી આપવી એમને?

મેં તરત કૉફીનો કપ મૂકીને વેઈટરને ઈનસીગ્નીયા “જલદી ઈનસીગ્નીયા ૨૦૧૫ની એક બોટલ લાવ. બીજી બોટલ પણ આઈસ બકેટમાં મૂકી દે.
વેઈટર ગયો એટલે પ્રિયા હસી.

“આકાશ, મને ફોર્માલિટી ગમતી નથી. પાંચ હજારની વાઈન પીધા પછી તારો મૂડ ન બગડે એટલે પહેલા એક વાત કરી દઉં?
“યસ, બોલ મોના…

“હું મેરીડ છું.

મેં બે પળ એની સામે જોયું. પછી હું હસી પડ્યો. “હું પણ…

“હું એક દીકરીની માં છું…

“તો તું મારાથી સિનિયર. બોલ, બીજું કંઈ? મેં જવાબ આપ્યો.

” આટલી સ્પષ્ટતા પછી નક્કી કરીએ કો આગળ શું કરવું તો પછી ખોટી ખટપટ ન થાય. રાઈટ આકાશ? આટલું બોલીને મોના ઊભી થઈ. દૂર કાઉન્ટર પાસે પડેલું અંગ્રેજી અખબાર ઉપાડી લાવી.

એમાં એક ન્યૂઝ બતાવ્યા. “આ સૉરી મારા બસબંડની છે. નામ જોઈ લે. ગૌરવ પુરોહિત.

મેં અખબાર જોયું. એ સ્ટોરીની બાજુમાં છપાયેલા ફોટા પર મેં આંગળી મૂકી. “આ ફોટા જોઈ લે… મારી વાઈફ છે. કિરણ…

તેણે ફોટો જોયો. “નોટ બેડ…

મારા મોઢામાંથી નીકળી પડ્યું. “બટ નોટ લાઈક યુ.

પછી અમે બંનેએ ઈનસીગ્નીયા ૨૦૧૫ની બે બોટલ ખાલી કરી. ફ્રેન્કલી, મોનાની સ્પષ્ટ, નિડર અને ટુ ધ પોઈન્ટ વાતોએ-વલણે મને ક્લીન બૉલ્ડ કરી દીધો. શું હું એના પ્રેમમાં પડી રહ્યો છું?
અચાનક ડાયરી પછાડીને કિરણ ઊભી થઈ ગઈ. એ અરીસા સામે ઊભી રહીને માથાના વાળથી લઈને પગના નખ સુધી જોયું અને કંઈક વિચારમાં પડી ગઈ. “આકાશે મને બરાબર જોઈ હશે?

ક્યારેય પ્રેમ કર્યો હશે ખરો?
ૄૄૄ
‘મહારાષ્ટ્ર આજ’ની સ્ટાર એન્કર અને ન્યૂઝ રીડર અનીતા દેશપાંડેને પોતાના બંગલો પર જોઈને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન વિશ્ર્વનાથ આચરેકરની ખુશી સમાતી નહોતી. નિશીથ કરંદીકર જેવા કાબેલ

માણસની પસંદગી કરવા બદલે તેણે પોતાની જ પીઠ થાબડી.

ઓર્ડર પ્રમાણે સેન્ડવીચ અને કૉલ્ડડ્રીન્ક આવી ગયા બાદ આચરેકરે ટેબલ નીચેની સ્વીચ દબાવી એટલે દરવાજો આપોઆપ અંદરથી લોક થઈ ગયો.

“આપને મળીને ખૂબ આનંદ થયો અનિતાજી. બસ આને દોસ્તીની શરૂઆત સમજો.

“સર, મને પણ આનંદ થયો, અનિતાએ સફેદ રંગનું પર્સ ટેબલ પર બરાબર ગોઠવતા જવાબ આપ્યો. “બોલો શું સેવા કરી શકું આપની?

આચરેકરે કાન પકડ્યા. “એ શું બોલ્યા અનિતાજી? તમારે સેવા કરવાની હોય? બસ અમને સેવા કરવાનો મોકો આપો. સૌથી પહેલા તો નાસ્તાને ન્યાય આપો.

અનિતાએ હસીને સેન્ડવીચનો એક ટુકડો મોઢામાં મૂક્યો. આચરેકર એના હાથ અને હોઠને જોઈ રહ્યો. “બસ, આપણી વચ્ચે આવા સુમેળભર્યા સંબંધ રહે તો મને ગમશે. આ રીતે આગતાસ્વાગતા

કરવાની તક આપતા રહેજો.

અનિતાએ કૉલ્ડ-ડ્રીન્કની બોટલ નજીક ખેંચીને સ્ટ્રોથી એક ઘૂંટડો ભર્યાં પછી બોટલ ઠેકાણે મૂકીને ફરી પર્સ બરાબર મૂક્યું.

આ જોઈને આચરેકર બોલ્યો, “ખૂબ સરસ છે પર્સ. પણ ખાલી લાગે છે.

“સર, મુદ્દાની વાત પર આવીએ.

આચરેકર અકારણ હસી પડ્યો. “વાહ એકદમ પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ છો આપ.

“યસ સર, ટાઈમ ઈઝ મની.

આચરેકરે તરત ડ્રોઅરમાંથી એક પડીકું કાઢીને ટેબલ પર મૂક્યું. “મજા અને ટાઈમ… સરસ… આ રહ્યા મની… પાંચ લાખ…
“આ સાથે આપણો ટાઇમ શરૂ થશે.

આચરેકરે પડીકું ખોલ્યું. પાંચસો રૂપિયાની નોટના દસ બંડલ હતા. આ તો શુકન છે. બસ તમે ચૂપ રહો કાં હું કહું એટલું બોલતા રહો, આવા શુકન મળતા રહેશે.

“સર, આપ મને ખરીદવા માગો છો? મને ચૂપ કરાવવા માગો છો?

આચરેકરે બંને હાથથી બેઉં કાન પકડીને જીભ બહાર કાઢી. તોબા તોબા, આવું વિચાર્યું ય હોય તો… હું તો સંબંધ બાંધવા માગું છું. આપને ફાયદો, આપની ચેનલને ફાયદો અને મને પણ ફાયદો.
અનીતા જોતી રહી આચરેકર સામે. પછી એકદમ હસી પડી. “સર, આપને ચૂંટણીનું ટેન્શન છે કે બૉમ્બ બ્લાસ્ટ કેસની તપાસનું?

આચરેકર ખુરશીમાં થોડા પાછળ રહી ગયા. “ટેન્શન એકેય નથી. તપાસ તો ચાલ્યા કરશે. ને ચૂંટણી તો હું જીતવાનો જ છું. બસ તમે સાથ આપો, એકદમ મૌન રહીને. હું યે ચૂપચાપ આવા શુકન

આપતો રહીશ. મતદાન અગાઉ આવા વધુ ચાર શુકનના પેકેટ મળી જશે. કબૂલ.?

અનિતા એ સકારણ કંઈ બોલી નહીં, માત્ર ડોકું હલાવ્યું. એના ચહેરા પર વધુ સ્મિત આવી ગયું. વિશ્ર્વનાથ આચરેકર માટે બહુ મોટી આફતનો આરંભ હતો.
ૄૄૄ
એટીએસના પ્રોડ્યુસર મનમોહન અને પાનનો દુકાનવાળો એક નાનકડી રૂમ પાસે ઊભા રહ્યા. દુકાનદારે દરવાજા પર હાથ પછાડ્યો. થોડીવારમાં અંદરથી સફેદ દાઢીવાળા બુઝુર્ગ બહાર આવ્યા.
“અરે બદરી તુમ યહાં? મસ્જિદ પે કભી નહીં દિખતે હો તુમ ઔર…

” ઈમામ સાહબ યે મેરા પહેચાનવાલે હૈ ઔર મામલા સિરિયસ હૈ. વે આપ સે કુછ પૂછના ચાહતે હૈ…

‘પ્રોડયુસર મનમોહન’ સામે જોઈને ઈમામ બોલ્યા, “પૂછો બરખુરદાર. જો પૂછના હૈ વહ બેફિકર પૂછો.

‘પ્રોડ્યુસર મનમોહન’ની નજર ઉપરથી નીચે ઈમામ પર ફરી વળી. ધીમેથી તેણે બે ફોટા કાઢ્યા. એનડી અને પવલોના. બંને બતાવ્યા ઈમામને. એમના ચહેરા પર કોઈ ભાવ ન આવ્યા. “કૌન હૈ

પર દોનો? પછી તેમના હાથમાં બાદશાહનો ફોટો મુકાયો. એ જોતાવેંત ઈમામની આંખમાં ચમક આવી ગઈ. “બેચારા કિતના બદકિસ્મત ઈન્સાન હૈ. યહ મુઝે મિલને આયા થા.

“ક્યોં? કબ? કહાં?

“યહ મસ્જિદ કે બહાર મિલા. એ સાફસાફ બોલ્યો નહીં પણ એનું કોઈક ગુજરી ગયું હશે.

“એ કેવી રીતે ખબર પડી?

“મને કહેવા માંડ્યો. ઈમામસાહબ, મેરે કરીબી કા ઈન્તેકાલ હો ગયા હૈ. આપ ઉસકી મગફિરત કે લિએ દુઆ કરે, અલ્લાહતાલા ઉસકી મગફિરત કરે.

‘પણ તમે પૂછ્યું નહીં કે કોણ ગુજરી ગયું છે?’

ના હું કંઈ પૂછું એ પહેલા મારા હાથમાં પાંચસો – પાંચસોની બે નોટ મૂકીને ગરીબોમાં વહેંચી દેવાનું કહીને જતો રહ્યો. બાદશાહ કંઈ બોલવાની સ્થિતિમાં જ નહોતો. જો એ બોલી ગયો હોત તો ન

થવાનું થઈ ગયું હોત, જે એ ઈચ્છતો નહોતો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button