ધર્મતેજ

કેરોલિના રીપર પ્રકરણ-૧૯

શબાનાની લાશ મળી એની વહેલી સવારે સોલોમન એ ગામમાં દેખાયો હતો.

પ્રફુલ શાહ

પહેલીવાર રાજાબાબુને લાગ્યું કે પોતે સંતાનોના પિતા જ રહેવાને બદલે દોસ્ત બનીને ભૂલ કરી, બહુ મોટી ભૂલ

મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલે ગોલેગાંવના હવાલદાર અશોક નાડકર સામે જોઇ રહ્યો. “શાબાશ, ખૂબ સરસ કામ કર્યું તે.
“થેન્કયુ સર.

“પણ હજી ગોલેગાંવમાં વધુ તપાસ કર, સોલોમન, શબાના અને પવલા વિશે નાની નાની, સાવ નકામી લાગે એવી બધી વાતો આપણે જાણવી છે. આ જવાબદારી તારી. આ તું જ કરી શકીશ બોલ કરીશને?

અશોક નાડકરના પહેલીવાર વખાણ થયા. એને મહત્ત્વ મળ્યું. સાથોસાથ જવાબદારી પણ સોંપાઇ એ એકદમ ગળગળો થઇ ગયો. “સર, હું તો સામાન્ય હવાલદાર પહેલીવાર કોઇએ મારી પીઠ થાબડી.

“અરે સામાન્ય હવાલદાર એટલે શું?
ગોડબોલે બે ચાનો ઑર્ડર આપ્યો.

“જો લશ્કરમાં સૈનિક સૌથી નાનો ગણાય પણ એના વગર થોડું યુદ્ધ જીતાય.

ગોડબોલેએ ચા આવવાની પ્રતીક્ષાનો સદ્ઉપયોગ કર્યો. તેણે તરત એટીએસના પરમવીર બત્રાને ફોન લગાવ્યો.

“જયહિન્દ સર. ગોલેગાંવમાંથી એક મહત્ત્વની માહિતી મળી છે. શબાનાની લાશ મળી એની વહેલી સવારે સોલોમન એ ગામમાં દેખાયો હતો. ગોલેગાંવના આપણા હવાલદાર અશોક નાડકરે એક મહત્ત્વનો આઇ વિટનેસ શોધી કાઢ્યો છે… સર, એક રિકવેસ્ટ કરું?…. હા, જી એ હવાલદારને આપ થોડું પ્રોત્સાહન આપો તો મને ગમશે. … ઓકે… આપું એને ફોન. પછી મોબાઇલ ફોન પર હાથ મૂકીને નાડકરને ફોન આપ્યો. “લે કર વાત બત્રા સર સાથે. હવાલદાર અશોક નાડકર માની ન શક્યો. ફોન હાથમાં લઇને તે ઊભો થઇ ગયો. જમણા હાથમાં ફોન રાખીને ડાબે હાથેથી સેલ્યુટ કરીને બોલ્યો, “જયહિન્દ સર… પછી સામેથી પરમવીર બત્રા જે કંઇ બોલ્યા એ સાંભળીને નાડકરની આંખ ભીની થઇ ગઇ. ફોન પાછો આપીને એ બોલ્યા, “સર આપને જોઇતી બધી માહિતી હું મેળવીને રહીશ. માં કસમ.
૦૦૦
મહાજન મસાલાના માલિક રાજા બાબુ મહારાજનું જીવન એકદમ સ્વાદહીન, નિરસ અને હતાશાજનક બની ગયું હતું. એક તરફ આકાશની ચિંતા કોરી ખાતી હતી, તો બીજી બાજું દીકરી જેવી કિરણની હાલત જોવાતી નહોતી.

પહેલીવાર રાજાબાબુને લાગ્યુ કે પોતે સંતાનોના પિતા રહેવાને બદલે દોસ્ત બનીને ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. દોસ્તો તો એમને લાઇફમાં ઘણાં મળી શકયા હોત, પરંતુ પિતા એક જ હોય, જેને મેં દોસ્તમાં ફેરવી નાખ્યો. મારે એક પિતા જ રહેવાની જરૂર હતી. એવો પિતા જે કડક હોય, જેનો બાળકોને થોડોક ડર લાગે. ભલે મારીએ નહીં પણ એનો ભય સાવ ભૂંસી નાખીને મહાભૂલ થઇ ગઇ મારાથી.

આકાશે જીવનભર મનમાની કરી. એને પરણાવી દઇને સાચા રસ્તે લાવવાની બીજી ભૂલ કરી પોતે. આનાથી આકાશ તો ન સુધર્યો પણ કિરણની જિંદગી બરબાદ થઇ ગઇ. આને માટે ઇશ્ર્વર મને ક્યારેય માફ નહીં કરે. અને ન જ કરવો જોઇએ માફ.

નાનો દીકરો દીપક આવડતમાં ખૂબ ઊણો છે પણ એક નંબરનો સ્વાર્થી છે, લોભી છે. આકાશને રસ નહોતો છતાં પોતે એને ધંધામાં પલોટવાનો પ્રયાસ કરતા રહ્યા. દીપકમાં કૌવત કે કસબ નથી. છતાં એને જામેલા ધંધામાં રહેવા દઇને બિઝનેસને અને દીપકને નુકસાન કરી રહ્યો છું. શું માત્ર પિતૃ-પ્રેમનું પરિણામ છે એ? સદ્ભાગ્યે મમતા સમજદાર છે. પ્રેમાળ છે. પણ બે દીકરાના ઉછેરમાં થયેલી ભૂલનું પ્રાયશ્ર્ચિત્ત કરવા મળશે? કેવી રીતે?

અચાનક રાજાબાબુ મહાજનનું ધ્યાન મોબાઇલ ફોન પર ગયું. કોઇકનો ફોન આવવાથી વાઇબ્રેશન અને હળવી લાઇટ થતી હતી. સ્ક્રીન પર રાજાબાબુને ફોન નહોતો ઉપાડવો પણ, કદાચ આકાશની કોઇ માહિતી હોય એમ માનીને ફોન ઉપાડયો. ત્યાં કટ થઇ ગયો. તેમણે જોયું તો જુહુ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ રામરાવ અંધારેના છ સહિત કુલ નવ મિસડ્ કોલ દેખાયા.
રાજાબાબુ મહાજને અંધારેને ફોન લગાવ્યો. અંધારે હળવેથી બોલ્યો, “સર આપે મુરુડ જવું પડશે. લાશની ઓળખવિધિ માટે બોલાવ્યા છે. અને એ જ ઘડીએ આ બાપના હાથમાંથી મોબાઇલ ફોન નીચે પડી ગયો.

કિરણ ક્યારની પોતાની રૂમમાં આડી પડી હતી એને કઈ કરવાનું મન થતું નહોતું. એને નહોતું ઊંઘવું, નહોતું જાગવું. નહોતું ખાવું, નહોતું પીવું. નહોતું ઘરમાં રહેવું, નહોતું બહાર જવું.
બેઠકમાં હાજર રહેવાની અસમર્થતા દર્શાવતો મેસેજ પણ ક્યારનો મોકલી ચુકી હતી.

સામે પડેલા આકાશનો હસતો ચહેરો જાણે કિરણને જોતો હતો ફોટામાં તેણે જમણા હાથની મુઠ્ઠી વળેલી હતી અને એ હડપચી પર ટેકવેલી હતી. આ ફોટો પડાવવા પાછળ એનો આશય પોતાનું પહેલું અને નવું ટેટુ દર્શાવવાનું હતું. ટેટુમાં માત્ર બે જ અક્ષર હતા. એ અને એમ પણ એ ત્રોફાવ્યા બાદ ખૂબ પીડા છતાં એ ખૂબ ખુશ લાગતો હતો. આ બે અક્ષર ત્રોફાવવાનું કારણ પૂછ્યું તો આકાશ એવી રીતે સામે જોયું કે જાણે કિરણ સાવ ગમાર-નાસમજ હોય. “અફકોર્સ ‘એ.એમ’ એટલે આકાશ મહાજન. વધુ એક અર્થ એ કે ઓલ્વેઝ મોર્નિંગ, નેવર નાઈટ ઔર નેવર હાર્ડનેસ.
પોતાની પ્રકાશમય રહેવાની લાયમાં બીજાના જીવનમાં અંધારું કરી નાખવાનું કેટલું યોગ્ય ગણાય, એ સવાલ કિરણને હવે પૂછવો હતો પણ આકાશ સામે આવે તો ને? (એ જ સમયે મમતા એકદમ હાંફળી ફાંફળી રૂમમાં દોડી આવી. “ભાભી, ભાભી…
“શું થયું તમને?
“મને નહિ, પપ્પા… પપ્પા…
“શું થયું પપ્પાને?
“બેહોશ થઈને પડી ગયા છે…
“વ્હોટ? ડૉક્ટરને બોલાવ્યા? તરત ઊભી થતા કિરણે પૂછ્યું અને એ મમતાને લઈને રૂમની બહાર નીકળી એને ખબર નહોતી કે હવે તે ખૂબ મુશ્કેલ અને અણધારી દિશામાં ધકેલાઈ રહી હતી.
ગોલેગાંવના હવાલદાર અશોક નાડકરના પગમાં નવું જોમ આવી ગયું હતું. કોઈકે પહેલીવાર એની કામગીરી વખાણી હતી. ઉપરાંત નવી જવાબદારી સોંપી હતી. જોકે નાડકર સાઈકલને ઉતાવળે પેડર મારતો ફરી એ જ એસ.ટી. સ્ટેન્ડ પાસે પહોંચી ગયા એની સાઈકલ બરાબર એ ચાવાળા પાસે ઊભી રહી. સાઈકલને સ્ટેન્ડ પર મૂકીને એ નજીક ગયો મોઢામાં બીડી મૂકીને સ્ટવની જાળમાં સળગાવી. પછી બીડી એ જ રીતે સળગાવી. એક બીડી ચાવાળાને આપી.

ચાવાળાને નાડકરનું આવવું ગમ્યું. સારો માણસ લાગ્યો એને. બે ગ્રાહક ચા પીને ગયા એટલે નાડકરે હસીને ૨૦ રૂપિયા એના હાથમાં મૂક્યા. “આપણા બે માટે એકદમ મસ્ત ચા બનાવ. ઓછી સાકર, વધુ દૂધ ઉપર મસાલો અને બરાબર ઉકાળજે હો. ચાવાળો ચા બનાવવામાં વ્યસ્ત થઈ ગયો. ચા ઉકળવાની શરૂઆત થઈ ગયો. ચા ઉકળવાની શરૂઆત થઈ એટલે નાડકરે પૂછ્યું, “ઘણી વાતો પૂછવી છે, અત્યારે ચાલશે ને?

“હા, પોલીસ ચોકી આવીને ટાઈમ બગાડવા એના કરતા અહીં અને અત્યારે વાત કરવી વધુ ફાવશે. પૂછો તમતમારે.

“પવલા વિશે જે જાણતો હોય એ કહેવા માંડ. નાનામાં નાની વિગત પણ ભુલાય નહિ.

મેં જોયું નથી પણ પવલો તરવામાં ચેમ્પિયન હતો. એ પોતે કહેતો હતો પણ સ્કૂલ સાથે બધુ છૂટી ગયું. અહીં આવીને પવલો દૂધવાળાને ત્યા નોકરીએ લાગી ગયો. કહેતો હતો કે એને ગામના ઘરનું ખૂબ ટેન્શન હતું. મોટાભાઈએ જુગારમાં ઘર ગીરવે મૂકી દીધું છે. હવે નથી મોટોભાઈ ઘર બચાવી શકે એમ કે નથી પવલામાં એ તાકાત.

“આ બધુ પવલાએ પોતે તને કહ્યું?

“હા, ઘણીવાર એ વહેલી સવારે દૂધ લઈને આવે ત્યારે મારી પાસે બેસે. બીજા ગ્રાહક હજી જાગ્યા ન હોય. મારેય દૂધ ગરમ કરવા સિવાય ખાસ કામ ન હોય. એટલે લગભગ રોજ અમે બેય બીડી પીતા વાત કરીએ. મોટેભાગે મારે ત્યાં પહેલી ચા પીને જ જાય એ.

“ગામના ઘરની વાત તેણે દૂધવાળાને કરી ખરી? એ મદદ ન કરે?

“હા, કરી પણ તેણે તો ફૂટી કોડીય આપવાની ના પાડી દીધી. એનો વેપાર નાનો ને.

“આ ગામમાં બીજા કોઈ સાથે પવલાને ઊઠબેસ ખરી?

“લગભગ નહીં. એ કહેતો કે મને ગામમાં કોઈ સાથે ઝાઝું જામતું નથી.

“કોઈ છોકરી સાથે પ્રેમ બ્રેમ? કોઈ સાથે દુશ્મની?

“ના રે ના… એને બસ માત્ર ઘરની ફિકર કોરી ખાતી હતી.

“હા, પણ મગજ પર જોર મૂકીને વિચાર યાદ કર કે એ માણસ અગાઉ ક્યારેય પવલા સાથે દેખાયો હતો? બીજે ક્યાંય કોઈ સાથે જોયો હતો?

“ના, એવું કંઈ સાંભરતું નથી પણ… પેલા માણસ મને પવલા વિશે પૂછ્યું હતું ખરું.

“શું પૂછ્યું હતું?

“એ જ કે પવલો ક્યાં કામ કરે છે, ક્યાં રહે છે અને કેવો માણસ છે?

“મેં કહ્યું દૂધવાળાને ત્યાં કામ કરે છે ને ત્યાં જ રહે છે. પછી એ પૂછવા માંડ્યો કે ગામમાં એના કોઈ સગા કે દોસ્ત ખરાં?

“મને કંટાળો આવ્યો. મેં ચીડાઈને ના પાડી… સાથોસાથ પૂછ્યું કે આટલું બધું કેમ જાણવું છે?

એ બોલ્યો કે પવલાને એક મોટું કામ સોંપવું છે એટલે જાણવું તો પડે ને?

“પછી શું થયું?

“એ મારી પાસેથી દૂધવાળાનું સરનામું લઈને પવલો ગયો હતો એ દિશામાં ઉતાવળે પગલે ચાલવા માંડ્યો?

“ફરી ક્યારેય એને ગામમાં જોયો ખરો?

“ના, ક્યારેય નહીં. પણ હા, એ જતો હતો ત્યારે કોઈકનો ફોન આવ્યો હતો.

“અચ્છા, એ શું બોલ્યો એ સાંભળ્યું?

“હા, એ કોઈને કહેતો હતો કે સલામ વાલેકુમ મને ગોલેગાંવમાં મુરતિયો મળી ગયો છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button