ધર્મતેજ

કેરોલિના પ્રકરણ-૬૫

પ્રાઇમ વિટનેસ પીયૂષ પાટીલને કોઇકે સાયલેન્સરવાળી રિવૉલ્વરથી વીંધી નાખ્યો હતો

પ્રફુલ શાહ

પરમવીર બત્રાને દેશદ્રોહી કે નિર્દોષોના સામૂહિક હત્યારા સમાન આતંકવાદીઓ સામે ભારે રોષ

પીયૂષ પાટીલને કસ્ટડીમાંથી અદાલતમાં લઇ જવાનો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ વધુ રિમાન્ડ મેળવવા માટે કાયદા મુજબ કોર્ટમાં હાજર કરવાનો હતો. એને છાપામાં ચમકવાનો ચસ્કો હતો. તેનું સપનું હતું કે પત્રકારો અને ફોટોગ્રાફર ઘેરી વળે, પોતાના આવવાની રાહ જુએ એવું જ થયું. અપ્પાભાઉ મર્ડર કેસમાં હવે તે પ્રાઇમ વિટનેસ બની ચૂકયો હતો. તેણે વીડિયો પર કબૂલાત કરી હતી કે અપ્પાભાઉની હત્યાની સુપારી વિશ્ર્વનાથ આચરેકરે આપી હતી. એ પીયૂષ ખૂબ લાઇમલાઇટમાં આવી ગયો ત્યાર પછી બહાર આવ્યું કે એ તો મુખ્ય પ્રધાન રણજીત સાળવીનો સમર્થક છે, એમના પક્ષનો કાર્યકર્તા છે, યુવા નેતા છે. પીયૂષ જાણતો હતો કે પોતે કરેલી સનસનાટીભરી કબૂલાત છતાં સાળવી સાહેબ પોતાને બચાવી લેશે. એમના પ્રતાપે જ પોતાની સાથેના કેટલાય કેસ વરસોથી પોલીસ સ્ટેશનની ફાઇલોમાં ધૂળ ખાય જ છે ને?

બે પોલીસવાળા હાથમાં હાથ નાખીને પીયૂષને પોલીસ સ્ટેશનની બહાર લાવ્યા. સામે રિપોર્ટર્સ-ફોટોગ્રાફર્સનું ટોળું જોઇને પીયૂષે મોઢું મલકાવ્યું. તેણે ‘વી’ફોર વિકટરી દર્શાવવા જમણા હાથનાં બે આંગળા ઊંચા કર્યા. પ્રેસવાળાને રોકવા ઊભેલા બે કોન્સ્ટેબલને ધક્કા મારીને પ્રેસવાળા કમ્પાઉન્ડની અંદર ઘૂસી ગયા. પીયૂષનો હાથ પકડીને આગળ લાવનારા બન્ને પોલીસવાળા એકદમ સાવધ થઇ ગયા, પરંતુ અચાનક પીયૂષ બેસી પડયો. એક પોલીસવાળાનું ધ્યાન ગયું કે પીયૂષના માથામાંથી લોહી નીકળતું હતું. શું થયું છે. એ તપાસાય એ પહેલાં તો પીયૂષ ઢળી પડયો.

પ્રાઇમ વિટનેસ પીયૂષ પાટીલને કોઇએ સાયલન્સરવાળી રિવોલ્વરમાંથી વીંધી નાખ્યો હતો. પોલીસ કંઇ પગલું ભરે એ અગાઉ ત્રણ-ચાર ફટાકડા ફૂટયા અને ચારેકોર ધુમાડો જ ધુમાડો ફેલાઇ ગયો. પીયૂષને બહુ ગમતા રિપોર્ટર્સ-ફોટોગ્રાફર્સ દૂર ભાગવા માંડયા, ત્યારે એ મૃત અવસ્થામાં મોટા ન્યૂઝ બની રહ્યો હતો.

ૄૄૄ
રાતનો અંધકાર જંગલની નિરવતાને ડરામણો બનાવતો હતો. તમરાના અવાજ, પવનથી હલતી ડાળખીઓ, કચડાતા સૂકા પાંદડા અને વીજળીની જેમ ચમકી જતાં આગિયાને લીધે જંગલ જાણે સાઉથની મસાલા ફિલ્મનો નયનરમ્ય સેટ લાગતો હતો.

કાળી રાતને ચીરતો એક ઓળો ઓછામાં ઓછાં અવાજ થાય એવી તકેદારી સાથે પગદંડી પર અવાજો દીવાદાંડી તરફ જતો હતો. રસ્તા પર એક પથ્થર દેખાયો હતો એના પર ટોર્ચની લાઇટ નાખીને જાણે સાચી જગ્યાએ હોવાની તેણે ખાતરી કરી લીધી. પછી પગદંડી છોડીને વૃક્ષો વચ્ચે ચાલવા માંડયો. જાણે, ગણતરી કરતો હોય એમ ચોક્કસ ઝાડ પાસે ઊભો રહી ગયો.

ફરી ટોર્ચ ચાલુ કરીને ઝાડ પર પ્રકાશ ફેંકયો. ઓચિંતા પ્રકાશથી ગભરાઇને ચાર પાંચ પંખી ઉડી ગયા. ટોર્ચના પ્રકાશમાં ઉપર થેલી દેખાઇ એટલે એ ઉપર ચડવા માંડયો. ત્યાં જ આસપાસથી ચારેક જણે ચિલઝડપ મારીને એને ઝડપી લીધો.

“ઉપર ખાલી થેલી હતી. આપકા ખાના પીના તો હમારે પાસ હય પવલા મહારાજ અભી ઔર યહાં ખાના હય જી?
ૄૄૄ
એટીએસના એક ગુપ્ત સ્થળે પરમવીર બત્રા, પ્રશાંત ગોડબોલે, ‘પ્રોડયુસર મનમોહન’ અને વૃંદા સ્વામી ચૂપચાપ બેઠા હતા. બધાના ચહેરા પર થાક સાથે સંતોષ હતો. લાંબા સમયે નોંધપાત્ર સફળતા મેળવ્યાનો આનંદ હતો. ચા-નાસ્તો પતાવ્યા બાદ ગોડબોલેએ બત્રાને પૂછયું “સર, જરૂર ન હોય તો વૃંદાને પોલીસ સ્ટેશન મોકલી દઉં?

“હાજી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ મર્ડર થયું છે એટલે આપ પણ નીકળો જી.

“કંઇ કામ નથી ને સર?

“ના, થોડીવારમાં આપણે પકડેલા પંખીની પૂછપરછ શરૂ થશે. એમાં કેટલો સમય નીકળી જાય એ કહેવાય નહીં. કંઇ ખાસ હોય તો વાત કરીએ જી.
ગોડબોલે અને વૃંદા ઊભા થયા. એટલે બત્રા પાસે આવ્યા. બન્નેનો એક-એક હાથ પકડીને બોલ્યા, “થેન્ક યુ, થેન્ક યુ જી.
બન્ને કંઇ બોલી ન શકયા, માત્ર મૈત્રીપૂર્ણ સ્મિત કર્યું… બન્નેના ગયા બાદ ગોડબોલેએ “પ્રોડ્યુસર મનમોહનને ઇશારો કર્યો, તો એ પણ ચાલવા માંડયો.
બત્રાએ આસિફ પટેલને રખાયો હતો એ કોટડી તરફ જોયું પણ નવા મહેમાન પવલાને મળવાનું વધારે જરૂરી માનીને એ ભણી ચાલવા માંડયા. એમની ચાલ ધીમી અને મક્કમ હતી. પણ દિમાગ એકદમ તેજ દોડવા માંડયું હતું. એમા એક જોરદાર પ્લાન આકાર લઇ રહ્યો હતો.
ૄૄૄ
એક પછી એક ઘટના મુરુડ-બૉમ્બ બ્લાસ્ટ્સ કેસ અને અપ્પાભાઉ મર્ડર કેસમાં દિલચસ્પી ઘટવા જ દેતા નહોતા.

મહત્ત્વના સાક્ષી પીયૂષ પાટીલની ધોળે દિવસે અને એ પણ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં થયેલી હત્યાથી મીડિયા અને રાજકારણમાં ગરમાવો આવી ગયો. વિશ્ર્વનાથ આચરેકરની છાવણી સીએમ રણજીત સાળવી તરફ તોપગોળા ફેંકવા માંડી, તો સામેથી ભાલા-વરસવા માંડયા. બન્ને જૂથ સાફ શબ્દોમાં નહીં પણ ગોળગોળ શબ્દોમાં બીજા પર આક્ષેપના તાતા તીર તાકવા માંડયા.

આ મર્ડર કોઇ પ્રોફેશનલે સુપારી લઇને કર્યાં વિશે કોઇને શંકા નહોતી. રાયગઢના અલીબાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ જોખમી સ્તરે પહોંચવાનો રાજ્ય સરકાર પર આરોપ મુકાયો, તો વળતો આરોપ એવો થયો કે આ તો આચરેકરે વાવેલુ બહાર આવી રહ્યું છે.

રાજકારણમાં લોહી વહેવડાવવાનો અતિરેક હવે કોઇકને ભારે પડવાનો હતો. એ નક્કી પીયૂષે આચરેકરનું નામ લીધું એટલે એને મરાવી નખાયો એવી દલીલ બહુ ઓછાને ગળે ઊતરતી હતી.

વિશ્ર્વનાથ આચરેકર એવો કાચો ખેલાડી નથી કે આવા દાવ રમે.

આ હત્યાને પગલે રાયગઢ, અલીબાગ અને મુરુડમાં વિશ્ર્વનાથ આચરેકર માટે સહાનુભૂતિ વધવા માંડી. એ સંજોગોનો શિકાર બન્યા હોવાનું સોશિયલ મીડિયા પર વાઇરલ થવા માંડયું.

આ આકલન મળ્યા બાદ મુખ્ય પ્રધાન રણજીત સાળવીના પેટમાં કળકળતું તેલ રેડાવા માંડયું. આચરેકર ‘વિકટીમ કાર્ડ’નો વધુ ઉપયોગ કરે એ પહેલા કંઇક કરવા સાળવી તલપાપડ થઇ ગયો. ભલે હાર્યો જુગારી બમણું રમે પણ કાયમ જીતે એવી ખાતરી થોડી હોય?
ૄૄૄ
પોલીસની પૂછપરછ સામે ભલભલાના ટાંટિયા પાણી-પાણી થઇ જાય. એટીએસ સામે તો ઘણાંના પાટલુન ભીના થઇ જાય. એમાંય પરમવીર બત્રાને દેશદ્રોહી કે નિર્દોષના સામૂહિક હત્યારા જેવા આતંકવાદીઓ સામે ભયંકર રોષ. આવા આતંકવાદીઓ પાસેથી કબૂલાત કરાવવામાં એમનો સફળતાનો દર ૯૦થી ૯૨ ટકા હતો.

એમની પૂછપરછની શૈલી જ એકદમ હટકે હતી. શારીરિકને બદલે માનસિક પદ્ધતિથી સામેવાળાને એકદમ ભાંગી નાખે. એમના વ્યક્તિત્વનું એક પાસું સારું કે એ બધાને એક લાકડીએ ન હાંકે. જેવો ગ્રાહક એવું પડીકું બાંધે.

એટલે પવલાને છેલ્લા ત્રણ કલાકથી એટીએસના બે જણા લેપટોપ પણ બતાવતા હતા કે એટીએસ સચ્ચાઇ કઢાવવા માટે કેવી ભયંકર રીત અજમાવે છે. પવલાની હાલત કયારની બગડવા માંડી હતી. એને થતું હતું કે પોતે ભયંકર ભૂલ કરી છે.

એટીએસનો એક પોલીસવાળો લેપટોપ બંધ કરીને પવલા સામે હસ્યો. આ જોઇને તારો ચહેરો પરસેવાથી રેબઝેબ થઇ ગયો તો હમણાં મોટા સાહેબ સામે આવશે ત્યારે શું થશે?

એટીએસની ગણતરી કરતા વધુ અસર પવલા પર થઇ હતી. એની હાલત પત્તાના મહેલ જેવી હતી. ટચલી આંગળી અડે કે મોઢામાંથી હળવી ફૂંક મરાય તો પણ એ કકડભૂસ થઇ જાય.

પવલાને રખાયો હતો એ રૂમમાં ઇરાદાપૂર્વક લાઇટ ઓછી રખાઇ હતી. ખાલીખમ કમરો, ઉપર ખૂણામાં એક બારીમાંથી આવતો આછો પ્રકાશ અને નિરવ શાંતિ એટલી કે પવલાને પોતાના દિલની વધતા જતા ધબકારા પણ સંભળાતા હતા.

અચાનક ભારે અવાજ સાથે દરવાજો ખુલ્યો. બહારનો ભરપૂર પ્રકાશ અંદર ધસી આવ્યો. એની વચ્ચે પરમવીર બત્રાનો પ્રવેશ એટલે સાઉથની મસાલેદાર બ્લોકબસ્ટર ફિલ્મના હિરોની એન્ટ્રી જોઇ લો. બત્રા એક-એક ડગલું આગળ વધતા ગયા. એમ એમ પવલો જાણે ઓગળતો ગયો.

પરમવીર બત્રા નજીક આવીને પવલાના ગાળ પર હાથથી સ્પર્શ કરવા ગયો, ત્યાં તો એ નીચો નમી ગયો. રીતસર નીચે બેસીને બત્રાના પગ પકડી લીધા. એ એકદમ રડવા માંડ્યો. “મેં…. મેં…. મેં કંઇ નથી કર્યું… એક એક વાત કહી દઇશ પ્લીઝ સાહેબ…

પરમવીર બત્રાએ એને પ્રેમથી ઊભો કરીને ખુરશી પર બેસાડયો. તેમણે ચપટી વગાડતા બહારથી એક વધુ ખુરશી, પાણીના બે ગ્લાસ અને બે કપ ચાના આવ્યા. બત્રા ખુરશી ખેંચીને સામે બેસી ગયા. “લે પાણી પી લે. જરાય ગભરાવવાની જરૂર નથી. પવલો એક ઝાટકે પાણી પી ગયો. બત્રાને દયા આવી. ચાનો કપ ધરીને બોલ્યા, “આરામથી પી નહીંતર, દાઝી જઇશ. પવલાએ કપ હાથમાં લીધો. બત્રા સામે જોઇને નીચે મૂકી દીધો. “પહેલા મારે બધેબધું કહી દેવું છે. મનથી પરથી મોટા પહાડનો બોજ હટાવવો છે.(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…