ધર્મતેજ

શું એવું બની શકે કે કૃષ્ણનો મંત્ર બોલો અને રામની પ્રાપ્તિ થઇ જાય ?

માનસ મંથન -મોરારિબાપુ

હું માનું છું કે પૂજાનો મહિમા અવશ્ય અદ્ભુત છે. અલબત્ત એવું પણ ન થાય કે આપણે પૂજામાં જ રહી જઇએ અને દર્શન થાય જ નહીં. દર્શન છૂટી જાય. દર્શન છૂટવું ન જોઇએ. ક્યારેક-ક્યારેક આપણે પૂજામાં, વિધિ-વિધાનમાં ડૂબી જઇએ છીએ કે દર્શનનો તો મોકો જ મળતો નથી. દર્શન રહી જાય છે. કોઇપણ દેવ મંદિરમાં વ્યક્તિને પહેલા બરાબર દર્શન થવા જોઇએ. દર્શન સ્વયં પૂજા છે. દર્શનથી પ્રેમનું પ્રગટીકરણ થાય છે. તમે સારી રીતે પ્રભુનાં દર્શન કરો તો પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે. એકવાર પ્રેમ પ્રગટ થઇ જાય તો પછી પૂજામાં વધુ રસ પડશે. પંચોપચાર વગેરે રામેશ્ર્વરની ઘણી બધી વિધિવત્ પૂજા લખવામાં આવી છે. મારી અંત:કરણની પ્રવૃત્તિ પહેલા દર્શનની વાત સ્વીકારે છે.

કોઇ એવો પ્રશ્ર્ન કરે છે કે મનુ અને શતરૂપાને રામની પ્રાપ્તિ કરવી હતી તો દ્વાદશ મંત્ર, કૃષ્ણનો મંત્ર મળ્યો. મંત્ર કૃષ્ણનો અને પ્રાપ્તિ રામની, એ કેવી રીતે બને ? અમારા રામાયણ જગતમાં કેટલાક મતાગ્રહી કહે છે કે અહીં કૃષ્ણ મંત્ર નથી, આ રામસીતાનો મંત્ર છે. આવો આગ્રહ શા માટે ? હું એ પક્ષમાં છું. પક્ષનો મતલબ પક્ષી. જેમને પાંખ હોય એ પણ પક્ષી છે અને જેમને ઇષ્ટ પ્રત્યે અનુરાગ હોય એ પણ પક્ષી છે. મોટા-મોટા જ્ઞાની પણ પક્ષી હોય છે અને ભક્ત પણ પક્ષી હોય છે. સૌનો પોત-પોતાનો આગ્રહ હોય છે, પરંતુ આગ્રહ કોઇ પર લાદી શકાય નહીં, એવો મારો વ્યક્તિગત નિર્ણય છે.

તુલસી કહે છે કે મંત્ર કોઇપણ હોય, પરંતુ અનુરાગની પ્રધાનતા છે. દરેક વાતમાં જીદ કરવી એ લોકોનો સ્વભાવ છે. તુલસીદાસે પોત-પોતાના પક્ષનો આગ્રહ રાખવાનું તો કહ્યું છે, પરંતુ હઠતાપૂર્વક આગ્રહ ન હોવો જોઇએ. હઠાગ્રહ છોડો. તમારા ઇષ્ટમંત્રનો આગ્રહ રાખો, પરંતુ એમાં હઠતા ન હોવી જોઇએ. માનસ પંખીઓનો મેળો છે અને પંખીઓ વધારે સારાં લાગે છે, કારણ કે પંખીઓનો મેળો છે અને પંખીઓ વધારે સારા લાગે છે, કારણ કે પંખી આકાશમાં જાય છે તો કોઇ પગલા છોડતા નથી. કોઇ નવો પંથ બનાવતા નથી. કોઇ નવી સંકીર્ણતા પેદા કરતા નથી એનો પદધ્વનિ સંભળાતો નથી, કોઇ અવાજ આવતો નથી કે કોલાહલ થતો નથી.

જેટલા મહાપુરુષ થયા છે, બુદ્ધ પુરુષ થયા છે એ બહુધા પોતાના કાળમાં એકાકી છે. એ બધા પક્ષી છે. વાલ્મીકિ સ્વયં પક્ષી છે. શુકદેવજી સ્વયં પોપટ છે, શુક છે. આ પંખીઓનો મેળો છે. સાચો સાધુ કોણ છે ? હું કહું છું કે જેમના જીવનનું કોઇપણ લક્ષ્ય ન હોય એ સાચો સાધુ છે. આપણે બધા કહીએ છીએ કે નદીનું લક્ષ્ય સાગર છે, પરંતુ નદીના દિલને ઢંઢોળીને પૂછશો કે તારું લક્ષ્ય શું છે તો કહેશે કે મારું લક્ષ્ય કેવળ વહેવું છે. સમુદ્ર મળે કે ન મળે મારું લક્ષ્ય કેવળ વહેવું છે. સાધુ તો ચલતા ભલા. અધ્યાત્મમાં જીદ નથી હોતી. જીદને કારણે આધ્યાત્મિકતા ઓછી થાય છે.
કથા પ્રગલ્ભ થવાને માટે છે. પ્રગલ્ભનો અર્થ થાય છે, રોજરોજ બમણી થતી આંતરિક તેજસ્વીતા. કથા દ્વારા દરરોજ નવું તેજ વધે એને પ્રગલ્ભ કહે છે. પ્રગલ્ભનો એક વિશેષ અર્થ છે, તેજસ્વીતા. બીજાને તપાવનારું તેજ નહીં, આંતરિક તેજ. ભગવાનની કથા શ્રોતા-વક્તાને તેજથી ભરી દે એ દાહક તેજ ન હોય પરંતુ સૌમ્ય તેજ હોય. એ શીતળ
તેજ હોય. કથા આપણને પ્રગલ્ભ બનાવે છે.

તુલસીએ કહ્યું મારી બોલી પંડિતોની નથી, મારી બાળકોની બોલી છે. આપણે ક્યારેક બાળકની બોલી સમજી શકતા નથી. બાળકની બોલી પરમાત્માની બોલી છે. માનસ વિદ્યાવાનોની બોલી નથી. સૌને પોતાની નિજતામાં જીવવા દો.

બહુ સારો પ્રશ્ર્ન હતો કે કૃષ્ણનો મંત્ર બોલો અને રામની પ્રાપ્તિ થઇ જાય ? વર્ષો સુધી મનુ-શતરૂપાએ કૃષ્ણનો મંત્ર જપ્યો અને રામ મળ્યા, એ સમન્વય છે. ‘માનસ’ સેતુ બનાવે છે, જોડે છે.
રામાયણમાં લખ્યું છે રામમંત્ર જપો અને કૃષ્ણ મળે છે. આ સમન્વયનું શાસ્ત્ર છે. નામ મહિમામાં લખ્યું છે, જીભ યશોદા છે અને હરિ હલધર. તમારે શાંતિ જોઇએ તો શંકરનું નામ લો. વિશ્રામરૂપી રામ પામવા હોય તો શંકરનું નામ લો.

નારદ પરમ વૈષ્ણવાચાર્ય છે અને નારદને વિષ્ણુ ભગવાન શંકરનો મંત્ર આપે છે. રામ કહે છે શંકર જપ અને શંકર પાર્વતીને કહે છે કે તું રામ જપ. તુલસીદાસજીએ એક મોટો આધ્યાત્મિક સેતુબંધ રચ્યો છે, એને જીદ કરીને તોડીએ શા માટે ? બધા પોતાની જીદ પર અડગ છે અને આધ્યાત્મિકતામાં જ્યારે જીદ આવે છે તો તેજસ્વીતા ઓછી થાય છે, પ્રગલ્ભતાની માત્રા ઓછી થાય છે. તમારા આત્માને નિર્ણય કરવા દો, એની નિજતા છે અને લાખ ઘુમાવી-ઘુમાવીને ફેરવો તો પણ સત્ય, સત્ય જ રહે છે.

આ જગત પંખીઓનો મેળો છે. ‘માનસ’ પંખીઓનો મેળો છે. અહીં તો અધમમાં અધમ પક્ષીને તુલસીદાસજીએ સન્માન આપ્યું છે. જટાયુને સન્માન આપ્યું છે. રામાયણમાં સૌથી મોટી વાત એ છે કે એક કાગડા પાસે કથા કહેવડાવવામાં આવી. કાગભુશુંડીજી પાસે કથા કહેવડાવી અને પક્ષીઓના સમ્રાટ ગરૂડને નીચે બેસાડી દીધો અને એ એવી રીતે બેસાડ્યો કે નીચે બેસનારને પોતાની ન્યૂનતા ન લાગી અને ઉપર બેસનારને અહમ્ ન આવ્યો. કાગડાએ ક્યારેય કહ્યું નથી કે હું મોટો છું. આ કથા એક કાગડા પાસે કહેવડાવી અદ્ભુત કામ કર્યુ. તમે સાવધાન થઇને સાંભળજો કે કોઇ કથાકારનો કંઠ મધુર નથી હોતો.

કથા જ મધુર હોય છે. કોઇ વક્તા મહાન નથી એ ભૂલશો નહીં. આ વૈદ્યનાથ-શંકર મહાન છે, આ માનસ મહાન છે. એ મોટા-મોટાનાં કંઠને સુધારી દે છે. કાગડાને કેટલો બધો આદર આપ્યો. કાગડાને આચાર્ય બનાવ્યો એ કથાનો મહિમા છે. એ ‘રામચરિતમાનસ’નો પોતાનો પ્રભાવ છે. ‘રામચરિતમાનસ’ એ સમન્વય અને સેતુબંધનું શાસ્ત્ર છે. (સંકલન -જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા