ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
-ડૉ. બળવંત જાની
બ્રહ્માનંદે કાવ્યરચના શિક્ષણ ભૂજની સુખ્યાત ‘રાઓ લખપત વ્રજભાષા કાવ્યશાળા’માં લીધેલું. પોતે પૂર્વાશ્રમમાં ચારણ જ્ઞાતિના હોવાને કારણે કાવ્યમાં ચારણી છંદો પ્રયોજવાનું અને ચારણી પરંપરાની વર્ણન છટા પ્રગટાવવાનું એમને સવિશેષ ફાવે. પોતે સંગીતથી પણ અભિજ્ઞિત હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ઊંડું જ્ઞાન, આ બધાનું સુંદર પરિણામ ‘રાસાષ્ટક’ રચનાઓ છે.
બ્રહ્માનંદકૃત ‘રાસાષ્ટક ચર્ચરીછંદ’નું અને ‘શ્રી રાસાષ્ટક રેણકી છંદ’નું એમ બે રાસાષ્ટક રચનાઓ મધ્યકાલીન ગુજરાતી કૃષ્ણભક્તિ કવિતાનું આભરણ છે. બ્રહ્માનંદે અહીં રાસ રમી રહેલી ગોપાંગનાઓની અને કૃષ્ણની છબીને કેન્દ્રમાં રાખી છે. એની આસપાસ વર્ણનોને પ્રયોજીને શબ્દચિત્ર-નાદચિત્ર ખડું કર્યું છે. રાસાષ્ટક મુરલીધર શ્રીકૃષ્ણ યમુના તીરે રાસ રમી રહ્યાં છે. શહનાઈ વાગી રહી છે. ઝાંઝર ઠમકી રહ્યાં છે.
પ્રિયતમા એવી ગોપાંગના સાથે નટવર નાચી રહ્યાં છે અને સાથે સાથે મંદ-મંદ હસી પણ રહ્યાં છે. મોરલી વાગી રહી છે. આમ સમગ્ર વિશ્ર્વમાં જાણે કે આનંદ પ્રગટી રહ્યો છે. મંગલસૂર વાગી રહ્યાં છે અને નાચવામાં તલ્લીન થઈ ગયેલા લોકો સાન-ભાન ભૂલી જાય છે. અહીં કવિએ રાસલીલાનું મનોહર ચિત્ર દોરી આપ્યું છે. ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રીતિ પણ અહીં વ્યક્ત થાય છે.
ચર્ચરી છંદમાંથી પ્રગટતું નાદચિત્ર અને વર્ણનોની બોછાર ભાવકને ભીંજવે છે. રાસલીલાની તાશ અનુભૂતિ થાય છે. બ્રહ્માનંદની કવિત્વશક્તિનો સુંદર પરિચય કરાવતી આ રચના ઉપરાંત એક બીજી ‘શ્રી રાસાષ્ટક રચના રેણકી છંદમાં પ્રયોજી છે. એમાં પણ બ્રહ્માનંદે શરદૃઋતુનો સંદર્ભ રચીને એક દિવસ ચંદ્ર આકાશમાં શોભી રહૃાો છે ત્યારે યમુના તટે વ્રજનારીઓ મનોહર રાસ રમી રહી છે, એવા સ્થળ વિશેષ વર્ણનથી કાવ્યારંભ કર્યો છે.
ગોપાંગનાઓ કૃષ્ણનો હાથ પકડીન્ો વનમાં વિહાર કરી રહી છે. સુંદર ઘરેણા પહેરેલી ગોપીઓનું મન આનંદથી ભરેલું છે. તેઓના ઝાંઝર ઝણકી રહૃાાં છે. ઢોલ-નગારા વાગી રહ્યાં છે. પગનાં ઘૂઘરા રણકી રહ્યાં છે અને સુંદરશ્યામ સાથે આનંદથી ગોપીઓ રાસ રમી રહી છે.
દરેકના હૃદયમાં કૃષ્ણ રમી રહ્યો છે. કૃષ્ણની ઉપસ્થિતિથી વન ધન્ય બની ગયું છે અને ધરતી પણ ધન્ય બની ગઈ છે. બધી જ ગોપાંગનાઓ રાસલીલાના રંગમાં લીન બની ગયેલા છે. સર્વત્ર તેજ પથરાયું છે. ચંદ્ર પણ મોહ પામીને આ રાસલીલા જોવા થંભી ગયો છે. આમ રંગભર સુંદર શ્યામ રમી રહ્યો છે. કૃષ્ણલીલાનું મનહર વર્ણન અને કવિની મનભર એવી શબ્દચિત્રાત્મક શક્તિના અહીં દર્શન થાય છે.
૪. રાધા અને કુબ્જામૂલક પદો :
ગોપી-કૃષ્ણલીલા પ્રસંગો અને રાસલીલા જેવા બીજો મહત્ત્વના પ્રસંગો કૃષ્ણના રાધા અને કુબજા સાથેના પ્રસંગોના આલેખનનો છે. બ્રહ્માનંદે સ્વામિનારાયણ સંપ્રદૃાયની સીમારેખામાં રહીને જ રીતે ગોપી-કૃષ્ણ લીલાપ્રસંગો નિરૂપ્યાં છે એ જ રીતે રાધા સંદર્ભે ભારે સંયમથી આંતર મનોભાવો અને બાહ્યક્રિયાકલાપોને પણ આલેખ્યા છે. ‘ઝૂલત શ્યામ’માં હીંડોળે ઝૂલતા રાધાકૃષ્ણની મોહક છબી બ્રહ્માનંદે દોરી છે.
શ્યામકૃષ્ણ અને તેજોધવલ રાધિકાને હિંડોળે ઝૂલતા જોવા માટે ભીડ જામી છે, પ્રકૃતિ પણ પ્રસન્નાતાથી પોતાનો પ્રતિસાદ આપી રહી છે. રાધા-કૃષ્ણના યુગલ રૂપોનું સ્વરૂપનું રમણીય આલેખન અહીં થયું છે. ‘માનીતીને મનાવવામાં રાધાના રીસામણા દૂર કરવા માટે ફૂલગજરો ગૂથવામાં રત કૃષ્ણનું આલેખન છે.
Also read:ચિંતન : યજ્ઞોમાં જપયજ્ઞ હું છું
રાધામાં તન્મય કૃષ્ણ છે. એટલે એ રાધાના પ્રાગટ્યનું – જન્મ સમયનું પદ પણ બ્રહ્માનંદે રચ્યું છે. ‘રાધાકુંવરી પ્રગટ થઈ’માં કૃષ્ણજન્મ જેવો ને જેટલો જ આનંદ વાતાવરણમાં પ્રગટતો નિરૂપેલ છે. રાધાની મહત્તાને બ્રહ્માનંદે ભારે માનથી સ્વીકારી છે. જે રાધા કૃષ્ણને નાચ નચાવી શકે છે એ અધિપત્યરૂપ માતૃશક્તિને બ્રહ્માનંદે ભારે ભાવથી પ્રણવી છે. હરિ ઉપરના એના આધિપત્યને નિરૂપતું પદ ‘હરિકું રાધે નાચ નચાવે વ્રજબાની’ અને ભાવવૈવિધ્યને કારણે ભારે મહત્ત્વનું બની રહે છે.
રાધા અને વ્રજનારી સમૂહ કૃષ્ણને જે રીતે કૃષ્ણનું રૂપ બદલાવી રહી છે અને નારીને ધારણ કરવાના વસ્ત્રાલંકારો ધારણ કરાવીને જસોદા પાસે લઈ જાય છે. કૃષ્ણને પરણાવવા માટેની આ અંગના છે, એવા પ્રકારની ઓળખ કરાવે છે. બ્રહ્માનંદે કૃષ્ણભક્તિપદ રચનાઓમાં આવા વિવિધ ભાવોને ભારે સૂઝથી આલેખ્યા છે. બ્રહ્માનંદની આ એક ઉત્તમ રચના છે.
મુલાયમ ભાવની મનભર અભિવ્યક્તિ ચિત્તને સભર કરે છે. એક એકાદશીની રાત્રીએ સારંગપુર મંદિરની સત્સંગસભામાં હરિસ્વામીના કંઠે આ પદ સાંભળેલું ત્યારે જે અનુભૂતિ થઈ છે એ અવ્યક્ત છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિને કારણે આ રચના બ્રહ્માનંદની કવિપ્રતિભાની પરિચાયક છે.
રાધાની સાથે જ યાદ આવે કુબ્જાનું ચરિત્ર. કૃષ્ણ ઉપર એણે પણ કંઈ ઓછા કામણ નથી પાથર્યાં. કૃષ્ણ ઉપર કામણ પાથરીને સમર્પિત થઈને એણે કૃષ્ણને જીતી લીધા છે અને એટલે કૃષ્ણ એના પ્રેમના પ્રભાવથી એની પાછળ ઘૂમે છે એવો ભાવ ‘કામણિયાં રે કાંઈ’ રચનામાંથી પ્રગટે છે. ‘જુગતિ તમારી રે મેં જાણી’માં પણ કુબ્જા સાથે જોડાયેલા કૃષ્ણ પરત્વે રોષભાવ પ્રગટાવતી ગોપીનાં દયભાવો આલેખાયા છે.
કુબ્જા દૃાસી છે, એની સાથે જોડવાની તમારી ટીકા થશે જેવા સામાજિક પ્રશ્ર્નો ઊભા કરીને કૃષ્ણને કુબ્જાના કામણમાંથી મુક્ત કરવા માટે મથતી ગોપીઓનું ચિત્ર ભારે કુનેહથી આલેખ્યું છે. કૃષ્ણની કુબ્જાપ્રીતિના આલેખનથી બ્રહ્માનંદ તો પ્રેમભાવનો પ્રતિભાવ પાઠવતા પરમેશ્ર્વરના રૂપને જ પ્રયોજતા જણાય છે. બ્રહ્માનંદની ભાવવિશ્ર્વ યોજનાની આ મોટી વિશિષ્ટતા છે.
૫. સહજાનંદ ભક્તિના પદો :
બ્રહ્માનંદને કૃષ્ણપ્રીતિ જેટલી જ સહજાનંદ સ્વામી પરત્વે પ્રીતિ ભક્તિ હતી. સહજાનંદ સ્વામી પરત્વેનો તેમનો આદર જાણીતો છે અને સહજાનંદ સ્વામીને પણ એમના ઉપર અપાર હેત હતું. સહજાનંદ સ્વામીના અપત્ય વાત્સલ્યનો પ્રતિઘોષ બ્રહ્માનંદે એમની સહજાનંદ સ્વામી વિષયક પદ્યરચનાઓમાં પાડ્યો છે. કહેવાય છે કે પૂર્વાશ્રમના સગાંસંબંધીઓ લાડૂદાનને (બ્રહ્માનંદ સ્વામીને) દીક્ષા ન લેવા સમજાવવા આવેલા. લાડુદાને બધાને નિરાશ કરેલા. છેલ્લે માતા લાલુબાને પુત્રવિરહનો ભાવ અનુભવતા જોઈને સહજાનંદ સ્વામીએ કહ્યુ કે ‘લાલુબા હું આજથી લાડુદાનની મા થાઉં છું.
બ્રહ્માનંદે આ પ્રસંગને ‘અધમ ઉદ્ધારણ પદમાં ઢાળેલ છે. અહીં કવિ ગાય છે કે અવિનાશી ગિરિધર પોતે ખરી માતા છે. અહીં સહજાનંદને કૃષ્ણાવતાર સમાન માનીને તેમના પરત્વેની એકનિષ્ઠ ભક્તિનો પરિચય પણ બ્રહ્માનંદ સ્વામીએ પ્રગટાવ્યો છે. ઇશ્ર્વરના માતૃસ્વરૂપનું આલેખન બ્રહ્માનંદના પરમતત્ત્વ સાથેના નીકટતમ ભાવનો પરિચય પણ કરાવતું હોઈને આ પદ બ્રહ્માનંદના આતમવૃતાંત્મક પજોમાં ઘણું મહત્ત્વ ધરાવે છે.
બ્રહ્માનંદને દીક્ષા ધારણ ન કરવા સમજાવવાના પ્રયત્નોમાં પત્ની પણ જોડાય છે અને પોતે લગ્નસંબંધે જોડાયેલી છે. ‘સગપણ થયેલું છે, માટે આપ મને નિરાશ ન કરો. બ્રહ્માનંદે એને જવાબ આપતું પદ ‘રે સગપણ હરિવરનું સાચું’ ગાયેલું. મનુષ્યજન્મમાં બધું સુખ-સગપણ ક્ષણભંગુર છે. એક વનમાળી જ પ્રીતિને પાત્ર છે એમ કહીને બ્રહ્માનંદ કહે છે કે ગોપાંગનાઓ પણ કૃષ્ણ સાથેના સગપણને બધા સગપણોમાં સર્વશ્રેષ્ઠ ગણે છે. આ ભાવને બ્રહ્માનંદે ભારે ઝટકાથી નિરૂપ્યો છે. એમનાં પદોમાં સર્વાધિક લોકપ્રિય જે કેટલાંક પદો છે એમાં આ પદનું સ્થાન છે. બ્રહ્માનંદની સહજાનંદ સ્વામી સાથેની નીકટતાને પ્રગટાવતા જે કેટલાંક પદો છે એમાં ‘મેં ઢાઢી મહારાજ કો ’પદ પણ છે. અન્ય કોઈ પાસે કશું માગવાનું નથી. પૂર્ણ પુરુષોત્તમના ઢાઢી થવાનું અને એમની પાસેથી માગીને ન્યાલ થઈ જવાની પ્રતીતિ એમના પદૃમાંથી પ્રગટે છે.
Also read:શિવ રહસ્ય : આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે, તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે
‘તારો ચટક રંગીલો છેડલોમાં સહજાનંદના સ્વરૂપનું વર્ણન છે. આ પદનું સર્જન એકાએક થયેલું છે. એક વખત સત્સંગ સભામાં બ્રહ્માનંદને ઝોકું આવી ગયેલું. એટલે સહજાનંદ સ્વામીએ પુષ્પમાળા એમના ઉપર ફેંકી. બ્રહ્માનંદ સ્વામી ઝબકીને જાગી ગયા. શ્રીહરિને ફૂલમાળા ફેંકવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીહરિએ જણાવ્યું કે ‘તમે ઊંઘી ગયેલા. બ્રહ્માનંદજી કહે ‘ના હું તો આંખ મીંચીને તલ્લીન થઈને નૂતન પદરચનાનો મુખડો બાંધતો, કાવ્યસર્જનમાં લીન હતો. શ્રીહરિ કહે કે ‘કયું કાવ્ય? સંભળાવો જોઈ, અને બ્રહ્માનંદે ત્યારે આ કાવ્યની પંક્તિ બોલી. બધા ઝીલતા થયેલા અને એ દરમ્યાન નવી પંક્તિ આકાર ધારણ કરે. બ્રહ્માનંદની આ રચનાનું શ્રવણપાન કરીને સહજાનંદ સ્વામી એમને ભેટેલા. સહજાનંદ સ્વામીને સંબોધીને એમના સ્વરૂપના મહિમાને વર્ણવતાં ‘વહાલા લાગો છો તથા ‘આજની ઘડી’ અને ‘મારા દિયામાંય જેવા પજદો હકીકતે સહજાનંદ સ્વામીના મોહક સ્વરૂપનું વર્ણનાત્મક આલેખન છે. સહજાનંદની અપૂર્વ રૂપરાશિ એમને કાવ્યસર્જન તરફ વાળે છે.
સહજાનંદના રૂપના કીર્તનોથી ખુદ સહજાનંદ પણ પ્રસન્ન રહેતા, કારણ કે એમાંથી કવિ દયના ભક્તિભાવ અને એ ભાવનું ધવલતેજ દ્રવે છે. સહજાનંદ સ્વામીએ આવા કારણથી તો ‘બ્રહ્માનંદના કીર્તનનું ગાન કરજો હું પ્રત્યક્ષ દર્શન આપીશ’ એવો ઉદ્ગાર કાઢેલો.
‘સહજાનંદ સહજાનંદ’ તથા ‘સહજાનંદ સુખકારી રે એ બન્ને પદો સહજાનંદમય બનીને એમના રૂપમાં તન્મય બનેલા કવિના ઉદ્ગારો છે. બ્રહ્માનંદ ગોપીભાવ ધારણ કરીને એની સમક્ષ કોઈ અન્ય રાખી છે એવું કલ્પીને પણ એક પદની રચના કરી છે.
‘સુખ સાહેલી નામની એ પદરચના બ્રહ્માનંદનું સમર્પણ ભાવથી ભીંજવતું પદ છે. અહીં બ્રહ્માનંદ ગોપીરૂપે એની સહેલી – સખીને સંબોધીને કહે છે કે હે સાહેલી મારું મન સહજાનંદમાં લીન થયું છે મારે એમની સાથે પ્રીત બંધાઈ છે. સાંસારિક સુખ વૈભવો તરફ આ કારણે અણગમો પ્રગટ્યો છે અને અહર્નિશ સહજાનંદ પરત્વે જ રટણ રહે છે. અન્ય સુખ તુચ્છ લાગે છે. બ્રહ્માનંદના સહજાનંદ સ્વરૂપ વર્ણનના પદો મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતાની એક મહત્ત્વની ધારા છે.
(ક્રમશ:)