શરીર, આત્મા અને પરમાત્મા
ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં તેરમા અધ્યાયના મુખ્ય પ્રતિપાદ્ય વિષયને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ અધ્યાયનો શુભારંભ કરે છે, આવો અવગાહન કરીએ.
તેરમો અધ્યાય ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયના પહેલાં અને બીજા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અતિ કૃપાએ કરીને વિશિષ્ટ જ્ઞાનને અર્જુન સમક્ષ પ્રસ્તુત કરે છે. આ સનાતન જ્ઞાન સમયના કોઈ પણ કાળખંડમાં ભક્ત માટે ઉપયોગી છે.
ભગવાનને કહ્યું-
इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते
एतद्यो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विद ः
क्षेत्रज्ञं चापि मां विद्वि सर्वक्षेत्रेषु भारत
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यतज्जानं मतं मम /1-2
અર્થાત્ હે કુંતીપુત્ર! આ શરીર ક્ષેત્ર કહેવાય છે. જે આ શરીરને જાણે છે તે આત્માને, દેહ-આત્માના વિવેકને જાણનારાઓ ‘ક્ષેત્રજ્ઞ’ કહેવાય છે. હે ભરતવંશી! બધાં ક્ષેત્રોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આવું જે જ્ઞાન છે તે જ્ઞાન મને અભિમત છે.
ભગવાન અહીં મુખ્યત્વે દેહ અને આત્માના સાચા સ્વરૂપની છણાવટ કરે છે. સાથે સાથે આત્મા અને પરમાત્માની વચ્ચે શું સંબંધ છે અને તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ સમજાવ્યું છે. દેહ અને આત્મા એકબીજા સાથે એટલા ઓતપ્રોત થઈને કાર્ય કરે છે કે બંને ક્યાં અને કેવી રીતે જુદા પડે છે તે સમજવું અઘરું થઈ પડે છે. અને એટલે જ માણસ દેહને જ પોતાનું સાચું સ્વરૂપ સમજી બેસે છે. આ સ્થિતિમાં કોમ્પ્યુટરનું આપણા શરીર સાથેનું સામ્ય આ વાતને સમજવાં માટે સરળ થઈ શકશે.
દરેક વ્યક્તિ કોમ્પ્યુટરથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાકેફ છે, પછી તે ડેસ્કટોપ હોય કે લેપટોપ. ડિસ્પ્લે સ્ક્રીન, માઉસ, કીબોર્ડ, પીસીયુ વગેરેથી તમે જાણકાર છો અને ફક્ત આટલી ચીજોથી કમ્પ્યુટર ચાલે? તમે કહેશો કે ના, આ તો ખાલી હાર્ડવેર જ છે. ઓપરેટિંગ સિસ્ટમ નાખવી પડે, સોફ્ટવેર નાખવા પડે, જુદી જુદી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવી પડે, ત્યારે કમ્પ્યુટર બરાબર કામ કરે. અને માનોકે આ બધું કમ્પ્યુટરમાં છે, પણ બેટરી કે ઈલેક્ટ્રીસિટીનું જોડાણ નથી તો આ કમ્પ્યુટર ચાલશે? ના, બરાબર. એ વિના કમ્પ્યુટર કોઈ કામનું નહિ. બસ, આવું જ આપણા શરીરનું છે. શરીર પણ જીવંત કમ્પ્યુટર જ છે. આપણું પાંચ મહાભૂતનું શરીર હાર્ડવેરની જગ્યાએ છે. બુદ્ધિ, અહંકાર વગેરે ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ છે. સ્વભાવ સોફટવેરની જગ્યાએ છે. ઇન્દ્રિયો એપ્લિકેશન્સની જગ્યાએ છે. અને આત્મા બેટરી કે ઈલેક્ટ્રીસિટીની જગ્યાએ એટલેકે ચાલક બળ તરીકે કામ કરે છે. જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે ત્યારે આ શરીર કોઈ કામનું નથી રહેતું. આમ શરીર ક્ષેત્ર થયું અને તેનો નિયમન કરનારો આત્મા તેનો ક્ષેત્રજ્ઞ કહેવાય છે. જેવી રીતે વાહન અને તેનો ચલાવનારો જુદા છે. તેમ દેહ અને તેનું નિયમન કરનારો આત્મા બંને જુદા છે. દેહ વિકારને પામી રોગી કે વૃદ્ધ બને છે અને અંતે તેનો નાશ થાય છે. જ્યારે આત્મા વિકારને પામતો નથી કે નાશ પામતો નથી. તે અમર છે અને તે જ આપણું મૂળ સ્વરૂપ છે. ભગવાન પોતાના ભક્તને આ સનાતન સત્ય સમજાવવા માગે છે.
આ આખી સૃષ્ટિ જડ અને ચેતન તત્ત્વોથી ભરેલી છે. આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને વિનાશ તથા અસંખ્ય જીવોનાં જન્મ, જીવન અને મૃત્યુના નિયામક પરમાત્મા છે. જેવી રીતે કોઇ બ્રાન્ચ ઓફિસમાં બ્રાન્ચ મેનેજર નિયામક હોય અને તે ઓફિસના સર્વ કર્મચારી તેને આધીન રહીને કાર્ય કરે. પણ તે જ બ્રાન્ચ મેનેજર, હેડ ઓફિસમાં બેઠેલાં તેના ઉપરી અધિકારીને આધીન થઈને કાર્ય કરતો હોય. આમ જ્યારે શરીરને ક્ષેત્ર તરીકે લઈએ ત્યારે તેનો ક્ષેત્રજ્ઞ કહેતા નિયામક આત્મા છે અને જ્યારે શરીર સાથે આત્માને ક્ષેત્ર તરીકે લઈએ ત્યારે તેના ક્ષેત્રજ્ઞ કહેતા નિયામક પરમાત્મા છે. જેમ આત્મા શરીરમાં વ્યાપીને રહ્યો છે, તેમ પરમાત્મા આત્મામાં વ્યાપીને રહ્યા છે. આમ પ્રત્યેક જીવ પ્રાણીમાત્રના મૂળ નિયામક પરમાત્મા જ છે. આ જડ અને ચેતન સમગ્ર સૃષ્ટિ પરમાત્માથી વ્યાપ્ત છે, પરમાત્માને આધીન છે, અને પરમાત્માથી નિયંત્રિત છે. અને આ આત્મા અને પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાને જ ભગવાન સાચું, સનાતન અને સર્વોચ્ચ જ્ઞાન કહે છે, જે જાણીને અંતે કંઇ જાણવાનું બાકી રહેતું નથી.
મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે શરીર અને આત્માને ભિન્ન જાણીએ તો જ અધ્યાત્મનો આરંભ થાય છે. આ જ વાસ્તવિક આત્મનિષ્ઠા દ્વંદ્વોમાં સ્થિરતા આપે છે.