ધર્મતેજ

ભોળાનાથ ભોળા તો હોય જ, અને તેથી બધાના જ ભવતારણ પણ હોય

ભોળાનાથ ભવતારણ શંભુ

પ્રાસંગિક -હેમુ ભીખુ

રામકૃષ્ણ પરમહંસના જીવન વૃતાંતમાં એક ઘટના આવે છે. એક સમયે તેઓ ભક્તજનો સાથે ગંગા નદીમાં હોડી દ્વારા પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં પવિત્ર કાશી નગરી સામેથી હોડી પસાર થઈ. જેવી હોડી મણિકર્ણિકા ઘાટ સામેથી પસાર થઈ ત્યારે તેમની નજર તે ઘાટ ઉપર પડતાં અવાક્ થઈને તેઓ તરત ઊભા થઈ ગયા. એક ટશે તેઓ મણિકર્ણિકા ઘાટને જોતા રહ્યા. સાથે પ્રવાસ કરી રહેલી વ્યક્તિઓએ તેમના આ વર્તન માટે પૂછ્યું, પણ જાણે તેવો તો મણિકર્ણિકા ઘાટમાં ખોવાઈ ગયા હતા. જ્યાં સુધી ઘાટના દર્શન થયા ત્યાં સુધી, વાંકા વળીને પણ, તેઓએ ત્યાં જ નજર ટકાવી રાખી. સાથે રહેલા સાથીઓએ ઘણો આગ્રહ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, તેમણે જોયું કે મણિકર્ણિકા ઘાટ ઉપર પ્રગટેલ દરેક ચિતા પરથી સ્વયં મહાદેવ આત્માને ઊંચકતા હતાં અને મા જગદંબાના હાથમાં સોંપતા હતા. મા જગદંબા પછી તેના પર કોઈક મંત્રનો અભિષેક કરી આત્માને મુક્તિ આપતા હતા. મણિકર્ણિકા ઘાટનું આ મહાત્મ્ય છે, કાશી નગરીનો આ વૈભવ છે અને મહાદેવ તથા મા જગદંબાની આ કરુણા છે. અહીં કર્મ જોવાતા નથી, અહીં ભૂતકાળ જોવાતો નથી, અહીં માત્ર શ્રદ્ધાને આધારે મુક્તિનો માર્ગ પ્રશિસ્ત કરાય છે. ભોળાનાથની આ લીલા છે. અહીં કૃષ્ણ-લીલા જેવી મધુરતા નથી પણ દયાના ભંડારની પ્રતીતિ છે.

ભોળાનાથ સામે બધા જ સરખા. અહીં કોઈ ભેદભાવ નથી. માનવ હોય કે દાનવ, દૈત્ય હોય કે દેવ, પશુ હોય કે પક્ષી, અવતારી પુરુષ હોય કે સ્વયં અવતાર, મહાદેવની દ્રષ્ટિએ બધા જ કરુણાના હકદાર છે. તેઓ રાવણને પણ ભક્તિનું ફળ આપે છે તો શ્રીરામને પણ સહાય કરે છે. તેઓ જડ શૈલ્ય પર આસન ગ્રહણ કરે છે તો ચૈતન્ય યુક્ત નંદી પર સવારી કરે છે. તેઓ કુબેરના ભંડાર ભરી દે છે તો અવધૂતને ભસ્મ રમાડે છે. તેમની લીલાનો કંઈ વિસ્તાર નથી અને છતાં પણ બધી જ ઘટના સમજી શકાય તેવી છે. જાણે તેઓ સરળતા અને સાદગીના પર્યાય છે.

મહાદેવના પરિપ્રેક્ષ્યમાં, શ્રદ્ધાથી થોડું પણ મનન કરો તો એ મનનનો વિસ્તાર વધવાની ખાતરી હોય છે, થોડી પણ ભક્તિ કરો તો વિશાળ ફળ મળવાની તક ઊભી થતી હોય છે, શિવ-જ્ઞાન માટે થોડા પણ પ્રયત્ન થતા જ્ઞાનના ભંડાર ખુલી જવાની સંભાવના ઉદ્ભવતી હોય છે, તૂટીફૂટી ભાષામાં પણ કરેલી પ્રાર્થના સંપૂર્ણતામાં સ્વીકારાતી હોય છે, એક પાંદડાનું અર્પણ પણ સુવર્ણ-પુષ્પ સમાન લેખાતું હોય છે – અને આ બધું જ સમય તથા સ્થળના બાધ વગર. મહાદેવનું ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં, ગમે તે સ્થળે, ગમે તે કારણોસર, ગમે તે ઉપાયોથી, ગમે તે નિર્ધારણ સાથે સ્મરણ કરી શકાય છે. હા, જો શુદ્ધતા જળવાતી હોય તો પરિસ્થિતિ વધારે માંગલિક બની શકે.

મહાદેવના ભોળપણનો કોઈ જોટો નથી. એટલા ભોળા કે ક્યારેય જાતે પણ ફસાઈ જાય. તેઓ ભસ્માસુરને પણ વરદાન આપી દે છે અને માર્કંડેય પર પણ કૃપા વરસાવે. કામદેવને ભસ્મ કરનાર, ફરીથી કામદેવની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા, કોઈ ભીલડીના રંગે પણ રંગાઈ જાય. શિવજી કોપાયમાન થાય ત્યારે બધું ભસ્મીભૂત કરી નાખે અને કૃપા વરસાવે ત્યારે બ્રહ્માંડને લૂંટાવી દે. મહાદેવ એ મહાદેવ છે – એટલે જ તેમને મહાદેવ કહેવાય છે – તેઓ દેવાધિદેવ ભોળાનાથ છે.

શિવ સર્વત્ર છે, સદા લાભકારી છે, શાશ્ર્વત છે, લક્ષ્ય છે અને તે સાધ્ય છે. જગતનું એવું કોઈ તત્ત્વ નથી કે જેમાં શિવત્વની હયાતી ન હોય.્
સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, જડ-ચૈતન્ય, દેવ-માનવ-અસુર; બધું જ મહાદેવને
આધારિત છે. સંપૂર્ણતામાં અસ્તિત્વની સાબિતી સ્વરૂપે અર્ધનારેશ્ર્વરનું સ્વરૂપ એક પ્રતીક છે. કર્તા અને કારણનો સમન્વય અહીં છે. પુરુષ અને પ્રકૃતિનું ઐક્ય અહીં છે. કર્તાપણા અને હોવાપણા વચ્ચેની સંવાદિતતા અહીં છે. દ્વૈત જણાતા અસ્તિત્વ વચ્ચે સ્થપાયેલું અદ્વૈત અહીં છે. શક્તિ અને શિવની અભિન્નતા અહીં પ્રત્યક્ષ છે. અહીં પૂર્ણતા અને શૂન્યતાનો સમન્વય છે.

શિવજી શાંત પણ છે અને રૌદ્ર પણ છે. શિવજી મહાન સંન્યાસી પણ છે અને આદર્શ ગૃહસ્થ પણ છે. શિવજી મહાન યોગી પણ છે અને પરમ જ્ઞાની પણ છે. શિવજી ભોલેનાથ પણ છે અને સૃષ્ટિના પ્રપંચને સંપૂર્ણતામાં જાણનારા પણ છે. શિવજી એક ગંભીર ચૈતન્ય છે તો સાથે સાથે હળવાશ ભરેલ ઈશ્ર્વર પણ છે. શિવજી નિવારણ ન થઈ શકે તેવો શ્રાપ પણ આપી શકે અને અનંતતાને પામી શકાય તેવું વરદાન પણ તેમના તરફથી જ મળી શકે. શિવજી નિરાકાર હોવા સાથે ભક્તને ઇચ્છિત આકાર પણ ધારણ કરી શકે. શિવજી એટલે એ પરમ તત્ત્વ કે જે અનેક બ્રહ્માંડનું સર્જન કરવા સામર્થ્યવાન હોય અને છતાં પણ સંયમ ધારણ કરી માત્ર વિનાશ માટેની પરિસ્થિતિને નિયંત્રિત કરતું હોય. શિવજીના અસ્તિત્વમાં ક્યાંક સંયમ તો ક્યાંક આક્રોશ દેખાતો હોય, ક્યાંક અલિપ્તતા તો ક્યાંક સંલગ્નતા જણાતી હોય, ક્યાંક આધ્યાત્મિકતા કેન્દ્રમાં હોય તો ક્યાંક સૃષ્ટિનો વ્યવહાર પ્રવર્તમાન જણાય. સૃષ્ટિમાં એવું કશું જ નથી કે જે શિવત્વમાં ન હોય – અને તેથી જ શિવજી બધાને ન્યાય આપે છે – બધાને ખોબલે ખોબલે લૂંટાવે છે – આમ કરીને વાસ્તવમાં ભોળાનાથ હોવાની પ્રતીતિ કરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button