“અલૌકિક દર્શન ભરતજીની વેદના-૩
જીવનનું અમૃત -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
ભગવાન ભરતજીને રાજધર્મ સમજાવે છે. હવે ભરતજીના મનનો ભાવ એવો છે કે કોઈ અવલંબન પામ્યા વિના, કોઈ આધાર મેળવ્યા વિના ભરતજીના મનમાં સંતોષ,સમાધાન અને શાંતિ થતી નથી. ભરતજીના મનનો આ ભાવ જાણીને ભગવાન શ્રીરામ તેમની ભાવના પરિપૂર્ણ કરે છે.
” (ભરતજીના પ્રેમને વશ થઈને ) ભગવાન શ્રીરામે કૃપા કરીને ભરતજીને પોતાની પાદુકા આપી. ભરતજીએ આદરપૂર્વક પાદુકાને પોતાના મસ્તક પર ધારણ કરી.સૌ અયોધ્યા આવે છે. પ્રભુની પાદુકાને વિધિવત્ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન કરાવવામાં આવે છે.
ભરતજી અયોધ્યાના રાજમહેલમાં રહેતા નથી. પ્રભુરામ વનમાં રહે અને ભરતજી મહેલમાં કેવી રીતે રહી શકે?
ભરતજી નંદિગ્રામમાં કુટિયા બનાવીને રહે છે. વલ્કલ ધારણ કર્યા છે. જટા બાંધી છે વનમાં કંદ, ફળ, મૂળનું ભોજન કરે છે! પ્રભુ રામ ધરતી પર શયન કરે છે. ભરતજી ધરતીમાં ખાડો ખોદીને તેમાં શયન કરે છે! તપસ્વીનું જીવન જીવે છે.
આ ચૌદ વર્ષ દરમિયાન પણ ભરતજીના ચિત્તમાં વેદના તો રહી જ છે, કારણ કે પ્રભુ રામ, લક્ષ્મણજી અને સીતાજી હજુ વનમાં છે. ભરતજીની આ વેદના વિરહની વેદના છે અને વિરહ-વેદના એક તીવ્ર તપશ્ર્ચર્યા છે!
પ્રભુ રામ, લક્ષ્મણ અને સીતાજી ચૌદ વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરીને પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પધારે.
રામ-ભરતનું મિલન થાય છે! સર્વત્ર આનંદ-મંગલ વરતાય છે. ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક થાય છે. પ્રભુ રામ અયોધ્યાના રાજસિંહાસન પર બિરાજમાન થાય છે. પ્રભુ રામ ભરતજીને યુવરાજપદે સ્થાપિત કરે છે!
ભરતજીની વેદના-તપશ્ર્ચર્યા અહીં પરિપૂર્ણ થાય છે!
“શ્રી સીતારામજીના પ્રેમરૂપી અમૃતથી પરિપૂર્ણ ભરતજીનો જન્મ જો ન થયો હોત તો મુનિઓના મનને પણ અગમ, યમ, નિયમ, શમ, દમ, આદિ કઠિન વ્રતોનું આચરણ કોણ કરત? દુ:ખ, સંતાપ,દરિદ્રતા,દંભ આદિ દોષોનું પોતાના સુયશ દ્વારા કોણ હરત કરત? તથા કલિકાળમાં તુલસીદાસ જેવા શઠોને હઠપૂર્વક કોણ શ્રીરામજીની સન્મુખ કરત?
આવા છે, આપણા રામાનુજ ભરતજી