શક્તિ રૂપેણ સંસ્થિતા
ચિંતન – હેમુ-ભીખુ
સાંખ્ય દર્શન પ્રમાણે, પ્રકૃતિ અને પુરુષ, આ બે કાર્યરત થયા અને સૃષ્ટિનું સર્જન થયું. આમાં પુરુષ એટલે કે ચૈતન્ય માત્ર સાક્ષીભાવે કાર્યરત થાય છે તેમ કહેવામાં આવે છે. તે સિવાય, સમગ્ર સંસાર આ પ્રકૃતિનો વ્યાપ છે. પ્રકૃતિની વ્યાખ્યા પ્રમાણે, પ્રકૃતિના નિયમો અનુસાર, પ્રકૃતિની વિવિધ ધારણાઓના સમન્વય સમાન, પ્રકૃતિના સંકલ્પ થકી આ સંસાર આ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું છે. આ પ્રકૃતિ એટલે શક્તિ. આ પ્રકૃતિ એટલે ચાલક બળ.
આ સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિ અર્થાત્ શક્તિ સંસારના કારણમાં મુખ્ય છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. જે કંઈ સર્જન થયું છે તે આ શક્તિના આધારે, આ શક્તિના વિશ્ર્વાસે, આ શક્તિની ઈચ્છાશક્તિથી તથા આ જ શક્તિના સંરક્ષણને કારણે સંભવ થયું છે.
શક્તિ છે એટલે સર્જન છે, શક્તિ છે એટલે સર્જનની પ્રક્રિયા ચાલુ રહે છે, શક્તિ છે એટલે સર્જનનું રૂપાંતર થતું રહે છે. ભલે શક્તિ ચૈતન્યના સમન્વયથી અસ્તિત્વમાં હોય, પરંતુ સૃષ્ટિના અસ્તિત્વ માટે તો શક્તિનું જ પ્રભુત્વ છે.
આ શક્તિ જ સમગ્ર સૃષ્ટિમાં “શક્તિ બનીને વિચરે છે. આ શક્તિ જ પંચ મહાભૂત – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ તથા આકાશ- નું સ્વરૂપ ધારણ કરી ભૌતિક સૃષ્ટિનું સર્જન કરે છે, પછી તેમાં સૂક્ષ્મ ભાવે ચિત્ત તથા અહંકારનું સંધાન કરે છે, આગળના તબક્કામાં પછી આ સંયોજનમાં જીવ અથવા આત્માનું અનુસંધાન સ્થપાય છે. સ્થૂળ, સૂક્ષ્મ કે કારણ સૃષ્ટિ આ શક્તિને આધારે પ્રતીત થાય છે. આધિભૌતિક, આધિદૈવિક તેમજ આધ્યાત્મિક પરિસ્થિતિના મૂળમાં આ શક્તિ છે.
પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન એમ જ સમાન જેવા પાંચ મુખ્ય પ્રાણ અને નાગ, કુર્મા, દેવદત્ત, કૃકલા તથા ધનંજય જેવા પાંચ ઉપપ્રાણ પણ આ શક્તિને આધારે જ કાર્યરત રહે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમજ પાંચ કર્મેન્દ્રિયો પણ શક્તિને આધારે વ્યવહાર કરે છે.
અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ, વિજ્ઞાનમયકોષ તેમજ આનંદમયકોષના જે તે વર્ચસ્વ પાછળ આ શક્તિ જ ભૂમિકા ભજવે છે. ઈડા, પિંગલા તેમજ સુષુમણાના મૂળમાં આ શક્તિ જ છે જે કુંડલીની સ્વરૂપે જાગ્રત થઈ સહસ્ત્રાર ચક્રને ભેદી શકે છે. સૃષ્ટિની એવી એક પણ ઘટના નથી કે જેના આધાર તરીકે શક્તિની સ્થાપના ન થઈ હોય.
ગીતાના વિભૂતિ યોગમાં જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણ અર્થાત્ ચૈતન્ય, કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ તથા ક્ષમા સ્વરૂપે સૃષ્ટિમાં ગતિમાન છે. વાણી થકી વ્યવહાર થાય છે, જે તે પ્રકારના વ્યવહારથી મળેલા અનુભવ સ્મૃતિમાં સંગ્રહિત થાય છે, સંજોગો પ્રમાણે સ્મૃતિમાં સંગ્રહિત થયેલી બાબતોને આધારે બુદ્ધિ અર્થાત્ મેધા નિર્ણય કરે છે, શક્તિના આ વિવિધ સ્વરૂપો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં યોગ્ય સ્વરૂપે કાર્યરત થાય ત્યારે શ્રી અને કીર્તિ, બંને પ્રાપ્ત થવાની સંભાવના રહેશે.
આ બાબતે ઇચ્છિત પરિણામ મળે તે માટે ધૃતિ અર્થાત્ ધીરજ જાળવવાની હોય છે. વિપરીત પરિસ્થિતિમાં જે તે કર્તા પ્રત્યે ક્ષમાનો ભાવ જાળવવો પડે. આ સમગ્ર વ્યવહાર શક્તિનાં વિવિધ સ્વરૂપો દ્વારા સ્થાપિત થાય છે. શક્તિ છે એટલે બધું શક્ય છે અને બધું શક્ય છે એટલે સંસારમાં કાર્યલક્ષીતા જળવાઈ રહે છે.
શક્તિના વિવિધ સ્વરૂપો જોવા મળે. સૂર્યના પ્રકાશની પ્રખરતા એ શક્તિનું એક સ્વરૂપ છે, તો ચંદ્રની શીતળતા એ શક્તિનું અન્ય સ્વરૂપ છે. પ્રકાશ પણ શક્તિનું સ્વરૂપ છે અને અંધકાર પણ. જીવન શક્તિને કારણે છે અને મૃત્યુના નિર્ધારણમાં પણ આ જ શક્તિ કાર્યરત હોય છે. મુખમાંથી નીકળતી શુભ વાણી કે અશુભ શબ્દો, બંને શક્તિની ભિન્ન ભિન્ન પ્રેરણાનું જ પરિણામ છે. શક્તિને જે સ્વરૂપે સ્વીકારવામાં આવી હોય, શક્તિ જે ભાવથી કાર્યરત કરાતી હોય, શક્તિના જે સ્વરૂપ માટે ભાવાત્મક સંબંધ હોય, તે સ્વરૂપના પ્રભુત્વ હેઠળ કાર્યનો પ્રકાર નિર્ધારીત થતો હોય તેમ જણાય છે.
જાગ્રત અવસ્થા એ શક્તિનું એક સ્વરૂપ છે, તો સ્વપ્ન અને સુષુપ્તિ પણ આ શક્તિનાં જ સ્વરૂપ છે. તુરીય અવસ્થા માટેની પ્રેરણા પણ આ શક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. સૌમ્ય શારદા, સુશોભિત લક્ષ્મી અને વિકરાળ કાલી – ત્રણે એક જ શક્તિના ભિન્ન સ્વરૂપ છે. સત્વ, રજસ તેમજ તમસ ગુણ માટેની પ્રેરણા પણ એ જ શક્તિના પ્રભુત્વનું પરિણામ છે.
શક્તિ, બ્રહ્માણી સ્વરૂપે સર્જનના કાર્યમાં જોડાઈ છે, લક્ષ્મી સ્વરૂપે સૃષ્ટિનું પાલન કરે છે તો પાર્વતી સ્વરૂપે શિવજીની સંહારલીલાના સાક્ષી બનવા ક્ષમતા કેળવીને તૈયાર હોય છે.
સૃષ્ટિ પરનો એવો એક પણ શ્ર્વાસ નથી કે જે શક્તિની મંજૂરી વગર લેવાયો હોય. સૃષ્ટિમાં એક પણ એવો ધબકાર નથી કે જેમાં શક્તિના સ્પંદન ઝીલાયાં ન હોય. સૃષ્ટિની એવી એક પણ ઘટના નથી જેમાં શક્તિનું કંપન ન હોય. સૃષ્ટિની એવી એક પણ રચના નથી કે જેમાં શક્તિનું પ્રતિબિંબ ન હોય. સૃષ્ટિનો એવો એક પણ ખંડ-ભાગ નથી જ્યાં શક્તિની પહોંચ ન હોય. સૃષ્ટિમાં સમયનો એવો એક પણ તબક્કો નથી કે જેના પર શક્તિની નજર ન હોય. શક્તિ સર્જક છે, પ્રેરક છે, ચાલક છે અને સંહારક પણ છે.
ભક્તિનો એવો એક પણ પ્રકાર નથી જેમાં શક્તિની કૃપા વરસતી ન હોય. સાધનાની એવી એક પણ રીત નથી જેમાં શક્તિ જાગ્રત કરવાની વાત ન હોય. જ્ઞાનનું એવું એક પણ ક્ષેત્ર નથી જેમાં શક્તિનો ઉલ્લેખ ન હોય. એવું એક પણ કર્મ નથી કે જે શક્તિના સંચાર વિના અસ્તિત્વમાં આવ્યું હોય.
ચૈતન્યનું એવું એક પણ સ્વરૂપ નથી કે જેની સાથે શક્તિનો સમન્વય ન હોય. એવો એક પણ સંપ્રદાય નથી કે જેમાં શક્તિના અસ્તિત્વ અને તેના મહત્ત્વને સાવ નજરઅંદાજ કરાયા હોય. શક્તિ સર્વત્ર, સદા કાળ, સર્વ હેતુલક્ષી તથા સર્વ પરિણામલક્ષી છે. જે છે તે બધું શક્તિને કારણે અને શક્તિની ઈચ્છા થઈ છે.