ધર્મતેજ

પ્રકૃતિથી પર

ગીતા મહિમા – સારંગપ્રીત

ગત અંકમાં માન અને અપમાનમાં સમતાનાં દર્શન કરાવ્યા પછી ભગવાન કૃષ્ણ હવે પ્રકૃતિથી પર ગુણાતીત સ્થિતિ સમજાવે છે.

પ્રકૃતિના ત્રણ ગુણ સત્ત્વ, રજસ અને તમસ એ માયા એટલે કે પ્રકૃતિના ગુણો છે. ગુણાતીત સ્થિતિ “गुणान् समतीत्य”(गीता 14/26) પ્રાપ્ત કરવા આ પ્રકૃતિથી પર થવું અનિવાર્ય છે.

જ્યારે દ્રષ્ટા સત્વાદિ ગુણો કરતાં બીજું સંસારની પ્રવૃત્તિનું કારણ નથી જોતો, અને ગુણોથી પર પોતાના આત્માને જાણે છે, તે જ ભગવાનના ભાવને પામે છે. દેહમાંથી ઉદભવેલા આ ત્રણ ગુણોની પર જઈને જન્મ-મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરેનાં દુ:ખોથી મુક્ત થયેલો દેહધારી ગુણાતીત સ્થિતિને પામે છે.

આપણે ઘણી વખત વાતવાતમાં ‘પ્રકૃતિ’ શબ્દનો ઉપયોગ સહજ રીતે કરતાં હોઈએ છીએ, જેમ કે તેની તો પ્રકૃતિ જ આવી છે. આ પ્રકૃતિ એટલે માયા અને તેને જ સ્વભાવ કહેવાય! દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે. આ પ્રકૃતિ આત્મા સાથે એકાકાર થઈને જોડાયેલી હોય છે. અને એટલે જ કહ્યું છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. આ પ્રકૃતિ એટલે જ અવિનાશી એવા આત્માને વળગેલું કારણરૂપ શરીર. શરીર એટલે કે દેહના ત્રણ રૂપ છે – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણે શરીરને ચલાયમાન રાખવા માટેનું મિકેનિઝમ પણ ત્રિઅંકમાં છે. સ્થૂળ શરીર – વાત, કફ અને પિત્તને આધારે કાર્ય કરે છે. સૂક્ષ્મ શરીર ત્રણ અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં રહીને કાર્ય કરે છે અને કારણ શરીર પણ ત્રણ ગુણ – સત્ત્વ, રજસ અને તમસ ને અનુસરીને કાર્ય કરે છે.

ઘણા મનુષ્યો સેવાભાવી, દયાળુ, પ્રમાણિક વગેરે સદગુણોથી પ્રેરાઈને કાર્ય કરતાં હોય છે. તો ઘણા પોતાની લૌકિક આકાંક્ષાઓને પૂરી કરવા રાત-દિવસ મહેનત કરતા જોવા મળે છે. તો વળી કેટલાંક અયોગ્ય પ્રવૃત્તિમાં ડૂબેલા કે પછી કામ કરવાની ઇચ્છા ન ધરાવનારા જોવા મળે છે. મનુષ્યનાં વર્તનમાં રહેલો આ જે તફાવત છે તેનું મૂળ આ ત્રણ ગુણ છે – સત્ત્વ, રજસ અને તમસ સામાન્ય રીતે દરેક મનુષ્યમાં આ ત્રણે ગુણ રહેલા હોય છે. અને એટલે જ એક જ મનુષ્ય ક્યારેક સારાં કર્મો કરતો જોવા મળે છે અને તે વ્યક્તિથી કોઈક વખત અયોગ્ય કર્મ પણ થઇ જતા હોય છે. સમગ્ર સૃષ્ટિ આ ત્રણ ગુણોમાં વ્યાપ્ત રહીને કાર્ય કરે છે. જેમાં સત્ત્વગુણ બીજા બે ગુણો કરતાં નિર્મળ હોવાથી તે ગુણ જ્યારે પ્રભાવી હોય ત્યારે મનુષ્ય સત્કાર્યો કરવા પ્રેરાય છે પણ સાથે સાથે સત્કાર્ય કર્યાનું અભિમાન પણ સેવાતું જાય છે. અને જ્યારે રજોગુણ પ્રભાવી હોય તો સ્વાર્થ વૃત્તિ વધે છે અને વિષય ભોગોની લાલસા વધતાં તે અર્થે કર્મ કરતો જણાય અને જ્યારે તમોગુણ પ્રભાવિત થાય ત્યારે મનુષ્ય આળસુ, પ્રમાદી અને અવિવેકી બને છે. આમ સત્ત્વગુણ સ્વર્ગ આદિ લોકની પ્રાપ્તિ, રજોગુણ મધ્યમાર્ગી હોઈ વાસનાની તૃપ્તિ અર્થે મૃત્યુલોકમાં ફરીથી મનુષ્ય જન્મ અને તમોગુણ નિમ્નમાર્ગી હોઈ જીવનું અધોપતન કરાવી પશુ કે જીવજંતુઓનો દેહ ધરાવવા કારણભૂત બને છે.

આ ત્રણે ગુણો જીવને સુખદુ:ખ અને જન્મ-મૃત્યુના ચક્રમાં સતત ફરતો રાખે છે. હવે વિચાર આવે કે જેમાં રજોગુણ અને તમોગુણ પ્રભાવી છે, તે દુ:ખને પામે તે તો બરાબર છે પણ જેમાં સત્ત્વગુણ પ્રભાવી છે અને જે સત્કર્મ કરીને સ્વર્ગાદિ લોકને પામે છે તેઓ કેવી રીતે પાછા જન્મ મરણના ચકારાવામાં આવે? અહીં એ સમજવું ઘટે કે સ્વર્ગ આદિ લોક છે, તે સુખ ભોગવવાનું સ્થાન છે.

સત્કાર્યો દ્વારા પુણ્ય ભેગું કરી જીવ સ્વર્ગાદિ લોકમાં મૃત્યુ પછી પહોંચે છે અને અનેક પ્રકારના સુખ અને ઐશ્ર્વર્યને પામે છે. અને જેવું પુણ્યનું બેલેન્સ ખાલી થાય છે એટલે પાછું જન્મ ધરી પુણ્યના એકાઉન્ટને રિચાર્જ કરાવવું પડે છે. આમ સુખ ભોગવીને અંતે તો પાછું મૃત્યુલોકમાં અવતરવું પડે છે. અને એટલે જ પરમાત્મા ક્યારેય ખાલી ન થાય તેવા બેલેન્સની એટલે કે આ ત્રણે ગુણોથી પર થવાની સ્થિતિની વાત કરે છે. જ્યારે આત્મા આ ત્રણેય ગુણથી પર થઈને વર્તે ત્યારે અક્ષરબ્રહ્મની સમાન ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાને પામે અને જન્મ મરણના ચક્રમાંથી છૂટીને પરમાત્માની સમીપ સ્થાન મેળવે છે.

એટલા માટે જ ભગવાન શ્રીકૃષ્ણ આ અધ્યાયની શરૂઆતમાં જ પરમાત્માનાં પરમપ્રિય ભક્ત એવા અક્ષરબ્રહ્મના જેવી ત્રિગુણાતીત સ્થિતિ પામવાના જ્ઞાનને સકળ જ્ઞાનમાં શ્રેષ્ઠ અને ઉત્તમ જ્ઞાન તરીકે નિરૂપે છે. તે જ ગુણાતીતયોગ કહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button