ધર્મતેજ

અસત્યો માંહેથી…

અસત્ય એટલે અજ્ઞાનની સ્વીકૃતિ જ્યારે સત્ય એટલે જ્ઞાનનો પ્રાદુર્ભાવ. અસત્ય એટલે મિથ્યા તરફની ગતિ અને સત્ય એટલે વાસ્તવિકતાની પ્રતીતિ. અસત્ય એટલે ઈશ્વરની ઈચ્છાનો તિરસ્કાર અને સત્ય એટલે ઈશ્વરના સ્વભાવની સ્વીકૃતિ

મનન -હેમુ-ભીખુ

અસત્ય અને જૂઠમાં અંતર છે. અસત્ય એ સત્યથી વિપરીત ઘટના છે જ્યારે જૂઠ એક અલાયદું અસ્તિત્વ છે. અસત્ય બોલવા માટે સત્યની જાણકારી હોવી જોઈએ જ્યારે જૂઠ માટે એવી કોઈ શરત નથી. અસત્ય એ સત્યના વિરોધ સમાન છે જ્યારે જૂઠ સ્વયંનું વિધાન છે. અસત્યના પ્રાદુર્ભાવ માટે સત્યનું હોવું જરૂરી છે જ્યારે જૂઠ સ્વયંભૂ છે. અસત્યમાંથી અ નીકળી જતાં સત્ય સ્થાપિત થાય. તેથી જ અસત્ય તરફથી સત્ય તરફ જઈ શકાય. કદાચ, જૂઠ તરફથી સત્ય તરફનો માર્ગ હજુ સુધી સ્થાપિત નથી થયો.

ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે જે બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. ગીતાનું આ એક મહાન વિધાન છે. તેનાથી ઘણી વાત સ્પષ્ટ થાય છે.

એક સમજ પ્રમાણે ઈશ્વર સત્ય સ્વરૂપ છે. જો ઈશ્ર્વર અને સત્યનો સમન્વય હોય તો અસત્યના અસ્તિત્વનો આધાર કયો, એ પ્રશ્ન થઈ શકે. જો અસત્યની ઉત્પત્તિ તે પરમ તત્ત્વ થકી ન હોય તો ભિન્ન પ્રકારના અસ્તિત્વ માટે ભિન્ન પ્રકારની શક્તિ પ્રવર્તમાન હોવી જોઈએ તેમ માનવું પડે. આ સમજ આગળ વધારતા દોષ ઊભો થાય. સૃષ્ટિના દરેક તત્ત્વ, સૃષ્ટિના દરેક સર્જનનો આધાર તે પરમ તત્વ જ હોય. તો પછી સત્ય પણ તેના થકી જ ઉદ્ભવ્યું છે અને અસત્ય પણ. તેથી તે સત્ય પણ છે અને અસત્ય પણ.

છતાં પણ સત્યનો મહિમા છે, અસત્યનો નહીં. અસત્યથી સત્ય તરફ જવાની ખેવના રાખવામાં આવે છે. અસત્યની સરખામણીમાં ઈશ્ર્વરને સત્ય તત્વનો આગ્રહ હોવો જોઈએ. એમ કહી શકાય કે સત્ય સાથે ઈશ્વરને વધારે અનુકૂળતા રહે છે. આની પાછળના કારણો સમજવા સહેલા છે.

જ્યારે પણ સત્ય કહેવામાં આવે ત્યારે આપોઆપ ઘણી નકારાત્મક બાબતોનો છેદ ઊડી જાય છે. કહેવાય છે કે સુવર્ણ – કંચન વડે સત્ય ઢંકાઈ જાય. આમ તો કામિની અને કીર્તિ માટે પણ તેમ કહી શકાય. પણ આવું ત્યારે જ થાય કે જ્યારે હક વિનાનું મેળવવાની ઈચ્છા હોય. વ્યક્તિ અસત્ય ત્યારે જ બોલે જ્યારે તે પાછળ તેનો કોઈ સ્વાર્થ હોય. સત્ય બોલનાર વ્યક્તિ તે પ્રકારના સ્વાર્થથી મુક્ત થઈ જાય છે.

અસત્ય બોલનાર વ્યક્તિ પોતાની વાત સ્થાપિત કરવા પ્રયત્ન કરતો હોય તેમ જણાય છે. આ પ્રકારની ચેષ્ટા પાછળ અહંકાર કાર્યરત હોય. સત્ય બોલનાર વ્યક્તિ આ પ્રકારના અહંકારથી પણ મુક્ત થાય છે. જો અસત્ય માત્ર ટેવને કારણે બોલવામાં આવે તો એમ કહેવાય કે આ પ્રકારની ટેવ પાછળ વિપુલ માત્રામાં વ્યક્તિગત મહેચ્છા રહેલી હોય. આ તો વધુ જોખમી પરિસ્થિતિ કહેવાય. એ વાત તો સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકાય કે અસત્ય બોલનાર વ્યક્તિ ચોક્કસ પ્રકારના ફળની આશા રાખતો હોય. અસત્ય થકી એ ચોક્કસ પરિણામની અપેક્ષા રાખે. નિષ્કામ કર્મના સિદ્ધાંતની વિરુદ્ધની આ વાત થઈ. કર્મ તો ધર્મ તરીકે ફળની આશા વગર આચરવાનું હોય. અસત્ય બોલનાર માટે એ શક્ય ન હોય.

અસત્ય બોલવા પાછળ નકારાત્મક ભાવના હોય જ. તેથી જ સત્યનો
આગ્રહ રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની નકારાત્મક ભાવના ન હોવાને કારણે સત્ય સાથે પવિત્રતા અને નિર્દોષતા સંકળાય છે. સત્ય નિષ્પક્ષ છે. સત્ય સ્વયં સ્થિત છે. સત્ય બોલનાર વ્યક્તિએ શું બોલાયું છે એ યાદ નથી
રાખવું પડતું.

મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિર દ્વારા દ્રોણને નિશસ્ત્ર કરવા માટે અસત્ય બોલવું પડેલું. ધર્મની સ્થાપના માટે આ જરૂરી હતું અને શ્રીકૃષ્ણ દ્વારા તેનું સૂચન કરાયેલું. અહીં બે બાબતો સ્થાપિત થાય છે. એક, ધર્મની સ્થાપના માટે અમુક માત્રામાં અસત્યની સ્વીકૃતિ હોઈ શકે. બીજું, સમગ્ર સમાજના લાભ માટે કોઈ એક વ્યક્તિએ પોતાના સિદ્ધાંતમાં બાંધછોડ કરવી પણ પડે. એમ જણાય છે કે લાંબા ગાળામાં ધર્મની સ્થાપના વધુ અગત્યની છે. જો સત્ય અને ધર્મ એક જ તરફ હોય તો તે આદર્શ સ્થિતિ ગણાય – આ માટે રામાયણનું ઉદાહરણ આપી શકાય.

સૃષ્ટિ ચોક્કસ નિયમોને આધારે ચાલે છે. આ નિયમો એટલે જ સત્ય. આંબાના વૃક્ષ ઉપર કેરી આવે તે સત્ય, અને આ વૃક્ષ પાસે દાડમની અપેક્ષા રાખવી એટલે અસત્ય. એકવાર એમ જણાય કે આંબાના વૃક્ષ પાસેથી દાડમ મેળવી પણ શકાય, પરંતુ આ સ્થાનિક ઘટના હોઈ શકે. સૃષ્ટિના ફલક ઉપર કોઈપણ સ્થાને આંબાના વૃક્ષ તરફથી કેરી જ મળે. જ્યાં કોઈ અપવાદ તરીકે દાડમ મેળવવાના સફળ પ્રયત્ન પણ થયા હોય ત્યાં સમય જતાં તે આંબાનું વૃક્ષ ફરીથી કેરી જ આપવા માંડે. અહીં કેરી એ સૃષ્ટિનો નિયમ છે, સત્ય છે, જે લાંબા સમયગાળામાં ફરીથી સ્થાપિત થાય જ. અંતે સૃષ્ટિના નિયમનો જ વિજય થાય, અંતે સત્ય જ વિજયી બને.

સૃષ્ટિના નિયમ સાથે ચાલવા માટે, આ નિયમ સાથે સંકળાયેલ સત્યને અનુસરવા માટે, આવા અનુસરણથી અહંકાર તથા સ્વાર્થથી મુક્ત થવા માટે, અસત્યથી સત્ય તરફનું પ્રયાણ જરૂરી છે. પ્રતિકાત્મક રૂપે અસત્ય એટલે
અંધકાર અને સત્ય એટલે પ્રકાશ. અસત્ય એટલે મૃત્યુ અને સત્ય એટલે અમૃતની પ્રાપ્તિ. અસત્ય એટલે આસુરી સંપત્તિનું પ્રાધાન્ય અને સત્ય એટલે દૈવી
ગુણોનું પ્રભુત્વ.

અસત્ય એટલે અજ્ઞાનની સ્વીકૃતિ જ્યારે સત્ય એટલે જ્ઞાનનો પ્રાદુર્ભાવ. અસત્ય એટલે મિથ્યા તરફની ગતિ અને સત્ય એટલે વાસ્તવિકતાની પ્રતીતિ. અસત્ય એટલે ઈશ્વરની ઈચ્છાનો તિરસ્કાર અને સત્ય એટલે ઈશ્વરના સ્વભાવની સ્વીકૃતિ. અસત્ય એટલે જડતાનું પ્રતિબિંબ અને સત્ય એટલે વૈશ્વિક ચેતનાનો સ્વીકાર. અસત્ય એટલે વ્યક્તિગતતા જાળવી રાખવાની ચેષ્ઠા અને સત્ય એટલે સમગ્ર સાથેનું જોડાણ. અસત્ય એટલે સાંયોગિક સાનુકૂળતા અને સત્ય એટલે યોગ્યતાની સાબિતી માટેની પરીક્ષા. અસત્ય એટલે અપૂર્ણતાની સ્વીકૃતિ અને સત્ય એટલે પૂર્ણતા સાથે પૂર્ણ જોડાણ. અસત્ય એટલે હું અને સત્ય એટલે બ્રહ્મભાવ.

અસત્ય અનેક અને અનેક પ્રકારે હોવાની સંભાવના છે પરંતુ સત્ય તો એક જ હોય. અસત્ય ભ્રામક હોવાથી તે કોઈપણ સ્વરૂપે ભાસમાન થઈ શકે જ્યારે સત્ય એ વાસ્તવિકતા હોવાથી તેનું એક જ સ્વરૂપ હોય. અસત્ય મતિભ્રમની સ્થિતિ ઊભી કરી શકે જ્યારે સત્યથી મતિ સ્થિર થાય. સત્ય એટલે સાક્ષાત્કાર. સત્ય એટલે વરદાન. સત્ય એટલે આત્માના સાચા સ્વરૂપની સ્વીકૃતિ.

સત્ય એટલે કલ્યાણકારી. સત્ય એટલે શાસ્ત્રોનું કથન. સત્ય એટલે ઈશ્વરની વાણી. સત્ય એટલે સૃષ્ટિનો આધાર. સત્ય એટલે નિર્વિકલ્પતા. સત્ય એટલે શિવત્વ. કળિયુગમાં સત્યનું આચરણ કઠિન રહે. એક સમયે એમ પણ લાગે કે સત્ય નિષ્ફળ જઈ રહ્યું છે. પરંતુ રામાયણ તથા મહાભારત વિશ્વાસ અપાવ્યો છે કે અંતે વિજય સત્યનો જ થાય છે. સત્ય માટેનો વિશ્વાસ ટકાવી રાખવા માટે ઈશ્વર પણ મદદ કરે છે. શ્રદ્ધા અને ધીરજથી સત્યનું તપ તથા યજ્ઞ તરીકે અનુસરણ કરવામાં આવે તો નિષ્ફળતાનો અવકાશ નથી. આ જ તો અસત્યથી સત્ય તરફની ગતિની શરૂઆત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ