ધર્મતેજ

રૂચીની વિવિધતાને કારણે

મનન -હેમુ-ભીખુ

પ્રત્યેક માનવી જુદી જુદી રીતના વર્તન કરે છે. તેમની પસંદગી જુદી હોય છે અને તેમની વિચારસરણી પણ ભિન્ન રહે છે. તેઓ જુદા જુદા પ્રકારના મૂલ્યોને આધારે પોતાના જીવનની દિશા નક્કી કરે છે. જુદા જુદા વિષયોમાં તેમને રસ હોય છે.

જીવન માટેના તેમના સિદ્ધાંતોમાં પણ ભિન્નતા રહેલી હોય છે. માનવીને જુદી જુદી વસ્તુઓ – જુદા જુદા કથનો સાચા લાગે છે. તેનો વિશ્ર્વાસ પણ ભિન્ન ભિન્ન બાબતોને આધારે ઘડાયેલો હોય છે.
જિંદગીની લગભગ બધી જ બાબતો માટે તેની પાસે પોતાનો આગવો અભિપ્રાય હોય છે. સંસારના પ્રત્યેક પાસા માટે તેની પોતાની ધારણા હોય છે અને આવી ધારણા તેના વર્તણૂક અને વ્યવહારને નિર્ધારિત કરે છે.

કુદરતે પ્રત્યેક માનવીને આગવો બનાવ્યો છે. કોઈપણ બે માનવી સમાન નથી હોતા – કોઈકને કોઈક વિશેષતા તો બંનેમાં સમાયેલી જ હોય. વિવિધતાની સમૃદ્ધિ એ પ્રકૃતિની એક મોટી ખાસિયત છે. અહીં ક્યારેય બે વડના ઝાડ એક સમાન નથી હોતા. અહીં બે નદી કે બે ડુંગર ક્યારે એક સમાન નથી હોતા. તેવી જ રીતે બે વ્યક્તિઓની માન્યતા કે સમજ સંપૂર્ણતામાં ક્યારેય એક સમાન ન હોય. આવી વિવિધતા જ સંસારને બહુરંગી બનાવે છે.

જ્યારે માનવી કોઈપણ નિર્ણય લે તો તેનો આધાર કયો? શું દરેક માનવી સત્યને આધારે નિર્ણય લે છે? કે શું દરેક માનવી ઇન્દ્રિયોના વિષયોના જોરને આધારે નિર્ણય લે છે? કે પછી માનવીનો દરેક નિર્ણય સિદ્ધાંતને આધારિત હોય છે? માનવીના નિર્ણયો પાછળ શું કોઈ સાતત્યતા આપતું પરિબળ છે? વળી
એક જ માનવી પણ જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારના નિર્ણયો લે છે.

આ બધી વિવિધતા શેને આધારે અસ્તિત્વમાં આવે છે? પુષ્પદંત રચિત શિવ મહિમ્ન સ્તોત્રમાં આનો સરસ જવાબ અપાયો છે. પુષ્પદંત જણાવે છે કે માનવી પોતાની રૂચી અનુસાર જુદા જુદા માર્ગોને અનુસરે છે.

માનવી જે કંઈ પસંદ કરે છે, જે કંઈ માનવા તૈયાર થાય છે, જેને સત્ય માને છે, જેને આધાર ગણે છે, જેને યોગ્ય માને છે – તે બધા માટે તેની રૂચી કારણભૂત હોય છે. માનવીનું સમગ્ર જીવન તેની રૂચિની આસપાસ જ ગુથાય છે. માનવીના જીવનમાં કેન્દ્રસ્થાને આ રૂચી જ હોય છે.

રૂચી એટલે ‘ઇન્કલીનેશન’ – લગાવ કે જુકાવ. ગયા જન્મના સંસ્કારોને કારણે, આ જન્મના ઉછેરને કારણે કે આજુબાજુની પરિસ્થિતિને કારણે વ્યક્તિ અમુક ધારણાઓ બાંધી લે છે. આ ધારણાઓ લાંબે ગાળે રૂચીમાં પરિણમે છે. ઘણીવાર તો આવી રૂચી જન્મજાત પણ હોય છે.

માનવીના સ્થૂળ શરીર તથા સૂક્ષ્મ અસ્તિત્વ એ બંનેનો વ્યવહાર સત્ય આધારિત ન હોતા, રૂચી આધારિત હોય છે. આપણને શું ગમે છે, આપણે શેમાં શ્રદ્ધા રાખીએ છીએ, જીવનનો તેમ જ આધ્યાત્મનો કયો માર્ગ આપણે સ્વીકારીએ છીએ, જે તે બાબત માટે આપણને જે કંઈ ગમો- અણગમો હોય છે તે બધાના મૂળમાં આ રૂચિ છે.

આ રૂચીને નથી સત્ય કહી શકાતી કે નથી અસત્ય કહી શકાતી. આ એક અંગત બાબત છે જે માત્ર અને માત્ર આપણા ધારાધોરણને આધારિત નક્કી થાય છે. આ ધારાધોરણના મૂળમાં ઘણી અવધારણાઓ હોય છે, પણ અંતે તો આ બધાથી નિર્ધારિત થયેલી રૂચી જ જે તે બાબત માટે માનવીને પ્રેરે છે. ઘણીવાર તો માનવી રૂચિથી એટલો બધો પ્રભાવિત થઈ જાય છે કે સારા અને નરસાનો વિવેક પણ ગુમાવી બેસે છે. રૂચિ વ્યક્તિને તટસ્થતાથી જાણે દૂર લઈ જાય છે. આ રૂચિની પાછળ ક્યાંક અહંકાર છુપાયેલો હોય છે જે આપણને રૂચિની યોગ્યતા તપાસતા અટકાવે છે.

તમે ત્રિગુણાત્મક સંસારમાં માનો છો, સાંખ્ય દર્શનના સિદ્ધાંતોને અનુસરો છો, અષ્ટાંગ યોગમાં પ્રવૃત્ત થાવ છો, નિષ્કામ કર્મને આધાર માનો છો, ભક્તિમાર્ગને સૌથી અનુરૂપ ગણો છો, કે આ બધાથી તમારી જાતને સાવજ અલગ કરી દો છો તે તમારી રૂચિ પર આધાર રાખે છે. ષટ્દર્શનમાંથી કયા દર્શનને તમે આધારભૂત ગણો છો, શૈવ-વૈષ્ણવ-શાક્તમાંથી તમારી માટે તમને કયો માર્ગ યોગ્ય લાગે છે, દ્વૈત-અદ્વૈત-દ્વૈતાદ્વૈતની ધારણા તમારા માટે કઈ છે, પ્રકૃતિ અને પુરુષમાં તમને ભિન્નતા દેખાય છે કે ઐક્ય વર્તાય છે – આ બધી બાબતોમાં પણ મૂળમાં તમારી રૂચિ હોય છે. અરે, તમે કયા રાજકીય પક્ષને તમારો મત આપો છો તે પણ તમારી રૂચિ આધારિત ધારણા પર અવલંબે છે. સંસારનો સમગ્ર વ્યવહાર રૂચિ આધારિત હોય છે.

સાચી કે યથાર્થ રૂચીનું કોઈ પ્રમાણ હશે ? કદાચ રૂચિની યથાર્થતા કે સત્યતા માપવાનું એક જ સાધન છે. જો તમારી રૂચિ તમને, સંસારના અન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વગર, તમારા ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય તો તે રૂચિ યોગ્ય, જ્યારે તમારી રૂચી આધારિત તમારો જે વ્યવહાર થાય તેને કારણે જો અન્યને તકલીફ થતી હોય તો તમારી રૂચીને તમારે શાંતિથી જોવી જોઈએ – મૂલવવી જોઈએ.

દુર્યોધનની એક પ્રકારની રૂચી હતી, જ્યારે યુધિષ્ઠિરની અન્ય પ્રકારની. યુધિષ્ઠિરની રૂચિને કારણે સમાજને કે સમાજના કોઈ અંગને તકલીફ નથી પડી, જ્યારે દુર્યોધનની રૂચિ માટે એમ ન કહેવાય.
કદાચ દુર્યોધનની રૂચિના નિર્ધારણમાં તેની મહેચ્છાઓ અને તેની રાજલાલશા જ મહત્ત્વની થઈ જતી હશે, જ્યારે સ્વયંના અસ્તિત્વ પર કામ- ક્રોધ- લોભ- મોહ તથા અહંકાર હાવી થઈ જાય ત્યારે સર્જાતી રૂચી ઘણા પ્રશ્ર્નો ઊભા કરે. મૂળમાં જે હોય તે, પણ સત્ય તો એ જ છે કે વ્યક્તિ પોતાની રૂચી અનુસાર જ જે તે માર્ગને અનુસરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button