સૌંદર્ય કલાનું ને જીવનનું | મુંબઈ સમાચાર

સૌંદર્ય કલાનું ને જીવનનું

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

સૌંદર્યની આપણી ભારતીય વિભાવના અને પશ્ર્ચિમના વિદ્વાનોની વિભાવના વચ્ચે પાયાનો ભેદ એટલો જ છે કે પશ્ર્ચિમના વિચારકો કાવ્યકલાના બાહ્યઅંગોનું સૌંદર્ય શોધવાનો પ્રયાસ કરે છે.
તેમને આંતરિક શબ્દ સૌંદર્ય, નાદસૌંદર્ય, ભાવ કે વસ્તુસૌંદર્ય સાથે ઓછી નિસબત હોય એવું લાગે છે. માત્ર કાવ્યશરીરના બાહ્ય અંગો – ભાષ્ાા,શૈલી, રજુઆત, અભિવ્યક્તિની કારીગરી, પ્રતીક,કલ્પન, છંદ, અલંકારોની કલાત્મક્તા કે સુંદરતા આપણે જોઈએ પણ એના આંતરિક સૌંદર્યનો જ્યાં સુધી પરિચય ન મેળવીએ ત્યાં સુધી એ સૌંદર્ય સ્થૂલ જ રહેવાનું..એ સમગ્ર અંગોને એકરૂપ બનાવીને- ઓગાળીને જ્યારે ખરો આત્મિક અનુભવ ભાવકને થાય છે ત્યારે ભાવકના ચિત્તમાં ક્યા સૌંદર્યની અનુભૂતિ થાય છે ?

સોંદર્યબોધને નીતિમત્તાના ખ્યાલો સાથે પણ અવિનાભાવી સંબંધ છે. સમયે સમયે, સ્થળે સ્થળે, જ્ઞાતિએ જ્ઞાતિએ, ધર્મ-સંપ્રદાયે સંપ્રદાયે આ ખ્યાલો બદલાતા રહે છે. પ્રદેશ,ભાષ્ાા,વિચારધારા અને લોકમાન્યતાઓમાં આપણને વિધવિધ નીતિમત્તા વિષ્ાયક વિચારધારાઓ જોવા મળે. તદ્દન સ્થૂળ વાત કરીએ તો ઈસ્લામ ધર્મની વિચારસરણીમાં મૂર્તિપૂજા,એનાં સૌંદર્યમંડિત શિલ્પો ધરાવતાં મંદિરો, સંગીત,નૃત્ય વર્જ્ય છે એટલે સમગ્ર વિશ્ર્વમાંથી એવાં સોંદર્યસ્થાનોને નષ્ટ કરવા એ જ એમની પ્રવૃત્તિ બની રહી. આપણા લોકજીવનમાં ભવાઈના લોકનાટ્યમાં, રાસલીલા વગેરે શૃંગારીક નૃત્યોમાં, વિવાહગીતોમાં આવતા ફટાણાં જેવા ગીતોમાં જે તે સમયે સ્વીકાર્ય એવી અશ્ર્લીલ હરક્તોને ધ્યાનમાં લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામીએ પોતાના નંદશિષ્ય કવિઓને નવાં ઉત્સવગીતો અને લગ્નગીતોનું સર્જન કરવા આદેશ આપેલો. એ જ રીતે કવિ દલપતરામે પણ આવાં ગીતોની રચનાઓ કરેલી.

સૌંદર્યની અનુભૂતિ હંમેશાં દરેકને માટે વ્યક્તિગત- નીજિ-આગવી રીતે થતી હોય છે. ઘણીવાર તો કોઈપણ પદ્યરચનાને આપણે વાંચતાં હોઈએ ત્યારે આપણા ચિત્તની- મનોસ્થિતિ ક્યા પ્રકારની છે, આપણી રસ-રૂચિ કેવી છે તે ઉપરાંત આપણી શારીરિક સ્વસ્થતા-અસ્વસ્થતાની પણ તેના પર અસર થતી હોય છે. એ જ રચના સમૂહમાં કે એકાન્તમાં, સંગીતની સાજસંગત સાથે કે વિના, રૂબરૂ કે ધ્વનિમુદ્રણ રૂપે સાંભળતાં હોઈએ ત્યારે વિભિન્ન પ્રકારનો સૌંદર્યબોધ થતો હોય એવું લાગે છે. આમ સ્થળ,કાળ,પરિવેશ, આપણી વિષ્ાય સાથેની સમજણ કે આપણું અનુસંધાન ( જે ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક,પારિવારિક ભૂમિકા સાથે જોડાયેલું હોય)… જેવી કેટલી યે બાબતો સંતસાહિત્યના સોંદર્યબોધ માટે કારણભૂત હોય છે.

સંતવાણીની અધ્યાત્મભક્તિ રચનાના માત્ર ભાષ્ાા- શબ્દનું સોંદર્ય, શૈલી કે અભિવ્યક્તિનુંં સોંદર્ય, પ્રાસ-અનુપ્રાસનું સૌંદર્ય, રાગ-ઢાળ- તાલનું સૌંદર્ય.. જેવા વિભાગો પાડીને પોસ્ટમોર્ટમ કરવાના પ્રયાસો પણ પશ્ર્ચિમના કાવ્યશાસ્ત્ર (પોએટિક્સ ) કે સૌંદર્યશાસ્ત્ર(એસ્થેટિક્સ)ને અનુસરીને કેટલાક વિદ્વાનો કરતા રહ્યા છે પરંતુ એ કારણે આપણે સંતસાહિત્યના બાહ્ય- નિર્જિવ કલેવરનો પરિચય મેળવી શકીએ છીએ,અંતરંગ રહસ્યાત્મક જીવતરનો નહીં…. બાપુસાહેબ ગાયક્વાડની એક ભક્તિ રચના લોકકંઠે ગવાય છે, એને સાંભળીએ ત્યારે જો આપણે સમગ્ર ભારતીય ભક્તિ પરંપરા તથા રાધાભાવ, સખીભાવ, નારીભાવથી પરિચિત હોઈએ તો સૌંદર્યની અનુભૂતિ થયા વિના ન રહે.

એ જી મારા હૈયા કેરો હાર,
મારા પ્રાણનો આધાર,
નટવર નાગર છેલ છબીલો…
પ્રાણ જીવન પાતળીયો,
મારો એ વર છે નિરધાર,
પ્રેમ પાસથી હું બંધાણી,
છોડુ નહિં લગાર…

  • મારા હૈયા કેરો હાર,
    નટવર નાગર છેલ છબીલો…૦
    ગંગા યમુના સરસ્વતિ,
    તરવેણી ને તીર,
    ત્યાં રહી મોહન વેણુ વગાડે,
    હળધરજીનો વીર…
  • મારા પ્રાણનો આધાર,
    નટવર નાગર છેલ છબીલો…૦
    મોર મુગટ પિતાંબર શોભે કુંડળ ઝળકે કાન,
    મોહનજીનું મુખડું જોઈને,
    ભૂલી ગઈ છું ભાન…
  • મારા પ્રાણનો આધાર,
    નટવર નાગર છેલ છબીલો…૦
    મનહર મૂરતિ જોઈ તમારી,
    તે શું લાગી તાળી,
    તન મન ત્રિકમજી હું તારા,
    વદન કમલપર વારી…
  • મારા પ્રાણનો આધાર,
    નટવર નાગર છેલ છબીલો…૦
    કૃપા કરીને કેશવ મુજને,
    દરશન દાન દેજો,
    બેઉ કર જોડી બાપુ કહે છે,
    રૂદા કમળમાં રહેજો…
  • મારા પ્રાણનો આધાર, ન
    ટવર નાગર છેલ છબીલો…૦

Back to top button