બંધન રજોગુણનું !

ગીતા મહિમા -સારંગપ્રીત
ગત અંકમાં સત્ત્વગુણના બંધનને સમજયા. હવે રજોગુણ માનવને કેવી રીતે બંધનકારક છે, તે ભગવાન કૃષ્ણ જણાવી રહ્યા છે.
અસીમ ઇચ્છાઓનો સરવાળો એટલે માનવ ! મારા મિત્રએ નવો ફોન લીધો, મારે પણ લેવો છે. મારા ભાઈએ નવી ઘડિયાળ લીધી, મારે પણ લેવી છે. આવી જંખના હંમેશા આપણા અંતરમાં રહે છે. પરંતુ માનવની આ બધી ઇચ્છાઓ પૂરી નથી થતી એ પણ નિર્વિવાદ છે. હા, દરેક અતૃપ્ત ઇચ્છા દુ:ખને નોતરે છે. ભગવાન બુદ્ધે પણ કહ્યું છે, “અપેક્ષાઓ દુ:ખનું કારણ બને છે. ગીતા સમજાવે છે કે આ અપેક્ષાઓનો મૂળ ઉદ્ભવ આપણી રજોગુણી પ્રકૃતિને લીધે છે-
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥ ૧૨॥
અર્થાત્ રજોગુણ લોભ, સાંસારિક પ્રાપ્તિ માટે અતિશય પ્રવૃત્તિ અને મનની બેચેની તરફ દોરી જાય છે.
સાંસારિક સુખની અતિ જંખના રજોગુણની અભિવ્યક્તિ છે. રજોગુણી વ્યક્તિ તેની ઇંદ્રિયોની ઇચ્છાઓને પૂર્ણ કરવામાં સતત નિરત હોય છે. પરિણામે તે સદા દુ:ખમાં જીવે છે. એનાથી વધારે દુ:ખની બાબત એ છે કે આ લૌકિક સુખને તે એક મહત્તમ સુખ ગણીને વર્તે છે.
પશ્ચિમ જગતની ” Utilitarian Theory નું સૂત્ર છે- ” Pleasure and Pain Principle જે કાર્ય કરવામાં સુખ આવે તે જ કરવું અને જેમાં દુ:ખ આવે તે ન કરવું. તો વળી, ભારતમાં ચાર્વાકની પરંપરા પણ ભૌતિકવાદને સર્વોચ્ચ ગણે છે. ચાર્વાકનો સિદ્ધાંત-સાર પોકારે છે ” Eat, Drink and make Merry . પણ શું આ બધું સુખ ભોગવ્યા પછી પણ શું સતત સુખનો અનુભવ થાય છે? લાખ આઈસક્રીમ ખાધા પછી પણ એક વધારે ખાવાની ઇચ્છા થાય છે. હજાર કોકોકોલાની બોટલો પીધા પછી પણ પેટમાં ટાઢક થતી નથી. ખુબ હર્યા ફર્યા બાદ પણ ફરવા જવાનું મન થાય છે. વસ્તુત: હજી માનવ સમજી શક્યો નથી કે જીવનમાં શું ઘટે છે. કરોડ રૂપિયાના બંગલામાં લાખના પલંગ પર આડું પડ્યા પછી પણ નીંદર નથી આવતી તેનું કારણ શું છે? તે કોઈએ શોધવાની કોશિશ કરી છે? રજોગુણી વ્યક્તિ હંમેશા આગળ વધવાની ઝંખના રાખે છે. તે મોટા સપના જોવે છે અને તેને પૂર્ણ કરવાના પ્રયાસો કરે છે. તેમાં ખોટું નથી પરંતુ તેની અતિશય લોલુપતા હાનિકારક છે. જો તે એક લાખ કમાતો હોય તો રાતોરાત ૧૦ લાખ કમાવાની ઇચ્છા રાખે છે. એક હોન્ડાબાઈક હોય તો એક મોટર માટે જીવલેણ મથામણ કરે છે. જયારે આવી અનેક બંધાયેલી અપેક્ષા પૂર્ણ કરવાની કોશિશમાં નિષ્ફળ જાય ત્યારે તેના જીવનમાં દુ:ખ અને નિરાશા પ્રવર્તે છે. નેપોલિયન બોનાપાર્ટ સમગ્ર યુરોપ ખંડનો વિજેતા હતો. રજોગુણી નેપોલિયન પણ છેલ્લે બોલ્યો, “મેં મારા જીવનમાં સુખના છ દિવસ જોયા નથી. આ છે રજોગુણનું ઘાતક પરિણામ !
રજોગુણની પ્રકૃતિ ધરાવનાર વ્યક્તિમાં કામ-વાસના નિરંકુશ હોય છે. વિષય ભોગમાં તેની વૃત્તિ એકાગ્ર અને અજસ્ર રહે છે. અંતે આ કામના જ એને અતિશય દુ:ખી કરે છે. રાવણ મહાજ્ઞાની અને ભગવાન શિવનો અનન્ય ઉપાસક હતો. જો સોનેરી નગરી લંકાનો રાજા રાવણ પણ પોતાની કામનાને લીધે વિનાશ નોતરે છે, તો સિદ્ધ છે કે સામાન્ય રજોગુણી માનવીઓની નિરંકુશ કામના તો દુ:ખના દરિયામાં જ પૂર્ણતા પામશે.
તો આપણે શું કરવું જોઈએ? શું રજોગુણ પર નિયંત્રણ શક્ય છે?
જીવનમાં સપના જોવા અને તેને પૂરા કરવા, એ યોગ્ય નથી. પરંતુ તેની પાછળ અમાપ દોટ હાનિકારક છે. તે આપણી શાંતિને હરે છે. પરિણામે ઉગ્રતા અને અજંપો મટતા જ નથી.
સાંખ્યનો વિચાર (જગત-નશ્ર્વરતાનો સિદ્ધાંત) આ માર્ગે આપણને ઉપયોગી થઈ શકે. આ સંસાર નાશવંત છે. આ લોકના પદાર્થોમાં સુખ માનવું એ હવામાં બાચકાં ભરવા જેવું છે. આ લૌકિક પદાર્થ ગમે તેટલા ભોગવ્યા પછી પણ સુખનો અનુભવ કોઈને થયો નથી. કેવળ ભગવાનમાં જ શાશ્ર્વત સુખ છે. તેથી જ ભગવાનને જીવનના મધ્યમાં રાખીને આપણે સર્વ દૈનિક ક્રિયા કરવી જોઈએ.
ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના પહેલાં વચનામૃતમાં કહ્યું છે, “અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરીએ તો પણ ભગવાનના એક રૂવાડાના કોટિમાં ભાગ જેટલું પણ ન થાય.
તેથી જ રજોગુણને નિયંત્રણમાં લાવવા માટે પ્રથમ પોતાની ઇન્દ્રિયોનો સંયમ રાખીને મન અને વૃત્તિઓને અંતર સમ્મુખ કરવી જોઈએ. મહંતસ્વામી મહારાજ સમજાવે છે કે અંતે આ મન અને ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાથી જ સુખનો અનુભવ થાય છે.