અથ યોગાનુશાસનમ્
વિશેષ -હેમંત વાળા
દર્શન-ચિંતનમાં જિજ્ઞાસાનું આગવું મહત્ત્વ છે. આ જિજ્ઞાસા જ્ઞાન માટેની પણ હોય કે ધર્મ માટેની પણ. ક્યાંક જ્ઞાન અને ધર્મ પરસ્પરના પૂરક અને પર્યાય પણ બની રહે. દર્શનમાં જ્ઞાન થકી મુક્તિ કે કૈવલ્યનો માર્ગ ઉજાગર થાય તેમ સ્થાપિત કરવામાં આવ્યું છે, પણ આ બધામાં યોગદર્શન વિશેષ છે. અહીં જ્ઞાન કરતાં અનુશાસન પર વધુ ભાર મુકાયો છે.
જીવનમાં આચરણ મહત્ત્વનું છે. આચરણ શુદ્ધ હોય, ધર્મ આધારિત હોય, સત્ય પ્રત્યેના લગાવને કારણે જન્મ્યું હોય, નિમિત્ત કર્મોને આધારિત હોય અને નિર્લેપતાથી કરાયું હોય તે જરૂરી છે. શાસ્ત્રોનું પઠન કરવાથી આચરણમાં શુદ્ધિ આવે તેમ માની ન લેવાય. વેદો કંઠસ્થ હોય તો વ્યક્તિ ધાર્મિક છે તેમ સ્થાપિત ન થાય. એ મુજબનું આચરણ જરૂરી છે. શાસ્ત્રોને જીવનમાં ઉતારવા પડે. નીતિપૂર્વકનું જીવન જીવવાની ટેવ પાડવી પડે. આચરણમાં નિષ્પક્ષતા તથા તટસ્થતા વણાયેલી હોવી જોઈએ. યોગ-દર્શન આવા આચરણ પર ભાર મૂકે છે.
આચરણ એ વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. આચરણ થકી વ્યક્તિ ઓળખાય. વ્યક્તિ પાસેના જ્ઞાનથી વ્યક્તિની બુદ્ધિમતા વિશે કંઈક નિર્ણય લઈ શકાય, પણ વ્યક્તિના ચરિત્ર બાબતે જો નિર્ણય લેવાનો હોય તો તેના આચરણનું જ અવલોકન કરવું પડે. આચરણમાં પવિત્રતા તો વ્યક્તિ પવિત્ર. પવિત્રતા બાબતે જાતજાતના તર્કથી, જેણે સારી એવી દલીલો પર પ્રભુત્વ મેળવ્યું છે, તે પવિત્ર ન પણ હોઈ શકે. જીવનમાં પવિત્રતાનું અનુસરણ અને અનુકરણ કરવું પડે. પવિત્રતાના અનુશાસનથી જીવનને ઘડવું પડે. શુદ્ધ આચરણવાળી વ્યક્તિ પાસે શુદ્ધની પરિભાષા – વ્યાખ્યા સ્પષ્ટ ન હોય એમ બની શકે. તેની સામે એમ પણ બની શકે કે અશુદ્ધઆચરણવાળી વ્યક્તિ શુદ્ધને પરિભાષિત કરવા સક્ષમ હોય.
જીવનમાં જુદા જુદા પ્રકારના વિઘ્નો આવ્યા કરે છે. યોગદર્શનમાં અહંકાર, રાગ, દ્વેષ, અવિદ્યા કે આવા અન્ય વિઘ્નો સામે વ્યવસ્થિત ટકી રહેવા માટે કેટલાક યમ અને નિયમ દર્શાવાયા છે. યમમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય તથા અપરિગ્રહનો આગ્રહ રખાય છે, જ્યારે નિયમમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્ર્વર-પ્રણિધાનની વાત કરાય છે. આગળ જતા આસન અને પ્રાણાયામ પણ આવે. આ પ્રકારના આચરણ બાદ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે.
યમ-નિયમમાં અનુશાસનનો આગ્રહ છે- શારીરિક તેમજ માનસિક શિસ્તનો આગ્રહ છે. મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં શિસ્ત એક શારીરિક પ્રક્રિયા છે, પણ તેનાથી વધુ, તે ચોક્કસ પ્રકારની માનસિકતા છે. બાંધછોડ કરવાની વૃત્તિ સ્વાભાવિક છે. અનુકૂળતા પ્રમાણે વ્યવહાર થતો રહે છે. વ્યક્તિ તત્કાલના લાભ માટે આચરણ બદલતો રહે છે. એક પરિસ્થિતિમાં એક પ્રકારનો આગ્રહ તો પરિસ્થિતિ બદલાતા આગ્રહ પણ બદલાઈ જાય. સમયાંતરે મૂલ્યો પણ બદલાતા રહે છે. આ બધું અનુશાસનથી વિપરીત જાય. અનુશાસનથી સ્થાપિત થતો સંયમ મનને વિચલિત થવા દેતો નથી અને પરિણામે શારીરિક ક્રિયા પણ ધર્માનુસાર રહે છે. અનુશાસિત જીવન અધર્મને દૂર રાખે છે. વિશ્ર્વામિત્ર અનુશાસિત હોત તો મેનકા નિષ્ફળ જાત. રાવણ અનુશાસિત હોત તો શ્રીરામ સાથેના યુદ્ધની સંભાવના જ ઊભી ન થાત. દુર્યોધન અનુશાસિત હોત તો પાંડવો સાથેનો દ્વેષ ઊભો જ ન થાત.
સૃષ્ટિનું દરેક તત્ત્વ અનુશાસનમાં રહે છે. કુદરતની દરેક ક્રિયા શિસ્તબદ્ધ રીતે કાર્યરત છે. અનુશાસનમાં વરસાદ વરસે છે અને ઝાડપાન ઊગે છે. ગર્ભ થકી બાળકનો જન્મ પણ ચોક્કસ નિયમોને આધીન હોય છે. અહીં ક્યાંય સ્વછંદીપણું નથી. ચોક્કસ નિયમોને આધારે એક તત્ત્વ બીજા તત્ત્વ સાથે સમીકરણ સ્થાપે છે અને સૃષ્ટિનો વ્યવહાર ચાલતો રહે છે. સમગ્ર બ્રહ્માંડ સ્થાપિત થયેલ નિયમોને આધારે ટકી રહે છે. પંચમહાભૂતો પોતાના કાર્ય ક્ષેત્રની અંદર જ નિયમાધીન રહે છે-શિસ્તમાં રહે છે-અનુશાસનમાં રહે છે. સૃષ્ટિમાં સર્વત્ર અનુશાસન જોવા મળશે. મૂળમાં માનવ જીવન પણ શિસ્તબદ્ધ જ હોય છે. અહંકાર અને સ્વાર્થનો પ્રવેશ થતાં પરિસ્થિતિ બદલાતી જાય છે. યોગદર્શનમાં સૂચવાયેલ યમ-નિયમ આ અહંકાર અને સ્વાર્થ સામે રક્ષણ વ્યવસ્થા છે.
એક સમજ પ્રમાણે માનવી પાંચ પ્રકારના હોય છે. એક, જે પોતાને ફાયદો ન થતો હોય તો પણ સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડે. બીજું, જે પોતાને ફાયદો થતો હોય તો સામેવાળી વ્યક્તિને નુકસાન પહોંચાડતા સંકોચ ન અનુભવે. ત્રીજું, જે અન્યને નુકસાન પણ ન પહોંચાડે અને ફાયદો પણ ન કરાવે. ચોથું, જે પોતાને નુકસાન ન થતું હોય તો સામેવાળાને ફાયદો કરાવી આપે. અને પાંચમું, જે પોતાને નુકસાન થતું હોય તો પણ સામેવાળા માટે ફાયદાકારક સ્થિતિ ઊભી કરે. આ ચોથા અને પાંચમા પ્રકારના લોકો માટે અનુશાસન ખૂબ જરૂરી છે. મન ચંચળ છે અને તેને નાથવા માટે ચોક્કસ પ્રકારના નીતિ-નિયમોનું અનુસરણ ઇચ્છનીય છે. યોગદર્શનમાં જણાવાયેલ યમ તથા નિયમને કારણે વ્યક્તિ વિચલિત કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ સમતા જાળવી શકે. યમ-નિયમથી જાતને અંકુશમાં રાખી શકાય અને નિર્લેપતાથી ઉત્તરદાયિત્વ નિભાવી શકાય.
સ્થૂળ અસ્તિત્વ નિયંત્રણમાં આવે પછી જ સૂક્ષ્મ અસ્તિત્વની વાત થાય અને સૂક્ષ્મ અસ્તિત્વ નિયંત્રણમાં આવ્યા બાદ કારણ અસ્તિત્વની સમજ માટેના દરવાજાઓ ખુલી જાય. અનુશાસનથી સ્થૂળ અસ્તિત્વ પરનું નિયંત્રણ સહેલું બને. આ પ્રકારની પરિસ્થિતિ આગળ જતાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારને નાથવામાં સહાયભૂત થાય. પછી જ આસન સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે અને પ્રાણની ગતિને નિયંત્રણ કરી ચૈતન્યને સમજવાના દ્વાર ઉઘાડી શકાય. પછી યોગ માર્ગમાં આગળની સ્થિતિ સરળ બનતી જાય. આ બધા માટે અનુશાસન જરૂરી છે.
યોગ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે અને સાથે સાથે જીવન જીવવાની કળા પણ છે.
(હેમંત વાળા / હેમુ ભીખુ)