ધર્મતેજ

હરિ પાસે એવું માગો કે આપણાં મા-બાપ પ્રસન્ન રહે, ખુશ રહે

માનસ મંથન -મોરારિબાપુ

મહાદેવે અને મા પાર્વતીએ ભગવાન કૃષ્ણને વરદાન માગવા કહ્યું ત્યારે એમણે જુદા જુદા ૨૪ વરદાન માગ્યા એમાં, યુવાન ભાઈ – બહેનો, કૃષ્ણે માગવા જેવું માગ્યું, મારાં માતા – પિતા મારાથી પ્રસન્ન રહે. આહાહા! શું ધરા પર કદમ છે આ માણસના ! મસ્તક આકાશમાં છે પરંતુ પગ સદાય ધરા પર છેતો ભગવાન શ્રી કૃષ્ણએ પાર્વતી પાસે માગ્યું, ’મારાં માતા-પિતા મારા પર સદા પ્રસન્ન રહે.’ યુવાન ભાઈ બહેનો હરિ પાસે એવું માગો કે આપણાં મા-બાપ પ્રસન્ન રહે. માતા – પિતાને ખુશ રાખવાનું આપણું દાયિત્વ છે.

કૃપાના કેટલાક પ્રદેશ તમે ગણી લો. આપણા બધા પર કેટલી બધી કૃપા છે! સૌથી પહેલા આપણા પર માનવામાં આવી છે આપણી માની કૃપા. ઉપનિષદએ યોગ્ય ક્રમ દર્શાવ્યો છે .मातृदेवो भव। યાદ રાખજો મારા ફ્લાવર્સ, સૌથી પહેલા આપણા પર છે માતૃકૃપા. એમાં કોઈક અપવાદ હોઈ શકે, પરંતુ હું લગભગ ૫૫ વર્ષોથી ફરી રહ્યો છું અને એમાં મેં ક્યાંય એવું નથી સાંભળ્યું કે કોઈએ પોતાની મા વિશે કંઈક ખરાબ કહ્યું હોય. બધાને પોતાની મા સારી લાગે છે. કોઈ અપવાદ એવો હોય કે એને પોતાની મા સારી ન લાગતી હોય, કે પછી એના કોઈ કારણ હોય, કળિયુગનો પ્રભાવ હોય, પરમાત્મા જાણે ! પરંતુ બધાને પોતાની મા બહુ પ્યારી લાગે છે. અને મેં એ પણ જોયું છે કે પ્રત્યેક વ્યક્તિને પોતાની માની તુલનામાં બીજી કોઈ મા દેખાતી નથી. હું મારા તરફથી જો તો મને લાગે કે સાવિત્રી મા જેવી બીજી કોણ હોય? એને ગ્રંથકારે કહ્યું છે માતૃકૃપા. પહેલી કૃપા છે માતૃકૃપા.

સાધકને માટે બીજી કૃપાનું નામ છે પિતૃકૃપા. પિતાની પણ કૃપા છે. બાળકને ભણાવવા છે, મોટા કરવા છે, ધંધામાં લગાવવા છે. યુવાન ભાઈ -બહેનો, તમે ગમે તેટલું ભણો, ખૂબ ભણો. વ્યાસપીઠ તમને જોઈને સદાય આનંદિત રહેશે પરંતુ ઘરમાં તમારાં માતા-પિતાની ઈજ્જત કરો. શાસ્ત્રએ કહ્યું છે, જે પોતાના કામે જતી વખતે વડીલોને પ્રણામ કરીને જાય છે પાછા ફરીને પછી પ્રણામ કરીને વિશ્રામ કરે છે એની ચાર ચીજ વધે છે. आयुर्विध्यायशोबलम એવું નીતિકારોએ કહ્યું છે. એક તો એમનું આયુષ્ય વધે છે. આયુષ્ય વધે કે ના વધે એની મને ખબર નથી. વધે તો સારી વાત છે, પરંતુ મેં તો એનો જુદો અર્થ કાઢ્યો છે અને એ મને બહુ યોગ્ય લાગે છે. વડીલોને પ્રણામ કરવાથી આયુષ્ય વધે એનો મતલબ હવે આપણું જેટલું આયુષ્ય હશે એમાં પ્રસન્નતા વધે છે. પિતાની કૃપાથી વિદ્યા વધે છે, કીર્તિ વધે છે અને બળ વધે છે. શરીરની તાકાત વધે છે એવું ગ્રંથોમાં કહેવાયું છે.

ત્રીજી કૃપા છે આચાર્ય કૃપા. આચાર્ય કૃપા એટલે આપણા શિક્ષક, તમે જેમની પાસે શીખતા હોય એ તમારા આચાર્ય, એમની એક કૃપા. હું પણ બાળકોને, યુવાનોને પ્રાર્થના કરીને આગળ વધુ કે આ ભારત છે, આપણી પૂર્વીય સભ્યતા છે. આપણા મૂળ બહુ ઊંડા છે. વડીલોને, માતા – પિતાને સવાર સાંજ પ્રણામ કરો. ચાલો, પ્રણામ કરવામાં સંકોચ થતો હોય તો કમ સે કમ મારા હૃદયમાં મારી મા રૂપે દેવતા છે, એવું હૃદયની આસ્થા સાથે માનો. માતૃદેવો ભવ. મારા પિતા દેવ છે, મારા ગુરુ દેવ છે એમ માનો. ગુરુએ ભણાવેલું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ સૂત્ર રામ કેવળ ગોખતા ન હતા, એને આચરતા હતા. યુવાન ભાઈ – બહેનો, આ પ્રવાહી પરંપરા ને ભૂલશો નહિ. તમે ભણવા જાઓ, ઓફિસ જાઓ, તમારા કામમાં જાઓ તો સવારમાં જે વડીલો હોય એમને પ્રણામ કરીને જવું. અને રાત્રે સુવા જાઓ ત્યારે પાછા પ્રણામ કરવા. એનાથી ચાર વસ્તુ વધશે એમ સમૃતિકારે કહ્યું છે. આયુષ્ય વધે એટલે જેટલી જિંદગી બાકી હોય એ જીવવામાં આનંદ વધશે. એની વિદ્યા વધશે, યશ વધશે, પ્રતિષ્ઠા વધશે અને બલ. આત્મબલ વધશે. રામજી આ આચરી બતાવે છે.

યુવાન ભાઈ – બહેનોને પ્રાર્થના છે કે માતા- પિતાને, જ્યેષ્ઠોને, શ્રેષ્ઠને અને આજના વશિષ્ઠોને પ્રણામ કરવાં. યુવાનોને હું ખાસ કહું, આપણાથી જે શ્રેષ્ઠ હોય, આપણાથી જે આગળ હોય, એમનું રોજ અભિવાદન કરવું. યુવાન ભાઈ -બહેનો, કોઈ દૃષ્ટિવાન વૃદ્ધ બુઝર્ગ હોય, જેમણે આખી ખાનદાની બચાવી હોય, એ ઉપદેશ આપવાને યોગ્ય છે; એમને સાંભળજો. આજની યુવાનીએ બુઝર્ગ સાથે વાત કરવી જોઈએ. એક વાર એમને સાંભળજો. એમને ઉપદેશનો અધિકાર છે. એ વયોવૃદ્ધ પણ છે અને અનુભવવૃદ્ધ પણ છે. એમની દરેક વાત ટાળવાની આટલી બધી ઉતાવળ શું છે ? એમની અવસ્થાને કારણે ચીડિયાપણું અને દરેક વાતમાં માથું મારવાની ટેવ હોય એ સ્વાભાવિક છે. પરંતુ તમે તો તાજાં – માજાં છો. નવાં ફૂલોને મૂરઝાંતા ફૂલોની આલોચના કરવાનો અધિકાર નથી. તમે એજ વેલનાં ફૂલ છો. ભગવાનની કથા આપણને ઘણું બધું આપે છે. જીવન બનાવે છે કથા. બાપ ! આપણે આપણા જીવનમાં વિવેક બહુ સાચવવો એ ગણેશ પૂજા છે અને વિવેક સત્સંગ વગર ન આવે. વિવેક કાયમ રહેવો જોઈએ. વિવેક રાખજો બાપ ! આપણાથી કોઈ વિશિષ્ઠ, વરિષ્ઠ અને વશિષ્ઠ, આ ત્રણ શબ્દો યાદ રાખજો મારા બાપ ! કોઈ પણ ક્ષેત્રમાં આવી કોઈ વ્યક્તિ હોય તો એને આદર આપવો તે ગણેશ પૂજા છે.

મારે તો એટલું જ કહેવું છે કે યુવાનીનો પ્રારંભ થાય ત્યારે કોઈ બુદ્ધપુરુષની ચરણરજ માથે ચડાવી લેવી. કોઈ બુદ્ધપુરુષના આશ્રયમાં અને માર્ગદર્શનમાં રહેવું. કોઈ ગુરુ જોઈએ, જે આપણા મનને ઠીક રાખે, આપણી બુદ્ધિને, કૌશલ્યને વિકસિત કરે અને એ બધું થઈ ગયા પછી પણ આપણે અહંકારી ન બની જઈએ એનું ધ્યાન રાખે. યુવાન ભાઈ બહેનો, સમાજના ધર્મરાજો, સમાજના યુધિષ્ઠિરો અને વડીલોની સલાહ લો. વડીલોની પણ જવાબદારીઓ વધી જાય છે કે એમની સલાહ સ્વાર્થપરક ન હોવી જોઈએ. કેમ કે બૂઢા થઈ ગયા તો રાગ- દ્વેષ મટી ગયા એવું માનશો નહીં. વડીલોની ઘણી જવાબદારીઓ બને છે. કોઈ જેમના ચરણમાં વંદન કરે છે એમની જવાબદારી ખૂબ વધી જાય છે. (સંકલન: જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત