‘પતિવ્રતા તુલસીનું સતીત્વ અખંડિત રહેશે ત્યાં સુધીશંખચૂડ પર મૃત્યુ તેનો પ્રભાવ પાથરી શકશે નહીં
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
સમગ્ર દેવતાગણ કૈલાસ પહોંચી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, ‘હે પ્રભુ! દાનવરાજ શંખચૂડનો વધ કરી દેવતાઓને તેના ભયથી મુક્ત કરો.’ આટલું સાંભળતા ભગવાન શિવ બોલ્યા, ‘હે દેવગણ! તમે લોકો પોતપોતાને સ્થાને પાછા જતા રહો. હું શંખચૂડનો વધ કરી દઈશ,’ ભગવાન શિવના આ વચન સાંભળીને દેવગણો પોતપોતાના લોક તરફ પ્રયાણ કર્યું. દેવગણોની વિદાય બાદ ભગવાન શિવે શિવદૂત પુષ્પદન્ત (ચિત્રરથ)ને આદેશ આપ્યો કે ‘તમે શીઘ્ર શંખચૂડને મળી તેને સમજાવોે કે દેવતાઓ, પર જમાવેલું સ્વામિત્વ છોડી દઈ તેમને પોતપોતાના લોક પરત આપે.’ શંખચૂડ આવેલા શિવદૂત પુષ્પદન્તને કહે છે, ‘મેં એવો દૃઢ નિશ્ર્ચય કરી લીધો છે કે મહેશ્ર્વરની સાથે યુદ્ધ કર્યા વગર ન તો હું રાજ્ય પાછું આપીશ, અને ન તો મારા અધિકારોને પાછા આપીશ,’ પરત આવેલા પુષ્પદન્ત શંખચૂડે કહેલી વાત ભગવાન શિવને કહે છે. આટલું સાંભળતાં ભગવાન શિવ ક્રોધિત થાય છે અને કહે છે, ‘હે નંદી, હે ક્ષેત્રપાળ, હે આઠેય ભૈરવ હું શીઘ્ર જ શંખચૂડનો વધ કરવાને નિમિત્તે પ્રસ્થાન કરું છું, તેથી મારી આજ્ઞાથી મારા બધા જ બળશાળી ગણ આયુધોથી કટિબદ્ધ તૈયાર થઈ જાઓ અને હમણાં જ કુમાર કાર્તિકેય અને કુમાર ગણેશ સાથે રણયાત્રા કરો. ભદ્રકાળી પણ પોતાની સેના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે. સામે પક્ષે શંખચૂડ પણ યુદ્ધની તૈયારી કરવા લાગ્યો. પ્રતાપી શંખચૂડ પત્ની તુલસીને વિશ્ર્વાસમાં લીધા બાદ સેનાપતિઓને આદેશ આપી મોટી સેના સાથે નગરની બહાર નીકળે છે. નગર બહાર સામ-સામે બંને સેનાઓ ઊભી છે. દેવતા અને દાનવોમાં યુદ્ધ થવા માંડયું. ભીષણ રણસંગ્રામને જોઈ ભદ્રકાળીએ યુદ્ધભૂમિમાં જઈ મોટી સિંહનાદ કર્યો. એમની એ ગર્જનાથી કરોડો અસુરો મૂર્છિત થઈ ગયા. તેમની સેનાને મોટી સંખ્યામાં મૂર્છિત થયેલી જોઈ શંખચૂડ ભદ્રકાળીને લલકારે છે. ભદ્રકાળી નારણાસ્ત્રને છોડતાં શંખચૂડ નારણાસ્ત્રને વારંવાર પ્રણામ કરે છે. શંખચૂડને આટલો નમ્ર બનેલો જોઈ નારણાસ્ત્ર નિવૃત્ત થઇ જાય છે. નારણાસ્ત્ર કામ ન કરતાં ભદ્રકાળી બ્રહ્માસ્ત્ર છોડે છે, બ્રહ્માસ્ત્રને પ્રજ્વલિત થતું જોઈને શંખચૂડ તેને નમસ્કાર કરતાં બ્રહ્માસ્ત્ર પણ નિવૃત્ત થાય છે. ભદ્રકાળી પાસે વધુ શક્તિમાન અસ્ત્ર ન હોતાં શંખચૂડ પોતાના દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ ભદ્રકાળી પર કરે છે. ભદ્રકાળી ભયંકર અટ્ટહાસ્ય કરતાં એ સમસ્ત અસ્ત્રોનો પોતે ગળી ગયાં.
ભદ્રકાળી સમસ્ત અસ્ત્રોને ગળી ગયાં અને અટ્ટહાસ્ય કરવા લાગ્યાં. આ જોઈ દાનવો ભયભીત બની ગયા. પરાક્રમી શંખચૂડે મહાકાળી પર સો જોજન લાંબી શક્તિથી પ્રહાર કર્યો, પરંતુ મહાકાળીએ એમના દિવ્ય અસ્ત્રસમૂહથી એના એક-એક જોજનના ૧૦૦ ટુકડા કરી દીધા. ક્રોધિત મહાકાળીએ દાનવરાજ શંખચૂડ પર મુષ્ટિ પ્રહાર કર્યો. એની ચોટથી શંખચૂડ ગોળ ગોળ ફરવા લાગ્યો અને મૂર્છિત થઈ ગયો, પણ ક્ષણભરમાં ફરી ચેતનવંતો થઈ બેસી ગયો. ઘણા સમય સુધી યુદ્ધ ચાલતું રહ્યું, સામે સામે અસ્ત્રો નિવૃત્ત થતાં રહ્યાં, અંતે ભગવાન શિવ ડમરું વગાડતાં વગાડતાં યુદ્ધ ભૂમિમાં દાખલ થાય છે. ભગવાન શિવને દાખલ થયેલા જોઈ મહાકાળી યુદ્ધમાંથી હટી જાય છે. શંખચૂડની દૃષ્ટિ ભગવાન શિવ પર પડતાં તે નીચે આવી પરમભક્તિ સાથે દંડની જેમ પૃથ્વી પર આળોટીને મસ્તક નમાવી ભગવાન શિવને પ્રણામ કરે છે. નમસ્કાર કરીને તત્પશ્ર્ચાત એ તરત જ પોતાનું ધનુષ્ય-બાણ ઉઠાવે છે. સામ-સામે ભગવાન શિવ અને શંખચૂડ બાણવર્ષા કરવા માંડે છે. ઘણો સમય યુદ્ધ ચાલતાં ભગવાન શિવ પોતાનું ત્રિશૂળ ઉઠાવે છે, આ ત્રિશૂળનું નિવારણ બ્રહ્માજી કે શ્રીહરિ વિષ્ણુ માટે પણ અશક્ય હોય છે. તે સમયે જ આકાશવાણી થાય છે, ‘હે શિવ તમે આ ત્રિશૂળથી ક્ષણભરમાં બ્રહ્માંડનો વિનાશ કરવા સમર્થ છો પણ આ તો એકલા શંખચૂડની વાત છે. આપ દ્વારા દેવમર્યાદાનો વિનાશ, ભંગ ન થવો જોઈએ. હે શિવ આપ એ દેવમર્યાદાને સફળ બનાવો અને એ દેવમર્યાદા એ છે કે શંખચૂડના હાથમાં શ્રીહરિનું ઉગ્ર કવચ વર્તમાન હશે કે ‘પતિવ્રતા તુલસીનું સતીત્વ અખંડિત રહેશે ત્યાં સુધી શંખચૂડ પર મૃત્યુ તેનો પ્રભાવ પાથરી શકશે નહીં, બ્રહ્માજીના આ વચનને સત્ય કરો.’
વસ્તુસ્થિતિની સમજ પડતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ શંખચૂડના ઘાયલ સેનાપતિનું રૂપ ધારણ કરી રાજમહેલ પહોંચે છે.
તુલસી: ‘સેનાપતિજી તમને આ શું થયું?’
સેનાપતિ: ‘મહારાણી અસુર સેના શિવગણો દ્વારા સમાપ્ત થઈ ચૂકી છે.’
તુલસી: ‘મારા સ્વામી ક્યાં છે? શું તમે એમને ભગવાન શિવ સાથે યુદ્ધ કરતાં નહીં જોયા?’
સેનાપતિ: ‘મેં તેમને યુદ્ધ કરતાં જોયા હતાં પણ ત્યારબાદ તેઓ અદૃશ્ય થઈ ગયા, થઈ શકે કે ભગવાન શિવે તેમને માયાવી શક્તિથી ખતમ કરી દીધાં હોય.’
આટલું સાંભળતાં તુલસી ત્યાંથી દોડતાં દોડતાં યુદ્ધ ભૂમિ તરફ પ્રયાણ કરે છે. આ જોઈ ભગવાન શ્રીહરિ વિષ્ણુ એક યોગીનું રૂપ ધારણ કરી તેમના માર્ગમાં સામે આવી જાય છે.
તુલસી: ‘પ્રણામ યોગીરાજ, તમે તો ત્રિકાળ જ્ઞાની છો, મારા પતિ શંખચૂડ યુદ્ધ ભૂમિમાંથી અદૃશ્ય થઈ ગયા છે, મહેરબાની કરી તમે જણાવો કે તેઓ ક્યાં છે.’
યોગીરાજ: ‘દેવી તમારે ફિકર કરવાની જરૂરત નથી, તમારા પતિ સુરક્ષિત છે થોડા જ સમયમાં તેઓ રાજમહેલ પધારશે, તમે રાજમહેલ પરત જાઓ.’
યોગીરાજના વચન સાંભળી દેવી તુલસી રાજમહેલ પરત ફરે છે.
ભગવાન શ્રીહરિ વિષ્ણુ શંખચૂડનું રૂપ ધારણ કરી રાજમહેલ પહોંચ્યા. પોતાના સ્વામીને આવેલા જોઈ દેવી તુલસી તેમને ભેટી પડતાં જ તુલસીનું સતીત્વ ખંડિત થઈ જાય છે અને એ જ સમયે યુદ્ધભૂમિમાં ભગવાન શિવ અને શંખચૂડ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલતું હોય છે, ભગવાન શિવ પોતાનું ઉદીપ્ત ત્રિશૂલ હાથમાં લે છે, ત્રિશૂલ પોતાની ઉત્કૃષ્ટ પ્રભા પાથરતાં જ બધી દિશાઓ, પૃથ્વી અને આકાશ પ્રકાશિત થઈ જાય છે. ત્રિશૂલના પ્રલયાગ્નિની શિખા સમાન ચમકદાર બની જતાં તેનું નિવારણ અસંભવ હતું, તેની લંબાઈ હજાર ધનુષ અને પહોળાઈ સો હાથ જેટલી હતી. ભગવાન શિવની આજ્ઞાથી આ ત્રિશૂલ પરાક્રમી શંખચૂડ પર પડયું અને એ જ ક્ષણે તેને રાખનો ઢગલો બનાવી પરત ભગવાન શિવ પાસે પરત ફર્યું, એ સમયે સ્વર્ગલોકમાં દુદુન્ભિઓ વાગવા માંડી, દેવગણો અને મુનિઓએ ભગવાન શિવની સ્તુતી કરવાનું આરંભ કર્યું, શિવજી પર પુષ્પોની વર્ષા થવા લાગી. ભગવાન શિવની કૃપાથી શંખચૂડ શાપમુક્ત થઈ ગયો અને તેના હાડકામાંથી શંખ જાતિનો પ્રાદુર્ભાવ થયો.
સામે દેવી તુલસીનું સતીત્વ નષ્ટ થતાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ પોતાના ખરા રૂપમાં પ્રગટ થાય છે. ક્રોધિત તુલસી ભગવાન શ્રીહરિ વિષ્ણુને કહેે છે કે, ‘મારા પતિધર્મનો ભંગ થઈ જવાથી નિશ્ર્ચય જ મારા સ્વામી માર્યા ગયા હશે, હે શ્રીહરિ વિષ્ણુ તમારું મન પથ્થરની જેમ કઠોર છે, તમારામાં દયાનો લેશમાત્ર પણ અંશ નથી, હું તમને શ્રાપ આપું છું કે તમે મારા શ્રાપથી પાષાણ-પથ્થર થઈ જાઓ.’ એટલું કહી તુલસી વિલાપ કરવા લાગ્યાં.
તે જ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે અને તુલસીને સમજાવતાં કહે છે, ‘હે દેવી તમે જે મનોરથને લઈને તપ કર્યું હતું એ તપસ્યાનું ફળ તમને અવશ્ય મળશે. હવે તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કરી લો અને લક્ષ્મીની જેમ નિત્ય શ્રીહરિ સાથે વૈકુંઠમાં વિહાર કરતા રહો. તમારું આ શરીર જેને તમે છોડી દેશો એ ભારતવર્ષમાં પુણ્યરૂપા ગંડકી નામની નદી નામે પ્રખ્યાત થશે. થોડા સમયમાં જ તમે દેવપૂજન સામગ્રીમાં તુલસી છોડ તરીકે પ્રધાન સ્થાન પામશો. તમે સ્વર્ગલોકમાં, મૃત્યુલોકમાં અને પાતાળલોકમાં સદાય શ્રીહરિ સાથે નિવાસ કરશો. વૈકુંઠલોકમાં દિવ્યરૂપ ધારણ કરી વૃક્ષાધિષ્ઠાત્રી દેવી બની શ્રીહરિ સાથે ક્રીડા કરશો. શ્રીહરિ વિષ્ણુ પણ ગંડકી નદીના જળ પાસે તમારા શાપવશ પથ્થરરૂપે નિવાસ કરશે. ત્યાં તીક્ષ્ણ દાઢવાળા કરોડો ભયંકર કીડા એ પથ્થરને કાપીને એની મધ્યમાં ચક્રનો આકાર બનાવશે. એ ભેદીને તે અત્યંત પુણ્ય પ્રદાન કરનારી શાલિગ્રામ શિલા કહેવાશે. વિષ્ણુની શાલિગ્રામ શિલા અને વૃક્ષરૂપિણી તુલસીનો સમાગમ સદા અનુકૂળ તથા પુણ્યોની વૃદ્ધિ કરનાર થશે. જે મહાજ્ઞાની શાલિગ્રામશિલા, તુલસી અને શંખને એકત્ર રાખીને એમની રક્ષા કરશે તે શ્રીહરિને ખૂબ વ્હાલો થશે.
આટલું કહેતાં તુલસી અને શ્રીહરિ વિષ્ણુને આનંદિત કરી ભગવાન શિવ ત્યાંથી વિદાય લે છે. તુલસી પોતાના શરીરનો પરિત્યાગ કરીને દિવ્યરૂપ ધારણ કરે છે અને શ્રીહરિ વિષ્ણુ સાથે વૈકુંઠ ધામ તરફ ચાલી નીકળે છે. તુલસીનું ત્યાગેલું શરીર ગંડકી નદી તરીકે વિદ્યમાન થાય છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ એના તટ પર શાલિગ્રામશિલા તરીકે વિદ્યમાન થાય છે. (ક્રમશ:)