ધર્મતેજ

ક્ષમાપના… મિચ્છામી દુક્કડમ્

સર્વ પ્રત્યે પ્રેમ અને ક્ષમાની ભાવના: જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

સાચી ક્ષમાપના હોત ત્યાં વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન થયાં વગર રહેતું નથી

પ્રેમ, ક્ષમા અને મૈત્રી એ ત્રણ જીવનના પરમ તત્ત્વો છે. એ જીવનમાં વણાઈ જાય તો પરસ્પરના સંબંધોમાં સંવાદિતા ઊભી થાય. અને મોટાભાગની વિટંબણાઓ દૂર થઈ જાય. યાદ રાખવા કરતાં ભૂલવું મુશ્કેલ છે, જે બાબત ભૂલી જવાની છે તેને યાદ કરીને અને જે બાબત યાદ રાખવાની છે તેને ભૂલી જઈને આપણે પરેશાની ઊભી કરતાં હોઈએ છીએ. દશ પ્રકારના શ્રમણ ધર્મમાં સૌ પ્રથમ ઉત્તમ ક્ષમા છે. મહાવીર પ્રભુનાં જીવનમાં પ્રેમ, વાત્સલ્ય, કરુણા અને ક્ષમા પરાકાષ્ઠાએ હતાં. આ સદ્ગુણો જેના જીવનમાં હોય તેની આરાધના સફળ થાય છે. ક્ષમા એ જ મોટું દાન, જ્ઞાન, તપ, શક્તિ અને બળ છે સાચા દિલથી ક્ષમા માંગવી અને આપવી બંને મુશ્કેલ કામ છે. બંનેમાં અહંકારને ઓગાળવો પડે અને નમ્રતા ધારણ કરવી પડે. ક્ષમાના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ ક્ષમા રાખીએ. કોઈએ આપણા તરફ અનુચિત વર્તન દાખવ્યું હોય, અપમાન કર્યું હોય કે કટુ વચનો કહ્યાં હોય તેમના પ્રત્યે ક્ષમા રાખીએ. કોઈ પણ જાતનો દ્વેષ રાખીએ નહીં. અને કોઈ જાતનો પ્રતિભાવ કે પ્રતિક્રિયા વ્યક્ત કરીએ નહીં. ક્ષમાનો બીજો પ્રકાર ક્ષમા માગીએ. આપણા તરફથી કોઈનું દિલ દુભાયું હોય તો સરળતાથી કોઈપણ જાતના રાગ દ્વેષ વગર નિખાલસતાથી માફી માગી લઈએ. અને ત્રીજી વાત છે કોઈએ આપણા તરફ અનુચિત વર્તન દાખવ્યું હોય અને પાછળથી એને પોતાની ભૂલ સમજાય અને તે ક્ષમા માગે તો તુરંત ઉદારતાથી ક્ષમા આપી દઈએ.
મહાવીર પ્રભુનાં જીવનમાં ક્ષમા શ્ર્વાસોચ્છવાસની માફક વણાઈ ગઈ હતી. આ સહજ સ્થિતિ છે, જેમાં ક્ષમા માગવાની કે આપવાની વાત ક્ષુલ્લક બની જાય. આપવાનું કે લેવાનું રહે નહીં. બધું આપોઆપ થઈ જાય. તે બહારની નહીં આંતરિક ધટના અને શરીરનો સહજ ધર્મ બની જાય. સમ્યક્ દર્શન પૂર્વક કરવામાં આવતી ક્ષમા ઉત્તમ છે. સમ્યક્ દૃષ્ટિ આત્માને કોઈની સાથે વેર હોતું નથી.
ક્ષમાની ભાવના અંતરમનથી ઊભી થવી જોઈએ. માત્ર વહેવાર અને દેખાવ ખાતર ક્ષમા માગી લઈએ પણ મનનો દ્વેષ દૂર થાય નહીં અને ખટરાગ રહી જાય તો એ સાચી ક્ષમા નથી. હકીકતમાં તો આપણે જેમની સાથે સારા સંબંધો હોય તેની ક્ષમા માગીએ છીએ, જેની સાથે અણબનાવ હોય અને બોલવાનો વહેવાર ન હોય તેમની સામે જઈને માફી માગતા નથી. આપણે માનીએ છીએ કે ભૂલ મારી નથી, દોષ મારો નથી હું શા માટે માફી માગું. આપણો અહંકાર આપણને માફી માગવા દેતો નથી. ક્ષમાપનામાં ભૂલ કોની છે તે મહત્ત્વનું નથી. પણ કોણ પહેલ કરે છે તે મહત્ત્વનું છે. પોતાનો દોષ ન હોવાં છતાં સામે ચાલીને જે માફી માગે છે તે આ કળણમાંથી મુક્ત બને છે. માફી માગીએ પણ વળ ઓછો ન થાય તો એ સાચી ક્ષમા નથી.
આપણે જેની સાથે સંબંધ અને વહેવાર રાખીએ તે સામેના માણસ પર ઓછો નિર્ભર છે. આપણી પર વધુ નિર્ભર છે. એમાં જો કોઈ કચાશ રહે તો તે આપણો દોષ છે. એવી સમજ ઊભી થાય તો સંબંધો બગડે નહીં. નાની નકામી વાતોમાં સંબંધો બગડતાં હોય છે. તેનું મુખ્ય કારણ સંબંધો ટકાવવાની જવાબદારી આપણે બીજાને શીરે નાખી દઈએ છીએ. બીજો સાચો છે કે ખોટો તે વિચારવા કરતાં આપણે સાચા છીએ કે નહીં તેનો ખ્યાલ કરવો જોઈએ.
જીવનની કરુણતા એ છે કે સારું સ્મરણીય બનતું નથી અને ખરાબ ભૂલાતું નથી. કોઈએ સહાય કરી હોય, ઉપકાર કર્યો હોય, આપણા માટે ભોગ આપ્યો હોય તે લાંબો સમય યાદ રહેતું નથી, પરંતુ કોઈથી જાણે, અજાણ્યે આપણું અહિત થઈ ગયું હોય, વર્ષો પહેલા કોઈએ અપમાન કર્યું હોય, કડવા વચનો ઉચ્ચાર્યા હોય, આપણા દિલને ક્યાંય ધક્કો પહોંચાડ્યો હોય તે આપણે લાંબા સમય સુધી યાદ રાખીએ છીએ એટલું જ નહીં પરંતુ એ કડવી સ્મૃતિઓને વારંવાર વાગોળીએ છીએ. અને તને ઘટ્ટ બનાવીએ છીએ. મોકો મળે ત્યારે મનમાં દ્વેષ રાખીને તેનો અનાદાર પણ કરીએ છીએ.
બીજાના દોષોને જોતી વખતે આપણે ન્યાયાધીશ બની જઈએ છીએ જાણે કે જીવનમાં આપણે કદી કોઈ ભૂલ ન કરી હોય. ભૂલ તો દરેક માણસની થાય, પરંતુ ભૂલને સુધારવાનો જે પ્રયત્ન કરે, કાંઈ ખોટું થયું હોય તો પશ્ર્ચાત્તાપ કરે અને આવી ભૂલ ફરીથી ન થાય તેની તકેદારી રાખે તે પોતાના જીવનને સુધારી શકે છે.
આપણે બીજાના દોષો જોવા કરતા તેમનામાં રહેલું કાંઈક સારું શોધી કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. બધામાં વધતે અંશે શુભ અને અશુભ તત્ત્વો હોય છે. આપણીનજર શુભ તરફ જવી જોઈએ. શુભનું ચિંતન આપણને ગુણાનુરાગ તરફ લઈ જાય છે. જૈન ધર્મ કહે છે બીજાનાં દોષો અને અપરાધોને જોવાના બદલે પોતાના દોષો તરફ નજર કરો. બીજાનાં દોષોને જોતા રહીશું તો ક્ષમા માગી અને આપી શકીશું નહીં.
કદાચ કોઈ એમ કહે કે હું સામેવાળાની ક્ષમા માગુ છું, ખમાવું છું પણ તે પ્રતિભાવ આપતો નથી હું શું કરું ? સામો માણસ શું કરે છે તે આપણે વિચારવાનું નથી. આપણે ક્ષમાના ધર્મને અનુસરવાનું છે. આમાં જ આપણી કસોટી છે. સાચી ક્ષમાપના હોય ત્યાં વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન થયા વગર રહેતું નથી.
પ્રાયશ્ર્ચિતનું પહેલું સૂત્ર એ છે કે આપણે સ્વયંને ઓળખીએ. આપણે જેવા છીએ તેવા જાણીએ અને તેનો સ્વીકાર કરીએ. અંતરના અરીસા સામે ઊભા રહીએ તો આપણી અસલી પહેચાન આપણને મળી શકશે, પરંતુ અંતરના અરીસા સામે ઊભા રહેવાનું દુષ્કર છે. આ દર્પણ કોઈની શરમ રાખતું નથી. એટલે તેમાં ડોકિયું કરવાનું સાહસ કોઈ કરતું નથી. અને જે લોકો દર્પણ સામે ઊભા રહેવાનો ડોળ કરતા હોય છે તેઓ મેકઅપ કરીને ઊભા હોય છે. દાનનો, ધર્મનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો આ મેકઅપ અસલી ચહેરાને છુપાવી રાખે છે, પરંતુ આ મેકઅપ લાંબો સમય સુધી ટકતો નથી. બીજાને લાંબા સમય સુધી છેતરી શકાય પરંતુ પોતાની જાતને છેતરવાનું બહુ મુશ્કેલ છે. ક્ષમાપના અંતરના અરીસામાં ડોકિયું કરીને આંતરિક પરિવર્તન ઊભું કરવાનું માધ્યમ છે.
પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમાની ભાવના જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. કષાયો પર વિજય મેળવીને ક્ષમાનો ગુણ પ્રાપ્ત કરવાનો છે. માણસ આપે છે એવું મેળવે છે. જીવનની રમત બૂમરેંગ જેવી છે. આપણા વિચારો,
કાર્યો અને શબ્દો મોડા વહેલાં અદ્ભુત ચોકસાઇથી આપણા તરફ પાછા ફરે છે. એટલે આપણા વિચારો, વર્તન અને શબ્દો એવા નહીં હોવા જોઈએ જેનાથી બીજાને દુ:ખ પહોંચે, કારણ કે વહેલું મોડું આ બધુ આપણા તરફ આવવાનું છે.
પર્યુષણ મહાપર્વની સાચી આરાધના છે ક્ષમા. ખમીએ, ખમાવીએ અને મનને ચોખ્ખું કરીને હળવા થઈ જઈએ. કોઈએ કહ્યું છે તેમ…
“ભૂલે ચૂકે નહીં કરવું કદીએ કોઈથી વેર
વેરઝેરમાં જીવન સૌનાં થતાં કડવા ઝેર
પર્યુષણ મહાપર્વનો એ છે અમર સંદેશ
ખમો અને ખમાવજો દૂર કરી સહુ દોષ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button