ધર્મતેજ

કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે…

શિવ રહસ્ય -ભરત પટેલ

શિવજી યોગીસ્વરૂપે પાર્વતીજીની પ્રશંસા કરતાં કહે છે: સર્વ મનોકામના પરિપૂર્ણ કરનાર ભગવતી ભવાની ભુવનેશ્ર્વરી શ્રી અંબાને સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર માનવામાં આવે છે. વળી આ આદ્યશક્તિ અંબાને આદિમાયા, આદિશક્તિ, મહાશક્તિ પણ માનવામાં આવે છે. ‘બ્રહ્મ’ સાથેનો મહામાયાનો સંબંધ અભેદ્ય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ જ આ ‘અંબા’ મહાતત્ત્વ છે, જે સર્વની જનેતા છે, તે અનાદિ અનંત છે, જે જન્મ અને મૃત્યુથી મુક્ત છે. આ અંબા-ભવાનીનું યાને પાર્વતીજીનું સ્વરૂપ સગુણ, નિર્ગુણ અને કલ્યાણમય છે. એને મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી, બ્રહ્માણિ આદિ અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે. ‘અંબા’ મહાતત્ત્વ એ આદિજનની હોવાથી વંદનીય અને પૂજનીય છે. પ્રલય સમયે સમગ્ર વિશ્ર્વને સમેટી લેવાની આ વિશ્ર્વેશ્ર્વરી અમોઘ શક્તિ ધરાવે છે. આ પૂર્ણ પ્રકૃતિમાં જીવપ્રાણીમાત્રની આકૃતિ પરિસમાપ્ત થાય છે, એમના દેહમાં સર્વ જીવોની આકૃતિ સમાઈ જાય છે. એમની કરોડો પ્રતિકૃતિઓ છે. સદાશિવની માફક શિવાના પણ અનેક અવતારો છે. એ મૂળ પ્રકૃતિ છે, એ અનાદિ છે, અનંત છે. બ્રહ્માંડની રચના આ ‘અંબા’ મહાતત્ત્વને આભારી છે. વિશ્ર્વમાં જે કાંઈ દૃષ્ટિગોચર થાય છે તે એમને આભારી છે. આ મહાતત્ત્વ મહાશક્તિ છે, પરમ પુરુષ દ્રષ્ટા છે, ચરાચર જગત દૃશ્ય છે. તે સર્વથી પર છે, દિવ્યાંગના છે. આ ‘અંબા’ આરાસુરી એટલે જીવપ્રાણીમાત્રની જનેતા, આખું જગત, બ્રહ્માંડ વગેરે ‘અંબા’માં આવિર્ભાવ પામ્યું છે. એમનામાં સમાયેલું છે. આ ‘અંબા’ અખિલ જગતની ધાત્રી છે. અંબાની શક્તિથી વંચિત એક પણ વસ્તુ આ વિશ્ર્વમાં દૃષ્ટિગોચર થતી નથી. જો આ આદ્યશક્તિની શક્તિ અલગ થઈ જાય તો વિશ્ર્વની વ્યવસ્થા ખોરંભે પડી જાય.

ભવાની ભુવનેશ્ર્વરી આદ્યશક્તિનો મહિમા અપરંપાર છે. પુરુષ શક્તિ જ્યારે પરાજય પામે અને એના બળના દીવડા જ્યારે ઓલવાઈ જાય છે, અસુરો વિજયઘેલા બની ત્રણેય લોકને ત્રાહિ ત્રાહિ પોકારાવે છે ત્યારે સ્ત્રીશક્તિ, માતૃશક્તિ એટલે કે ભવાની ભુવનેશ્ર્વરી પોતાના મહાબળથી ધર્મ અને ધરતીનું રક્ષણ કરે છે. આસુરી તત્ત્વો સામે લડવાનું કર્તવ્ય આવીને ઊભું રહે છે ત્યારે આ શક્તિ ક્ષણભરની ઢીલ કર્યા સિવાય મહાદૈત્યો સામે યુદ્ધમાં ઊતરે છે, અને એનો ધ્વંસ કરી ધર્મની સ્થાપના કરે છે. શરણે આવેલાનું નિત્ય કલ્યાણ કરનાર રિદ્ધિ અને સિદ્ધ સ્વરૂપા માતા ભવાનીને આપણે હંમેશાં વંદન કરવાં જોઈએ, કારણ કે માતા ભવાની કૃપારૂપી ‘વર્ષા’ વરસાવતાં પૃથ્વીવાસીઓને પરિતૃપ્ત કરે છે. સાથોસાથ પશુ-પંખી, માનવ, જીવ-જંતુ, વનસ્પતિ, વૃક્ષો વગેરેને પણ પરિતૃપ્ત કરે છે, પાલન કરે છે, પોષણ કરે છે અને રક્ષણ કરે છે. મા અંબાએ તો આસુરી તત્ત્વોનો તો બહુઘા વિનાશ કર્યો છે. દાનવ-શક્તિને આ ભવાની ભુવનેશ્ર્વરીએ ભસ્મીભૂત કરી છે.


સર્વ કોઈની સર્વસ્વ મા ભવાની જ છે. જ્યારે ઉપાસના-પૂજા-ભક્તિ કરતાં હોઈએ ત્યારે ભવાની શક્તિને ભિન્ન ગણે તો તે ‘શૂન્ય’ છે. કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે. આ શક્તિ સહસ્ત્ર સાવજને શરણે લાવવાની દિવ્ય શક્તિ ધરાવે છે. ત્રણેય ભુવનને સુખ, શાંતિ અને સમૃદ્ધિ બક્ષવાનું અલૌકિક અને અનોખું પ્રાબલ્ય આ ‘અંબા’ મહાતત્ત્વ ધરાવે છે.

ભગવાન શિવે યોગી સ્વરૂપે ‘શક્તિ’ના ઐશ્ર્વર્યની વાત કરીને કહ્યું કે, ‘હું ખૂબ જ થાકી ગયો છું, એટલે રાત્રે હું અહીં વિશ્રામ કરવા ઇચ્છું છું, રાતવાસો કરીને સવારે ચાલ્યો જઈશ.’

આહુકે આતિથ્યસત્કારથી પ્રેરાઈને ફળફળાદિ ધર્યાં અને કહ્યું, ‘યોગી આપની મુખાકૃતિથી જણાય છે કે આપ થાકેલા છો, પણ વિશ્રામ પહેલાં ફળાહાર ઉત્તમ રહેશે, આપ આ ફળાહાર આરોગો ત્યાં સુધીમાં હું ઉત્તમ જળની પ્રાપ્તિ કરાવું.’
ભગવાન શિવ (યોગી સ્વરૂપે): ‘મેં તમને પહેલાં જ કહ્યું કે આરાસુરી અંબાનાં દર્શને જાઉં છું, નકોરડો ઉપવાસ છે.’

આહુક: (જરા વિચારીને કહ્યું) ‘મહારાજ! અમારી આ નાનકડી પર્ણકુટિમાં આપ શી રીતે રહેશો?’

ભીલ આહુકના શબ્દો સાંભળીને યોગી મહારાજે ચાલવા માંડયું, ત્યાં જ ભીલપત્ની આહુઆ બોલી ઊઠી, ‘સ્વામી! યોગી મહારાજને રોકો. તમે શું તમારો ગૃહસ્થ ધર્મ ભૂલી ગયા? ઝૂંપડી નાની છે તેથી શું થયું? તમે તથા યોગી મહારાજ ઝૂંપડીની અંદર આરામ કરજો, હું રક્ષણ કાજે શસ્ત્રો લઈ બારણે બેસીશ, સવાલ ફક્ત એક રાતનો છે…’

પત્નીની વાત સાંભળી ભીલ આહુક યોગીની પાછળ દોડ્યા અને કહ્યું, ‘મહારાજ આમ ક્રોધિત ના થાઓ, હું આહુક અને મારી પત્ની આહુઆ તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ઝૂંપડીએ રાત્રિરોકાણ કરી અમારી પર્ણકુટિને પાવન કરો.’

ભીલ આહુકે પ્રેમપૂર્વક આગ્રહ કરતાં આગંતુક યોગી રોકાઈ ગયા. ભીલ આહુકે યોગી (ભગવાન શિવ) માટે પથારી બનાવી આપી. યોગી તુરંત નિદ્રાધીન થઈ ગયા.

ભીલ આહુક વિચારવા લાગ્યો કે, તેની પત્ની આહુઆ સ્ત્રી-અબળા છે કોઈ જંગલી જાનવર આવી ચઢે તો શું થશે, માટે મારે જ શસ્ત્રો ધારણ કરીને ઝૂંપડીનાં દ્વારે બેસવું જોઈએ અને પત્નીની પથારી પણ ઝૂંપડીની અંદર જ કરાવવી જોઈએ.

રાત બહુ વીતી ગઈ હતી. તેઓ બંને અંદર સૂતાં અને ભીલ આહુક બારણાની બહાર અગ્નિ પ્રગટાવીને, શસ્ત્રો ધારણ કરીને બેઠો, જેથી જંગલી જાનવર નજીક ન આવે, પરંતુ રાત્રે અઘટિત ઘટના બની ગઈ. દિવસના અથાગ પરિશ્રમને લીધે ભીલ આહુકને નિંદર આવી ગઈ. આહુક પાસે જે અગ્નિ પ્રજ્વલિત હતો તે ઓલવાઈ ગયો અને મધરાતે હિંસક પશુએ નિદ્રાધીન ભીલ આહુકને મારી નાખ્યો.

સવારે યોગી મહારાજે અને આહુઆએ જાગીને જોયું તો ઘવાયેલો અને મૃત્યુ પામેલો આહુક આંગણા પાસે પડ્યો હતો. ભીલડી આહુઆ આક્રંદ કરવા લાગી. યોગી મહારાજે ભીલડીને આશ્ર્વાસન આપ્યું.

ભીલડી આહુઆ: ‘મહારાજ! ચિંતાનું કોઈ કારણ નથી, આવું મૃત્યુ તો પરમ ભાગ્યશાળીને જ મળે. હવે હું તો તેમની સાથે સતી થઈશ, જેથી અમારા બંનેનું કલ્યાણ થશે.’
ભગવાન શિવ (યોગી સ્વરૂપે): ‘પુત્રી સતી થવું યોગ્ય નથી.’

પતિના અવસાનથી દુ:ખી થયેલી ભીલડી આહુઆએ ભગવાન શિવની વાત ન માનતાં ચિતા ખડકી અને પતિનું શરીર (શબ) ખોળામાં રાખી સતી થવા તૈયારી કરી.

ભગવાન શિવે તે વખતે દર્શન આપી ભીલડી આહુઆને વરદાન માગવા કહ્યું, પરંતુ ભીલડી તો ચિતા પર ધ્યાનમગ્ન બની ગઈ હતી અને એ જ ક્ષણે યોગાગ્નિ દ્વારા એ ચિતા સાથે બળવા માંડી.

આખરે શિવજીએ તેમને સામે ચાલીને વરદાન આપ્યું કે ‘હે આહુક અને આહુઆ તમે મારા પરમ ઉપાસક હતાં, તમારી પરીક્ષા લેવા આવ્યો હતો કે તમે ખરેખર મારા ઉપાસક છો કે ઢોંગી છો. હું તમને વરદાન આપું છું કે આગલા જન્મમાં આહુક નિષઘ દેશના રાજા વીરસેનને ત્યાં પુત્ર નળ રૂપે જન્મ લેશે અને આહુઆ તારો જન્મ વિદર્ભ દેશમાં રાજા ભીમસેનને ત્યાં પુત્રી દમયંતી રૂપે થશે. જતિ એવો હું ભગવાન શિવ હંસ સ્વરૂપે અવતાર ધારણ કરીશ અને આપત્તિકાળ દરમિયાન તમારા બંનેનો સંયોગ કરાવીશ. તમે બંને રાજસુખ ભોગવીને અંતે મોક્ષમાર્ગનાં સોપાન સર કરશો.’
એટલું કહીને ભગવાન શિવ ત્યાં ‘અચલેશ્ર્વર’ લિંગ રૂપે સ્થિત થયા.
. (ક્રમશ:)

નળ – દમયંતીના અવતાર રહસ્યની આ કથા અતિપાવનકારી છે. આ કથાનું જે શ્રવણ-પઠન કરે છે તે મોક્ષગતિને પામે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે, ભાગીરથી ગંગાને જગતના કલ્યાણાર્થે પોતાની જટામાં ઝીલનાર સદાશિવનો મહિમા અપરંપાર છે. જગતને ‘શિવ’ એટલે કે ‘કલ્યાણ’ની તાતી જરૂર છે. ભાવિક ભક્તોએ સદાશિવને નમન કરી શિવમય જગતના સર્જનમાં લાગી જવું જોઈએ. સદાશિવનો પાવન માસ શ્રાવણ છે, પરંતુ શિવકાર્ય કરવા માટે તો બારેય માસ શ્રાવણ જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button