ધર્મતેજ

મારા રાજ્યમાં પશુબલી હરગીઝ નહીં આપી શકાય

વિશેષ -ભારતી શાહ

(ગતાંકથી ચાલુ)
શ્રી હેમચંદ્રાચાર્ય તે જ સાંજે પાટણથી વિહાર કર્યો અને કુંવારી સરસ્વતી નદીના નિર્જન કાઠે સિદ્ધપુરમાં સૂરિદેવે પહ્માસન લગાવી સૂરિમંત્રનાં ધ્યાનમાં પરોવાઈ ગયા. ત્રીજી રાતે સૂરિમંત્રની બીજી પીઠિકાની અધિષ્ઠાયકદેવીએ ત્રિભુવનસ્વામીનીએ ગુરુદેવને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ગુરુદેવે તેમને કુમારપાળના પાંચ પ્રશ્ર્નોના જવાબ આપ્યા. અને ગુર્વાંજ્ઞા લઈને તે અંતર્ધાન થઈ ગઈ. શ્રી હેમચંદ્રાચાર્યનું આંતરિક સત્ત્વ વૃદ્ધિ પામ્યું. તેઓ પારણું કર્યાં વિના જ પાછાં પાટણ આવી પહોંચ્યા. કુમારપાળને સંદેશો મોકલતા સમગ્ર મંત્રીમંડળ તથા પાટણની પ્રજા ઉપાશ્રયમાં આવી બેસી ગઈ. ઉપસ્થિત સહુએ ગુરુદેવ પાસેથી કુમારપાળનો પૂર્વજન્મ અને પુનર્જન્મની વાતો સાંભળી.

મેવાડના રાજા જયકેશીનો પુત્ર જયતાક ઉદંડ, અને ઉચ્છંખલ થઈને પ્રજાનું પીડન કરતો હતો, એટલે પિતાએ એનો દેશનિકાલ કર્યો હતો. સમય જતાં દુ:ખી અને ત્રસ્ત થયેલા જયતાકને જૈનાચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીનો ભેટો થયો. ગુરુએ તેને પ્રાયશ્ર્ચિત્ત કરવા કહ્યું. જયતાકે ગુરુનું શરણું લીધું. અને ગુરુની સાથે ચાલ્યો. હવે નવું જીવન, નવો પ્રકાશ અને પૂર્વ અવસ્થાના અંધકારને ક્યાંય પાછળ છોડીને તે આગળ ચાલ્યો. દક્ષિણ ભારતમાં તેલંગણા નામનો પ્રદેશ છે, ત્યાં ઉલંગલ નામના નગરમાં ગુરુ પોતાના શિષ્યો અને જયતાકને સાથે લઈને પધાર્યા. ઓઢર નામના જૈન શ્રેષ્ઠિના ઘરે જયતાકને નોકરી અપાવી તે ખૂબ નૈતિકતાપૂર્વકનું જીવન જીવવા લાગ્યો. ઓઢર શેઠે ગુરુભગવંતના ઉપદેશથી શ્રી પાર્શ્ર્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. જયતાક શેઠની સાથે જિનમંદિરે જવા લાગ્યો અને ઓઢર શેઠની પ્રભુભક્તિ, ધર્મક્રિયા વિગેરે ધ્યાનથી જોવા લાગ્યો.

એકવાર પર્યુષણના દિવસો આવ્યા, શેઠે જયતાકને પોતાની સાથે પૂજા કરવા કહ્યું. તે નાચી ઉઠ્યો. શેઠે આપેલાં પૂજાનાં વસ્ત્રો પહેરી, શેઠે આપેલી પૂજાની સામગ્રી સાથે લઈને જિનમંદિરે પહોંચ્યો. તે સમયે જયતાક પાસે માત્ર પાંચ કોડીની બચત હતી. તેણે ઓઢર શેઠ પાસે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું: ‘માલિક, તમારાં પૈસાથી લાવેલી સામગ્રીથી પૂજા કરું તો મને શું લાભ મળે? મારાં પૈસાથી અલ્પ પણ સામગ્રી ખરીદું અને તેનાથી પૂજા કરું તો મને લાભ મળે.’ શેઠે જયતાકની ઈચ્છા જાણી મંજૂરી આપી.
જયતાકે પાંચ કોડી વડે 18 ફૂલ ખરીદ્યા અને તેનાથી અરિહંતની પૂજા કરી, વળી શેઠની સાથે પર્યુષણમાં ઉપવાસ પણ કર્યો. પારણામાં વધુ ઘી, દૂધવાળો આહાર લીધો તે એને પચ્યો નહીં. તેની વેદનાથી તે મૃત્યુ પામ્યો. પણ મૃત્યુ સમયે પોતે કરેલી જિનપૂજાની અનુમોદના કરતો રહ્યો. તે જયતાક બીજા ભવમાં ત્રિભુવનપાળનો પુત્ર થયો. અને કુમારપાળ નામે આજે રાજા બનીને પાટણમાં રાજ કરે છે. અઢાર ફૂલથી જિનપૂજા કરી, તેના ફળરૂપે તેમને અઢાર દેશ મળ્યાં. જયતાકના ભવમાં જે વર્ષો સુધી લૂંટફાટ કરી તેથી 25 વર્ષ સુધી કુમારપાળને વનવાસ ભોગવવો પડ્યો.

ધનદત તાપસી જયતાકનો શિકાર બન્યો હતો. મનમાં વેર ને બદલાના ભાવ સાથે દીક્ષા પાળીને મૃત્યું પામ્યો અને અહીં સિદ્ધરાજ થયો પૂર્વભવનું વેર હતું તેથી તેણે અહીં પણ કુમારપાળને સતાવવામાં કચાશ ન છોડી.

ઓઢર શેઠ એ જ ઉદયનમંત્રી. કુમારપાળનાં પૂર્વભવના ગુરુજી શ્રી યશોભદ્રસૂરિજી એ જ કાળધર્મ પામીને આજે હું અહીં તમારી સમક્ષ હેમચંદ્રસૂરી બનીને બેઠો છું.

‘કુમારપાળ! તમે અહીંથી મૃત્યુ પામીને વ્યંતરયોનિમાં દેવ બનશો. અને ત્યાંથી બહાર નીકળી આ જ ભરતક્ષેત્રમાં ભદિલપુર નગરમાં જન્મ લેશો. શતાનંદ રાજાના શતબલ નામે પુત્ર થશો. તેમ જ તે જ ભવમાં આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર પદ્મનાભ પ્રભુપાસે દીક્ષા લઈ તેમનાં ગણધર બનશો.’

આ વૃતાંત સાંભળીને કુમારપાળ ગુરુદેવનાં ચરણોમાં ઝૂકી પડ્યો. તેની આંખો ભીની થઈ ગઈ. ગુરુદેવે વાતને આગળ વધારતા કહ્યું: ઉલંગલ શહેરમાં આજે પણ પેલા ઓઢર શેઠનું ઘર છે. અને તેમાં વૃદ્ધ દાસી જીવે છે. તેની પૂછતાછ કરાવો તો તમને મારાં કથનની સાબિતી મળી જશે. કુમારપાળે તરત જ જાસૂસોને દોડાવ્યા તેમણે ઉલંગલમાં તપાસ કરી તો ગુરુદેવે કહેલી તમામ વિગત સાચી પુરવાર થઈ.

આપણ વાંચો:  અહિંસા પરમો ધર્મ

રાજા કુમારપાળ આ ઘટનાથી એટલો બધો પ્રભાવિત થયો કે તેણે શ્રી હેમચંદ્રાચાર્યને ‘શ્રી કલિકાલસર્વજ્ઞ તરીકે ઉદ્ઘોષિત કર્યા. ગુરુદેવે કુમારપાળનો પૂર્વજન્મ, વર્તમાન અને પુનર્જન્મ-સર્વજ્ઞની જેમ કહી બતાવ્યા, ત્યારથી અને તે જ સમયથી શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તરીકે ખ્યાતિ પામ્યા…’

આસો મહિનાની નવરાત્રિના દિવસો હતા. સોલંકી વંશના રાજવીઓની કુળદેવી કંટકેશ્ર્વરી દેવી છે. આ દેવીને નવરાત્રિમાં રોજ પશુબલી ચઢાવવાની પરંપરા હતી. કુમારપાળે સત્તાવાહી સૂરે હુકમ બહાર પાડ્યો. ‘મારાં રાજ્યમાં પશુબલી હરગીઝ નહીં આપી શકાય.’ તેમ છતાં મંદિરના પૂજારીઓએ માતાના કોપાયમાન થવાના ડરથી પશુઓ સાથે એકલાં જ મંદિરમાં રહ્યા અને મંદિરનાં દ્વાર બંધ કરાવી દીધાં. બીજા દિવસની પહોર થતાં જ આખું ગામ ભેગું થયું. પૂજારીએ ધ્રુજતા હાથે મંદિરનાં દ્વાર ખોલ્યા તો તેના પગ ત્યાં જ થંભી ગયા. અરે! આ શું ચમત્કાર છે. બધાં જ હેમખેમ છે. કુમારપાળે હસતાં ચહેરે પરમાત્મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ગુરુદેવનાં આશીર્વાદથી પશુઓને મંદિરની બહાર કરાવ્યા. અને પાટણની જનતા સમક્ષ જાહેર કર્યું કે, ‘મારા કુળદેવી કંટકેશ્ર્વરીએ એક પણ પશુઓને માર્યા નથી. તેથી પશુબલીની પરંપરા સાવ આંધળી છે, એ નક્કી જ થઈ ગયું છે અને આજથી જ, હમણાંથી જ કાયમ માટે પશુબલી બંધ કરવામાં આવે છે.’ મંદિરમાં રાખેલા બધાં જ પશુઓને અભયદાન આપવામાં આવે છે. એ જ ધન્ય ધડીએ કુમારપાળ રાજા જીવદયા પ્રતિપાલકનાં નામભૂષણથી ઘોષિત થયા. જીવદયા પ્રેમીઓએ ગગનને ગજવી મૂક્યું. મંદિરના પૂજારીઓનાં મોં કાળા પડી ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button