ધર્મતેજ

અનિકેત

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં સંતોષી ભક્તનાં લક્ષણ જણાવીને હવે ભગવાન કૃષ્ણ અનિકેત ભક્તનાં ગુણો ઉજાગર કરે છે, તે સમજીએ.

ભગવાન શ્રીકૃષ્ણ પોતાને પ્રિય એવા ઉત્તમ ભક્તનું એક વિલક્ષણ લક્ષણ અહીં બતાવે છે- “અરુણઇંજ્ઞર્ટીંપજ્ઞ રુપ્રળજ્ઞ ણર્ફીં॥ ૧૨/૧૯॥
‘અનિકેત’ એટલે કે ક્યાંય સ્થિર થઈને ન રહેવાવાળો. તેને કોઈ સ્થાનમાં બંધન ન હોય. પરમાત્માને વરેલા ભક્તમાં આ ગુણ સહજ રીતે જોવા મળે છે.

દિવાળીની રજાઓ નજીક આવી રહી છે. મોટાભાગના લોકોએ ક્યાંક ને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે. ફ્લાઈટ, હોટેલ્સનાં બુકિંગ થવા લાગ્યા હશે. જિંદગીની રોજિંદી ઘટમાળમાંથી છૂટીને કોઈક નવી જગ્યાએ જવાનો આનંદ અનેરો હોય છે. નવી જગ્યાઓ, નવા લોકો, નવી સંસ્કૃતિ જોવાની માણવાની મઝા કંઇક જુદી હોય છે. અઠવાડિયું, પંદર દિવસ, મહિનો કે કદાચ બે મહિના માટે આ પરિસ્થિતિ આનંદ આપે, પણ વિચારો કે તમારે આખી જિંદગી ફરતાં જ રહેવાનું હોય, ક્યાંય સ્થિર થઈને રહેવાનું હોય તો કેટલો આનંદ આવે? જે લોકોને આખા વર્ષમાં અનેક વાર પોતાનું ઘર છોડીને અલગ અલગ જગ્યાએ જવું પડે છે, તેમને આ પરિસ્થિતિનો બરાબર અંદાજ હશે. તેમના માટે આ મુસાફરી એટલી આનંદદાયક નથી હોતી, જેટલી કોઈક વખત બહાર જતી વ્યક્તિ માટે હોય છે. તેમને તો તેઓ જ્યારે ઘરે આવે ત્યારે જ સુખદ અનુભવ થાય છે. આમ જો ફરવાનું ક્યારેક હોય તો મજા અને તેજ ફરવાનું જો વારંવાર થાય તો સજામાં પરિણામે છે.

આ વખતે વ્યક્તિને ઘરની યાદ આવે છે. ઘર એટલે એક સ્થિર અને સુરક્ષિત જગ્યા! ‘ધરતીનો છેડો ઘર’. ફાઈવસ્ટાર હોટેલમાં જે નિરાંત ન મળે તે વ્યક્તિને સામાન્ય રાચરચીલું ધરાવતું તેનું ઘર આપે છે. ઘરમાં પોતાપણાની ભાવના હોય છે. તેની સાથે મમત્વ ભાવથી જોડાયેલા હોવાથી માણસ આખી દુનિયામાં ફરે પણ જ્યારે ઘરે આવે ત્યારે ઘર તેને ભાવાત્મક આધાર પૂરો પાડે છે. માત્ર મનુષ્ય જ નહીં પશુ-પંખી પણ રાત પડે પોતાની નક્કી કરેલી જગ્યાએ પાછા ફરે છે. દરેકને તેનું નિવાસસ્થાન એક સધિયારો પૂરો પાડે છે. એટલે જ આપણને એ જગ્યાનું બંધન થઈ જાય છે. અરે! ભાડાનું ઘર છોડીને પોતાના ઘરમાં જતી વખતે પણ ભાડાનું ઘર છોડવાનું એક દુ:ખ થાય છે. એટલે કે મનુષ્યને વ્યક્તિ કે જગ્યા જેવી અનેક લૌકિક વસ્તુઓનું જીવવા માટે આલંબન જોઈએ છે. અને સમય જતાં આ આલંબન આસક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે.

ભગવાનના ભક્ત અહીં જ જુદા પડે છે. તેમને આલંબન માત્રને માત્ર પરમાત્માનું જ હોય છે. એટલે જ કોઈ જગ્યા છોડતાં તેમને દુ:ખ નથી થતું અને કોઈ જગ્યાએ પહોંચતા ખાસ આનંદ નથી થતો. પરમાત્માથી દૂર થાય ત્યારે તેમને અસહજતા પ્રતીત થાય. કોઈ ઘર, આશ્રમ કે સ્થાન તેમને બાંધી શકતા નથી. તેમની નિરાંત પરમાત્મા સાથે જોડાયેલી છે અને એટલે જ સાચા સંતનાં લક્ષણો વર્ણવતાં ભક્તકવિ મુક્તાનંદ સ્વામીએ ગાયું છે –
“મઠ ન બાંધે મમતા કરી,
શઠતા કીની ત્યાગ …. હાંજી ભલા સાધુ
આમ તો કહેવાય છે ને કે ‘કૂવો તરસ્યાં પાસે ન જાય પણ તરસ્યાંએ કૂવા પાસે જવું પડે’. પણ ભગવાનનો ભક્ત તો સતત વહેતી નદી જેવાં હોય છે. પોતે કષ્ટ વેઠીને જગ કલ્યાણ માટે સતત વિહરતા રહીને સામે ચાલીને મુમુક્ષુઓને ખોળે છે.

અનાસક્ત એવાં ભક્ત માટે સમગ્ર પૃથ્વી પોતાનું ઘર છે, અને એટલે તેઓ સતત વિચરણ કરતા હોય છે. ધન-વૈભવની છોળો તેમને પ્રભાવિત કરી શકતી નથી. કોઈ પણ જગ્યાની સુંદરતા તેમણે મોહિત કરી શકતી નથી. તેઓ ક્યાંય સ્થાયી થઈને કાયમ માટે રોકાતા નથી.

બ્રિટેનના રાજવી પ્રિન્સ ફિલિપ ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાતે આવેલા. તેમણે જ્યારે જાણ્યું કે આવા સુંદર મંદિરના સર્જનહાર એવા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ આ મંદિરમાં નથી રહેતા ત્યારે તેમને ખૂબ આશ્ર્ચર્ય થયેલું. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ કાયમ કહેતાં કે ‘સાધુ તો વિચરતા ભલા’. તેઓએ તેમના સમગ્ર જીવન દરમ્યાન ગુજરાતના આદિવાસીના ગામડાઓથી લઈને અમેરિકા સુધી સતત વિચરણ કરી અસંખ્ય લોકોને પ્રેમ, હૂંફ, શાંતિ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પ.પૂ. પ્રમુખસ્વામીની જેમ જ તેમના આધ્યાત્મિક વારસદાર એવાં પ.પૂ. મહંતસ્વામી મહારાજ હમણાં જ અમેરિકાના ન્યૂજર્સીમાં વિરાટ અક્ષરધામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને ઉદ્ઘાટન કરીને ભારત પાછા પધારી ગયા છે. અહીં અનિકેત શબ્દનો પ્રયોગ સાર્થક થઈ આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button