ચિંતન: આનંદ – નંદન – નંદ

હેમુ ભીખુ
વિષ્ણુસહસ્રનામમાં વિષ્ણુના આ ત્રણ નામનો ઉલ્લેખ છે, આનંદ, નંદન અને નંદ. આનંદ અર્થાત્ આનંદ આપનાર. ભક્તને સુખ અને મનનો હર્ષ તથા ઉલ્લાસ આપનાર શ્રી વિષ્ણુ આનંદમૂર્તિ છે. એમ પણ કહેવાય છે કે વિષ્ણુ વિવર્ત-વિલાસ છે, અર્થાત્ આવર્તિત, પરાવર્તિત અને પુનરાવર્તિત વિનોદનું કારણ છે. નંદન એટલે આનંદરૂપ.
તે આનંદ આપનાર પણ છે અને આનંદનું સ્વરૂપ પણ છે. નંદ અર્થાત્ આનંદ પ્રદાન કરી શકે તેવી સંપત્તિ, પરિસ્થિતિ. એક ક્રિયાત્મક બાબત છે, એક ભાવનાત્મક પરિસ્થિતિ છે તો એક તેની પાછળનું ભૌતિક સંભવિત કારણ. આનંદના સંદર્ભમાં વિષ્ણુ ભગવાન કારણ પણ છે, ક્રિયા પણ છે અને ભાવના પણ.
આનંદ શબ્દને આ+નંદ તરીકે જોઈ શકાય. અહીં નંદ ધાતુ છે અને જેનો અર્થ થાય છે ખુશ થવું, પ્રફુલ્લિત થવું, આનંદિત થવું. સત્ – ચિત્ – આનંદમાં જે આનંદની વાત છે તે આ આનંદ છે. સર્વોચ્ચ સુખની, હૃદયની પૂર્ણતાની, આત્માની અનુભૂતિની, ચૈતન્યના પ્રકાશની, સ્વ’ની વાસ્તવિકતાની, બ્રહ્મ સાથેના ઐક્યની જે પ્રતીતિ થાય તેનાથી ઉદ્ભવતો આ આનંદ છે.
આપણ વાંચો: આવતીકાલે વર્ષનો છેલ્લો ગુરુ પુષ્ય નક્ષત્રઃ જાણો મૂહુર્ત અને મહત્વ
એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ બ્રહ્મત્વની સ્થિતિ છે. અહીં ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતાં, મનના વ્યભિચાર સમાન સુખની વાત નથી. આ તો નિજાનંદ પરમાનંદની અવસ્થા છે. તૈત્તિરીય ઉપનિષદમાં જેબ્રહ્મ આનંદ છે’ તેમ કહેવામાં આવ્યું છે તે આનંદની આ વાત છે. પૂર્ણ સમર્પિત ભક્તિમાં ઈશ્વર સાથે ઐક્યની અનુભૂતિથી જે આનંદ પ્રાપ્ત થાય તે આ આનંદ છે.
આ શાશ્વત, અખંડ, નિર્મળ, પવિત્ર આનંદની વાત છે. વ્યક્તિની આ વાસ્તવિક સ્થિતિ છે. ગીતામાં જણાવ્યું છે કે જે મનુષ્ય બાહ્ય વિષયોમાં આસક્ત નથી તે પોતાના અંતરમાં અક્ષય આનંદ પામે છે. અર્થાત્ આ કોઈ બાહ્ય ઘટના નથી.
નંદન શબ્દને નંદ+અન તરીકે જોઈ શકાય જેનો અર્થ પણ આનંદની જેમ પ્રફુલ્લિત કરનાર કે હર્ષ આપનાર થઈ શકે. તફાવત એટલો હોઈ શકે કે આ આનંદ `દૈવીકૃપા’ ગણી શકાય. તેથી જ ઈન્દ્રના ઉદ્યાનને નંદનવન કહેવાય છે અને સંતાન માટે નંદન શબ્દ વપરાય છે. નંદનંદન એટલે શ્રીકૃષ્ણ. નંદ શબ્દ તો મૂળ ધાતુ નંદનું મૂળ સ્વરૂપ છે.
સ્વાભાવિક છે કે તે પણ પ્રફુલ્લિતતા અને આનંદની વાત કરે. ત્રણ વચ્ચેનો મૂળ તફાવત એ છે કે નંદ એટલે પ્રફુલ અથવા આનંદિત વ્યક્તિ, નંદન એટલે આનંદ આપી શકે તેવી પરિસ્થિતિ અને આનંદ એટલે આત્માની પૂર્ણતાને કારણે સ્થાપિત થતું પરમસુખ.
આપણ વાંચો: આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક
એમ પણ કહી શકાય કે આનંદ અર્થાત સ્વયં આનંદ સ્વરૂપ, નંદન એટલે જે જીવને આનંદ આપે તે પરિસ્થિતિ અને નંદ એટલે સુખ આપનાર વ્યક્તિ. અહીં સ્વરૂપ, ક્રિયા અને કર્તાની વાત છે. સ્વરૂપ એ આંતરિક સ્થિતિ છે, કર્તાપણું એ સાંસારિક બાબત છે અને ક્રિયા એ બંનેને જોડનાર ઘટના છે.
એમ પણ કહી શકાય કે આ દ્રષ્ટા, દ્રષ્ટિ અને દૃશ્ય જેવું સમીકરણ છે. દ્રષ્ટા એ સ્વયંનું અસ્તિત્વ છે, દૃશ્ય એ બાહ્ય પરિસ્થિતિ છે જ્યારે દ્રષ્ટિ, એ દ્રષ્ટા અને દૃશ્યને જોડનાર ઘટના છે. વિષ્ણુ આ ત્રણેય પરિસ્થિતિ છે, ત્રણેય પરિસ્થિતિનું સ્વરૂપ છે, ત્રણેય પરિસ્થિતિનું કારણ છે, ત્રણેય પરિસ્થિતિનો આધાર છે.
અહીં કેન્દ્રમાં આનંદ’ છે. આનંદ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મ સ્વયંભૂ છે અને તેથી આનંદ પણ સ્વયંભૂ હોય તે સ્વાભાવિક છે. બ્રહ્મ શાશ્વત અને અખંડ છે. આનંદ માટે પણ આમ જ કહી શકાય. વાસ્તવિકતાની જો વાત કરવામાં આવે તો એવી એક પણ કાળખંડ ન હોય કે જે વખતે આત્માની આનંદિત સ્થિતિ ન હોય.
જો આત્માના સ્વરૂપને જાણવામાં આવે તો એવી એક પણ પરિસ્થિતિ ન હોય જ્યારે તેનું અખંડપણું ક્ષય પામ્યું હોય. તેથી આનંદ પણ શાશ્વત અને અખંડ છે. બ્રહ્મનાં અસ્તિત્વ માટે કોઈપણ આધારની આવશ્યકતા નથી. આનંદ માટે પણ કોઈ આધાર જરૂરી નથી.
ઇન્દ્રિયોના સુખ માટે વિષયની આવશ્યકતા છે, પરંતુ આનંદ માટે આમ ન કહી શકાય. ઇન્દ્રિય નું સુખ તોહરખ અને શોકની હેડકી’ સમાન હોઈ શકે. અહીં તો `આઠે પ્રહર આનંદ’ની વાત છે. આ આત્માની વાસ્તવિકતા છે અને તેથી જ આ વિષ્ણુની ઓળખ પણ છે.
વિષ્ણુસહસ્રનામમાં આનંદના ભાવનો ઉલ્લેખ `પરમાનંદ’ની જેમ અન્ય સ્થળે પણ જોવાં મળે છે. તેની અપેક્ષાએ અહીં જે આનંદ, નંદન અને નંદની ત્રિપુટી એક સાથે દર્શાવવામાં આવી છે તે એક અદ્ભુત વાત છે. અહીં દરેક બાબતનો ભેદ સ્પષ્ટ કરવા પ્રયત્ન પણ થયો છે અને આ ત્રણેય બાબતનું એકત્વ સમજાવવાનો પણ આ પ્રયાસ છે.
એક રીતે જોતાં અહીં દ્વૈતની ભાવના છે તો તેની સાથે ક્યાંક અદ્વૈત સમાયેલું છે. અહીં વિભાગીકરણની પ્રક્રિયા છે અને સાથે એકીકરણનો ભાવ છે. અહીં સાંસારિક પ્રસ્તુતિ છે અને સાથે આધ્યાત્મિક બોધ છે.
અહીં શાબ્દિક રમત છે અને માર્મિક સંદેશ છે. અહીં દરેકની રૂચિ અનુસાર અર્થ સ્થાપવાનો પ્રયત્ન કરાયો છે અને સાથે સાથે તે રૂચિની ઉપર ઊઠવા માટે પ્રોત્સાહન પણ અપાયું છે.
આમ પણ વિષ્ણુ સહસ્ર નામમાં જ્યારે એક હજાર નામનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એ તો સ્વાભાવિક છે કે દરેક નામ એક વાસ્તવિકતાનું સચોટ નિરૂપણ કરે અને સાથે સાથે સમગ્રતામાં વિષ્ણુ અને `વિષ્ણુતા’ એ એક જ ઘટના છે તેમ પ્રસ્થાપિત કરે. એમ કહી શકાય કે અહીં એક હજાર નામ નથી, પરંતુ એક જ નામ હજારવાર બોલવામાં આવે છે.