ધર્મતેજ

સ્તુતિની અદમ્ય ઇચ્છા

ગીતા મહિમા -સારંગપ્રીત

ગત અંકમાં સુખ અને દુ:ખમાં સમભાવ રાખનાર ભક્તનાં લક્ષણ જણાવી હવે ભગવાન કૃષ્ણ નિંદા અને સ્તુતિમાં સમત્વ રાખનાર ભક્તને પ્રિય ગણાવે છે, તે સમજીએ.

ભગવાન કહે છે-
“નિંદા તથા સ્તુતિને સમાન સમજનાર, બીજાનું અહિત કરે તેવી ભાષા વગરનો, જે મળે તે વડે સંતુષ્ટ રહેનારો, સ્થાનના બંધન વગરનો અને સ્થિરમતિવાળો છે, તે મને પ્રિય છે.
અહીં નિંદા તથા સ્તુતિને ઊંડાણથી સમજીએ. સારા માર્ક્સ આવે ત્યારે સ્તુતિ-પ્રશંસાના શબ્દો બાળકને વધારે ધગશથી ભણવાનું બળ પૂરું પાડે છે. બાળક મોટો થઈ કિશોર બને ત્યારે તેણે રમતમાં કરેલા સારા દેખાવ બદલ મળતી પ્રશંસા તેને વધુ સારી રીતે રમવા પ્રેરિત કરે છે. યુવાનવયે પહોંચેલી વ્યક્તિને નોકરી-ધંધામાં મળેલી સફળતા સામે મળતી પ્રશંસા સંતોષ આપે છે. વૃદ્ધ વ્યક્તિને પણ સમગ્ર જીવન દરમિયાન તેમણે કુટુંબ માટે કરેલાં બલિદાન બદલ કદરની અપેક્ષા રહે છે. આમ બાળકથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની જીવનસફરમાં વ્યક્તિના ગમાં-અણગમા ઉંમર સાથે કદાચ બદલાતા જાય, પણ જે નથી બદલાતું તે છે પોતાની કદર કે પ્રશંસા થાય તેવી આંતરઇચ્છા.

મનુષ્યમાત્રને પોતે કરેલા કાર્યની કોઈ કદર કરે, પ્રશંસા કરે તેવી અપેક્ષા રહે છે. પ્રાય: આ કદર જ તેને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. પ્રશંસાથી ભરેલા શબ્દો વ્યક્તિને પ્રોત્સાહનરૂપી ચાલકબળ પૂરું પાડે છે. અને જ્યારે ટીકા કે નિંદા થાય ત્યારે તે શબ્દો પચાવવા અઘરા થઈ જતા હોય છે. અરે! નિરુત્સાહથી ગ્રસિત થઈ ઘણી વખત વ્યક્તિ કાર્ય કરવાનું જ માંડી વાળે છે. પણ જે ભક્ત માત્ર ભગવાનને રીઝવવાની ઇચ્છા રાખે છે, તેને પ્રોત્સાહન તો માત્ર ભગવાનને રાજી કરવાની ભાવનામાંથી મળે છે. તેઓ કોઈની પ્રશંસાના મોહતાજ નથી હોતા અને તેમને કોઈના અપશબ્દો નિરાશ નથી કરી શકતા. તેઓ તો પ્રશંસા કે નિંદાને ધ્યાનમાં લીધા વગર પોતાનું કાર્ય કર્યે જ રાખે છે.

ભગવાનના ભક્તની બીજી વિશેષતા એ છે કે પોતા માટે કોઈ સારા શબ્દો બોલે તેની ઇચ્છા પોતે રાખતા નથી, પણ તેઓના મુખમાંથી અન્યની માટે હંમેશાં શુભ અને શ્રેયકર વાણી જ ઉદ્દ્ભવે છે. શબ્દ એ બીજું કંઈ નહીં પણ અંતરની ભાવનાની અભિવ્યક્તિ છે. જે હકારાત્મક ઊર્જા કે તીર, ફૂલ કે કાંટા બની જીવનને મહેકાવી કે વીંધી શકે છે. ભક્ત કવિ કબીરજીએ પણ ગાયું છે –
“કુટિલ વચન સબતેં બુરા જારિ કરે સબ છાર,
સાધુ વચન જલરૂપ હૈ બરસે અમૃતધાર.
વાણીની તાકાતથી સૌ કોઈ વાકેફ છે. શબ્દે કેટલાંય સંહારો સર્જ્યા હશે, કેટલાયને ગેરમાર્ગે દોર્યા હશે. મંથરાની કુત્સિત વાણીએ કૈકેયીનું મન દૂષિત કરી નાખ્યું અને પારિવારિક અશાંતિ ઊભી થઈ. શબ્દોની નકારાત્મક અસર કેટલાયના ઘર ઉજાડી નાખે છે, જિંદગીના વહેણને બદલી નાખે છે. ઘણી વખત એવી કલુષિત વાણી ઉચ્ચારાય છે જેનાથી સામેવાળાનું હૃદય દુ:ખાય છે, જે વાણીથી થતી સૂક્ષ્મ હિંસા છે. વાણીમાં દ્વેષ, નિંદા કે કોઈને ઉતારી પાડવાની ભાવના હોય તો ભગવાનને તે કેવી રીતે ગમે? ઘણા લોકો કલુષિત વાણી બોલી બીજાને દુ:ખી કરવાનો સંતોષ પામતા હોય છે. આ જ આસુરી વૃત્તિ છે. ભગવાનના સાચા ભક્ત તો તેને દુ:ખી કરનાર કે તેનું અપમાન કરનારને પણ દુ:ખ પહોંચે તેવી ભાષા વાપરતાં નથી. ભગવાનના ભક્તની વાણી તો ઘવાયેલાને રૂઝાવનાર, હારેલાને બળ આપનાર, સંજીવની સમાન હોવી જોઈએ. સત્ય અને હિતકારી વાણી સદાય બોલવાનો આગ્રહ યોગીજી મહારાજ રાખતા. આ સત્ય એટલે શું? તો ભગવાન વેદવ્યાસે કહ્યું છે: ‘જે પ્રાણીમાત્રનું અત્યંત હિત કરે છે તે પરમ સત્ય છે.’ એક વખત સંતોએ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમને કાયમ રહે છે? ત્યારે સ્વામીશ્રી બોલ્યા: ‘કોઈનું અહિત કરવાનો વિચાર મને ક્યારેય આવ્યો નથી.’ આ ભાવના જ વાણીનું તપ છે. આમ સાચા સંતના સમગ્ર જીવન સામે નજર કરીએ ત્યારે સહેજે જ પ્રતીતિ થાય કે ઘણા માણસો તેમનું અપમાન કરે, તેજોદ્વેષથી ભરેલી કુત્સિત વાણીનો ઉપયોગ કરે, પણ સાચા સંતોએ ક્યારેય એનો જવાબ આપવા વળતો પ્રહાર કર્યો નથી. તેમના હૃદયમાં તો તેમની માટે પણ શ્રેયસ્કર અને પ્રેય કરનાર વાણી જ ઉદ્દ્ભવી છે. ભગવાનના ભક્ત ઈંટનો જવાબ પથ્થરથી નહીં, પણ ફૂલથી આપવામાં માને છે. કારણ કે તેઓ પ્રત્યેક જીવપ્રાણી માત્રમાં પરમાત્માનાં દર્શન કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…