ધર્મતેજ

સર્વોચ્ચ માનવીય આનંદ

અલૌકિક દર્શન – ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
`તૈત્તિરીયોપનિષદ’ની દ્વિતીય વલ્લી(બ્રહ્માનંદ વલ્લી)ના અષ્ટમ અનુવાક્માં આનંદમીમાંસાનું પ્રકરણ છે. આ પ્રકરણમાં આનંદના સર્વોચ્ચ સ્વરૂપની વિચારણા કરવામાં આવે છે. આ વિચારણાના અંતમાં બ્રહ્માનંદને આનંદનું સર્વોચ્ચ સ્વરૂપ ગણવામાં આવે છે. આ વિચારણાનો પ્રારંભ સર્વોચ્ચ માનવીય આનંદથી થાય છે.

માનવીય આનંદને આનંદનું પ્રાથમિક માપ ગણવામાં આવે છે. સર્વોચ્ચ માનવીય આનંદથી પ્રારંભ કરીને ગંધર્વ-આનંદ, દેવ-આનંદ, પ્રજાપતિ-આનંદ આદિ આનંદનાં ઉત્તરોત્તર ચડિયાતાં સ્વરૂપોની ગણના કરતાં-કરતાં આખરે બ્રહ્માનંદને સર્વોચ્ચ આનંદ સિદ્ધ કરવામાં આવે છે.

માનવીય આનંદને આનંદનું પ્રાથમિક માપ ગણવામાં આવે છે, એટલે પ્રથમ તો તે નક્કી કરવામાં આવે છે કે સર્વોચ્ચ આનંદ કયો? કારણ કે પ્રથમ તો સર્વોચ્ચ માનવીય આનંદ કયો છે તે નક્કી કરીને પછી જ આગળની વિચારણા થઈ શકે છે. સર્વેાચ્ચ માનવીય આનંદનું સ્વરૂપ નક્કી કરતાં ઋષિ કહે છે :

“હવે આ આનંદની મીમાંસાનો પ્રારંભ કરવામાં આવે છે. કોઈ એક યુવાન હોય; તે શ્રેષ્ઠ આચરણવાળો યુવાન હોય; તે વેદનું અધ્યયન કરી ચૂકેલો હોય; તે અન્ય બ્રહ્મચારી વિદ્યાર્થીઓને શિક્ષા આપવામાં કુશળ હોય (એટલે કે કુશળ શિક્ષણ હોય); તે શરીર અને મનથી દૃઢ હોય; તે બળવાન હોય; આ ધનધાન્યથી ભરેલી પૃથ્વી તેને પ્રાપ્ત થયેલી હોય – આવા પુરુષનો જે આનંદ તે મનુષ્યલોકનો એક આનંદ છે (એટલે કે તે માનવીય આનંદનું સર્વોચ્ચ સ્વરૂપ છે.)”

આ મંત્રમાં ઋષિ શિક્ષકના આનંદને સર્વોચ્ચ આનંદ ગણે છે. તે શિક્ષક માટે સાધુચરિત, દૃઢ, બળવાન આદિ વિશેષણો વાપર્યાં છે, પરંતુ તે મૂલત: શિક્ષક છે અને શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનવીય આનંદ ગણેલ છે. શિક્ષકનો અર્થ અહીં વેદજ્ઞ અને વેદ શીખવનાર તેવો છે, પણ એ તો યુગને અનુરૂપ સ્વરૂપ હોવાનું છે. જે યુગમાં જે શિક્ષણ શ્રેષ્ઠ ગણાય તે યુગમાં તેના શિક્ષણ અને શિક્ષકનો વિચાર થાય તે સ્વાભાવિક છે.

ઉપનિષદમાં અધ્યાપકના આનંદને સર્વશ્રેષ્ઠ માનુષ આનંદ ગણ્યો છે. અધ્યાપકપદને સર્વોચ્ચ ગૌરવવંતું પદ ગણેલ છે. અધ્યાપકની જીવનપદ્ધતિને સૌથી મૂલ્યવાન જીવનપદ્ધતિ ગણેલ છે. આમ હોવાનું કારણ શું? તે કાળમાં રાજાઓ હતા. રાજવીના આનંદને સર્વશ્રેષ્ઠ આનંદ ગણ્યો નથી. તે કાળમાં યોદ્ધાઓ પણ હતા. યોદ્ધાના આનંદને સૌથી મૂલ્યવાન આનંદ ગણ્યો નથી. તે કાળમાં ધનવાન શ્રેષ્ઠીઓ પણ હતા, ચિકિત્સકો હતા, પણ એમાંના કોઈના આનંદને અધ્યાપકના આનંદ જેટલું મૂલ્ય આપવામાં આવ્યું નથી. આમ શા માટે? અધ્યાપકના આનંદમાં એવું શું છે કે જેથી તેને સર્વશ્રેષ્ઠ આનંદ ગણવામાં આવેલ છે? અધ્યાપકની જીવનપદ્ધતિને સૌથી મૂલ્યવાન ગણવાનું કારણ શું છે? અધ્યાપકના પદને સૌથી વધુ ગૌરવવંતું સ્થાન શા માટે આપવામાં આવે છે? વેદને જાણનાર અને વેદને ભણાવનાર અધ્યાપકનાં ચરણોમાં સમ્રાટો પોતાના સુવર્ણમુગટો મૂક્તા. તેમના આશ્રમમાં ખુલ્લે પગે ચાલીને જતા. શા માટે?

  1. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા શ્રેષ્ઠ છે.
    એટલે જે અધ્યાત્મવિદ્યાના જાણકાર છે, અધ્યાત્મવિદ્યાવિશારદ છે અને જિજ્ઞાસુને અધ્યાત્મવિદ્યા શીખવે છે તેના ગૌરવ વિશે શું કહેવું! આપણા દેશની પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા છે કે જે અધ્યાત્મવિદ્યાના જાણકાર અને શિક્ષક છે તેમનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ ગણાય છે. ભારતીય સમાજ અતિપ્રાચીનકાળથી અધ્યાત્મકેન્દ્રી સમાજ રહ્યો છે, તેથી અધ્યાત્મવિદ્યાના શિક્ષકો સમાજમાં માનવંતા પુરુષો ગણાય તે સ્વાભાવિક છે.

અધ્યાત્મવિદ્યાના શિક્ષકો તો સર્વશ્રેષ્ઠ ગણાય જ છે, પરંતુ બીજી વિદ્યાઓના જાણકાર અને તેમના શિક્ષકો પણ સમાજમાં ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દા.ત. ગુરુ દ્રોણાચાર્ય અધ્યાત્મવિદ્યાના નહીં, પણ યુદ્ધવિદ્યાના આચાર્ય હતા, છતાં પણ તેમનું સ્થાન તો ગૌરવવંતું જ ગણાય છે; તેથી કોઈ પણ વિદ્યા શીખવનાર શિક્ષક સમાજમાં એક વિશિષ્ટ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે જ છે.

આવતી કાલનું રાષ્ટ્ર આજના શિક્ષણ પર આધારિત છે. શિક્ષણ રાષ્ટ્રનો પાયો છે, તેથી તે પાયાના શિલ્પીઓ એટલે કે શિક્ષકોની મહત્તા જેટલી આંકીએ તેટલી ઓછી છે. આવું મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ કાર્ય કરવું, તે આનંદયાત્રા છે. પ્રાચીન ધારણા પ્રમાણે શિક્ષક હોવું એટલે આનંદિત હોવું!

  1. દરેક વિધાયક કાર્યમાં સર્જનશીલતાનો અંશ હોય છે.

સંભવત: શિક્ષણકાર્યમાં સર્જનશીલતાનું તત્ત્વ સૌથી વધુ હશે. એક કુંભાર પણ જ્યારે માટીના ઘડા બનાવે છે ત્યારે કાંઈક સર્જનશીલતા અનુભવે છે, તો પછી જે શિક્ષક માટીના જીવંત ઘડા (માનવ)ને ઘડે છે. તેમની સર્જનશીલતા અને સર્જનશીલતાના આનંદને સમજવા માટે, તેનો ક્યાસ કાઢવા માટે કલ્પનાનો ઘોડો લાંબે સુધી ચાલશે નહીં. એવી સર્જનશીલતાનો આનંદ જેમણે માણ્યો છે તેમની પાસેથી જ કાંઈક ખ્યાલ મળી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button