વિશ્ર્વના તમામ દેશ પોતાની સંસ્કૃતિ મુજબ વરસના પહેલા દિવસની ઉજવણી કરે છે
સંસ્કૃતિ -ધીરજ બસાક
વિશ્ર્વના તમામ દેશ પોતાની સંસ્કૃતિ મુજબ વરસના પહેલા દિવસની ઉજવણી કરે છે. સ્પેનમાં વરસને પહેલે દિવસે બાર દ્રાક્ષ ખાવાની પ્રથા છે જેનો આરંભ નવા વર્ષની પૂર્વસંધ્યાએ મધરાતે થાય છે અને આગલી બાર મિનિટ દરેક એક એક કરીને બાર દ્રાક્ષ ખાય છે. સ્પેનના બે સૌથી મોટા શહેર મૅડ્રિડ અને બાર્સૅલોનામાં આ રાત્રે હજારો લોકો શહેરના મુખ્ય ચાર રસ્તા પાસે એકઠાં થાય છે અને દ્રાક્ષ ખાવાનો આ રિવાજ સાથે સાથે પૂરો કરે છે. એક માન્યતા મુજબ નવા વરસની આરંભની બાર મિનિટમાં ખવાતી બાર દ્રાક્ષ સમગ્ર વરસ દરમિયાન આવનારાં તમામ સંકટોથી બચાવે છે. દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં આ દિવસે લોકો ખાલી સૂટ લઈને પોતાના ઘરની ફરતે ફરે છે. આ પાછળની માન્યતા એવી છે કે નવા વરસના પહેલે દિવસે ખાલી સૂટ લઈને કોઈ ફરે તો આખા વરસ દરમિયાન એક એકથી ચઢિયાતા પ્રવાસનો યોગ બને છે.
આનાથી વિપરીત ડૅનમાર્કના લોકો આ રાત્રે દુષ્ટાત્માઓને ભગાડવા પોતાના મિત્રો અને પરિવારજનોના ઘરના દરવાજા પર જૂની પ્લેટ અને ગ્લાસ ફેંકે છે. એ લોકો માને છે કે આમ કરવાથી તેમનું નસીબ ખુલી જશે અને તેમની આસપાસના તમામ દુષ્ટાત્મા જૂની પ્લેટો અને ગ્લાસોને કારણે ભાગી જશે. ફિનલૅન્ડના લોકો આ રાત્રે પીગળેલા ટીનને પાણીના ક્ધટેનરમાં નાખીને પોતાનું ભવિષ્ય જાણવાની કોશિશ કરે છે. પીગળેલા ટીનને પાણીમાં નાખવાથી તેના બનેલા વિશેષ આકારથી ભવિષ્યની વ્યાખ્યા બને છે. જો પીગળેલું ટીન વીંટી કે હૃદયનો આકાર ધારણ કરે તો તેનો મતલબ આ વરસે લગ્ન થશે કે જહાજ મારફતે દૂરનો પ્રવાસ થશે. જો પીગળેલું ટીન ડુક્કરનો આકાર ધારણ કરે તો એનો મતલબ થાય છે કે આ વરસે ભરપૂર ભોજન થશે. સ્કૉટલૅન્ડમાં નવા વરસની પૂર્વસંધ્યાએ એક વિશેષ ફિલ્મોત્સવ મનાવવામાં આવે છે જેને હૉંગમેન ઉત્સવ કહે છે. આ માટે તેઓ ફર્સ્ટ ફૂટિંગનો અભ્યાસ કરે છે અને જેવા બાર વાગે કે તરત જ તેઓ ઘરની બહાર નીકળે છે અને જે વ્યક્તિ સૌપ્રથમ ટકરાય અને તે જે ભેટ આપે તેને સૌભાગ્યની ભેટ માને છે. લોકો સાથે મળીને પાર્ટીનું આયોજન કરે છે અને નવા વરસને સફળ અને આનંદથી ભરપૂર બનાવવા થાંભલા પર આગના વિશાળ ગોળા ફરાવતા પરેડ કરે છે. આગના આ ગોળાઓને સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે.
ફિલિપાઈન્સમાં લોકો નવા વર્ષની પૂર્વસંધ્યાએ ખાવાના ટેબલને વિવિધ પ્રકારના ફળોના ઢગલાથી સજાવવામાં આવે છે. આ ફળોમાં સૌથી વધુ સંખ્યા ગોળાકાર ફળોની હોય છે. માનવામાં આવે છે કે આને કારણે નસીબ આખું વરસ સાથ આપે છે. સ્પેનની જેમ અહીં પણ લોકો મધરાતે દ્રાક્ષ ખાય છે. આ રાતે ફિલિપાઈન્સના લોકો સામાન્ય રીતે પોલકા ડૉટ્, ડિઝાઈનવાળા કપડાં પહેરવાનું પસંદ કરે છે.
બ્રાઝિલ, ઈક્વાડોર, બોલિવિયા અને વેનેઝુએલાના લોકો આ રાતે પોતાનું નસીબ બદલવા લાલ રંગના અન્ડરવેઅર અને પીળા રંગનાં કપડાં પહેરે છે. એવું માનવામાં આવે છે કે લાલ રંગનું અન્ડરવેઅર પહેરવાથી પ્રેમ મળે છે અને પીળાં રંગનાં કપડાં પહેરવાથી
ઘરમાં પૈસાની અછત નથી રહેતી.
પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિવાળા દેશ યુનાનમાં નવા વરસે લોકો ઘરના દરવાજા પર કાંદો લટકાવે છે. માતાપિતા બાળકોને નવા વરસના પહેલે દિવસે કાંદાથી થપથપાવીને જગાડે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી બાળકો જીવનમાં સફળ થાય છે. પનામામાં નવા વરસની નવી શરૂઆત માટે ખરાબ આત્માઓને ભગાડવા માટે વિખ્યાત લોકોનાં પૂતળાં બાળવામાં આવે છે. આ પૂતળાઓ વીતેલા વરસો અને તકલીફોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. અમેરિકામાં ૩૧મી ડિસેમ્બરે લોકો આરોગ્ય અને આનંદ માટે ખાય છે, દારૂ પીએ છે અને ટોસ્ટ પણ બનાવે છે. ઈથિયોપિયાના કેલેન્ડરમાં ૧૨ નહીં ૧૩ મહિના હોય છે. ૩૦ દિવસના બાર મહિના અને પાંચ કે છ દિવસનો તેરમો મહિનો. અહીંના લોકો આ રાતે મિત્રો અને પરિવારજનો સાથે બ્રેડ અને સ્ટૂનું પારંપરિક ભોજન કરે છે અને નવું વરસ સારું જાય તે માટે ગીત ગાય છે.
જર્મનીમાં નવા વરસની પૂર્વસંધ્યાએ જૂના પૉપને નામે સિલ્વેસ્ટર કહેવામાં આવે છે. જર્મનીના લોકો ૩૧ ડિસેમ્બરની રાતે આતશબાજી કરે છે, શૅમપેઈન પીએ છે અને સામાજિક પ્રસંગ ઉજવે છે. હંગેરીમાં લોકો નવા વરસે ખરાબ આત્માઓથી બચવા રાતે ૧૨ વાગે જ મોટેથી અવાજ કરે છે. ઈઝરાયલમાં લોકો ૩૧ ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરીની સવાર સુધી ઉત્સવ મનાવે છે અને આપસમાં મળીને આ રાતે લોકો વાદ્યતંત્ર વગાડે છે અને મધમાં ડૂબાવેલો એક ખાસ પદાર્થ ખાય છે.
જ્યાં સુધી ભારતની વાત છે તો હિન્દુસ્તાનમાં અંગ્રેજી કેલેન્ડર મુજબ ૩૧ ડિસેમ્બરની રાતે નવું વરસ શરૂ નથી થતું, પરંતુ ભારતમાં પાંચ અલગ અલગ તારીખે નવું વરસ શરૂ થાય છે. ઉત્સવ પ્રિય ભારતીયો અંગ્રેજી નવું વરસ પણ મનથી મનાવે છે. મોટાભાગના લોકો આ રાતે ખાઈ-પીને આનંદ માણે છે અને એમાંથી અડધા કરતા પણ વધુ લોકો નવા વરસના પહેલે દિવસે ભગવાન પરત્વેની શ્રદ્ધા વ્યક્ત કરવા ધાર્મિકસ્થળોએ જાય છે.