અલૌકિક દર્શન : અંતરાત્માને અહંકારનો પડદો છે ને અવિદ્યાનું બંધન છે
- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
શબ્દ-૧૪-પદ્માવતી સજીવન થાય રે:
ભજન-પદ-૧૪
પદ પદ પ્રગટે ભક્તિ રસ પ્રગટો પાનબાઈ જેથી પદ્માવતી સજીવન થાય રે.
અહીં પણ ગંગાસતી એક બીજા પ્રસંગનો ઉલ્લેખ કરે છે. પદ્માવતી અને કેન્દુલિના રાજાની રાણી બંને વચ્ચે સખ્ય, બંને સહેલીઓ, એક વખત તેમની વચ્ચે વાદ થયો, પદ્માવતી મહારાણીને પૂછે છે, રાણી સતી કોને કહેવાય, તે કહે પોતાના પતિનું શરીર શાંત થઈ જાય, દેવ થઈ જાય તેની પાછળ ચિતા પર ચડીને અગ્નિમાં શરીર મૂકે તે સતી કહેવાય. પદ્માવતી કહે એ સતી ન કહેવાય, રાણી પૂછે છે, તો સતી કોને કહેવાય? એ કહે, પોતાના પતિના પ્રાણ ગયા છે એવી ખબર પડે અને જેના પ્રાણ તરત છૂટી જાય તેને સતી કહેવાય. રાણી વિચારે આનું પારખું કરવું પડશે.
બહાનું કાઢીને તેઓ જયદેવને બહાર મોકલી આપે છે, પછી એવા ખોટા સમાચાર ફેલાવ્યા કે જયદેવનો સ્વર્ગવાસ થયો, પદ્માવતી સમાચાર સાંભળીને પ્રાણ છોડી દે છે, જયદેવ આવે છે અને ઘટનાના સમાચાર મળે છે. રાણી કહે છે: “મેં પરીક્ષા કરતાં આવું થયું છે, ઝેરનાં પારખાં થયાં. ‘ગીતગોવિંદ’ જે રચાતું હતું એના પદ પદ્માવતીનાં દેહની સમક્ષ બેઠાં બેઠાં ગાય છે. પદપદ પ્રતિ, પદપદ એટલે અષ્ટપદી, જયદેવના ‘ગીતગોવિંદ’માં ચોવીસ અષ્ટપદીઓ છે, દરેક અષ્ટપદીમાં આઠ શ્ર્લોક હોય, એટલે અષ્ટપદ કહેવાય. એના માટે ગંગાસતી કહે છે. પદ પદ ભક્તિરસ પ્રગટયો એટલે પદ્માવતી બેઠાં થયાં એ પ્રસંગનો ઉલ્લેખ ગંગાસતી અહીં કરે છે.
શબ્દ-૧૫-પ્રેમલક્ષણાભક્તિ:
ભજન-૧૫
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં કોઈ રે!
પ્રેમલક્ષણા ભક્તિ શું છે? આપણે ઘણી વખત માની લઈએ છીએ કે પ્રેમલક્ષણા ભક્તિ અમને ખબર છે. નારદજી ‘ભક્તિસૂત્ર’માં ભક્તિની વ્યાખ્યા આપે છે: લળ ટ્ટમાશ્ર્નપણ ક્ષફપ પ્જ્ઞપરૂક્ષળ પરમ પ્રેમ એ પ્રેમલક્ષણા ભક્તિ છે. ભક્તિના અનેક પ્રકારો પાડવામાં આવે છે, અનેક જુદી જુદી રીતે, પણ પ્રધાન બે પ્રકાર છે: વૈધી અને પ્રેમલક્ષણા. વૈધીભક્તિ એટલે જેમાં વિધિવિધાન, પૂજા, જપ, પાઠ, ભગવાનને ધરાવવું વગેરે છે એ વૈધીભક્તિ.
એ ભક્તિમાં વિધિવિધાન મુખ્ય છે, જ્યારે પ્રેમલક્ષણા ભક્તિમાં તો અંદરથી પરમાત્મા માટે અંતરાત્મા વ્યાકુળ થઈ જાય છે. અંતરાત્માને અહંકારનો પડદો છે ને અવિદ્યાનું બંધન છે, જ્યારે અવિદ્યાનુુંં નિરાકરણ થવા માંડે. અંતરાત્મા પરમાત્માને મળવા માટે આકુળવ્યાકુળ થઈ જાય છે એ પરમાકુળતા એને પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય છે. રાધાજીને ભગવાન શ્રીકૃષ્ણે વચન આપ્યું હતું કે આજે રાત્રે હું તમને મળવા નિકુંજમાં આવીશ.
રાધાજી વાટ જોઈને બેઠાં છે. એક નાના કોડિયામાં દીપક પ્રગટે છે, તેલ પૂરેલ છે, તેલ ખલાસ થવા આવ્યું છે, ત્યારે રાધાજીને બીક લાગે છે કે આ જો દીવો ઓલવાઈ જશે, તેલ ખલાસ થઈ જશે તો ભગવાન આવશે ત્યારે એમ માનશે કે હું સૂઈ ગઈ છું અને પાછા જતા રહેશે, એટલે દીપકને કહે છે, ગમે તેમ કર પણ તારી જ્વાળા ચાલુ રાખ.
‘પ્રાણ તું મેરે લે લે દીપક, કરલે ઈસકી બાતી,
રક્ત હૃદયમાં તેલ લે લે, જલના સારી રાતી.
આજ હરિકે આના દીપક, આજ નહીં બુજ જાના.’
આ પ્રેમલક્ષણા ભક્તિ છે, આંડાલમાં પ્રગટી, મીરામાં પ્રગટી, ચૈતન્ય મહાપ્રભુમાં પ્રગટી. આ પ્રેમલક્ષણા ભક્તિ જ્યારે પ્રગટે, મારા ગુરુમહારાજ કહે છે કે પ્રેમના જ્યારે મહાપુર આવે ત્યારે માન-અપમાન, સુખ-દુ:ખ, મારું-તારું એ તૃણની જેમ તણાઈ જાય છે. પ્રેમીજનોને માન-અપમાન નથી હોતું. માન-અપમાન તો બચ્ચાંનો ખેલ છે. પ્રેમીજનોને શું માન-અપમાન? આ પરમ પ્રેમ જ્યારે પ્રગટે અને અંતરાત્મા અનુભવે, મનનો નહીં, આત્માનો પ્રેમ પ્રગટે, એ પ્રેમલક્ષણા ભક્તિ છે એમ ગંગાસતી કહે છે. પ્રેમલક્ષણા ભક્તિ પ્રગટે પછી વૈધીભક્તિની જરૂર નથી, ‘તેને કરવું પડે નહીં કાંઈ રે.’
શબ્દ-૧૬-જુગતી:
ભજન-૧૬
જુગતિ તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વચનનો એકતાર રે!
આ જુગતી શું છે? નાથસંપ્રદાયમાં એક પરંપરા છે. યુક્તિ સે મુક્તિ. નાથ સંપ્રદાયનો એક સિદ્ધાંત છે. યુક્તિથી મુક્તિ, ગંગાસતી પર નાથ સંપ્રદાય, યોગની અસર છે જ અને યોગમાં યુક્તિની મુક્તિની વાત છે, એટલે કહે છે, જુગતી તમે જાણી લેજો પાનબાઈ. તાળું મારેલું હોય, મજબૂત તાળું હોય ત્યારે ખોલવું કેવી રીતે? એને માટે જરૂર છે કે નાની ચાવી હોય, આ ચાવી તે જુગતી છે. અધ્યાત્મપથ પર અનેક તાળાઓ આવે છે, અનેક ગ્રંથિઓ આવે છે, અનેક વિટંબણાઓ આવે છે, અનેક જગ્યાએ માર્ગ અટકી જતા હોય એમ લાગે. ત્યારે માર્ગના તાળા ખોલવા કેમ? એની જુગતી, જુગતી કોણ આપે? ગુરુજી આપે કે આ તાળું આમ ખૂલે, અહીં આ જ ચાવી લાગે એ વાત ગુરુ શીખવે છે. વચનરૂપી જુગતીથી તાળું ખોલવાનું વિધાન ગંગાસતી આપે છે.
શબ્દ-૧૭-વચન અને વચનવિવેક:
ભજન-૧૭
વચનવિવેકી જે નર ને નાર પાનબાઈ, તેને બ્રહ્માદિક લાગે પાય.
યથારત વચનની શાન જેણે જાણી, પાનબાઈ, તેને કરવું હોય તેમ થાય.
ગંગાસતીના સાધનાનું કેન્દ્રસ્થ તત્ત્વ આ છે, વચન અને વચનવિવેક એટલે શું? વેદાંતની સાધનામાં મહાવાક્ય વિવેક એ સર્વોદય સાધના છે એને અંતિમ સાધના મનાય છે, મહાવાક્યવિવેક, મહાવાક્ય ચાર છે: ચારેય વેદનું એકેક વાક્ય ગણાય. આ ચાર મહાવાક્ય છે. મહાવાક્યોમાં જીવ બ્રહ્મ વચ્ચે અદ્વૈત સિદ્ધ કરવામાં આવે છે, પણ એક પાંચમું મહાવાક્ય છે. ‘છાંદોગ્ય ઉપનિષદ’માં છે. આખા મંત્રનો એક અંશ છે:
– હું તે જ છું- જેવો મહાવાક્યનો અર્થ તેવો જ આનો અર્થ છે, ર્લીં એટલે તે પરમાત્મા, અર્વૈ એટલે હું જ છું. શ્ર્વાસ સાથે મેળ બેસાડવા માટે સંતપરંપરામાં આ મહાવાક્ય લેવાયું છે, પણ આશ્ર્નપપદને છોડી દીધું છે, એટલે ‘લળજ્ઞવપ્ર’ એટલું જ રહ્યું. આ ‘લળજ્ઞવપ્ર’ એ વચન છે. વચનનો વિવેક કરવો કેવી રીતે એનાં પાંચ સોપાન છે, સંતપરંપરામાં આવે છે: પહેલું સોપાન- શ્ર્વાસોશ્ર્વાસ સાથે સુરતાને જોડી દેવી, ધ્યાન શ્ર્વાસ ઉપર દૃઢ રહેવું જોઈએ એ પહેલું સોપાન, બૌદ્ધ ધર્મમાં એને અનાપાન સતિ યોગ કહેવાય છે. બીજું સોપાન છે ગુરુ વચન આપે છે, શ્ર્વાસ અંદર લેતી વખેત ‘સો’ બહાર લેતી વખતે બહાર લેતી વખતે ‘હમ’, ‘સોહમ’, ‘સોહમ’- ર્લીં અહમ છે વિસર્ગનો ‘ઓ’ થઈ ગયું. ‘અ’નો લોપ થયો એટલે સોહમ શબ્દ થયો છે.
શ્ર્વાસોશ્ર્વાસ સાથે શ્ર્વાસેશ્ર્વાસે સોહમ જાપે બીજું સોપાન થાય અને એમાં ત્રણ તત્ત્વોનું મિલન છે: એક વચન, બીજું શ્ર્વાસ અને ત્રીજું સૂરતા. ત્યાર પછી ત્રીજું સોપાન આવે છે: વચનનો વિવેક- માયાસહિત જો સહ હોય તો ઈશ્ર્વર છે, પણ માયાવિહીન થાય એટલે ઈશ્ર્વરને સ્થાને બ્રહ્મ આવે છે, અહં એ જીવ છે, એમાંથી અવિદ્ય તત્ત્વનું નિરસન થાય તો એનો અર્થ બ્રહ્મ થાય છે.
આમ જીવ અને ઈશ્ર્વર એક છે એવો એનો અર્થ છે, આ તૃતીય સોપાન છે. ચોથા સોપાનમાં બ્રહ્માકાર વૃત્તિનો ઉદય થાય છે. શબ્દનો જાપ કરતાં કરતાં અંદરથી બ્રહ્માકાર વૃત્તિ પ્રગટે એટલે વચન છૂટી જાય છે. બ્રહ્માકાર વૃત્તિ જ રહે છે અને પાંચમા સોપાનમાં બ્રાહ્મીસ્થિતિમાં આત્મા સ્થિત થઈ જાય છે, આ વચન-સોપાનના પાંચ પગથિયાં છે.
શબ્દ-૧૮-અભ્યાસે જીતવો અપાન:
ભજન -૧૮
પ્રાણીમાત્રમાં સમદૃષ્ટિ રાખવી અને અભ્યાસે જીતવો અપાન રે!
અહીં યોગની ક્રિયા છે. અપાન એટલે શું? અભ્યાસે જીતવો એટલે શું?
અભ્યાસ એટલે શું? કયા અભ્યાસથી અપાન જીતાય અને એને જીતવો શા માટે? આપણા શરીરમાં પ્રાણતત્ત્વ છે, એના સ્થાનભેદે અને કાર્યભેદે દસ પ્રકાર પાડવામાં આવે છે. પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન આ પાંચ પ્રાણ છે. નાગ, કૂર્મ, કુર્કુર, દેવદત્ત અને ધનંજય આ પાંચ ઉપપ્રાણ છે. અપાન શું છે અને એનું સ્થાન ક્યાં છે? નાભિથી નીચેના પ્રદેશમાં અપાન છે.
અપાન ભોગનો કારક, ઉત્સર્ગ અને ભોગ અપાનના કૃત્યો છે, જ્યાં સુધી અપાન જીતાય નહીં, ત્યાં સુધી બ્રહ્મસ્થ સિદ્ધિ થઈ શકે નહીં. લાખો વાતો ભલે કરો, અપાન ભોગનો કારક છે અને ‘અ’ એટલે નીચે જવું. ‘ઉદ’ એટલે ઉપર જવું, ઉદાન એટલે ઉપરની ગતિ, અપાન એટલે નીચેની ગતિ, તો પ્રાણની નીચેની ગતિ તે અપાન છે અને જ્યાં સુધી અપાન જીતાય નહીં ત્યાં સુધી ભોગમુક્તિ થાય નહીં, ત્યાં સુધી બ્રહ્મચર્ય સિદ્ધ થઈ શકે નહીં, લાખો વાતો ભલે કરો એટલે ગંગાસતી કહે છે અપાનને જીતો, એ નિમ્નગામી છે.
એના પર વિજય મેળવો તો જ પ્રાણનું ઉત્ક્રામણ થશે, તો બ્રહ્મચર્ય શુદ્ધ થશે તો સાધનાની ઊર્ધ્વગતિ થશે, તેનો અભ્યાસ કઈ રીતે કરવો? યોગશાસ્ત્રમાં અપાનને જીતવા માટે છ ક્રિયાઓ બતાવી છે.
એક – ત્રિબંધ પ્રાણાયામ, બે – મૂલબંધ, ત્રણ – ઉડ્ડિયાનબંધ, ચાર – મહામુદ્રા, પાંચ – અશ્ર્વિની મુદ્રા અને છ – શક્તિચાલિની મુદ્રા. આ છના અભ્યાસથી અપાન પર વિજય મળે છે, એમ ગંગાસતી અભ્યાસે જીતવો અપાનના અર્થે કહે છે. (ક્રમશ:)