ધર્મતેજ

અલખનો ઓટલો : બે ઘડી સત્સંગ

-ડૉ. નિરંજન રાજ્યગુરુ

માનવીનું જીવન એક સમસ્યા છે. એક તરફ વિષયોનું સુખ, સૌંદર્ય અને સામર્થ્ય હોય છે તો બીજી તરફ પરબ્રહ્મ પરમાત્મા તરફ ભક્તિની લાગણી, એક તરફ છે સાંસારિક ઉપભોગોની દુનિયા તો બીજી તરફ છે અધ્યાત્મની અજાયબી, એક તરફ ક્ષણિક ક્ષણભંગુર જીવનનો ભ્રામક આનંદ હોય છે. તો બીજી તરફ અનંત ઐશ્વર્યવાન પરમાત્મા સાથે અનુસંધાન કેળવી સદૈવ પરમાનંદમાં લીન થઈ જવાની ઝંખના.. પણ.. જ્યાં સુધી માનવી સાચાં અને ખોટાં સુખ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ જાણી શક્તો નથી ત્યાં સુધી આમતેમ અથડાયા કરે છે. સંસાર સરોવરના દરિયાકિનારે ભટક્યા કરે છે. એ સામે પાર ક્યાંથી પહોંચી શકે? તૃષ્ણા, મોહ, ભોગવિલાસ અને આસક્તિઓમાંથી મુક્ત થઈ જવું એ સહેલું નથી. એ તો ગુરુની કૃપા અને સાચા સંતની શિખામણ મળી હોય તો જ શક્ય બને અને એ જ કારણે આપણા સંતોએ જગતના અનિત્ય કઠોર વાસ્તવિક્તાભર્યા માનવજીવનની સાચી ઓળખ કરાવતાં રહીને પરમાત્મા પત્યે અપાર શ્રદ્ધા અને આધ્યાત્મિક પેમ પગટાવવા ભારે મથામણ કરી છે. પોતાની વાણીમાં માનવજીવનમાં વ્યાપી રહેલા ઠાઠમાઠ, ગર્વ, પાખંડી આચારો, નાત-જાતના વાડા, અત્યાચારો અને દંભ જેવાં અનિષ્ટો પત્યે વ્યંગ દર્શાવી, પાપની અને અધર્મની અંતે શી દશા થાય છે એનાં દૃષ્ટાતો આપી સંતોએ નામસ્મરણના મહિમાનું વર્ણન ર્ક્યું છે.

સગું કુંટુંબ તારું લૂંટવા લાગશે, લઈ લેશે કાનની કડી,
કાઢો કાઢો એને સહુ કે'શે હવે, રોકો માં ઘડી ઘડી,
જાણું છે મરી મેરમ જાવું છે મરી..'
માત-પિતા ને તારાં કુટુંબ કબીલાં, બેની બાંધવ સૂત ભાઈ,


અરધંગા તારી અળગી રે’શે, એકલડો જીવ જાઈ….
અરે દિલ દીવાનાં તું લે લે, હરિના ગુણ ગાઈ..’
`સગાં કુટુંબ કેના ભેળાં નહી ચાલે રે, કળિયુગમાં છે કૂડા કે’વાના
અંગના વસ્તર તારાં ઉતારી લેશે, લાખું મળ્યા તે નથી લેવાના..’

તમામ મનુષ્યે અંતવેળાએ પોતાની બધી સમૃદ્ધિ છોડીને એકલાં જ ચાલ્યા જવાનું છે, સગાં-વહાલાં કોઈ સાથે આવવાનું નથી, સ્વાર્થી જગતની સ્વાર્થલીલામાં એનું અસ્તિત્વ માત્ર પોતાનું કામ કઢાવી લેવા પૂરતું જ હોય છે, જ્યારે શરીરમાં આત્મા નહીં હોય ત્યારે એક ઘડી પણ એ શરીરને ઘરમાં રાખવા કોઈ કુટુંબીજનો તૈયાર નહીં થાય…

રાજ ભયો કહાં કાજ સર્યો મહારાજ ભયો કહાં લાજ બઢાઈ
શાહ ભયો કહાં વાત બડી પતશાહ ભયો કહાં આન ફિરાઈ
દેવ ભયો તો ઉ કાહુ ભયો અહંમેવ બઢો તષ્ણા અધિકાઈ
બ્રહ્મમુનિ સતસંગ વિના સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ…

રાજા થયો હોય કે મહારાજા એમાં શું મોટી આણ ફેરવી દીધી છે? અરે તને શાહ-બાદશાહ કે દેવ તરીકે માણસો ઓળખતા હોય એથી પણ શું? તારો અહંકાર ને તૃષ્ણા જ વધી છે. ભાઈ ચેતી જા… સતસંગ વિના બધું કાચું. માણસનો ગર્વ નકામો છે. તું કહેતો ફરે છે કે હું કાળને બાંધી લઉં, પણ કાળથી તો આ ત્રણેય લોક કંપે છે. તારી શું વિસાત એક પળમાં જ તારા અભિમાનના ચૂરા થઈ જાશે… ભાઈ હરિનું શરણું ગોતી લે…

જ્ઞાન ઘટે કોઈ મૂઢકી સંગત, ધ્યાન ઘટે બિન ધીરજ લાએ,
પીત ઘટે કોઈ પામર આગે ભાવ ઘટે નીત હી નીત જાએ;
સોચ ઘટે કોઈ સાધુકી સંગત, રોગ ઘટે કછુ ઓસડ ખાએ,
કવિ ગંગ કહે સુન શાહ અકબર દારિદ્ર ઘટે હરિ કો ગુન ગાએ.

મૂરખની સંગત થાતાં જ્ઞાન ઘટે, અધીરા થાતાં ધ્યાન ઘટે, પામરની સાથેનો પેમ પણ ઘટે અને દરરોજ મહેમાન થઈને ઊભા રહેતાં ભાવ ઘટી જાય. સાધુની સંગત થાતાં વિચાર ઘટે-તકે-કુશંકા ઘટે, ઔષધિ લેતાં રોગ ઘટે એમ હરિના ગુણ ગાતાં દળદરનો નાશ થાય છે.

ગંગ તરંગ પવાહ ચલે ઔર કૂપકો નીર પીયો ન પીયો
જાકે રૂદે રઘુનાથ બસે નવ ઔર કો નામ લીયો ન લીયો
કર્મ સંજોગે સુપાત્ર મીલે તો કુપાત્ર કો દાન દીયો ન દીયો
કવિ ગંગ કહે સુન શાહ અકબર એક મૂરખ મિત્ર કીયો ન કીયો.

ગંગાજીનો પતીત પાવન પવાહ વહેતો હોય અને આપણે કૂંજામાંથી વાસી પાણી પીવાનો વિચાર કરીએ તો એ ન પીધાં બરાબર છે. જેના હૃદયમાં શ્રીરામનું નામ વસ્યું હોય તેણે અન્ય કોઈનું નામ લેવાની શું જરૂર? કર્મના સંયોગે કરી કોઈ સુપાત્ર મળી જાય તો કુપાત્રને દાન દીધું એ ન દીધા બરાબર એમ મૂરખ માણસને મિત્ર ર્ક્યો હોય તો એ ન ર્ક્યા બરાબર છે.

બાલ સે ખ્યાલ બડે સે બિરોધ અગોચર નાર સે ના હસીયે,
અન્ન સે લાજ અગન સે જોર અજાને નીરમેં ના ધસીયે;
બૈલકું નાથ ઘોડે કું લગામ ઔર હસ્તિકું અંકુશ સે ક્સીયે,
કવિ ગંગ કહે સુન શાહ અકબર એક ક્રૂરસે દૂર સદા બસીયે.

બાળક સામે દલીલ, મોટાં સામે વિરોધ, અજાણી સ્ત્રી સાથે વ્યવહાર, અનાજ સામે શરમ, અગ્નિ સામે જોર, અજાણ્યા ઊંડાં જળમાં સ્નાન એટલાં વાનાં ન કરાય. ઘોડાને લગામ, બળદને નાથ અને હાથીને અંકુશથી કાબૂમાં રખાય – એમ ક્રૂર માનવીથી હંમેશાં દૂર રહેવું જોઈએ. લોક કવિ મીર મુરાદ ગાય છે:

આ પણ વાંચો…બજારનાં જોખમને કઈ રીતે પારખી શકાય?

તું હી નામ તારન સબે કાજ સારન્, ધરો ઉસકા ધારન નિવારન કરેગા
ન થા દાંત વાંકું દિયા દૂધ માં કું, ખબર હે ખુદાકું સબર જો ધરેગા
તેરા ઢૂંઢ સીના મિટા દિલકા કીના, જિન્હે પેટ દિના સો આપે ભરેગા
મુરાદં કહે જો મુકદ્દર કે અંદર, તિને ટાંક મારા ન ટારા ટરેગા.

આ જગતમાં તારણહાર એવું જો કોઈ નામ હોય તો તે તું હિ જ છે. જે સષ્ટિનું સર્જન, પાલનપોષ્ાણ ને વિનાશ જેવાં તમામ કાર્ય કરે છે. એક પરમાત્મા પોતે જ આ જગતના તારણહાર છે જ્યારે મોઢામાં દાંત નહોતા, ત્યારે બાળકનો જન્મ થતાં વેંત માતાની છાતીમાં દૂધ આપ્યું. આવા પાલનહાર પરમાત્મા ઉપર ધીરજ રાખીને વિશ્વાસ કરવો જોઈએ. એનો આશરો લેવો હોય તો અંતરનો દ્વેષ્ા મટાડીને પોતાની જાત ને ઓળખવી જોઈએ. જેણે પેટ દીધું છે તે તો ચોક્ક્સ અનાજ આપશે. પારબ્ધમાં લખાયેલા લેખ ક્યારેય મિથ્યા થતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button