આકાશ શબ્દ બ્રહ્મનો વાચક છે
ચિંતન -હેમંતવાળા
“આકાશસ્તલ્લિંગાત્- બ્રહ્મસૂત્ર નું આ વિધાન છે. અહીં આકાશને પ્રતીકાત્મક રૂપે બ્રહ્મ સમાન જણાવાયું છે. આકાશમાં બ્રહ્મનાં લક્ષણો પ્રતિબિંબિત થતા જણાય છે. તેવી જ રીતે બ્રહ્મ પ્રાણ સમાન છે તેમ પણ કહેવાય છે. બ્રહ્મની જેમ આકાશ પણ સર્વત્ર છે, તે સર્વત્રને ધારણ કરે છે છતાં ધારણ કરાયેલી કોઈપણ બાબતથી તે લિપ્ત નથી.
ગીતામાં જણાવ્યું છે કે મૃત્યુ સમયે અંત:કરણની વિશેષ બાબતો નવા દેહમાં સ્થળાંતરિત થાય છે. આની માટે પવન અને ગંધનું ઉદાહરણ અપાય છે. પવન જેમ એક સ્થાનની ગંધને બીજા સ્થાને લઈ જાય છે તેમ અંત:કરણની જે તે બાબતો નવા દેહ સાથે પણ જોડાય છે. તેની સૂક્ષ્મતાને કારણે આ સમગ્ર પ્રક્રિયા નજરે નથી ચડતી. પવન પણ નજરે નથી દેખાતો અને અંત:કરણની અવસ્થા પણ. પવન આકાશમાં સ્થિત હોય છે. તેથી આકાશની અંદર અંત:કરણની વિવિધ બાબતોનો પણ સમાવેશ થાય છે તેમ કહેવાય. પવન તો હજી પણ અમુક અંશે સ્પર્શ દ્વારા અનુભવી શકાય, જ્યારે આકાશ તો પવનથી પણ સૂક્ષ્મ છે. આ આકાશ, પવનનો અને અંત:કરણની વિવિધ સ્થિતિનો પણ આધાર છે.
આકાશ સમગ્ર વિશ્ર્વમાં છે. એક સમજ પ્રમાણે વિશ્ર્વમાં આકાશનો જ પ્રસાર છે. અહીં ભૌતિક તત્ત્વ તો નહિવત છે. સૃષ્ટિનો વ્યવહાર ભૌતિક તત્ત્વોને આધારે ચાલે છે પરંતુ ભૌતિક તત્ત્વોનું અસ્તિત્વ આકાશને આધારિત છે. જીવન પૃથ્વી પર પાંગર્યું છે પરંતુ પૃથ્વીનું અસ્તિત્વ આકાશને કારણે છે. પૃથ્વીની ગતિ આકાશને કારણે છે. આ ગતિને કારણે પૃથ્વી અને પૃથ્વી પરના જીવનમાં વિવિધતા પ્રવેશે છે. પૃથ્વી પર રહેલા આકાશની સંભાવનાને કારણે જ વૃક્ષ ઊગી શકે છે અને માનવી હલનચલન કરી શકે છે
પૃથ્વી જે આકાશમાં છે તે જ આકાશમાં સૂરજ અને અન્ય ગ્રહો પણ છે. આકાશમાં સમગ્ર નક્ષત્ર ગણ આવેલા છે. સમગ્ર સૃષ્ટિ આકાશને આધારે છે. અહીં બધાનો સમાવેશ શક્ય છે. અહીં કશાનો નિષેધ નથી કે કશું નકારી કઢાતું નથી. અહીં બધું જ સ્વીકાર્ય છે. પ્રકાશ પણ અહીં રહી શકે છે અને અંધકાર પણ. જીવંતતાની સાથે અહીં મૃત્યુને પણ સ્થાન મળે છે. અહીં પાપી પણ રહી શકે છે અને પુણ્યશાળી પણ. અહીં જડ અને ચેતન એ બંનેનું અસ્તિત્વ પાંગરી શકે છે. આકાશમાં કશું પણ અસ્વીકૃત નથી. બ્રહ્મ માટે પણ આમ જ છે.
જે પણ પદાર્થ સ્થાન રોકે છે તે બધાની બાદબાકી કરતા કરતા જે વધે એ આકાશ. ઓરડામાંથી ટેબલ, ખુરશી અને અન્ય બધું જ રાચરચીલું ખસેડી લેવામાં આવે, હવા પણ દૂર કરવામાં આવે પછી જે વધે તે આકાશ. એક રીતે જોતા આ નેતિ નેતિ પ્રકારની પરિસ્થિતિ થઈ. બધું જ દૂર થતાં જે વધે તે આકાશ. આવી ધારણા બ્રહ્મ માટે પણ પ્રચલિત છે. બ્રહ્મ આ નથી, બ્રહ્મ તે નથી – તે પ્રકારનો વિચાર આગળ વધારતા વધારતા જે શેષ વધે તે બ્રહ્મ. જેની બાદબાકી ન થઈ શકે તે બ્રહ્મ. જે અંતિમ અસ્તિત્વ છે તે બ્રહ્મ. ભૌતિક અસ્તિત્વમાં જેમ આકાશ એ અંતિમ શેષ છે તેમ સૃષ્ટિના અસ્તિત્વમાં બ્રહ્મ અંતિમ ઘટના છે. બ્રહ્મ અંતિમ સત્ય છે. બ્રહ્મ સર્વનો આધાર છે.
પંચ મહાભૂતોનો સિદ્ધાંત સમજતા જણાશે કે આકાશ પછીના ચાર મહાભૂતો આકાશમાંથી જ નીપજ્યા છે. એ રીતે જોતા સમજાશે કે સમગ્ર સૃષ્ટિ આકાશથી ઉદભવી છે. બ્રહ્મ માટે પણ આમ જ કહી શકાય. સમગ્ર સૃષ્ટિનું ઉપાદાન તેમજ નૈમિત્તિક કારણ બ્રહ્મ છે. સમગ્ર રચનાની શરૂઆત બ્રહ્મથી જ થઈ છે તેમ બ્રહ્મસૂત્ર સ્થાપિત કરે છે. આ સમજવા માટે આકાશનું ઉદાહરણ સર્વ સ્વીકૃત ગણાય.
આકાશને રંગ નથી, રૂપ નથી, નામ નથી. ગુણધર્મ ન હોવા તે તેનો ગુણધર્મ છે. આકાશને આકાર ન હોવા છતાં તેની હાજરીમાં આકાર અસ્તિત્વમાં આવે છે. આકાશ વાયુ ન હોવા છતાં તેના કારણે વાયુ અસ્તિત્વમાં આવે છે. આકાશ ભૌતિક ન હોવા છતાં તેને કારણે ભૌતિકતાની હયાતી, હાજરી, ઉપસ્થિતિ સંભવ બને છે. આકાશ સૂક્ષ્મ હોવા છતાં સ્થૂળતાને આધાર આપે છે. આ બધું બ્રહ્મ માટે પણ કહી શકાય. સમજી શકાય તેવા અસ્તિત્વમાં આકાશ સૌથી સૂક્ષ્મ છે. હકીકતમાં તો બ્રહ્મ આકાશથી પણ અતિ સૂક્ષ્મ છે, પરંતુ આકાશની સૂક્ષ્મતા બ્રહ્મની સૂક્ષ્મતા સમજવા માટે સારું રૂપક છે. આકાશ તો હજી પકડી શકાય પરંતુ બ્રહ્મ ન પકડાય. આકાશની સૂક્ષ્મતા અનુભવી શકાય, બ્રહ્મની નહિ. બ્રહ્મની તો પ્રતીતિ થાય.
આકાશની અંદર દરેક ઉપસ્થિતિ પ્રગટ હોવાથી આકાશ સર્વજ્ઞ છે. આકાશને ખબર હોય કે કઈ પરિસ્થિતિ, ક્યાં અને કયા સમયે અસ્તિત્વમાં હતી. તે પરિસ્થિતિ સાથે કઈ કઈ ઘટનાએ આકાર લીધો તેની પણ જાણ આકાશને હોય. આકાશ દરેક ઘટનાના સાક્ષી સમાન છે. ઘટનામાં સંમિલિત ન થવા છતાં આકાશની હાજરીને કારણે ઘટના આકાર લે છે. આકાશ દરેક સ્થળને જાણે છે, દરેક સમય-ખંડ તેની જાણમાં છે, દરેક ઘટનાનો તે સાક્ષી છે, દરેક ઉપકરણ તેની હાજરીને કારણે જ અસ્તિત્વમાં રહી શકે છે, દરેક ચૈતન્ય – જીવાત્મા તેને કારણે જ કાર્યરત થઈ શકે છે. આ બધું બ્રહ્મ માટે પણ કહી શકાય.
છતાં પણ બ્રહ્મ બ્રહ્મ છે અને આકાશ આકાશ છે. આકાશ બ્રહ્મ નથી અને બ્રહ્મ આકાશ નથી. આકાશ બ્રહ્મનો આધાર નથી પરંતુ બ્રહ્મ આકાશનો આધાર છે. આકાશ બ્રહ્મને કારણે છે બ્રહ્મ આકાશને કારણે નથી. આકાશની પણ એક સીમા વિચારી શકાય, બ્રહ્મ અસીમ છે. આકાશના અસ્તિત્વ પર ક્યારેય સંગની અસર વર્તાય, પરંતુ બ્રહ્મ શાશ્ર્વત, નિર્લેપ, નિષ્કલંક, નિષ્પક્ષ, નિર્દોષ, નિર્વિકલ્પ, અને નિરાકાર છે. તે છતાં પણ બ્રહ્મને સમજવા આકાશનું ઉદાહરણ લઈ શકાય.